સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે,
સૌન્દર્યો પામતા પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.
કલાપી

(એક પછી એક ખૂલે) – સંદીપ ભાટિયા

નાળિયેરીના પાનની નીચે સાંજબદામી સૂરજ ઝૂલે,
દૂરથી પવન જેમ ઊછળતી આવતી તને જોઈને
મારા વગડાઉ ફૂલ જેમ રૂંવાડા એક પછી એક ખૂલે.

મન જાણે છે કેટલી થઈ આવશે ને
ના આવશે વચ્ચે ઘુઘવાટાની ખેપ,
આભમાં ચોમેર દરિયે ચોમેર દવ ને
તારું દૂરથી દેખાઈ જાવું ચંદન લેપ.

સઢ ફુલાવી આવતી તને જોઈ ખારવો દરિયાકાંઠે
દરિયાથી થઈ સાવ અજાણ્યો ડૂબવું ભૂલે તરવું ભૂલે

ગણ્યાં પંખી પરપોટા ને ગણી સૂનમૂન છીપ
ને ગણ્યા રેતના બધાય કણ,
ઢળતી સાંજે વાટ જોવામાં પગથી માથા લગ બધેબધ
નેજવું થ્યો એક જણ.

પાંખ પ્રસારી ઊડતી તને જોઈ પારધી પોતે જ પંખી થાય
ને રીસનાં તીરને કામઠાં ભૂલે.

– સંદીપ ભાટિયા

ગીત થોડું અટપટું છે. પણ બે-ત્રણ વાર વાંચો તો તમને ખ્યાલ આવે કે કવિએ અર્થની કેવી સરસ ગૂંથણી કરી છે. વગડાઉ ફૂલની જેમ રૂંવાડા એક પછી એક ખૂલવાની તો કલ્પના જ કેટલી રોમાંચક છે ! એટલી જ તાજી વાત કવિએ નેજવું થ્યો એક જણમાં પણ કરી છે. આગળ મૂકેલું, આપણા શ્રેષ્ઠ પ્રેમગીતોમાંથી એક એવું, ભીંજાવું ચડ્યું ટલ્લે પણ સાથે જોશો. કવિએ ગીતને કોઈ નામ નથી આપ્યું, એટલે મેં પસંદ કરેલું નામ અહીં કૌંસમાં મૂકેલ છે.

5 Comments »

  1. Pinki said,

    February 6, 2008 @ 1:20 AM

    ગણ્યાં પંખી પરપોટા ને ગણી સૂનમૂન છીપ
    ને ગણ્યા રેતના બધાય કણ,
    ઢળતી સાંજે વાટ જોવામાં પગથી માથા લગ બધેબધ
    નેજવું થ્યો એક જણ.

    પાંખ પ્રસારી ઊડતી તને જોઈ પારધી પોતે જ પંખી થાય
    ને રીસનાં તીરને કામઠાં ભૂલે.

    વાહ્… !! અદ્.ભૂત પ્રણયોર્મિ… !!

  2. વિવેક said,

    February 6, 2008 @ 2:56 AM

    દરિયાનું સૌંદર્ય, પ્રતીક્ષા અને પ્રિયતમાના આ ત્રિકોણને માણીએ ત્યારે સાથે સાથે સિતાંશુ યશશ્ચંદ્રનું આ ‘કેરલ કન્યા’નું ગીત પણ માણવા જેવું છે:

    કેરલ કન્યા – સિતાંશુ યશશ્ચન્દ્ર

    -અને નયન દેસાઈની ‘એક મગદલ્લા બંદરની છોકરી’ને કેમ ભૂલાય?

    મગદલ્લા બંદરની છોકરી… – નયન દેસાઈ

  3. pragnaju said,

    February 6, 2008 @ 10:37 AM

    સુંદર ગીત
    આ પંક્તીઓ ગમી
    મન જાણે છે કેટલી થઈ આવશે ને
    ના આવશે વચ્ચે ઘુઘવાટાની ખેપ,
    આભમાં ચોમેર દરિયે ચોમેર દવ ને
    તારું દૂરથી દેખાઈ જાવું ચંદન લેપ.
    પ્રેમ માસમાં સમજું ના આ ભરતી છે
    કે આવે છે તુફાન ?
    એક સાથે પાંચ ગીતો માણ્યાં!!!!!
    …યાદ આવ્યો કાન્ત…
    જલધિજલદલ ઉપર દામિની દમકતી
    યામિની વ્યોમસર માંહિ સરતી;
    કામિની કોકિલા કેલિ કૂજન કરે
    સાગરે ભાસતી ભવ્ય ભરતી.
    પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!

  4. kavita said,

    February 6, 2008 @ 11:26 PM

    refreshing words

  5. sanjay pandya said,

    February 7, 2008 @ 8:37 AM

    સંદીપ ભાટિય મારા પ્રીય કવિ મિત્ર અને એમ્નિ ઉત્તમ રચના લયસ્તરોમા ઉઘડે એનો હરખ વધુ હોય .નખ્શિખ અદ્ભુત રચના .

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment