માણસથી મોટું તીર્થ નથી કોઈ પ્રેમનું,
હું છું પ્રથમ મુકામ, લે મારાથી કર શરૂ.
રમેશ પારેખ

ચિર વિરહિણીની ગઝલ – મુકુલ ચોક્સી

અહીંથી આવ-જા કરતા બધા બસ રાહદારી છે
અહીં દ્વારો વગરનું ઘર અને હજ્જારો બારી છે

હવે વારાંગનાના બારણાથી પણ વધુ ખુલ્લી
આ મારી ખુલ્લી છાતી પર સજાવેલી પથારી છે

છતાં એવી જ નિર્મમતાથી પીડે છે હજુ આજે
ગયા ભવમાં હતી જે શોક્ય આ ભવમાં અટારી છે

પ્રતીક્ષાની પીડાઓ તો અ.સૌ. છે ને અ.સૌ. રહેશે
ભલે એક આંખ વિધવા છે અને બીજી કુંવારી છે.

-મુકુલ ચોક્સી

મુકુલભાઈનું ભાષાકર્મ મને હંમેશા આકર્ષતું રહ્યું છે. જેના નસીબમાં વિરહ સિવાય બીજું કાંઈ જ નથી એવી એક સ્ત્રીની આ ચાર જ શેરની ગઝલ. પ્રતીક્ષાના આ ઘરમાં જ્યાં કોઈ કદી આવવાનું જ નથી અને આંખે નેજવું બનીને માત્ર રાહ જ જોયા કરવાની છે ત્યાં બારણાંની અનુપસ્થિતિ અને સામે હજ્જારો બારીઓની હાજરી ખૂબ સૂચક છે. પ્રતીક્ષાની પીડાને અખંડ સૌભાગ્યવતી કહેવાનું કવિકર્મ મુકુલ જ કરી શકે. પ્રિયજનની રાહ જોતી એક આંખ જાણે છે કે એ કદી આવનાર નથી અને બીજી આંખમાંથી તોય એના આવવાની આશા મરી પરવારતી નથી એટલે કવિ બંને આંખોને વારાફરતી વિધવા અને કુંવારી કહીને માથે મૂકે છે અ.સૌ. પ્રતીક્ષાની પીડાઓ, જે કદી મરવાની નથી…અખંડ છે!

મુકુલભાઈ, આજે એકવીસમી ડિસેમ્બરે તમને અમારા સૌ તરફથી ‘વર્ષગાંઠ મુબારક‘ કહીએ કે?

7 Comments »

  1. sujata said,

    December 21, 2007 @ 2:30 AM

    aankho ne potanu ek alag astitva che paheli wakhat jaanyu…….ek aankh ne radta to joi hati pan samjayu nahotu…….
    .saal-gira bahot mubarak….

  2. Ketan Shah said,

    December 21, 2007 @ 3:41 AM

    જન્મદીન ની ખૂબ ખૂબ શૂભેચ્છાઓ.

  3. Pragnaju Prafull Vyas said,

    December 21, 2007 @ 9:57 AM

    સૌ પ્રથમ તો (૪૬મી?) વર્ષગાંઠ મુબારક અને આ ગઝલનાં પણ મુબારક
    તેમાં આ પક્તીઓ વાહ !
    “છતાં એવી જ નિર્મમતાથી પીડે છે હજુ આજે
    ગયા ભવમાં હતી જે શોક્ય આ ભવમાં અટારી છે

    પ્રતીક્ષાની પીડાઓ તો અ.સૌ. છે ને અ.સૌ. રહેશે
    ભલે એક આંખ વિધવા છે અને બીજી કુંવારી છે.”
    તમે જે રીતે એક અતિ સંવેદનશીલ વિષય આટલી નજાકતથી
    અભિવ્યક્ત વ્યકત કર્યો તે દાદ માંગી લે છે.
    ગઝલ વાંચતા આજે તો વિવેક તું જ યાદ આવ્યો.
    મને લાગે છે કે બે તબીબો-કવિ મિત્રોને
    એક સાથે એક સરખી કલ્પનાઓ આવતી હશે
    વિરહમાં સળગે છે તારા, આ તારો ત્રીજો કિનારો,
    તને પરણીને બેઠો છે, કુંવારો ત્રીજો કિનારો.

    નદીને હોય છે ક્યારે, વિચારો ! ત્રીજો કિનારો ?
    સતત વહેતો રહે તળમાં બિચારો ત્રીજો કિનારો.
    અને બીજી પણ તારી જ પંક્તીઓ
    રાત આખી ખણખણાટી, હણહણાટીમાં જતી,
    ને સવારે હાંફતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

  4. Dhaval said,

    December 21, 2007 @ 2:56 PM

    વાહ ! ઉમદા ગઝલ !

  5. ભાવના શુક્લ said,

    December 21, 2007 @ 5:43 PM

    સરસ રચના…

  6. ઊર્મિ said,

    December 21, 2007 @ 10:45 PM

    સુંદર ગઝલ… પ્રતીક્ષાની પીડાઓને અ.સૌ. કહેવાની વાત સાવ નવીન અને મજાની લાગી.

    મુકુલભાઈને જન્મદિનની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ…!

  7. પેટુ said,

    November 30, 2009 @ 9:02 AM

    એક આંખ કુંવારી અને એક વિધવા… અફલાતુન.

    Salute…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment