રસ્તે પલાંઠી વાળીને બેઠો છું હું ‘મરીઝ’
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું.
- મરીઝ

કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ – કૈલાશ પંડિત

હે…
ક્યારે પૂરા થશે મનના કોડ ?
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

ઢળતો દેખાય છે સૂરજ આકાશમાં
ઘેલો થઇ ખેલે છે ફૂલોથી બાગમાં
ભમરાની જેમ તો ય માની જો જાય તો
કહેવી છે વાત એવી મારે પણ કાનમાં

હે.. મારા જોબનનું ઉગ્યું પરોઢ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

કલકલતાં ઝરણાંમા નદીયું છલકાય છે
નદીયુંના વ્હેણમાં સાગર મલકાય છે
ચાંદાને જોઇ સાગર ઝૂલે છે ગેલમાં
ધરતીનો છેડો જઇ આભમાં લહેરાય છે

હે.. નદીને સાગર થવાના જાગ્યા કોડ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

આંખોની વાત હવે હોઠો પર લાવીએ
ફૂલોની પાસ જઇ કોરા થઇ આવીએ
રોપીને આસપાસ મહેંદીના છોડને
માટીના કુંડામાં તુલસી ઉગાડીએ

હે.. હવે હમણાં તો હાથ મારો છોડ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

–  કૈલાશ પંડિત

આકસ્મિક જ રેડિઓ પર આ રચના સાંભળી અને કવિના નામમાં કૈલાશ પંડિતનું નામ બોલાયું,ત્યારે ખાસ્સું આશ્ચર્ય થયું. કૈલાશ પંડિતનું નામ આવે એટલે તેઓની આગવી શૈલીમાં થતી વ્યથાની ઠોસ રજૂઆત યાદ આવી જાય… તેઓનું આવું મસ્ત રમતીલું ગીત સાંભળીને મજા આવી ગઈ….

6 Comments »

  1. Suresh Shah said,

    May 27, 2013 @ 7:44 AM

    કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ
    કેવું મીઠુ લાગે આ સાંભળવાનુ?
    હે.. નદીને સાગર થવાના જાગ્યા કોડ
    કલકલતાં ઝરણાંમા નદીયું છલકાય છે
    નદીયુંના વ્હેણમાં સાગર મલકાય છે
    ચાંદાને જોઇ સાગર ઝૂલે છે ગેલમાં
    ધરતીનો છેડો જઇ આભમાં લહેરાય છે
    – જ્યારે સર્વત્ર આવી મસ્તી હોય, ત્યારે ….
    મન, તન, હ્રદય, બધું લાગણીઓથી બિંજાઈ જાય, અને ક્યાંય ખોવાઈ જવાય.
    આસ્વાદ કરાવવા બદલ ખૂબ આભાર.

    – સુરેશ શાહ, સિંગાપોર

  2. La'Kant said,

    May 27, 2013 @ 8:22 AM

    …” … કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ “… આજ નામે સરિતા+પ્રવિણ જોષીની મસ્તીખોર જોડીનું નાટક…યાદ આવે છે ….. જે અમે અમારા જીવનનો “ગોલ્ડન પીરીયડ” { સગાઇ અને લગ્નની વચ્ચેનો ગાળો=૧૯૭૬-૭૭ } જે દરમ્યાન આ બન્ને કલાકારોના વધુમાં વધુ નાટકો જોયા હતા ,,, મીઠી મિલ્કિયત સોનેરી સંભારણા/સ્મૃતિ -સંદૂકમા સચવાયેલા છે,એક પછી એક મનના પડદા પર” રિ-સ્ક્રીન ‘+ ‘ “રિપ્લે “થઇ ગયા …એમાં ” સંતૂ રંગીલી ” તો …ટોપ ..એવી .કવિતા,કાવ્યમયતા નાટકમાં હવે ક્યાં છે?

    પ્રવિણભાઈ હયાત હોત તો એ આજે પણ કદાચ ,નીચેની પંક્તિઓને સાર્થક ઠરાવત …નાટકનો અદનો સાચુકલો આર્ટીસ્ટ ! (કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે..! – સુરેશ દલાલ )

    “માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી,
    ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી.”

    બાકી કૈલાશ પંડિતની ગઝલો ,તેમના મુક્તકો પોદાર કોલેજમાં { ૧૯૬૪-૬૫) ,મેહુલ ( સુરેન ઠાકર )ના સાન્નિધ્યમાં પ્રત્યક્ષ દિલથી માણ્યા છે …તે પણ ઉભરાય છે ભીતરથી … ઓશોન પ્રવચનો( તેમના મુંબઈ આવ્યા પછીના શરૂઆતના કાળના )….ઉભરાય છે …ઘણુંબધું ….કુદરતની વ્યવસ્થાની બલિહારી …

    આભાર આવી વાતોના આધાર નિમિત્ત બનવા બદ્દલ…રાજુકાર્તા અને કવીશ્રીઓનો ..
    -લા’કાંત / ૨૭-૫-૧૩ .

  3. La'Kant said,

    May 27, 2013 @ 8:58 AM

    આભાર આવી વાતોના આધાર નિમિત્ત બનવા બદ્દલ…રજુકર્તા અને કવિશ્રીઓનો … }}}
    -લા’કાંત / ૨૭-૫-૧૩ .

  4. pragnaju said,

    May 27, 2013 @ 11:25 AM

    ૧૯૩૬માં રજૂ થયેલા નાટક ‘હંસાકુમારી’માં રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે લખેલું આ ગીત ગુલાબની માફક મહેકતું રહ્યું છે.
    ઊડશું જીવનમાં જોડાજોડ, પાંખો જેવી પતંગની….
    સાહ્યબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવંગની….
    આ રચના અતિલોકપ્રિય છે. પતંગ અને કિન્નાની જોડાજોડ જીવન પણ જોડાવું જોઈએ. ઉત્સવની આત્મીયતા સાથે રહીને, જોડાજોડ જીવીને આનંદવાની છે. પતંગ પાવલો હોય કે ગેંસિયો કે ચાંદેદાર કે આંખવાળો એનો ઢઢ્ઢો મજબૂત હોવો જોઈએ.
    અને
    સાહ્યબો મારો ગુલાબનો છોડ એ કૈલાસ પઁડિત નુ લખેલુ ગીત વારંવાર માણ્યુ તેમાં આ
    આંખોની વાત હવે હોઠો પર લાવીએ
    ફૂલોની પાસ જઇ કોરા થઇ આવીએ
    રોપીને આસપાસ મહેંદીના છોડને
    માટીના કુંડામાં તુલસી ઉગાડીએ

    હે.. હવે હમણાં તો હાથ મારો છોડ
    કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ
    વર્ણવી ન શકાય તેવી કસકની અનુભૂતિ કરાવી જાય

  5. deepak said,

    May 29, 2013 @ 4:42 AM

    કૈલાશ પંડિતન?? સાચેજ હજુ પણ ભરોસો નથી થતો….

    મસ્ત રમતીલું ગીત… આજનો દિવસ સફળ થયો….

  6. સુરેશ જાની said,

    May 19, 2017 @ 2:38 PM

    કદાચ આના લેખક એ નથી . આ જુઓ

    http://mavjibhai.com/MadhurGeeto/085_saybomaro.htm

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment