કોઈ પણ આવી શકે ને આવીને જઈ પણ શકે,
જિંદગી છે આ દીવાનેખાસ જેવું કંઈ નથી.
– મધુમતી મહેતા

(સૉનેટ યુગ્મ:૦૧) વિખૂટું – જયન્ત પાઠક

(પયાર)

પ્રિય લો, મેં તમારાથી વાળી લીધું મન –
હવે તો નિરાંત ? નહિ વિરહ, મિલન;
સંબંધના સૂતરને સ્થળે સ્થળે ગાંઠ,
ફગાવી જ દીધો દોર, ફગાવ્યું વસન,
રંગરંગી પ્હેરી લીધું ચીવર, નિઃસંગ;
ગલી ભણી નહીં, હવે ઊલટો જ પંથ !
પાછું વળી જોવાનું ના તમારે કે મારે,
વાતનો સરસ કેવો આવી ગયો અંત !
એકમેકને અજાણ એમ ધારે ધારે
ફરવું સંભાળી, મળવું ન મઝધારે;
રખે પેલો પ્રેમ પાછો આવી છાનોમાનો
બાંધી લિયે આપણને પાકા કોઈ તારે.

વરસી વરસી પ્રિય ઘેરાયું વાદળ,
રહ્યું સહ્યું છતમાંથી હવે ગળે જળ.

– જયન્ત પાઠક

વિયોગની વેદના તો આપણામાંથી મોટાભાગના ક્યારેક ને ક્યારેક વેઠતાં જ હોય છે પણ આ કાયમી વિયોગ-વિચ્છેદની વાત છે. છૂટા પડવાની વાતની શરૂઆત “પ્રિય” સંબોધનથી થાય છે એ વાત જ કેવી સૂચક છે! વળી હવે તો નિરાંત એવો પ્રશ્ન છૂટા પડનારને થતી વેદનાને વળી વળ ચડાવી આપે છે. ઠેકઠેકાણે ગંઠાઈ ગયેલા સંબંધના દોરાને ફગાવી દઈએ, उस गली में हमें पाँव रखना नहींની આહલેક પણ પોકારી લઈએ પણ પેલો પ્રેમ છાનોમાનો પાછો બાંધી ન દે એનો ડર તો જતો જ નથી… કાવ્યાંતે ફરી પ્રિય સંબોધન વરસતા વાદળની પછીતેથી ડોકાતાં સૂરજની જેમ ડોકિયું કરી જાય છે… વાદળ તો વરસી ગયું… હવે છત ગળતી રહેશે… છત કે આંખ?

7 Comments »

  1. narendrasinh said,

    August 8, 2013 @ 5:07 AM

    પ્રિય લો, મેં તમારાથી વાળી લીધું મન –
    હવે તો નિરાંત ? નહિ વિરહ, મિલન;અતિ સુન્દર રચના

  2. perpoto said,

    August 8, 2013 @ 7:01 AM

    વાતનો સરસ કેવો આવી ગયો અંત !

    ભારોભાર નિઃસહાય વેદના….

  3. Harshad said,

    August 8, 2013 @ 8:06 PM

    Are Bhai!!
    Aansu bhari he ye jivanki rahen koi unse keh do hame bhul jaye!!!

  4. ravindra Sankalia said,

    August 9, 2013 @ 7:18 AM

    રખે પેલો પ્રેમ પાછો આવિ છાનોમાનો આપણનેબાન્ધી લિયે પાકા એ પક્તિ બહુ ગમી.

  5. yash said,

    August 11, 2013 @ 3:07 AM

    amazing one..

  6. નેહા પુરોહિત said,

    August 11, 2013 @ 11:51 AM

    કેટલી સુંદર રચના !!!

  7. ( 293 ) એક બાંયનું રંગીન સ્વેટર – એક યુવાન યુગલના અદભૂત પ્રેમની સત્ય કથાનો વિડીયો | વિનોદ વિહાર said,

    August 19, 2013 @ 3:31 PM

    […] લય સ્તરોના સૌજન્યથી આ આખું કાવ્ય અહીં… .  […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment