આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતા નથી -
હસમુખ પાઠક

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

ફુલ્લકુસુમિત – ટોઇ ડેરહકોટ (અનુ.: વિવેક મનહર ટેલર)

મારા શ્વાસમાં
ફુલ્લકુસુમિત વસંતનો શ્વાસ
ભેળવવા
હું વાંકી વળી.

ત્યાં ફોટોગ્રાફર્સ પણ હતા:
મમ્મીઓ તેમના બાળકોને
ગાંઠદાર જરઠ ઝાડોને ટેકે
બેસાડી રહી છે;
એક યુગલ, આલિંગનબદ્ધ,
પાસેથી પસાર થતા એક રાહદારીને
આ જ મુદ્રામાં
પોતાનો ફોટો લેવા કહે છે,
જેથી કરીને એમનો પ્રેમ
હરહંમેશ માટે જકડાયેલ રહે
બે દોસ્તી વચ્ચે:
આપણી અને
ચેરીના વૃક્ષો વચ્ચેની દોસ્તી.

ઓ ચેરી,
મારાં કાવ્યો શા માટે
આટલાં સુંદર ન હોઈ શકે?

રૂંછાદાર કોટમાં સજ્જ એક નવયૌવના
સજાવે છે પત્તા રમવાનું ટેબલ,
ચાદર બિછાવે છે, ઉપર મૂકે છે મીણબત્તી,
પિકનિક માટેની છાબડી અને વાઇન.
એક પિતા
છોકરાની વ્હીલચેર પાછળ તરફ નમાવે છે
જેથી એ નિહાળી શકે
ડાળીઓમાં ખીલેલા
સ્વર્ગને.
.           અમારી ચોતરફ
પુષ્પો
સપાટાભેર ખરતાં ખરતાં
ગુસપુસ કરી રહ્યાં છે,

.            ધીરજ ધર
તારી પાસે એક પુરાતન સૌંદર્ય છે.

.                                             ધીરજ ધર,
              તારી પાસે એક પુરાતન સૌંદર્ય છે.

– ટોઇ ડેરહકોટ
(અનુ.: વિવેક મનહર ટેલર)

*
82 વર્ષનાં અમેરિકન કવયિત્રી ટોઇ ડેરહકોટની આ કવિતા વસંતોત્સવ અને જીવનોત્સવની કવિતા છે. પોતાના શ્વાસમાં ફુલ્લકુસુમિત વસંતનો શ્વાસ ભેળવવા કવયિત્રી વાંકી વળે છે. ચેરી બ્લૉસમ્સનો એક અલગ જ જાદુ હોય છે. આખાને આખા વૃક્ષો પર પાંદડાંઓના સ્થાને કેવળ ફૂલોના જ ગુચ્છેગુચ્છા નજરે ચડે એ દૃશ્ય નીરસમાં નીરસ વ્યક્તિને પણ બે ઘડી થોભી જવા મજબૂર કરી દે એવું સશક્ત હોય છે. કવયિત્રી કેવળ પોતાના શ્વાસમાં ચેરી બ્લૉસમ્સની સુગંધ ભેળવવા માંગતાં હોત તો વાત સામાન્ય બનીને રહી જાત, પણ કવયિત્રી પોતાના શ્વાસમાં વસંતનો શ્વાસ ભેળવવા માંગે છે ત્યાં કવિતા સર્જાય છે. વૃત્તિ પ્રકૃતિનો આસ્વાદ મણવાની નહીં, પ્રકૃતિ સાથે એકાકાર થઈ જવાની, પ્રકૃતિમાં ઓગળી જવાની છે.

સર્જકનો કેમેરા એક પછી એક દૃશ્યો ઝીલે છે. આવા સ્થળો સહેજે પિકનિક-સ્પૉટ્સ બની જતાં હોય છે એટલે ત્યાં ફોટોગ્રાફર્સ પણ હતા. માતાઓ બાળકોને જૂના ગાંઠદાર ઝાડોને ટેકે બેસાડે છે. આલિંગનબદ્ધ થયેલ એક યુગલ એ જ સ્થિતિમાં પોતાનો ફોટો પાડી આપવા એક રાહદારીને થોભાવે છે. હેતુ એ કે પ્રેમની આ ક્ષણ ફોટોગ્રાફમાં કેદ થઈને ચિરંજીવી બની રહે. ચેરી બ્લૉસમ પણ કાયમે એનથી અને આલિંગન પણ હંગામી જ હોવાનું. પ્રેમ પણ સમય સાથે બદલાશે. પણ શાશ્વતીની કામના, ક્ષણને જીવી લેવાની અને જીવતી રાખવાની કામના મનુષ્યને ચાલકબળ પૂરું પાડે છે. રૂંછાદાર કોટમાં સજ્જ એક નવયૌવના પિકનિક માટે ટેબલ સજાવે છે અને પોતાનો અપંગ પુત્ર આ સ્વર્ગીય નજારો માણવાથી વંચિત ન રહી જાય એ આશયથી એના પિતા વ્હીલચેરને પાછળ તરફ નમાવે છે.

સર્જક વૃક્ષને સવાલ કરે છે કે પોતાનાં કાવ્યો આટલા સુંદર કેમ નથી? વાત પણ સાચી જ છે ને! કુદરતની કવિતાથી ચડિયાતું તો બીજું શું હોઈ શકે? પણ કુદરત કદી લઈને બેસી રહેતી નથી. સપાટાભેર ખરી રહેલ પુષ્પોને લઈને જે હળવી મર્મર જન્મે છે. આ મર્મર મારફતે પ્રસંશાના પુષ્પથી નવાજાઈ રહેલ પ્રકૃતિ જાણે કહી રહી છે, ધીરજ ધર. તું પણ પુરાતન સૌંદર્યની સ્વામિની છે. સૌંદર્ય માટે પુરાતન વિશેષણ કદાચ એટલા માટે પ્રયોજાયું છે કે જૂની વસ્તુઓ આપણને હંમેશા વધુ આકર્ષે છે. પ્રાચીન કિલ્લાઓના ખંડેર પણ આપણે પૈસા ખર્ચીને જોવા જઈએ છીએ. અને આ અંતિમ બે પંક્તિઓની પુનરોક્તિ સૌંદર્ય જોનારની દૃષ્ટિ પોતે એક ઉત્તમ કવિતા હોવાની વાતને દૃઢીભૂત કરે છે.

અછાંદસ કાવ્યસ્વરૂપ અને કાવ્યાંતે હાલડોલ થતી જણાતી પંક્તિઓની રચના ઉભય વૃક્ષથી ખરતાં પુષ્પોની આભા સર્જવામાં નદદરૂપ થાય છે. ઇટાલિક્સનો પ્રયોગ પણ સાયાસ કરવામાં આવ્યો છે એય સમજાયા વિના રહેતું નથી.

*

Cherry blossoms

I went down to
mingle my breath
with the breath
of the cherry blossoms.

There were photographers:
Mothers arranging their
children against
gnarled old trees;
a couple, hugging,
asks a passerby
to snap them
like that,
so that their love
will always be caught
between two friendships:
ours & the friendship
of the cherry trees.

Oh Cherry,
why can’t my poems
be as beautiful?

A young woman in a fur-trimmed
coat sets a card table
with linens, candles,
a picnic basket & wine.
A father tips
a boy’s wheelchair back
so he can gaze
up at a branched
heaven.
.                  All around us
the blossoms
flurry down
whispering,

.        Be patient
you have an ancient beauty.

.                                          Be patient,
.                                  you have an ancient beauty.

– Toi Derricotte (pronounced DARE-ah-cot)

Comments (7)

શેર – સાહિર લુધિયાનવી

चंद कलियाँ नशात की चुन कर मुद्दतों महव-ए-यास रहता हूँ
तेरा मिलना ख़ुशी की बात सही तुझ से मिल कर उदास रहता हूँ

– साहिर लुधियानवी

 

હસી-ખુશીની ચંદ ક્ષણો મેળવીને કંઈ કેટલોય વખત ગમમાં ડૂબ્યો રહું છું. તારું મળવું ભલે ખુશીની વાત હોય – અક્સર તને મળીને ઉદાસ રહું છું…

બહુ ઊંડી વાત છે. ખરેખર વ્યક્તિને શું જોઈએ છે ? માશૂકા ? કે પછી માશૂકાને મેળવવાની જિદ્દ પૂરી કરવાથી સંતોષાતા અહંકારની ફીલિંગ ? માશૂકા મળી જાય પછી જે ઉદાસી ઘેરી વળે છે તેનું કારણ શું ? ઉપાય શું ? કે પછી ઉદાસી જ એ કવિને મનભાવન સ્થાયીભાવ છે ?? ભગવાન બુદ્ધે કહ્યું હતું કે આપણે સૌથી વધુ આપણી જાતને પ્રેમ કરીએ છીએ એ અનુભૂતિ નિર્વાણમાર્ગ પર આવતી એક બહુ મહત્વની અવસ્થા છે. ત્યાર પછી જ ખરી વિતરાગ અવસ્થા શક્ય છે. આ વાતનો અહીં સંદર્ભ એટલો કે કવિની ઉદાસી માશૂકાની હાજરી-ગેરહાજરી પર નિર્ભર નથી,પોતાની જાતની અંત:સ્થિતિ પર આધારિત છે…..

Comments (1)

રળિયામણું… રળિયામણું – સંજુ વાળા

કહેવું હતું જે કૈં તે કહેવાઈ ગયું, ઉપરાંત કહેવાશે ઘણું,
કારણ: ગઝલના પિંડમાં રસછોળ થઈ છલકાય છે મબલખપણું.

બોલે-લખે નહિ કોઈ કે પ્રતિભાવ પણ આપે નહીં, ઉત્તમ ગણું,
કિન્તુ હવે નહિ કોઈ અધકચરું કે ઉચ્ચારે જરાપણ વામણું.

એવું થયું કે એક દિ’ આવ્યું નદીને સ્વપ્ન એક્ સોહામણું,
બસ ત્યારથી નિરખ્યાં કરે છે આભને રળિયામણું, રળિયામણું.

તું હંસ હો તો તારી આંખો પર ભરોસો પણ તને હોવો ઘટે!
ઓ રે મહાપંડિત! તું કોને પૂછશે: ‘હું શું ચણું શું ના ચણું?’

હું જાત, જગ કે જીવને તતકાળ તરછોડીને છૂટી જાઉં પણ-
કરવું શું એનું જે સતત સાથે રહે થઈને નર્યું સંભારણું.

વાણીનું સમ્યક ઋણ ના ફેડી શકે, એ થાય હર જન્મે કવિ!
તો હે કવિતા! લાવ આ જન્મે જ સઘળું ચૂકવી દઉં માગણું!

– સંજુ વાળા

મત્લામાં કવિ વાત ગઝલના અક્ષયપાત્રની માંડે છે, પણ હકીકતે એ વાત કવિતાસમગ્રને સ્પર્શે છે. જે જે વાત કવિતામાં કરી શકાય, કરવી જોઈએ એ તમામ વાત કહેવાઈ ગઈ હોવા છતાં હજી એનો અંત આવ્યો નથી કે આવનાર પણ નથી, એનું કારણ આપતાં કવિ કહે છે કે ગઝલના પિંડમાં રસની છોળ થઈને મબલખપણું છલકાઈ રહ્યું છે. કવિ અંતિમવાદી છે. ક્યાં ગઝલને પૂરી પ્રમાણો અથવા બિલકુલ મૌન રહો. ગઝલ બાબતે કોઈ અધકચરી કે ઉતરતી વાત કરે એના કરતાં ગઝલ વિશે કોઈ કશું બોલે-લખે નહીં કે પ્રતિભાવ પણ નહીં આપે એને કવિ ઉત્તમ ગણે છે. છેલ્લો શેર પણ કવિતા સંબંધી જ છે. સૃષ્ટિના તમામ જીવોમાં કેવળ મનુષ્યને જ વાણીનો આશીર્વાદ મળ્યો છે. વાણીનું સમ્યક ઋણ ફેડી ન શકે એ માણસ જન્મજનમ કવિ થાય છે એવી અંગત માન્યતા ધરાવતા કવિ આ જન્મમાં જ પોતાનું સમગ્ર કવિતાના ચરણમાં સમર્પી દઈ, પોતાની કારયિત્રી પ્રતિભાનો અંશેઅંશ નિચોવી દઈ, સઘળું ઋણ ચૂકવી દઈ ભવાટવિના ફેરામાંથી આઝાદ થવાની, મોક્ષપ્રાપ્તિની અભ્યર્થના સાથે વિરમે છે.

Comments (12)

ગમે શિયાળુ તડકો! – ચંદ્રકાન્ત શેઠ

ગમે શિયાળુ તડકો,
લાડુ સાથે ગરમ દાળનો જેવો હોય સબડકો!

કૈલાસેથી શિવના તપની ઉષ્મા સ્પર્શે જાણે!
માતાની છાતીની હૂંફ શું તનમન બંને માણે!
સૂરજ શિયાળે અચ્છો લડકો! રમીએ અડકોદડકો!

ચંદન જેમ ઉનાળે, તડકો ગમતો એમ શિયાળે!
ઠંડીને વળગીને તડકો મલકે વ્હાલે વ્હાલે!
શરારતી થઈ તડકો કેવો મને ભેટવા અડક્યો!

શિયાળાની ડોકે સગડી તડકો લાગે એવો!
ફૂલ ખીલવી શૈશવ-ગાલે તડકો મલકે કેવો!
શેડકડું દૂધ પીવા અહીં શું આવ્યો છે ફક્કડ કો!

– ચંદ્રકાન્ત શેઠ

આમ તો શિયાળો સમય પહેલાં ઓસરી ગયો છે અને ઉનાળો આવે એ પહેલાં ચોમાસુ અવારનવાર ડોકિયાં કરી રહ્યું છે. પણ કવિતાની ખરી મજા એ છે કે સમય એને સ્પર્શી શકતો નથી. કવિતા ભરશિયાળે ગરમાટો આપી શકે અને ભરઉનાળે ટાઢકથી નવડાવી શકે. શિયાળુ તડકાની વાત કરતા આ ગીતની ખરી મજા કૈલાસ અને શિવના એક રૂપકને બાદ કરતાં રોજિંદી જિંદગીની ઘટમાળમાંથી શોધી કઢાયેલ રૂપકોમાં છે. એક જ દાખલો લઈએ- લાડુ સાથે ગરમ દાળના સબડકા જેવું અદભુત રૂપક ગુજરાતી કવિતાએ કેટલીવાર ચાખ્યું હશે, કહો તો!

Comments (6)

(ઉન્નત ધવલ પયોનિધિ છલકત) – રાહુલ તુરી

ઉન્નત ધવલ પયોનિધિ છલકત, મલકત બાળ નિહાર.
માતવદન મૃદુ હેત કરીને પીરસત પયરસ ધાર.

ઉત્સંગ મહી પોઢયું પેટ સ્વયંનું
નીરખીને હરખાય.
રમત કરત બહુ બાલમુકુંદમ્
હસત હસત વલખાય.
મમતભરી આંગળીયો હેતે ઘટ્ટ અલક પસવાર.

કાળજયી કાલાતીત દૃશ્યમ્
નૈન ભરત ઉર માહી.
ભાવ અલૌકિક અદ્દભુત
આહ્લાદક અવર કશે આ નાહી.
એકમેવમાં સકલ સચરાચર પામત સુક્ષમ સાર.

– રાહુલ તુરી

આજની ગુજરાતી કવિતા દકિયાનૂસી રહી નથી અને આજના કવિઓની કલમ ચાર-પાંચ રેઢિયાળ વિષયોના કુંડાળામાં ફયા કરવાના બદલે સર્વગ્રાહી બની છે અને ગુજરાતી કવિતામાં જવલ્લે જ જોવા મળ્યા હોય એવા વિષયોમાં પણ ધનમૂલક ખેડાણ કરે છે એની પ્રતીતિ આ રચના કરાવે છે. બાળકને સ્તનપાન કરાવતી માતાનું આવું દૃશ્યચિત્ર આપણી કવિતામાં કદાચ જ જોવા મળે. એમાંય કવિએ તુલસીદાસના ‘ठुमक चलत रामचंद्र, बाजत पैंजनियां’ની યાદ અપાવે એવી અવધી ભાષાને ગુજરાતી સાથે સંમિલિત કરીને અલગ જ ‘ફ્લેવર’ સર્જી છે. શુભ્ર સ્તનયુગ્મમાંથી સાગર છલકાતો જોઈ બાળક મલકી રહ્યું છે. માતા પ્રેમપૂર્વક એને દૂધપાન કરાવી રહી છે. ખોળામાં પોતાના જ પેટને હસતું-રમતું-વલખાતું જોઈને એની સંગ માતા પણ હરખી રહી છે. બાળકની ઘટ્ટ લટોને એ મમતાભરી આંગળીઓથી પસવારે છે. સમગ્ર સંસારમાં વાત્સલ્યને વ્યાખ્યાયિત કરતાં આ દૃશ્યને કવિ યથાર્થ રીતે જ કાળજયી અને કાલાતીત લેખાવે છે. આવો અલૌકિક, અદભુત અને આહ્લાદક ભાવ સંસારમાં બીજે ક્યાંય જડી શકે નહીં. સ્નેહસરવાણીની આ એક માત્ર પરિભાષા સકળ સચરાચર માટે પ્રેમનો સૂક્ષ્મ સંદેશ પૂરી પાડે છે.

Comments (19)

કોઈ તારું નથી….. – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

સાવ જુઠું જગત કોઈ તારું નથી,
મૂક સઘળી મમત કોઈ તારું નથી.

કોણ કોનું? અને એય પણ ક્યાં લગી?
છે બધું મનઘડત કોઈ તારું નથી.

જે પળે જાણશે સોંસરો સળગશે,
આ બધી છે રમત કોઈ તારું નથી.

કોઈ ઉંબર સુધી કોઈ પાદર સુધી,
છેક સુધી સતત, કોઈ તારું નથી.

કઈ રીતે હું મનાવું તને બોલ મન,
બોલ, લાગી શરત કોઈ તારું નથી.

કોઈ એકાદ જણ, એય બેચાર પળ,
કે અહીં હરવખત કોઈ તારું નથી.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

મજબૂત ગઝલ ! સ્પષ્ટ વાત ! એક એક મુદ્દે સંમત 🙏🏻 ! વિડંબના એ છે કે આ સત્ય જ્યારે જ્ઞાન-જન્ય સમ્યક્ભાવે સમજાય ત્યારે બેડો પાર થાય – આ સત્ય કડવાશે બોલાય તો વ્યગ્રતા જ વધે…..

યાદ આવે – “ કસમેં વાદે પ્યાર વફા સબ બાતેં હૈં બાતોં કા ક્યા….. કોઈ કિસીકા નહીં યે ઝૂઠે નાતેં હૈં નાતોં કા ક્યા….”

 

Comments (2)

ચિત્રલેખા : ‘૫૧ ગૌરવવંતા ગુજરાતી’

ગમતાંનો ગુલાલ… …કારણ કે આ સફર આપ સહુના સ્નેહ વિના સંભવ જ નહોતી…

‘ચિત્રલેખા’ના ૭૨મા વાર્ષિક અંકની વિશેષ પૂર્તિમાં ‘૫૧ ગૌરવવંતા ગુજરાતી’માં સ્થાન પામવા બદલ સમસ્ત ચિત્રલેખા પરિવારનો હૃદયપૂર્વક આભાર.

Comments (3)

પંખી બેઠું ડૂંડે – મનોહર ત્રિવેદી

કવિના નવ્ય કાવ્યસંગ્રહની સર્વપ્રથમ પ્રત કવિહસ્તે પ્રાપ્ત કરવાની ધન્ય ક્ષણ..

*
પંખી બેઠું ડૂંડે*
ખેડુ નજરું માંડે જાણે ભથવારીના સૂંડે.

નળ્ય વળગાડે છાતીસરસી
બેઉ તરફની છાંય
ખૂણેખાંચરે જઈને થંભ્યા
તડકાઓના પાય

ગાડામારગ જાય ઊતરતો પોતામાં શું ઊંડે?

આભ નમીને રહ્યું નીરખી
લચી પડેલો મૉલ
વહુવારુની જેમ લ્હેરખી
ઘૂમે ઓળેઓળ

જુઓ, સીમને શણગારી છે પતંગિયાંના ઝુંડે
પંખી બેઠું ડૂંડે

– મનોહર ત્રિવેદી

(*. કવિમિત્ર રમણીક સોમેશ્વરના અછાંદસની પ્રથમ પંક્તિ)

કવિના નૂતન કાવ્યસંગ્રહ ‘કહો કે ના કહો’નું લયસ્તરો પર સહૃદય સ્વાગત.

બપોરીવેળાના ખેતરનું દૃશ્યચિત્ર કવિએ કલમના જૂજ લસરકા માત્રથી આબાદ ઉપસાવી આપ્યું છે. જે રીતે વહેલી સવારથી એકધારો પરિશ્રમ કરીને ભૂખ્યો-તરસ્યો થયેલો ખેડૂત બપોરે ભાથું લઈને આવતી ભથવારીના ટોપલા તરફ આતુર મીટ માંડે એવી જ પરિતૃપ્તિની અપેક્ષા લઈને ડૂંડા પર આવી બેઠેલા પંખીની ઉપસ્થિતિથી કાવ્યારંભ થાય છે. બે ખેતર વચ્ચેની કાંટાળા થોરની સરહદની વચ્ચે પસાર થતો સાંકડો રસ્તો એટલે નળ્ય. બેઉ તરફની છાંયને નળ્ય છાતીસરસી વળગાડે છે –આ એક જ પ્રતીક બપોરી તાપની પ્રખરતા મુખરિત કરવા સક્ષમ છે. ખૂણાખાંચરાઓને બાદ કરતાં તડકો સમસ્ત સૃષ્ટિમાં પગપેસારો કરી ચૂક્યો છે. છાંયડો એટલો ઓછો થઈ ગયો છે કે નળ્યના બે છેવાડા સિવાય ક્યાંય નજરે ચડતો નથી. ખૂણાખાંચરાઓને બાદ કરતાં સૃષ્ટિમાં બધી જગ્યાએ કેવળ તડકાનું જ સામ્રાજ્ય છે. આ જ કવિના ‘તડકા! તારા તીર’ ગીતમાં પણ આવું જ કલ્પન જોવા મળે છે: ‘છાંયડા જેવા છાંયડાએ પણ વાડયની લીધી ઓથ.’ વળી, ‘તડકા’ બહુવચન ઓછું પડ્યું હોય એમ કવિ પોએટિક લાઇસન્સ વાપરી પાછળ ‘ઓ’ ઉમેરી બહુવચનનો પણ વિસ્તાર કરે છે. નજર પહોંચે ત્યાં સુધી પથરાયેલ નિર્જન માર્ગ જાણે છેવાડે જઈને પોતાની જ અંદર ઊંડે ન ઉતરી જતો હોય એવો ભાસે છે. પંખીના બેસવાથી સજીવન થયેલ ખેતરની બપોરી દુર્દશા વર્ણવ્યા બાદ કવિ પુનઃ આવા વાતાવરણમાં સૃષ્ટિના ધનમૂલક પરિબળો સાથે સંધાન કરવું ચૂકતા નથી. લચી પડેલ મૉલને જોવા જાણે આભ માથે ઝળુંબી રહ્યું છે. વહુવારુ જે રીતે મર્યાદા જાળવીને ચાલે, એમ પવનની લહેરખી પણ ઓળેઓળે- ચાસેચાસે ઘૂમી રહી છે. કેવું અદભુત કલ્પન! બાકી હતું તે પતંગિયાના ઝુંડે સીમને શણગારી છે. આવા ખેતરમાં જઈ દિવસ ગાળવાનું મન ન થય તો જ નવાઈ…

*

Comments (10)

(જળને તરસતી માછલીને) – સંદીપ પૂજારા

કોઈ જળને તરસતી માછલીને જળ મળે એમ જ,
મને જોતાં જ તું વળગી પડે મારા ગળે, એમ જ!

કદી ગુસ્સો કરું તો પણ મને તું સાંભળી લે છે,
કોઈ સત્સંગી પાક્કો સંતવાણી સાંભળે એમ જ!

તને જોતા જ કેવો પાણી પાણી થઈ જઉં છું હું
તું મારામાં ભળે છે બર્ફ એમાં ઓગળે એમ જ!

રિસાઈ જાય મારાથી છતાં મારી તરફ આવે,
દડો દીવાલને અથડાઈને પાછો વળે એમ જ!

નથી તું ચાંદ તોયે રોશની તારી ફળી તો છે,
અમાસી રાતને જેવી રીતે તારા ફળે એમ જ!

– સંદીપ પૂજારા

એક તો મરીઝ જેવી સરળ-સહજ બાની અને નફામાં પાંચેય શેર આસ્વાદ્ય! પ્રેમમાં પ્રેમીજનોની તડપને વ્યક્ત કરતી મુસલસમ રચના. સમ-બંધમાં પુરુષ કરતાં સ્ત્રી વધુ સમર્પિત હોય છે, એ વાત તો સર્વવિદિત છે. પણ એના આ ત્યાગ-સમર્પણ-પ્રેમને તંતોતંત સમજી શકે એવો પુરુષ બહુ ઓછી સ્ત્રીના નસીબમાં હોય છે. આવી જ કોઈ સદનસીબ નાયિકાની વાત માંડતી મજાની ગઝલ આજે માણીએ. જળ વિના તડપતી માછલીને જળ પ્રાપ્ત થાય એમાં કેવળ એ હાશકારો નથી અનુભવતી, જિંદગી પણ પુનઃ પ્રાપ્ત કરે છે. પ્રિયા પ્રિયતમને ગળે વળગે છે, તે કેવળ પ્રેમની હૂંફ પામવા નહીં, પોતાના જીવનની પુનઃપ્રાપ્તિની તૃષાતૃપ્તિ ખાતર. સાવ સાધારણ લાગી શકે એવા પ્રતીકની મદદથી પ્રણય-તલસાટની તીવ્ર પરાકાષ્ઠા વ્યક્ત કરી શકતો આ શેર તો ઉત્તમ છે. વારંવાર મમળાવવી ગમે એવી આ આખી ગઝલ નખશિખ સંતર્પક થઈ છે. વળી, નિભાવવી અઘરી પડે એવી ‘એમ જ’ જેવી અનૂઠી રદીફ પણ કવિ બખૂબી નિભાવી શક્યા છે.

Comments (30)

(પ્રગટાવે મને) – હરીશ ઠક્કર

સાંજ પડતાંવેંત પ્રગટાવે મને,
યાદ આખી રાત સળગાવે મને.

એને જ્યારે એનું ધાર્યું કરવું હોય,
ત્યારે-ત્યારે ભાન ભુલાવે મને.

હું સમજદારીની ગોળી લઈ લઉં,
સત્યનો ક્યારેક તાવ આવે મને.

વાતમાંને વાતમાં કહેવાઈ જાય,
વાતને ગોઠવતાં ના ફાવે મને.

હું સમયની જેમ એને સાચવું,
એ સમયની જેમ વિતાવે મને…

– હરીશ ઠક્કર

સરળ ભાષામાં સહજસાધ્ય રચના. સાચું બોલવાનો તાવ આવે ત્યારે ડહાપણ સમજદારીની પેરાસિટામોલ લઈને ચુપ રહેવામાં જ છે, ખરું ને? જે કહેવું હોય એને શબ્દોમાં ગોઠવીને રજૂ કરવાના બદલે વાતમાંને વાતમાં સહજતાપૂર્વક કહી દેવાની કવિની હથોટી એમના કવનમાં પણ સાંગોપાંગ ઊતરી આવી છે. સરવાળે આસ્વાદ્ય રચના.

Comments (14)

પગને પરખી – મનોહર ત્રિવેદી

પગને પરખી પથની ધૂલિ રે
મને લૈ ગઈ દૂર મઢૂલી રે

મારી પાછળ વહી આવતો સાંજ સમેનો શોર
ગયો ઓસરી હોવાની સમજણનો જૂઠો તોર
તરત જ ની૨વ વાણી ખૂલી રે

કોણ ખેંચતું રહ્યું ને આવ્યો કિયા જનમના ઋણે?
અળવીતરી મેં મૂકી દુવિધા અહીં સાંઈના ધૂણે
ભીતરે ટાઢક ફાલીફૂલી રે

ઓછપ જેવું કશું બચ્યું નઈં : ભરચકતાની પાર –
આંખે દેખ્યો પેલવારુકો અદીઠનો અંબાર
પડી ત્યાં દુનિયા સાવ અટૂલી રે
પગને પરખી પથની ધૂલિ રે
મને લૈ ગઈ દૂર મઢૂલી રે

– મનોહર ત્રિવેદી

*

સિંહણ કેરું દૂધ હોય તે સિંહણસુતને જરે,
કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે. (દયારામ)

– ઈશ્વરની કૃપા ઝીલવા માટે પાત્રતા જરૂરી છે. ભક્તિ અને તડપ સાચા હોય તો માર્ગની ધૂળ સુદ્ધાં પગને ઓળખી લઈ વટેમાર્ગુને દૂર આવેલી મઢૂલી સુધી પહોંચાડી આપે છે. ગનીચાચા પણ યાદ આવે: ‘શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને, રસ્તો ભૂલી ગયો, તો દિશાઓ ફરી ગઈ!’ખરું ને? એકવાર સુરતા જાગી ગઈ, તો પાછળથી વહેરે આવતો સાંજનો શોર અને સમજણનો જૂઠો તોર-બધું જ ઓસરી જાય છે. વૈખરી પણ ખરી જાય છે અને પરા વાણી ખૂલી-ખીલી ઊઠે છે. ચોર્યાસી લાખ ભવના આંટાફેરામાં પોતાને કોણ અને કયા જન્મનું ઋણ ખેંચી લાવ્યું છે એ અળવીતરી દુવિધા સાંઈના ધૂણે મૂકી દેતાંમાં જ સંસારના ત્રિવિધ તાપ શાંત થઈ ભીતરે શાતા ફરી વળે છે. ઈશ્વરનો દરબાર ભરચકતાનો- અપારનો દરબાર છે. અહીં ઓછપને કોઈ સ્થાન નથી. અદીઠનો અંબાર પહેલવહેલીવાર નજરે ચડે એ પળે જ દુનિયા પાછળ છૂટી જાય છે. સરળ ભાષામાં ઊંડી અભિવ્યક્તિ!

Comments (4)

સૈંયા… – વિનોદ જોશી

સૈંયા, મેલી દે તારી નવાબી,
.          કે રોજ મારી ફરકે છે આંખ હવે ડાબી….

મુંને વીજળિયું તૂટે છે પંડમાં,
નથી આરોઓવારો નવ ખંડમાં;

સૈંયા, દાનત ખોરી બેહિસાબી,
.          કે આજ કરી દેને તું ખાનાખરાબી…

મુંને હોઠેથી ડામ દીધા આકરા,
મારાં રૂંવે રગદોળ્યા ઉજાગરા;

સૈંયા, અંધારું આછું ગુલાબી,
.          કે રંગ ચડ્યો હળવેથી હાજરજવાબી…

મુંને સોંસ૨વાં સણકે સંભારણાં,
લોહી કૂદીને લેતું ઓવારણાં;

સૈંયા, ખરબચડી રાત છે રુઆબી
.          કે પોત મારું પોચું પોચું ને કિનખાબી…

– વિનોદ જોશી

લયસ્તરો પર કવિશ્રીના નવ્ય કાવ્યસંગ્રહ ‘ખુલ્લી પાંખે પિંજરમાં’નું સહૃદય સ્વાગત…

ધણીપણું બતાવતા ધણીને સામ-દામ-દંડ-ભેદના ન્યાયે પોતાની તરફ પાછો ખેંચી આણવાની નાયિકાની મથામણ ગીતમાં સુપેરે વ્યક્ત થઈ છે. નાયિકાની ડાબી આંખ રોજ ફરકે છે. કોઈના આવવાના શુકન તો રોજ થાય છે, પણ સૈંયાજી નવાબી તોર મેલતા નથી અને પરત પાસે આવતા નથી. આ તરફ વિરહસિક્ત નાયિકાના અંગાંગમાં વીજળીઓ તૂટી રહી છે, પણ આ તડપ-તોફાનનો ક્યાંય કોઈ આરોઓવારો નથી. ખાનાખરાબી થઈ હોવાનું પ્રતીત થાય એ હદે નાયિકા સમર્પિત થવા તલપાપડ છે, પણ નાયકની તો દાનત જ સાવ ખોરી અને બેહિસાબી છે. એ વાણીના જે ડામ દઈ ગયો છે એ જીરવવા નાયિકાને એટલું આકરું થઈ પડ્યું છે કે ઊંઘ સુદ્ધાં નાતો છોડી-તોડી ગઈ છે. પોતાની બદહાલતના વર્ણન સાથે એ નાયકને પ્રલોભન આપતાં રહેવાનુંય ચૂકતી નથી. કાળાડિબાંગ અંધારું પ્રેમના ગુલાબી રંગે રંગાયું હોવાનું કહી એ સૈંયાને લલચાવે છે. એકતરફ સ્મરણ જાત સોંસરવા સણકા જન્માવે છે તો બીજી તરફ ઓરતા લોહીમાં તોફાને ચડ્યા છે. નાયિકાનું પોત રાણી પદ્મિણી જેવું પોચું અને કિનખાબી છે પણ એકલતામાં પોતાનો રુક્કો જમાવી બેસતી રૂઆબદાર રાત એવી તો ખરબચડી છે કે નાયિકાનું હોવું ઉઝરડાઈ જાય છે…

Comments (8)

શેર – રાજ કૌશિક – ઓશો

अपनी चौखट पे रंगोली सा बना रहता हूं
जाने कब आए वो, हरदम मैं सजा रहता हूं

-राज कौशिक

આ શેર ઓશો રજનીશે ધ્યાનના સંદર્ભે ટાંક્યો છે – દૈવયોગે આ જ અનુભૂતિ તાજેતરના વિપશ્યના સાધના સમયે અનુભવાઈ હતી.

જેમ જેમ ધ્યાન અંગે થોડી અત્યંત પ્રારંભિક સમજણ આવતી જાય છે તેમ તેમ સમજાય છે કે પ્રયત્નપૂર્વક મનને વશમાં કરવાથી શરૂઆત થાય છે અને ધીમે ધીમે મનની સજાગતા એક સ્થાયીસ્થિતિ બને તે ગંતવ્ય હોય છે. ધ્યાન સહજ બનતું જાય છે. નિર્વાણ શું હશે તે તો દૈવ જાણે – પણ તેનો રસ્તો એટલે કે ધ્યાન પોતે જ એક પરિપૂર્ણ અવસ્થા છે….

સતત રંગોળી સજાવી ઈંતેઝારમાં રહેતાં રહેતાં અંતે ઈંતેઝાર અદ્રશ્ય થઈ જાય છે અને સૌંદર્ય એક સ્થાયી ભાવ બની જાય છે…..

Comments (1)

(બેસીએ) – રમેશ પટેલ ‘ક્ષ’

વૃક્ષ નીચે છાંયડામાં બેસીએ,
ભીતરે ખાલી જગામાં બેસીએ!

ચાલ મારી સાથમાં મૃગજળ તરફ,
ને પછી ત્યાં નાવડામાં બેસીએ !

કયાં સુધી ભટકયા કરીશું આપણે?
બિંબ થઈને આયનામાં બેસીએ!

કર્ણની માફક કુંવારી કૂખમાં,
જન્મ લઈને પારણામાં બેસીએ!

એક સાંજે ઓરડાને પણ થયું,
કે નિરાંતે આંગણામાં બેસીએ!

– રમેશ પટેલ ‘ક્ષ’

સહજ સાધ્ય રચના…

Comments (1)

અવનવું કમાયો છું – લલિત ત્રિવેદી

દુકાનદાર, સૂણો, આગવું કમાયો છું,
નિરાંત ખર્ચીને હું જાગવું કમાયો છું!

મેં ખોટ ખાઈને બરકત બચાવી લીધી છે,
વણીને સાખીઓ હું અવનવું કમાયો છું!

અમૂલી આંખને સાટે લીધી છે આ જગ્યા,
હે સુરદાસજી, હું તાગવું કમાયો છું!

કે લાજ રાખજો, પેઢી આ ના પડે કાચી,
ઇ વ્હાલા સોનીડાનું ત્રાજવું કમાયો છું!

ન રંજ છે કે મેં દીવાળું કાઢી નાખ્યું છે,
રૂપૈયા વેચી લહાઈ લાગવું કમાયો છું!

ભલે જમાલભાઈ ધંધાનો ગણાયો છું,
ગલ્લાઓ ખંખેરીને જાપવું કમાયો છું!

વસત-બચત બધુંયે વેચી લીધી છે લેખણ,
ભરી બજારેથી ઊઠી જવું કમાયો છું!

ઉતાર્યાં વ્હાણ બારોબાર બારખડી બા’રા,
હું એકોતેર પેઢી તારવું કમાયો છું!

– લલિત ત્રિવેદી

લલિત ત્રિવેદીનો અવાજ અલગ તરી આવતા ગઝલકારનો અવાજ છે. દુકાનદાર સાથેનો સંવાદ આમ તો ગ્રાહકનો હોય, પણ અહીં દુકાનદાર સાથે દુકાનદાર જ વાત કરે છે. કહે છે, સાંભળો, તમે લોકો જે કમાવ છો એનાથી સાવ અલગ વસ્તુ હું કમાયો છું. મેં નિરાંત ખર્ચી નાંખી છે અને બદલામાં સતત જાગવું કમાયો છું. અહીં આવીને સમજાય છે કે કથક દુકાનદાર ઈશ્વરભક્ત છે અને જગત આખું સામાનો દુકાનદાર છે. કબીર, સુરદાસ, અખા વગેરેના સંદર્ભ વાતને વધુ રોચક બનાવે છે.

Comments (8)

ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે – વિવેક મનહર ટેલર

ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે…. . . ……મલેશિયા, 2018

*

ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે, તને મળે ગજરો ઉત્તરમાં*,
રગરગમાં કંઈ મઘમઘ મહેંકે, કહેવું કેમ કરી અક્ષરમાં?

વાણીનો ‘નહીં બનેલ’ સેતુ તારા-મારા કાંઠા વચ્ચે,
એક નજરથી એમ રચાયો, ના સાંધા-ના વાંધા વચ્ચે;
મોઘમના અંતરાયો ઠેકે એક નજર કેવી પળભરમાં!

નહીં લખેલાં વાંચ્યાં કાવ્યો, નહીં રચેલાં ગાયાં ગીત,
નહીં કરેલી થઈ ગઈ પ્રીત, ‘નથી’ હતાં એ ‘છે’ મનમીત;
એક નજરનો જાદુ છે કે પ્રેમ થયો પરગટ પથ્થરમાં.

એક નજરનું રેશમ ઝાલી કરાડ સૌ વિકરાળ ચડીશું,
સહિયારા શ્વાસોના સ્પર્શે સમજણને સંકાશ અડીશું;
ખાધું,પીધું ને રાજ મળે કે હોય ભલે કાંટા જીવતરમાં…
ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે, તને મળે ગજરો ઉત્તરમાં.

– વિવેક મનહર ટેલર
(૦૮-૦૭-૨૦૨૦)

(પુણ્યસ્મરણ: રમેશ પારેખ: ‘ફૂલ સમી હું દૃષ્ટિ ફેંકું, મને મળે ગજરો ઉત્તરમાં’)

Comments (21)

કોઈ – નીતિન વડગામા

કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા,
કોઈ આવતું એમ જ બસ, આખેઆખા ઓગળવા.

કોઈ આવતાવેંત પંડના કૈંક પટારા ખોલે.
કોઈ મૌનનો માળો બાંધે, એક શબદ ના બોલે.
કોઈ થીજેલો શ્વાસ મથે છે અંદરથી ખળભળવા.
કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા.

કોઈ કશું અંકે કરવા આવી પાથરતા ખોળો.
કોઈ અરજ કરતા કે ભીની આંખોમાં ઝબકોળો.
કોઈ બેસતું આવીને કંઈ દુઃખનાં દળણાં દળવા.
કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા.

કોઈ આરતીની ઝાલરનો સાદ સાંભળે ઝીણો.
કોઈ અભાગી જીવને અમથો અમથો ચડતો મીણો!
કોઈ ઊગવા આવે, કોઈ આવે છે ઊઘડવા.
કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા.

– નીતિન વડગામા

‘કોઈ અહીં આવે છે મળવા’થી ગીતનો ઉપાડ થાય છે. અહીં ‘અહીં’ એટલે આખી દુનિયા. દુનિયામાં કે આપણા જીવનમાં આવતા દરેક લોકોના આગમનના હેતુ અલગઅલગ જ હોવાના. કોઈ કેવળ મળવા આવે છે, તો કોઈ કશું સાંભળવા. કોઈ ઉપલક મુલાકાતે આવી ચડ્યું છે, તો કોઈ આપણા અસ્તિત્ત્વમાં આખેઆખા ઓગળવા આવે છે. કવિએ અલગઅલગ મહેમાનોના આગમન પાછળના અલગઅલગ પ્રયોજનોની યાદી બનાવીને સરળ ભાષામાં વિચારવંત કરી દે એવું બળકટ ગીત રચ્યું છે. કોઈ આરતીની ઝાલર સાંભળી રહે છે, તો કોઈને અમથો-અમથો નશો ચડે છે. ઈશ્વરનો અમથો-અમસ્તો નશો જેને ચડે છે, એને વળી કવિ બડભાગી કહેવાના બદલે અભાગી વિશેષણથી નવાજે છે એ વળી ધ્યાનમાં લેવા જેવું છે. અવળવાણી સારી કવિતાનું મહત્ત્વનું અંગ છે, એ વાત અહીં સમજાય છે. કોઈ પદ-પ્રતિષ્ઠા-સમૃદ્ધિના આકાશમાં ઊંચે ઊગવાના હેતુથી આવે છે, તો કોઈ કળીની જેમ પોતે ઊઘડવા આવે છે. ગીતમાંથી પસાર થઈ ત્યારે ર.પા.ની અમર ગઝલ ‘મનપાંચમના મેળામાં’ તો યાદ આવે જ, પણ સુન્દરમનું ‘કોણ?’ પણ અવશ્ય યાદ આવશે.

Comments (12)

(નામ રતન બીજ) – ડૉ. ભરત ગોહેલ

નામ રતન બીજ ઐસે બોના, ગડ દો મિટ્ટી માંહી;
દેખનવાલા મિટ્ટી દેખે, તનીક દિખે બીજ નાહીં.

માલા મોતી હાથ ધરે ક્યું, છોડો સબ દિખલાવા;
હોઠ જરા ભી હિલે ન ઐસે, ભીતર ભીતર ગાવા.
નામ લિખ ક્યું કાગદ રંગે, ક્યું ખરચો રે શ્યાહી;
.                                       નામ રતન બીજ…

નામ જપન કી બેલા કૈસી? જબ ચાહા જપ લેના;
મનમેં મંદિર, મનમેં મૂરત; મન હી મન મત્ત રેના.
ઐસી કિ૨યા કરો ના જીસસે, લોગ કરે બાહબાહી;
.                                       નામ રતન બીજ…

૫૨મ પ્રીત કી પાવન કથની, અંતરપટ હો અંકિત:
ઐસે રટતે રહો નામ હો, જનમ જનમ કો સંચિત.
ચાહ બચે ના એક અલાવા, પિયુ રહો સો ચાહી;
.                                       નામ રતન બીજ…

– ડૉ. ભરત ગોહેલ

મીરાંબાઈ ‘રામરતન’માં ધન પામ્યાં, આપણા કવિ ‘નામરતન’ની ગડ ઉકેલે છે. કહે છે, પ્રભુનામના રત્નને અંતરની માટીમાં એવી રીતે દાટી દો કે જોનારાને કેવળ શરીર જ દેખાય, અંદર વવાઈને ઊગવા તત્પર પ્રભુનામનું બીજ નજરે જ ન ચડે. અખાની જેમ જ કવિ માળા-મોતી વગેરે દેખાવાની તરફેણમાં નથી. એ તો કહે છે, પ્રભુનામ તો એ રીતે અંદરોઅંદર જ ગાવાનું હોય કે હોઠ જરાય હલે સુદ્ધાં નહીં. કાગળ પર પ્રભુનામ લખીને કાગળ બગાડવાની કે શાહી ખર્ચવાની ટેવ પણ અર્થહીન છે. અને ઈશ્વરનું નામ લેવા માટે તે કોઈ વેળા હોય? મન થાય ત્યારે લેવાનું હોય એ તો, કારણ મનમાં જ મંદિર પણ છે અને મનમાં જ મૂર્તિ પણ છે એટલે મનમાંને મનમાં જ નામ લેવું જોઈએ. એવું કશુંય કરવાનું જરૂરી નથી, જે જોઈને લોકો વાહવાહી કરે. પરમકૃપાળુ પરમેશ્વર સાથેની પરમ પ્રીતની પવિત્ર કથા અંતરપટ પર એમ અંકિત હોવી જોઈએ કે જનમજનમનું ભાથું બંધાય. એક ઈશ્વરને બાદ કરતાં કશાયની ચાહના ન રહે એ રીતે પિયુ પરમેશ્વરને ચાહવાનો છે. અલગારી સંતબાનીમાં આલેખાયેલ આ ગીત આજના પોચટ ભજનકાવ્યોથી સુપેરે અલગ તરી આવે છે.

Comments (7)

અન્ધારમાં એકાકાર વન – ચંદ્રશંકર ભટ્ટ ‘શશિશિવમ્’

સૂર્ય જેવા સૂર્યનો બોજો ઉપાડી પીઠ પર;
અસ્તાચલે કોઈ સ્વ-જન ધીરે ચડે કેડી ઉપર.

ભેખડે આરોહ ને અવરોહ ચાલે શ્વાસના;
વાયરાની મીંડમાં સ્વર શ્વાસના ઝૂકી જતા.

બેવડ વળેલા શ્વાસના ઝપતાલ પણ તૂટી ગયા;
રક્ત રંગો સૂર્યના ઝળહળ થતા ઝાંખા થયા.

માત્ર પડછાયો નજર સામે હતો બસ સાથમાં;
ક્ષીણ થઈ ધીરે ધીરે ડૂબતો જતો અંધારમાં.

પીઠ ૫૨નો સૂર્ય ને છાંયો ક્યહીં! ને ક્યાં સ્વ-જન!
ઘૂઘવે અંધાર ત્યાં સઘળુંય એકાકાર વન.

– ચંદ્રશંકર ભટ્ટ ‘શશિશિવમ્’

કોઈ કવિતા પસંદ પડી જાય એ માટેના કોઈ ધારાધોરણ નિશ્ચિત કરી શકાય એમ નથી. ઉપલક નજરે આ રચના સાધારણ કહી શકાય પણ મને વાંચતાવેંત સ્પર્શી ગઈ. પાંચ યુગ્મકના ઊર્મિકાવ્યમાં કવિએ બે જગ્યાએ તો ચુસ્ત પ્રાસના સ્થાને સ્વરાંત પ્રાસથી કામ ચલાવી લીધું છે. પહેલી કડી વાંચતા એકતરફ ખભે મસમોટી શિલાનો ભાર ખભે વેંઢારી વારંવાર પર્વતારોહણ કર્યે રાખવાના શાપથી ગ્રસ્ત સિસિફસ યાદ આવે તો બીજી તરફ મહાપ્રયાણ માટે નીકળેલ પાંચ પાંડવ પણ નજર સમક્ષ તાદૃશ થઈ ઊઠે. આમ તો પર્વતની ધારે અસ્તાચલે પહોંચેલા સૂર્યના અસ્તની જ વાત છે, પણ કોઈ સૂર્યને પીઠે લાદીને ધીરે ધીરે કેડી ચડતું હોવાના રૂપક વડે કવિએ જીવનના અસ્તાચલ અને બોજ- બંનેની વાત મુખર થયા વિના કરી છે. કવિતાનો મુખ્યપ્રાણ મૃત્યુની અનુભૂતિ હોવાની વાત બીજી કડીથી વધુ સ્પષ્ટ થાય છે. શ્વાસના આરોહ-અવરોહ ભેખડે ચાલી રહ્યા છે, મતલબ ગમે ત્યારે સમતુલન ગુમાવી મૃત્યુની ખીણમાં ગરકાવ થઈ જવાશે. વાયરાનો ઊંચેનીચે થતો આલાપ હાંફતા બેવડ વળેલા શ્વાસને ઢાંકી-તોડી દે છે. સૂર્યનો રાતો રંગ પણ ક્રમશઃ ઝાંખો પડી રહ્યો છે. એકમાત્ર પડછાયો જ સાથ નિભાવી રહ્યો હતો, તેય અંધારું વધતું જતાં ઓગળવા માંડ્યો. મૃત્યુના અંધકારમાં આખરે સૂર્ય, પડછાયો અને પડછાયાના સ્વામી એવા સ્વજન બધું જ ઓગળીને એકાકાર થઈ ગયું.

Comments (4)

(હટાવીશ નહિ હું પડદો) – ઝેબુન્નિસા ‘મખ્ફી’ (ભાવાનુવાદ: મીનાક્ષી ચંદારાણા)

ના, હટાવીશ નહિ હું પડદો,
ગ૨ હટાવી દઉં હું પડદો, ના થવાનું થઈ જશે!
બુલબુલો વીસરી જશે ગીતો ગુલ-ઓ-ગુલઝા૨નાં,
ક્યાંક એ ફરતી મને ભાળી જશે જો બાગમાં;
બ્રાહ્મણો વીસરી જશે આદર્શ સહુ બ્રાહ્મણ તણા,
મારી સુંદરતા જો જોવી હોય તો વિચાર કરજો પુષ્પનો, કે–
જે છુપાયું છે લતામંડપ મહીં!
કોઈને દેખાય નહિ, પણ એના અંતરની સુગંધી તો બધાં માણી શકે!
એમ બસ, જોઈ શકે આલમ મને!
બસ, ભલા થઈ રૂપ ના શોધો, નિહાળો શબ્દને!
પાંખડીમાં જેમ અત્તર, એમ હું છું શબ્દમાં!
ના, હું પડદો નહીં હટાવું!

– ઝેબુન્નિસા ‘મખ્ફી’
(અંગ્રેજી પરથી ભાવાનુવાદ: મીનાક્ષી ચંદારાણા)

*
લયસ્તરો પર કવયિત્રીના ભાવાનુવાદ સંગ્રહ ‘દીવાન-એ-ઝેબુન્નિસા’નું સહૃદય સ્વાગત છે.

ઈ.સ. ૧૬૩૭માં જન્મેલી ઝેબુન્નિસા મુગલસમ્રાટ ઔરંગઝેબની દીકરી હતી. ‘મખ્ફી’ એટલે ‘છૂપાયેલું.’ એક તો, એ બાપથી અને દુનિયાથી પોતાની ઓળખ છૂપાવીને શાયરી કરતી હતી અને બીજું, એ બુરખામાં છૂપાઈને રહેતી હતી, એટલે એને આ ઉપનામ મળ્યું હોવાનું કહેવાય છે. હાજરજવાબીપણું અને શીઘ્ર પાદપૂર્તિ માટે તે જાણીતી હતી. નાસિર અલી નામના કવિએ મખ્ફીને ‘રસ્કે-કમર’ સંબોધીને લખ્યું હતું, ‘ચંદ્ર પણ જેની ઈર્ષ્યા કરે છે (એવી હે સુંદરી!), તારો બુરખો હટાવ અને મને તારા સૌંદર્યનો જાદુ માણવા દે.’ જવાબમાં મખ્ફીએ જે કવિતા સંભળાવી એ અહીં રજૂ કરી છે. પર્શિયન ભાષામાં લખાયેલ કવિતાના અંગ્રેજી અનુવાદ પરથી કટાવ છંદમાં કરાયેલ ગુજરાતી ભાવાનુવાદ આસ્વાદ્ય થયો છે.

બુરખો ન હટાવવા પાછળનાં કારણ આપતાં મખ્ફી કહે છે, હું નકાબ હટાવી લઉં અને બુલબુલ ગુલાબને ભૂલી જાય એ કોને ખબર? મારો ચહેરો જોવાની લાલસામાં બ્રાહ્મણ લક્ષ્મીની પૂજા કરવી ભૂલી જઈ શકે છે. જે રીતે કુંજલતામાંના ફૂલમાં ખુશબૂ છૂપાઈને રહે છે, એ જ રીતે દુનિયા મારો ચહેરો જોવાના બદલે મેં જે કવિતાઓ લખી છે એની સુગંધ જ માણે એ વધુ ઉત્તમ છે.

*
I will not lift my veil,—
For, if I did, who knows?
The bulbul might forget the rose,
The Brahman worshipper
Adoring Lakshmi’s grace
Might turn, forsaking her,
To see my face;
My beauty might prevail.
Think how within the flower
Hidden as in a bower
Her fragrant soul must be,
And none can look on it;
So me the world can see
Only within the verses I have writ—
I will not lift the veil.

– Zeb-un-Nissa Makhfi

Comments (10)

મ્હેણું – સંજુ વાળા

વ્હાલે માર્યું જબરું મ્હેણું!
મને કહે: તું ખમતીધર, હું તારા પગની રેણું

ચંદ્રકિરણની લૂમ કહી ઉજમાળી અરધી કાળપ
અરધી રહી તે નઝરટીલડી થઈ ચોંટી ગઈ ચપ
પામી કાંચનયોગ હરખતું હું માટીનું ગ્હેણું
વ્હાલે માર્યું જબરું મ્હેણું!

અદેખાઈથી બળી-ઝળીને થૈ સખીઓ અધમૂઈ
સમૂહમાંથી જ્યારે ચૂંટી મને કહીને જૂઈ
જીવતરની ચુંદડીએ ટાંક્યું રતન મહા લાખેણું
વ્હાલે માર્યું જબરું મ્હેણું!

– સંજુ વાળા

લયસ્તરો પર કવિના નવ્યસંગ્રહ ‘અદેહી વીજ’નું સહૃદય સ્વાગત!

સંગ્રહમાંના ‘વ્હાલાપંચક’ ગુચ્છમાંથી એક ગીતરચના આપ સહુ માટે. મજબૂત લય અને સીધી હૈયામાંથી ઉતરી આવી હોય એવી સહજ બાનીને લઈને રચના વાંચતા, સૉરી, ગણગણતાવેંત દિલમાં ઊતરી જાય એવી બળકટ થઈ છે. (પ્રવાહી લયને લઈને વાંચવું તો શક્ય જ નથી!) પ્રિયાને ખમતીધર લેખાવી પોતે તો કેવળ ચરણરજ છે એમ જ્યારે વહાલો કહે છે, ત્યારે સમર્પિતાને આ સમર્પણને મહેણું કહી ઓળખાવે છે. જો કે એના આ છણકામાં મહેણાંનો કોઈ ભાવ નથી જ નથી. વાત તો કેવળ વહાલની જ છે અને એ તો ગીતના ઉપાડના પહેલા શબ્દથી જ કવિએ સ્પષ્ટ કરી દીધી છે. આખું ગીત સહજ-સાધ્ય છે. ગાતાં-ગાતાં માણીએ…

Comments (4)

સવા શેર : ૦૮ : શબ્દ અને અર્થ – હિમલ પંડ્યા

અર્થના કૂંડાળાંમાં અટવાય છે,
શબ્દ રોજેરોજ ગોથાં ખાય છે.
– હિમલ પંડ્યા

કોઈને કોઈ રીતે અભિવ્યક્ત થવું એ માનવમનની અનિવાર્યતા છે. ભાષા નહોતી ત્યારે આદિમાનવ હાવભાવ અને ઈશારાઓથી પ્રત્યાયન સાધવાની કોશિશ કરતો. ક્રમશઃ બોલી અસ્તિત્ત્વમાં આવી અને પછી લેખન અને લિપિ શોધાતાં ભાષાને અ-ક્ષરદેહ સાંપડ્યો. દરેક શબ્દને આપણે અર્થના દાયરામાં બાંધી દીધો છે. કોઈપણ શબ્દ આપણે જે કહેવું છે એની નજીક સુધી જ લઈ જઈ શકે, પણ માનવમનના ભાવોને યથાતથ રજૂ કરી શકે એ ક્ષમતા કોઈ શબ્દમાં હોતી નથી. સમય સાથે શબ્દોના અર્થ અને ક્યારેક તો સ્વરૂપ પણ બદલાતાં રહે છે. ‘બિસમાર’ શબ્દનો મૂળ અર્થ તો ‘વિસ્મૃત’ કે ‘વિસારી મૂકેલું’ થાય છે, પણ સમય સાથે આ અર્થ જ વિસ્મૃત થઈ ગયો અને ‘બિસમાર’નો અર્થ ‘જીર્ણશીર્ણ થયેલું’ થવા માંડ્યો. શેક્સપિઅરના જમાનામાં ઓનેસ્ટ એટલે સારો માણસ, આજે એનો અર્થ થાય છે પ્રામાણિક. જેન ઑસ્ટિનના જમાનામાં સુંદર છોકરીને પણ હેન્ડસમ કહેતાં, આજે છોકરીને હેન્ડસમ કહો તો થપ્પડ પડે. એક બીજું ઉદાહરણ જોઈએ: ‘દીન’ અને ‘દિન.’ બે શબ્દોવચ્ચેનો ફર્ક આમ ત્યો હ્રસ્વ ઇ અને દીર્ઘ ઈ જેટલો જ છે, પણ આપણે બંને શબ્દોને અલગ-અલગ અર્થોના કુંડાળામાં બાંધી રાખ્યા છે. દીન એટલે ગરીબડું અને દિન એટલે દિવસ. આપણે એમ માનીએ છીએ કે બંને શબ્દોના અર્થ સુનિશ્ચિત છે અને જોડણીફેર થઈ જાય તો અર્થનો અનર્થ થઈ શકે છે. શાળામાં વિદ્યાર્થીઓને જોડણીનું મહત્ત્વ સમજાવવા આ ઉદાહરણ અવશ્ય વપરાય છે, અને આવા ઉદાહરણોની મદદથી કૂમળા માનસમાં જોડણીની અગત્યતા ઠસાવી દેવામાં આવે છે. હકીકત એ છે કે ભલે આ શબ્દોને આપણે નિયત અર્થના વાડામાં કેમ ન પૂરી રાખ્યા હોય, અર્થ હકીકતમાં શબ્દોમાંથી નહીં, પણ શબ્દ જ્યારે વ્યવહારમાં વપરાય છે ત્યારે એ શબ્દો જે વાતાવરણ સાથે રજૂ થાય છે એમાં રહેલો હોય છે. ‘દિન ઉગ્યો’ કહેવાને બદલે આપણે ‘દીન ઉગ્યો’ કહીએ તોય અર્થ બદલાતો નથી અને સંદર્ભ પ્રત્યાયિત થઈને જ રહે છે. એ જ રીતે ‘દીન મુખમુદ્રા’ના સ્થાને ‘દિન મુખમુદ્રા’ લખી દેવાથી પણ યથાતથ અર્થ જ સામી વ્યક્તિ સુધી પહોંચે છે. હ્રસ્વ અને દીર્ઘ ‘ઇ’ના ફેરને લઈને વાસ્તવમાં શબ્દાર્થ બદલાઈ જવાનું જોડણીકોશ અથવા વ્યાકરણ આપણને ભલે શીખવતા હોય, પણ વ્યવહારમાં આપણે જોયું એમ સાચો અર્થ પહોંચીને રહે છે. લિપિ તો ઠીક, પણ બોલવામાં તો ભાગ્યે જ કોઈ હ્રસ્વ કે દીર્ઘના ઉચ્ચારણ સાચવીને બોલતું હશે. એટલે એ વાત સિદ્ધ થાય છે કે શબ્દનો અર્થ એની સાથે વપરાતા શબ્દોને લઈને વધુ સ્પષ્ટ થાય છે. આ ઉપરાંત બોલનારના ભાવછટા પણ શબ્દાર્થ સ્પષ્ટ કરવામાં સહાયભૂત નીવડે છે. આ જ વાત બહુ અસરદાર રીતે ગઝલના મત્લામાં રજૂ થઈ છે. શબ્દોને આપણે અર્થના કૂંડાળામાં પૂરી દીધા હોવાથી રોજેરોજ ગોથાં ખાય છે. કવિએ આટલું બધું વિચારીને મત્લા લખ્યો હશે કે કેમ એ આપણને ખબર નથી. આપણે જે કર્યું એ પિષ્ટપેષણ વિનાય મત્લા સ્વયંસ્પષ્ટ જ છે, પણ આ મિષે આપણને આટલું વિચારવાનું મન થયું એ જ કવિતાની ખરી ઉપલબ્ધિ, ખરું ને!

Comments (3)

મૂકી દઉં – ભરત વિંઝુડા

તમે કહો તો બધાએ તનાવ મૂકી દઉં,
તમારા ભાવમાં મારો સ્વભાવ મૂકી દઉં.

ઘણુંય પ્રિય, પરમ પ્રિય પણ મને લાગે,
શરાબ જેમ બધું કેમ સાવ મૂકી દઉં.

હશે નસીબમાં એ ત્યાં લઈ જશે આખર,
કિનારા પરથી સમંદરમાં નાવ મૂકી દઉં.

અને પછી હું કરું શું એ પહેલાં વાત કરો,
તમે કહો છો, તમારો લગાવ મૂકી દઉં.

રમતમાં આમ તો જીતી જવાય એવું છે,
પરંતુ થાય છે કે મારો દાવ મૂકી દઉં.

– ભરત વિંઝુડા

લયસ્તરો પર કવિમિત્ર શ્રી ભરત વિંઝુડાના વધુ એક ગઝલસંગ્રહ ‘નજીક જાવ તો’નું સહૃદય સ્વાગત છે…

કવિની સિગ્નેચર-સ્ટાઇલમાં જ લખાયેલ એક સરળ-સહજ પણ સ-રસ રચના આપ સહુ માટે…

Comments (6)

અદાલતનો તિરસ્કાર* – ઉદયન ઠક્કર

(મનહર)

વકીલને વડચકું ભરી કહ્યું ન્યાયાધીશે,
‘અરજીની સાથે અખબાર કેમ આપ્યું છે?
તાણીતૂસી બંધાયેલા નાગાપુગા માણસનું
ચાર કોલમ ભરીને, ચિત્ર જેમાં છાપ્યું છે?’**

વકીલ તો શિયાવિયા થઈ ગયો, ન્યાયાધીશે
કારકૂનને કહ્યું કે ‘અલ્યા, આમ આવ તું!
ચિત્રમાં શું ચીતર્યું છે? ચિત્ર નીચે શું લખ્યું છે?
અદાલતમાં સહુને વાંચી સંભળાવ તું.’

કારકૂન કહે, ‘બધા રસોઈયા ભેગા મળી,
ઉતારતા હોય જેમ બટાકાની છાલને,
ચાર કસાઈઓ અહીં ભેગા મળી ઉતારે છે,
કસોકસ બંધાયેલા માણસની ખાલને.

પચીસ સદી પહેલાં ન્યાયમૂર્તિ સિસેમિસ
લાંચ લેતાં, રાજાજીને હાથે ઝડપાયેલો,
માફ કરો, આગળ વાંચી શકાય એવું નથી,
એનો અંત, નામદાર, આવી રીતે આવેલો.

એની ઉતરડાયેલી ખાલનું બેસણું કરી,
રાજાજીએ ખાસ, મોટી ખુરશી બનાવેલી,
નવા ન્યાયમૂર્તિ એ જ ખુરશીએ બેઠા બેઠા
ચુકાદાઓ આપે એવી રીત અપનાવેલી.’

ન્યાયાધીશ ગાજ્યા,’તેં તો મારું અપમાન કર્યું!’
વકીલ કહે કે ‘કેમ ગાંઠનું ઉમેરો છો?
પચીસ સદી પહેલાં થઈ ગયો સિસેમિસ,
બંધબેસતી પાઘડી શું કામ પહેરો છો?’

ચિત્ર જોઈ ન્યાયાધીશ થઈ ગયા રાતાપીળા,
‘તને ત્રણ મહિનાની કેદ ફટકારું છું!’
અદાલત દંગ, પેલા વકીલેય રાખ્યો રંગ,
‘આપની સજાના શિરપાવને સ્વીકારું છું.’

– ઉદયન ઠક્કર

* ‘અમુક ન્યાયાધીશો ભ્રષ્ટ છે’ એવું કહેનાર વકીલને વરિષ્ઠ અદાલતે ઈ.સ. 2020માં અદાલતના તિરસ્કાર બદલ ગુનેગાર ઠેરવ્યો હતો.
** સંદર્ભ : ‘સિસેમિસની ચામડી ઉતરડવી’, ચિત્રકાર: જેરાર્ડ ડેવિડ

લયસ્તરો પર કવિશ્રી ઉદયન ઠક્કરના કાવ્યસંગ્રહ ‘રાવણહથ્થો’નું સહૃદય સ્વાગત છે. આ સંગ્રહ આજે હાથ આવતા સંગ્રહોથી ઘણી રીતે ભિન્ન તરી આવે છે. મોટાભાગની રચના એકાધિક સંસ્કૃત વૃત્તોમાં રચાઈ છે. આજની કવિતાથી વિપરીત ઘણાં દીર્ઘકાવ્ય અહીં જોવા મળે છે. હળવા વ્યંગનો આશરો લઈને તીખા ચાબખા ફટકારવામાં મદદગાર મનહર છંદ કવિને સવિશેષ પ્રિય છે. ગઝલોને બાદ કરતાં મોટાભાગની રચનાઓમાં કવિએ મુક્તપદ્યને કાવ્યસ્વરૂપ તરીકે પસંદ કર્યું છે. ભારતીય પુરાકથાઓથી લઈને વિદેશી પુરાકથાઓ, ગુજરાતી અને ભારતીય વ્યક્તિવિશેષોથી લઈને વિદેશી વ્યક્તિવિશેષ, પ્રખ્યાત ચિત્રો-પ્રસંગો વગેરેને કેન્દ્રસ્થાને રાખીને કવિએ ગુજરાતી કાવ્યધારાથી સહેજે અને સાવ જ અલગ પડી જતાં બિલકુલ અનૂઠાં કાવ્યો રચ્યાં છે. સંગ્રહમાં સમાવિષ્ટ રચનાઓમાંથી ઘણી રચનાઓ લયસ્તરો પર લાંબા સમયથી ઉપલબ્ધ છે. આજે એક નવી રચના સાથે ઘરોબો કેળવીએ.

પ્રસિદ્ધ ચિત્રકાર જેરાર્ડ ડેવિડના વિખ્યાત ચિત્રયુગ્મ ‘ધ જજમેન્ટ ઑફ કેમ્બિસિસ’ તથા ‘ધ ફ્લેયિંગ ઑફ સિસેમિસ’ પ્રસ્તુત કાવ્યનાં કેન્દ્રબિંદુ અથવા સ્રોત છે. આજથી લગભગ પચ્ચીસસો વર્ષ પૂર્વે પર્શિયાના રાજા કેમ્બિસિસ બીજાએ લાંચ લેતા પકડાયેલ સિસેમિસ નામના ન્યાયાધીશની ચામડી જીવતેજીવ ઉતરડાવીને ન્યાયાધીશ માટેની ખુરશી પર એ મઢાવી દીધી, જેથી દરેક ન્યાયાધીશે એના પર બેસીને જ ન્યાય આપવાનો રહે અને ખોટું કામ કરતાં પહેલાં એ લાખવાર વિચારે. અઢી હજાર વર્ષ વહી ગયાં. સિસેમિસની ખુરશી સમય સાથે નાશ પામી હોય એમ ન્યાયાધીશ કે ન્યાય લાંચ લેતાં કે ખોટું કરતા અચકાતા નથી, કારણ કે હવે એકેય શાસક ભ્રષ્ટાચારવિરોધી રહ્યો નથી. થોડા સમય પહેલાં ન્યાયાધીશોને ભ્રષ્ટ કહેનાર એક વકીલને સુપ્રિમ કોર્ટે સજા ફટકારી એ હકીકતને જેરાર્ડ ડેવિડના ચિત્ર અને એના ઇતિહાસ સાથે સાંકળી લઈને કવિએ કેવી મર્મસ્પર્શી રચના આપી છે!

Comments (6)

બારણાની તૈડમાંથી – પ્રીતમ લખલાણી

બારણાની તૈડમાંથી જોયાં કરું છું કે,
ફળિયે આવીને ઊભું કોણ?
મારામાંથી એ મુંને સપનાના મ્હેલ મહીં,
હેતે લાવીને ઊભું કોણ?

ભમ્મરિયા વાવના હું સીંચું છું પાણી ને,
સીંચાતી જાઉં ઘીમે ઘીમે,
આશના પાતાળેથી ફૂટે સ૨વાણી ને,
હરખાતી જાઉં ઘીમે ઘીમે.
ઊંડા અતાગ કોઈ તળિયેથી આજ,
મને ટોચે લાવીને ઊભું કોણ?
મારામાંથી એ મુંને સપનાના મ્હેલ મહીં,
હેતે લાવીને ઊભું કોણ?

આંખ્યુંમાં ફૂટ્યા છે કેસરિયા કોડ,
સખી સૂરજ શા ઝળહળતા રેલે,
મહેંદીના છોડ જેવા રાતા રે ઓરતામાં,
સાંવરિયો મદમાતો ખેલે.
બળતી હથેળીમાં ભીનેરો હાથ દઈ,
રુદિયે આવીને ઊભું કોણ?
મારામાંથી એ મુંને સપનાના મ્હેલ મહીં,
હેતે લાવીને ઊભું કોણ?

– પ્રીતમ લખલાણી

લયસ્તરોના આંગણે કવિશ્રીના ગીતસંગ્રહ ‘શેરીથી શેઢા સુધી’નું સહૃદય સ્વાગત છે…

પ્રોષિતભર્તૃકાની આંખો કાયમ પિયુના આગમનની પ્રતીક્ષામાં જ રત હોવાની. શક્યતાના બારણાંઓ બંધ હોય તો તિરાડમાંથી આવતો પ્રકાશ સુદ્ધાં આશાનું કામ કરે છે. ફળિયું ખાલી છે પણ કોઈ આવી ઊભું હોવાનો અહેસાસ નાયિકાને પોતાના વાસ્તવથી અળગી કરીને સ્વપ્નમહેલમાં પ્રેમથી લાવી આણે છે. ભમ્મરિયો શબ્દપ્રયોગ આમ તો બહુ ઊંડો અને ચક્કર આવી જાય એવા કૂવા માટે વપરાય છે. વાવ માટે આ પ્રયોગ યથોચિત ગણાય? આપણે તો ભાવ પકડીએ. પાણી સીંચતા-સીંચતા નાયિકાને પોતે સીંચાતી હોવાનું અનુભવાય છે. પિયુમિલનની આશા છેક પાતાળે જઈ પહોંચી હોય એ પરાકાષ્ઠાએ કોઈ બારણે આવી ઊભું હોવાનો ભાસ પાતાળ ફેડીને ફૂટી નીકળતી સરવાણી જેવો હરખ જન્માવે છે. સરવાણી પાતાળથી સપાટીએ આવે એની સાથોસાથ નાયિકા ઊંડા અતાગ તળિયેથી નિજનું પણ ઉર્ધ્વગમન થતું અનુભવે છે. ઊજાગરાને લઈને રાતાં ટશિયાં ફૂટેલી આંખ કેસરિયા કોડ ફૂટ્યા બરાબર લાગે છે અને આંખમાંથી વહેતા હર્ષાશ્રુના રેલા તિરાડમાંથી આવતા પ્રકાશને કારણે સૂરજ જેવા ઝળહળે છે. મહેંદીના છોડ જેવા રાતા ઓરતાની વાત થોડી મૂંઝવે છે. મહેંદીનો છોડ તો લીલો હોય. પિસાઈને હાથ પર લાગ્યા પછી મહેંદી હથેળી પર રતાશ બનીને પથરાય એ વાત અલગ પણ જ્યારે વાત કેવળ છોડની હોય ત્યારે રાતો રંગ રસાસ્વાદ અવરોધતો અનુભવાય છે. સરવાળે ગીત ઘણું સ-રસ થયું છે. વિરહાગ્નિથી બળતી હથેળીમાં મનના માણીગરનો હાથ તમામ બળતરાઓને શાંત કરી દેતો હોય એવો ભીનેરો વર્તાય છે.

Comments (6)

રોજ ઊઠીને દળવું – સંજુ વાળા

રોજ ઝઘડવું, છુટ્ટું પડવું, રડવું, પાછું મળવું,
આ તે કેવું દળણું જેને રોજ ઊઠીને દળવું

કહેવું ને સાંભળવું યાને
બેઉં સમાન્તર પાટા,
બન્ને વચ્ચે ઊગે ઓગળે
સૂસવાટા સન્નાટા.

એ ય ખરું કે દિવસે-રાતે વધવું બળવું ઝળવું
આ તે કેવું દળણું જેને રોજ ઊઠીને દળવું

હું કહું : આ આવું, ત્યારે
તું કહે : ના તેવું
તાણીતૂંસી તાલ મેળવ્યે
સોરાવું ને સ્હેવું

વળી વાતમાં વળાંક આવે લઈ ગાતરનું ગળવું.
રોજ ઝઘડવું, છુટ્ટું પડવું, રડવું, પાછું મળવું

– સંજુ વાળા

 

જિબ્રાન યાદ આવી જાય – ” સાથે ગાજો,નાચજો અને હર્ષથી ઉભરાજો, પણ એકમેક વચ્ચે એક અંતર જરૂર રાખજો ”

– કદાચ સંબંધ કોહવાઈ જવા પાછળ આ જ મુખ્ય કારણ હશે….

Comments (4)

મેલાં વસ્ત્રો – ‘ગની’ દહીંવાલા

આ પ્રકૃતિ જ્યારે એકાંતે મુજ ગુંજનથી પ્રેરાઈ જશે,
લઈ લઈશ નીરવતા હું એની, એ મારી કવિતા ગઈ જશે.

જો જો, આ વિરહ-સંધ્યા મારી એક પર્વ સમી ઉજવાઈ જશે,
નભમંડળ ઝગશે, રજનીનાં મેલાં વસ્ત્રો બદલાઈ જશે.

જીવતાં જીવતાં મરવું પડશે, મરતાં મરતાં જીવાઈ જશે,
આશા જો કદી અમૃત ધરશે, તો ઝેર નિરાશા પાઈ જશે.

પાંપણ ! જો નહીં રોકો આંસુ, તો પોતે પણ ભૂંસાઈ જશે,
અસ્તિત્વ રહે ના કાંઠાનું જ્યારે સરિતા સુકાઈ જશે.

જીવનમાં હજારો સૂરજ મેં જોયા ઊગીને આથમતા,
પ્રત્યેક ઉષાને પૂછ્યું છે, શું આજ દિવસ બદલાઈ જશે ?

ઓ જીવન સાથે રમનારા ! એક દી તારે રડવું પડશે,
નાદાન ! રમકડું આ તારું રમતાં રમતાં ખોવાઈ જશે.

તું છે ને અડગતા છે તારી હું છું ને પ્રયાસો છે મારા,
કાં આંખ ઉઘાડી દઉં તારી, કાં પાંપણ મુજ બીડાઈ જશે.

ઓ આંખ ! અમીવૃષ્ટિ કાજે તે આંખની આશા છોડી દે,
ચાતક ! એ ઠગારાં વાદળ છે, વરસ્યા વિણ જે વિખરાઈ જશે.

ભટકું છું ‘ગની’, દિલને લઈને કે કોઈ રીતે એ શાંત રહે,
ચમકીને ઊઠેલું બાળક છે, છેડાઈ જશે, ચીઢાઈ જશે.

– ગની દહીંવાળા

Comments (1)

પાણી ઝર્યું – સ્નેહી પરમાર

આગથી પ્રગટ્યું, ન વાયુથી ઠર્યું,
કેવું મૌલિક તેજ ફૂદડાને વર્યું!

દીકરીને બાપનું ઘર સાંભર્યું,
ઊભી થઈને કોડિયામાં ઘી ભર્યું.

પૂર્વજોએ લાવીને મૂક્યું હતું,
મેં તો ઊભા થઈને એને પાથર્યું.

એણે શસ્ત્રોની સજાવટ આદરી,
મેંય મારું આંગણું સરખું કર્યું.

એમ મારામાંથી દૂર ચાલ્યાં તમે,
માટમાંથી જે રીતે પાણી ઝર્યું.

સાથ લીધો પથ્થરોએ દેવનો,
લાકડું હળવાશને લીધે તર્યું.

– સ્નેહી પરમાર

લયસ્તરો પર કવિમિત્ર સ્નેહી પરમારના ‘ઊડતું ભાળ્યું અંધારું’ કાવ્યસંગ્રહનું સહૃદય સ્વાગત.

ફૂદાંના તેજસ્વી રંગોમાં કવિને અગનઝાળ દેખાય છે. આ એવી તો પોતિકી ઝાળ છે જે ન તો અગ્નિથી પ્રગટી શકે, ન એને વાયુ ઠારી શકે. બાપ પોતાની જાત પૂરીને, બાળીને ઘરનો દીવડો સળગતો રાખે છે એ વાત બાપ યાદ આવતાં પરિણીત દીકરી વડે કોડિયામાં ઘી ભરવાના રૂપકથી કેવી ઝળહળ થઈ છે! व्यासोच्छिष्टं जगत्सर्वम्ની વાત યાદ અપાવતો શેર થોડો અસ્ફુટ રહી ગયો છે. આપણાં વિચાર-ભાષા-કળા-આવડત આ તમામ આપણાં પૂર્વજો તરફથી આપણને મળ્યું છે, કશું આપણું પોતાનું નથી. કેવળ આપણને મળેલ વારસાને ઊભા થઈને આપણે કઈ રીતે વિસ્તારીએ છીએ એમાં જ આપણી આવડત છતી થાય છે. સામો માણસ લડવાની તૈયારી કરે, એનો સામનો કરવા કવિ સામા આયુધ સજવાને બદલે આંગણું સરખું કરે છે. પ્રેમભર્યો આવકાર જ વિરોધીને જીતવા માટેનું ખરું શસ્ત્ર ગણાય ને!? માટલામાંથી ધીમેધીમે પાણી ઝરવાની વાતને પોતાનામાંથી દૂર ચાલ્યાં ગયેલ પ્રિયા સાથે સંકળી લેતો શેર તો હાંસિલે-ગઝલ છે. છેલ્લો શેર પણ અદભુત.

Comments (5)

ચંદ્ર ૫૨ – રમેશ આચાર્ય

સૂર્યોદયની ચર્ચા થોડી,
કરવી પડશે વહેલી-મોડી.

ધરતી ફાડી અંકુર ફૂટ્યો,
રહેતું સચરાચર કર જોડી.

દરિયાનાં મોજાં મસમોટાં,
લાવે કાંઠે ફૂટી કોડી.

રેતીના કૂબા કૈં પાડી,
સાગરની હદ શિશુએ તોડી.

ચંદ્ર ઉપ૨ આદમ શું કરશે?
રહેશે ગઝલ પહેલાં ખોડી.

– રમેશ આચાર્ય

લયસ્તરો પર કવિશ્રી રમેશ આચાર્યના સંગ્રહ ‘મેં ઇચ્છાઓ સુકાવા મૂકી છે’નું સહૃદય સ્વાગત.

જીવનમાં દુઃખ-મુસીબતોની રાત વધુ પડતી લાંબી થઈ જાય ત્યારે સુખનું સવાર ઊગશે કે કેમ એ વિશે વહેલા-મોડા પણ વાત-વિચાર-પ્રયત્ન કરવા જરૂરી થઈ પડે છે. બીજમાંથી ફૂટતો અંકુર ધરતી ફાડીને બહાર નીકળે એ સંસારનું સૌથી મોટું કૌતુક છે. આ એક એવો ચમત્કાર છે, જેની સામે સચરાચર નમી જાય છે. નામ બડે ઔર દર્શન ખોટેની વાત કહેતો ફૂટી કોડીવાળો શેર પણ મજાનો થયો છે. મોટાઓની અલ્પતાની વાત કર્યા પછી તરત જ નાનાઓની મોટાઈની વાત કરતો શેર પણ આસ્વાદ્ય બન્યો છે. સરવાળે મજાની ગઝલ.

Comments (6)

પાનખર બેઠી – હેમંત પૂણેકર

જોઈ લીધી ખુશી, વ્યથા વેઠી,
તોય ક્યાં જિંદગીની ગડ બેઠી.

ભોંયભેગો ભલે થયો છું હું,
હજી હિમ્મત નથી પડી હેઠી.

સૌના જીવનના પ્રશ્નપત્ર અલગ,
એમાં ચાલે નહીં નકલ બેઠી.

મન છલોછલ છે એની યાદોથી,
એમાં ગમગીની કઈ રીતે પેઠી?

હું જ્યાં બે પાંદડે થયો ન થયો,
ઋતુ બદલાઈ, પાનખર બેઠી.

– હેમંત પૂણેકર

લયસ્તરોના આંગણે કવિમિત્ર હેમંત પૂણેકરના પ્રથમ સંગ્રહ ‘કાગળની નાવ’નું સહૃદય સ્વાગત.

ટૂંકી બહેરની ગઝલની સાંકડી ગલીમાં વેઠી-બેઠી-હેઠી જેવા પડકારભર્યા કાફિયા વાપરીને કવિતાનો પ્રકાશ કરવાનું કામ બાહોશ ગઝલકાર જ કરી શકે. ‘ગાલગા ગાલગાલ ગાગાગા’ મીટરમાં આખરી આવર્તન ‘ગાગાગા’ના સ્થાને ‘ગાલલગા’ પણ લઈ શકાય એ વાતથી તો મોટાભાગના ગઝલકાર વાકેફ હશે જ, પણ આ જ મીટરમાં પહેલા આવર્તનમાં ‘ગાલગા’ના સ્થાને ‘લલગા’ પણ લઈ શકાય એ વાત બહુ ઓછા ગઝલકાર જાણતા હશે. હે.પૂ. ગઝલશાસ્ત્રના ઊંડા અભ્યાસુ અને ખાસ તો ખૂબ જિજ્ઞાસુ કવિ છે, એટલે એમની ગઝલોમાં છંદોની આવી બારીકી જોવા ન મળે તો જ નવાઈ. ગઝલના બીજા તથા આખરી શેરના સાની મિસરાઓ- ‘હજી હિમ્મત નથી પડી હેઠી,’ ‘ઋતુ બદલાઈ, પાનખર બેઠી’–ના પ્રથમ આવર્તનોમાં મીટરનો આ વિકલ્પ કવિએ પ્રયોજ્યો છે. આટલી તકનિકી બાબત જોયા પછી ગઝલપાન સ્વયં જ કરીએ, કેમકે ગઝલ તો આખેઆખી ઉત્તમ જ છે.

Comments (11)

ઝાકળ જેવી એક છોકરી તમને મળવા આવે….. – મુકેશ જોષી

કોઈ સવારે, ફૂલો સાથે વાત કરીને
ઝાકળ જેવી એક છોકરી તમને મળવા આવે
તમે દ્વાર ખોલીને ઊભા હોવ છતાંય
સાંકળ જેવું ધીમે ધીમે તમને એ ખખડાવે
તો, તમે મૂકી દો છાતી ઉપર હાથ,
કશું વિચારો પહેલાં કિયો વિચાર આવે?

ખુલ્લી આંખે સપનું આવે, ગુલાબની પાંદડીએ એનું
નામ લખીને કંઈક જનમથી ઝૂર્યા હો ને
ખરું પૂછો તો ગઈ રાતનાં સપનાંઓનાં પતંગિયાંની
પાંખ ઉપરથી હેઠા પણ ના ઊતર્યા હો ને
તમે હજુ તો પૂછો ‘કોણ તમે’ના કોઈ ઉત્તરમાં
એ ચારેબાજુ હવા સુગંધી આવે

અજવાળું ઊગવાની ખાસ્સી વેળ હોય ને એય
તમારી સામે સૂરજમુખી જેવું ખીલવા લાગે
તમે તમારા મન માંહે સંતાડી રાખ્યો હો એ સૂરજ
ફટાક કરતો એની પાસે ભાગે
તમને એ આંજી દે આછા ઉજાસથી કે
અંધારું કે અજવાળું ના કશું જ તમને ભાવે

તમે હજુ તો મનમાં આંબો વાવો, પહેલાં ડાળ તૂટે ને
કોઈ તમારી કૂંપળ જેવી વાત ફળે ના
તમે પછીથી શોધ આદરો રસ્તાઓમાં ચહેરાઓમાં
છતાંય તમને કોઈ નક્કર ભાળ મળે ના
કોઈ સાંજે તમે એકલા બેઠા હો, ને સવાર જેવી
એક છોકરી તમને જો યાદ આવે!

– મુકેશ જોષી

 

પ્રેમના મહાપર્વએ નાજુક નમણું-શું પ્રેમગીત….ગીતનો ઉપાડ આખા ગીતને અલગ જ ઉંચાઈ આપી દે છે. છેલ્લો અંતરો પણ મનભાવન છે…

Comments (1)

અલંગ (જહાજવાડો) – ચન્દ્રકાન્ત ટોપીવાળા

(ક્રાન્ત શિખરિણી)

જહાજો ક્યાં ક્યાંથી જરઠ ઘરડાં જીર્ણ આવી ઊભેલાં
વીતેલી વેળાનાં જલ છબછબે છીછરા કાદવોમાં
ધ્રૂજે વાંકીચૂકી વિકળ છબીઓ, મ્લાન આ ધૂંધળાશે
હવા ડ્હોળાયેલી કરચલીભર્યાં વાદળો સાવ ફિક્કાં.
પીંખાયેલું રૂ કે ગલ રખડતાં એકલાં આમતેમ?
ઊડે કોરા રેતીકણ? નહિ, ક્ષણો કાળને હાથ ચૂર્ણ!

જહાજો સંભારે સભર દરિયે વ્હેલવહેલા વહેલા
વિલાસોને, મોજે છલકી ઊઠતાં વૈભવો ને મજાને.
નવા રંગે રંગ્યા ચક ચક થતાં માળ ને કૈંક સીડીઓ
ધજાઓ લહેરાતી અરુપુરુ ઊભી કેબીનોની કતારો
પૂલો ને રેસ્ટુરાં ધમધમત થીએટરો કૉફીબારો
સુરા ને સૂરોની રમઝટ, ઝૂમે ટ્વિસ્ટ ને જૅઝનાદો.

જહાજો સ્વપ્નોની તૂટતી નીરખે ભવ્ય જાહોજલાલી!
હથોડા ટીપાતા ધસમસ ધસી આવતો ક્રેઈનફાંસો
ઘૂમે રાતી ચારેગમ અગનને ઓકતી ગૅસજ્વાલા
ઊંડું કાપે પાડે ધડ ધડૂસ કૈં પાટની પાટ ભોંયે
ઉશેટે ડાચાથી ડગડગત બુલ્ડોઝરો જે મળ્યું તે
ટ્રકો તોડ્યું ફોડ્યું સઘળું હડપે ઘૂરકે જાય આવે!

જહાજો ક્યાં? ક્યાં છે ક્ષિતિજ ભરી દેતી જહાજોની હસ્તી?
અહીં ભંગારોના ઢગઢગ ઊભા થાય ધીમેક ખાલી
ધગે ભઠ્ઠા વેરે અસહ તણખા અગ્નિના ભાંડ ભાંડે
નર્યા લાવા જેવો રસ ખદખદે ઊકળે લાલચોળ
નીકોમાં રેડાતા વહી વહી ઠરી વ્હાર ઠેલાઈ ત્યાં તો
નવી તાજ્જેતાજી ચક ચક જુઓ આવતી સ્ટીલ-પ્લેટો !

જહાજો ! યાત્રાઓ અગણિત તમે દીધી છે જોજનોની
હજારો યાત્રીને, નિતનિત નવાં બંદરો દાખવ્યાં છે!
અજાણ્યાં દૃશ્યોને નિકટ ધરીને દૂર કીધાં અદૃશ્ય
તરંગોની છોળે લખલૂટ કરાવી તમે સ્હેલગાહો!
તમે યાત્રા આજે ખુદ શરૂ કરી, જીર્ણતાને વટાવી
વટાવી ભંગારો ચક ચક નવા બંદરે નાંગર્યાં છો!

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

ભાવનગર જિલ્લામાં દરિયાકાંઠે આવેલ અલંગ વિશ્વના નક્શામાં અલગ જ સ્થાન ધરાવે છે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ દુનિયામાં સૌથી મોટો જહાજવાડો ગણાય છે. ચલણમાં ન હોય એવા દુનિયાભરના જહાજો તૂટવા માટે અહીં આવે છે. અલંગના જહાજવાડા ઉપર આવી કવિતા આપણી ભાષામાં તો દીવો લઈને શોધો તોય નહીં જડે.

અલંગના જહાજવાડામાં ક્યાંક્યાંથી જૂનાં જીર્ણ થયેલાં જહાજો આવી ઊભાં છે. કાંઠાના છીછરા કાદવમાં વીતેલી વેળાઓ છબછબી રહી છે. હાલકડોલક પાણીમાં જહાજોની છબી વિકળ થઈ રહી છે અને સમગ્ર વાતાવરણ આ વિનાશના નિરાશ સૂરમાં પોતાનો સૂર પૂરાવતું હોય એમ હવા અને ડહોળાયેલી લાગે છે, વાદળો સાવ ફિક્કાં લાગે છે. હવામાં પીંખાયેલ રૂ ઊડી રહ્યું છે કે સીગલ પક્ષીઓ એ કળવું અઘરું થઈ પડ્યું છે. કોરી રેતીના કણ નહીં, જાણે કાળને હાથે ચૂર્ણ થઈ ગયેલી ક્ષણો ધૂંધળી હવામાં ઊડી રહ્યા છે.

જહાજવાડે તૂટવા આવેલ જહાજોને પોતાના પહેલવહેલા વિલાસોથી લઈને આજદિન પર્યંતની સફરના નાનાવિધ મુકામો સાંભરે છે. રેસ્ટુરાં અને જૅઝનાદો જેવા ભાષાપ્રયોગ થોડા કઠે ખરા, પણ સરવાળે જહાજો પોતાના તૂટતાં સ્વપ્નોની જાહોજલાલી બિરખતાં હોવાનું દૃશ્ય સુપેરે ઉપસી આવ્યું છે. હથોદા ટિપાઈ રહ્યા છે, ક્રેઇન ફાંસો બનીને ગળાં ઝાલે છે, ગૅસજ્વાળાઓ અગન ઓકતી બધું સ્વાહા કરી રહી છે, પાટની પાટ ભોંયભેગી થઈ રહી છે અને જે બચી જાય છે એને ડગડગત ચાલતા બુલડોઝરો કોળિયો કરી રહ્યાં છે. છેવટે બધો ભંગાર એકધારી આવજા કરી રહેલી ટ્રકોમાં લાદી અન્યત્ર મોકલી દેવાય છે.

ક્ષિતિજોને ભરી-ઢાંકી દેતાં જહાજોની હસ્તી નસ્ત પામી રહી છે. ભંગારના ઢગલા ખડકાઈ રહ્યા છે. અને અગ્નિની ભઠ્ઠીઓમાં એને પીગળાવવામાં આવતાં ચકચકાટ કરતી સ્ટીલની પ્લેટો બની રહી છે. સુન્દરમ્ નું ‘ઘણ ઉઠાવ’ સૉનેટ યાદ આવે. નવસર્જન કરવું હોય તો જૂની વસ્તુઓને તોડીને હટાવવી જ રહી.

કાવ્યાંતે કવિ તૂટી ગયેલાં-તૂટી રહેલાં જહાજોને સંબોધીને આશ્વાસન આપતાં કહે છે કે, તમે અગણિત યાત્રાઓ કરીને અગણિત યાત્રીઓને મુસાફરીઓ કરાવી છે, મંઝિલભેગા કર્યા છે. અત્યાર સુધીની યાત્રાઓ તમે અન્ય લોકો માટે કરી, પણ હવે આ જહાજવાડામાં તમારી ખુદની યાત્રાની શરૂઆત થઈ છે. જીર્ણતાને અને ભંગારોને વટાવી અગ્નિમાં તપીને તમારો આજે નવોન્મેષ થઈ રહ્યો છે અને તમે તમારી ગઈકાલ છોડીને તમારી આવતીકાલ તરફની યાત્રા પ્રારંભવા માટે ચકચક થઈને નવા બંદરે નાંગર્યા છો… કવિની દૃષ્ટિ સામાન્ય માણસોની દૃષ્ટિથી કેવી અલગ અને અદભુત હોય છે એ વાત આપણને સમજાય છે.

Comments (14)

એ જ વાત – ચન્દા રાવળ

બસ,
.        એ જ વાત ના છેડો.
શીદને ચાહું, શી વિધ ચાહું, કેમ સહું તમ ચેડો.
.       એ જ વાત ના છેડો
.     માધવ
.       એ જ વાત ના છેડો.

કદમ્બ-વૃક્ષે પાન ફૂટતાં
.       જમુના જલમાં લ્હેરો.
મધુવનની વાટે પથરાતો
.       પ્રણય, પ્રિયા તમ ઘેરો.
.       ક્યાંય નહીં ત્યાં કેડો.
બેય નયનમાં રોપ્યા તમને, ઊગ્યો મબલક નેડો!

વળી વળીને પૂછો શાને?
.       હોઠ મરકતા લાગે.
જાણે ફૂલ ઊપર કો’ ભમરો
.       ડંખ દિયે અનુરાગે.
.       મુજને ના છંછેડો.
બેઉ ઓષ્ઠમાં ગોપ્યા તમને; ગુંજ્યો મનનો મેડો.

.       બસ, એ જ વાત ના છેડો.
બેઉ નજરમાં પ્રોવી અમને હ્રદયદુવારે તેડો,
.       માધવ, હૃદયદુવારે તેડો!

– ચન્દા રાવળ

કોઈને ચાહવાનાં તે કંઈ કારણ હોતાં હશે? પ્રેમ એટલે તો બસ, પ્રેમ… એમ પૂછીને થાય નહીં પ્રેમ, ખરું ને? પણ આ જુઓ, નટખટ માધવ મુરારી તો ગોપી પાસે પોતાને ચાહવાનાં કારણ જાણવા પૃચ્છા કરી રહ્યો છે. પણ ગોપીય કંઈ જાય એમ થોડી છે? માધવની વહાલી કંઈ જેવી તેવી હોય? જવાબતલબી કરી રહેલ કાનાને ગોપી શું કહે છે તે જાણવા જેવું છે. માધવ મુરારીએ તો પૂછી લીધું કે ગોપી એને શા માટે ચાહે છે, કઈ રીતે ચાહે છે. પણ ગોપી એકદમ સ્પષ્ટ છે – કેરી ખાવ, ઝાડ શા માટે ગણવાં? એ માધવને કહે છે, કે બસ, આ એક જ જ વાત છેડશો નહીં. કદમ્બ વૃક્ષ પર પાન ફૂટે અને જમુનાના જળમાં લહેરો ઊઠે એમ મધુવનની વાટે પથરાયેલ માધવના અસીમ અફાટ પ્રેમે એને ચારે તરફથી એવો ઘેરો ઘાલ્યો છે કે ભાગી છૂટવાનો કોઈ કેડો જ બચતો નથી. નજરોમાં કેવળ માધવ જ સમાયો હોય ત્યાં મબલખ સ્નેહ ન ઊગે તો જ નવાઈ. પણ કૃષ્ણ તો હતા જ ટિખળી. મંદમંદ મરકતાં એ વળી-વળીને નિષિદ્ધ પ્રશ્ન કરે છે ત્યારે ભમરો ફૂલને પ્રેમથી ડંખે એવો આહ્લાદ ગોપી અનુભવે છે. બેઉ નયનમાં કેવળ માધવને જ સ્થાન આપ્યા બાદ હવે બેઉ અધર પર પણ એનું જ સ્થાન હોવાની જાહેરાત ગોપી કરે છે. રાત-દિ ગોપીના હોઠે માધવનું જ નામ હોવાને લઈને મનનો મેડો ગુંજારવથી ભરાઈ ઊઠ્યો છે. સામા સવાલ કરવાના બદલે માધવ પણ પોતાને નજરોમાં પ્રોવીને પોતાના હૃદયમાં સ્થાન આપે એ જ ગોપીની અભ્યર્થના છે. સરવાળે, સહજ ભાષા અને પ્રવાહી લયને લઈને મનમાં લાંબા સમય સુધી રણઝણ્યા કરે એવું મધુરું સ્નેહગીત…

પ્રાસ સાચવવા કવયિત્રીએ ‘ચેડાં’ શબ્દ સાથે ચેડાં કરીને ‘ચેડો’ શબ્દ ન વાપર્યો હોત તો રચના વધુ આસ્વાદ્ય બની હોત.

Comments (5)

એ તારે ઘર આવ્યો તેડે – ઉશનસ્

એ તારે ઘર આવ્યો તેડે, ચાહીને તવ યાર,
અભાગણી, જોજે પાછી તું રાખે બંધ દુવાર;

આ પળ તારે ભાયગ,
જે આવે છે કોક જ વાર,
જેને કા૨ણ જોગીજતીઓ
લે છે લખ અવતાર;
શું શોચે છે? આંગણ આવ્યાં વરી લે, દૈ વરમાળ.      એ૦

એ પોતે તવ આંગણ આવ્યો,
પછી શું ઘર ને બ્હાર?
એહની સંગે નીકળી પડવા
તું છે કે તૈયાર?
પ્હેર્યે વસને, વણશણગારે, વણહુંપદને ભાર?      એ૦

જરીય મોં ફેરવીને પાછી
જોઈશ મા તું અતીતે,
એ છોડ્યું તે છોડ્યું,
જોડવું મન જો મનના મીતે;
ખુલ્લું એમ જ ઘર મૂકી જા, જા નવલે સંસાર.      એ૦

છતછાપરુંયે આડશ અમથી
આડશ ભીંત-કમાડ,
સૌ સોંસરવી નીકળી જા તું,
ઠેકી જા સૌ વાડ;
તક છે છેલ્લી, મળી કે મળશે, નીકળી જા નિજ પાર.      એ૦

– ઉશનસ્

સાક્ષાત્ ઈશ્વર અભાગણીને તેડવા એના ઘરે ચાહીને આવ્યો હોવાથી કવિ એને દ્વાર બંધ ન રાખવા તાકીદ કરે છે. જીવનમાં ક્યારેક જ આવતી આ પળ પામવા જોગીઓ અને જતિઓ લાખ-લાખ અવતાર લે છે અને આવામાં નાયિકાને વિચારમગ્ન જોઈ કવિ વળી એને ચીમકી દેતા કહે છે કે આંગણે આવેલ પ્રભુને વરમાળ આપીને એની સાથે લગ્ન કરી લે. ઈશ્વર આંગણે પધારે ત્યારે અંદર-બહાર બધું એકસમાન થઈ જાય છે. આપણે એ વિચારવાનું છે કે પહેર્યે કપડે, કોઈ પણ જાતના સાજશણગાર વિના અને હુંપદનો ભાર ત્યજીને આપણે એની સાથે નીકળી પડવા તૈયાર છીએ કે કેમ? મનમીત સાથે નવલો સંસાર માંડતી વખતે નથી અતીત તરફ મોં ફેરવીને જરાય જોવાની જરૂર કે નથી ઘર વાખવાની કોઈ આવશ્યકતા. ભૂત અને વર્તમાન –ઉભયને છોડીને ભાવિના પંથે ચાલી નીકળવાનું છે. છત-છાપરાં-ભીંત-કમાડ –આ તમામ આ ક્ષણે આડશ સમા લાગશે. જીવનને બાંધી રાખતી તમામ પળોજણોની વાડ ઠેકીને ખુદની પણ પાર નીકળી જવાનું છે, કેમકે આજે જે આ તક જીવનમાં આવી છે, એ આખરી તક છે.

સૉનેટ અને ઊર્મિકાવ્યોના સ્વામી ગીતનો હાથ ઝાલે છે ત્યારે મકરંદ કે હરીન્દ્ર દવે જેવી મુલાયમતાના સ્થાને તળ ગુજરાતની ખરબચડી બાની અછતી રહેતી નથી. પણ ઉત્તમ કવિના હાથમાં કાવ્યસ્વરૂપની માવજત થોડી બરછટ થાય તોય કાવ્યતત્ત્વ તો નિરવદ્ય જ રહે છે એની પ્રતીતિ અહીં થયા વિના રહેતી નથી.

Comments (4)

કઈ કૂંચી, કઈ કળ… – યોગેશ પંડ્યા

બ્હાર ઓલ્યો ધોધમાર મેઘરવો વરસે ને
અંદર બરકે છે મારો સાયબો.

આડઝૂડ વીંઝાતી ઝડીઓમાં ઓગળી એવું ભીંજાય મારું તન,
જાણે કે ફાટફાટ દરિયા ફાટ્યા કે પછી ફાટ્યું છે આખું ગગન;
ઊભી જ્યાં નેવાંની હેઠ્ય હું તો સ્હેજવાર આરપાર મારું ગવન!
બ્હાર ઊભી ખુદ હું થઈ ગઈ વરસાદ અને
અંદર મરકે છે મારો સાયબો!

કોરી થાવાને હું તો નાવણિયે ગઈ પણ સાંકળ દેવાનું ગઈ ભૂલી,
હળવેથી સાયબાએ ઝીલી, ’ને શરમાઈ સાયબાની બાંહોમાં ઝૂલી;
સાનભાન ખોયું ને ખબર્યું ના રહી, કઈ કૂંચીથી કઈ કળ ખૂલી?
બ્હારના કમાડ આડાં હળવે દીધાં ને હવે-
અંદર ફરકે છે મારો સાયબો.

– યોગેશ પંડ્યા

વાદળ અને વહાલના બેવડા વરસાદમાં ભીંજાતી નાયિકાની મજાની સંભોગશૃંગાર રચના. બહાર મેઘ ધોધમાર વરસી રહ્યો અને ઘર ભીતરથી સાહ્યબો અવાજ દઈ રહ્યો છે. બહાર વરસાદ અને ભીતરથી વર સાદ! નાયિકા ધોધમાર વરસાદમાં ઘરબહાર કેમ નીકળી છે એનો ફોડ કવિએ પાડ્યો નથી. જરૂરી પણ નથી. આડઝૂડ વીંઝાતી વરસાદની ઝડીઓમાં નાયિકાનું તન એવું ઓગળી ગયું છે કે એ ખુદ વરસાદ બની ગઈ છે… આ વરસાદમાં પછી સાહ્યબો પણ મનભર નહાઈ લે છે. શરીર લૂછી કોરી થવા નાયિકા નાવણિયામાં તો પ્રવેશી પણ સાંકળ દેવાનું ભૂલી ગઈ. સાહ્યબો અંદર પ્રવેશી એને ઝાલે ને ઝૂલાવે છે ત્યારે સાનભાન સ્વાભાવિકપણે જ હાથ રહેતાં નથી. કઈ કૂંચીથી કઈ કળ ખૂલીનો સંભોગશૃંગાર ‘અંદર ફરકે છે મારો સાયબો’ પંક્તિમાં રતિસુખની ચરમસીમાએ પહોંચે છે, અને વહાલની આ હેલીમાં આપણને પણ ભીંજાયા હોવાની અનુભૂતિ થયા વિના રહેતી નથી.

Comments (8)

કામ આવી છે – વિકી ત્રિવેદી

નથી તારું ગજું કિંતુ હિમાયત કામ આવી છે,
કહું જો સ્પષ્ટ શબ્દોમાં: ખુશામત કામ આવી છે.

વધારાનું કદી પણ ના ખપે, આદત હતી મારી,
અભાવોમાં મને મારી એ આદત કામ આવી છે.

ભલા નિષ્ફળ મહોબ્બતને નકામી કઈ રીતે કહેવી?
ઘણાયે શેર લખવા આ મહોબ્બત કામ આવી છે.

નહિતર તો પ્રસિદ્ધિની હવામાં ઊડતો હોતે,
મને ધરતી ઉપર રહેવા બગાવત કામ આવી છે.

જીવન એકેક કરતાં તૂટતાં જોવામાં વીતી ગ્યું,
મને સ્વપ્નોની આ મોટી વસાહત કામ આવી છે.

બીજી વેળા જવું કે નહિ સગાઓના ઘરે પાછું,
એ નક્કી કરવા માટે તો શરારત કામ આવી છે.

આ જંગલરાજમાં જો જીવવું છે તો તું સક્ષમ થા,
અહીં કોને કદી કોઈ અદાલત કામ આવી છે?

સતત જો પ્રેમ મળતે તો ‘વિકી’ આગળ નહીં જાતે,
મને આગળ જવા લોકોની નફરત કામ આવી છે.

– વિકી ત્રિવેદી

નોખા મિજાજના નોખા કવિની ગઝલ.

Comments (3)

નામ રણનું – કોટક ધાર્મિક ‘ગોપાલ’

નામ રણનું ભલે નદી રાખો
નહિ છીપાવે તરસ, લખી રાખો.

જાતને આયનો બનાવીને
જાતની સામે બે ઘડી રાખો.

આંસુઓ શાયરીને આપી દ્યો,
આંખમાં ફક્ત શાયરી રાખો.

એની મરજી એ આવે ના આવે
આપણે બોર તો વીણી રાખો.

– કોટક ધાર્મિક ‘ગોપાલ’

ચાર જ શેર, ટૂંકી બહેર અને સંઘેડાઉતાર રચના. સરળ ભાષામાં અર્થગહન મનનીય અભિવ્યક્તિ. આંખમાં ફક્ત શાયરી રાખોવાળો શેર તો દિલને સ્પર્શી ગયો. છેલ્લા શેરમાં કાફિયાદોષ નિવારી શકાયો હોત તો વધુ સારું થાત.

Comments (17)

(लगता है वो अब आएगा) – मेगी असनानी

लगता है वो अब आएगा
फिर लगता है, कब आएगा !

क्या लिखना है इन रातों को?
ख़ुद जानेगा, जब आएगा

उसके साथ गया है सबकुछ
जब आएगा सब आएगा

पास क़यामत आ ही गई अब
शायद वो भी अब आएगा

मैं कहती हूँ तो ये तय है
प्यार का उसको ढब आएगा

आने का बोला था उसने
बोला था मतलब आएगा

उसका आना ऐसे होगा,
जैसे मेरा रब आएगा

– मेगी असनानी

ઘણા ગુજરાતી કવિઓની કલમ ગુજરાતી ભાષા સુધી સીમિત ન રહી અન્ય ભાષાઓના સીમાડાઓ તાગવા આગળ વધી છે. પરભાષાના ગુલદસ્તામાંથી એક ફૂલ આજે લયસ્તરોના ભાવકો માટે. સરળ-સહજ ભાષામાં આખેઆખી ગઝલ આસ્વાદ્ય.

Comments (3)

ધીમી ધારે – તનસુખ શાહ ‘સ્વપ્નિલ’

ટપ… ટપ… ટપ… ટપ… ધીમી ધારે,
દિલને તારી યાદો શારે.

ધા… તીન… ના.. બાજે મોભારે,
ભીતર વરસે તું ચોધારે.

સપનાં તો વણઝારા જાણે,
ના જાણે ક્યાં કાલ સવારે.

છાતી ફાડી ગીતો જાગે,
મેઘ મલ્હારે આભે જ્યારે.

ગામ-ગલી તો નદીયુંમાં, ને–
હું ડૂબ્યો, પાંપણ-ઓવારે.

ધસમસતો લીલપનો આસવ,
તન પર ચઢતો પહેલી ધારે.

– તનસુખ શાહ ‘સ્વપ્નિલ’

કયા શેર પર આંગળી મૂકવી અને કયા પર નહીં એ જ સમજાતું નથી. ટપ-ટપ-ટપ-ટપ ધીમી ધારે પ્રિયજનની યાદો પ્રેમી હૈયાને શારતી રહે છે એ વાત બે સાવ નાના મિસરામાં સાવ સહજ ભાષામાં પણ કેવી બળુકતાથી કવિએ રજૂ કરી છે. કાફિયાનો આવો સમુચિત ઉપયોગ જવલ્લે જ જોવા મળે છે. ઘરના મોભારે વરસાદના ટીપાંઓ હળવું સંગીત સર્જે છે, પણ કથકની ભીતર પ્રિયજન તો ચોધારે વરસે છે. સરવાળે, આખેઆખી ગઝલ આસ્વાદ્ય થઈ છે.

Comments (18)

પ્રથમ પ્રણયાનુભૂતિનું ગીત – જયેન્દ્ર શેખડીવાળા

સોળ વાંભ-વા ઊંડા જળમાં રાવ પડી છે રે ટહુકાની…
છેદ પડ્યો છે છ૨કમ્ છરકમ્, હેમખેમ છે અકબંધ પ્હાની…

ટહુકો લસલસ પગમાં પેઠો
સણકાવત્ ઉંમર પર બેઠો
સખિયન! ટહુકો મેલો હેઠો
જિયાઝૂલણ કંપારી વેઠો
લોહી હલ્યા રે અચરમ્ અચરમ્ રાગ પધાર્યા ધિન્ ધિન્ તાની…
સોળ વાંભ-વા ઊંડા જળમાં રાવ પડી છે રે ટહુકાની…

પહેલી નથ તું પ્હેરું
ત્યારે પ્હેલવારકી મૂંછ ઉતારું
છબછબિયું અન્ધારું
વ્હે ત્યાં સોળ કળાએ ડૂબકી મારું
જળ બિરાજ્યા જિયરા હારે રાધે વાત કરે વનરાની…
સોળ વાંભ-વા ઊંડા જળમાં રાવ પડી છે રે ટહુકાની…

– જયેન્દ્ર શેખડીવાળા

સોળ વર્ષની મુગ્ધ વય પ્રેમમાં પડવાની વય છે. ષોડશીના પ્રથમ પ્રેમની અનુભૂતિનાં ગીતો તો આપની પાસે ઘણાં છે, પણ સોળ વરસના લબરમૂછિયા નવયુવાનની પ્રેમાનુભૂતિની આવી રચના ભાગ્યે જ માણવા મળશે. સોળ વરસથી સ્થિર ઊંડા જળમાં અચાનક ટહુકાની રાવ પડતાં જાણે કે તોફાન મચ્યું છે. ટહુકાની રાવ સાથે આમ તો ઝાડની ડાળ યાદ આવે, પણ અહીં કવિએ ઊંડા પાણીમાં ટહુકાની રાવ પડી હોવાનું કપ્લન બાંધીને પ્રથમ પંક્તિથી જ ભાવકને આ રચના જરા હટ કે હોવાનો ઈશારો પણ કર્યો છે. પ્રેમનો આ ટહુકાર છરી ન હોય એમ સોળ વરસના અકબંધ અસ્તિત્ત્વમાં જાણે કે આછો કાપો પડી જાય છે. છરકમ્ છરકમ્ – આ રવાનુકારી (onomatopoeia) શબ્દની દ્વિરુક્તિ છરીથી આછો છરકો પડવાની ક્રિયાને ચાક્ષુષ કરી દે છે.

અકબંધ પાનીના ઉલ્લેખ મિષે પરીક્ષિત અને કળિયુગની ઓછી જાણીતી વાર્તા યાદ આવે. કળિયુગ સામે પરીક્ષિત અડીખમ હતા પણ એમણે એને સોનામાં રહેવાની રજા આપી એ કારણે કળિયુગે એમના મુગટમાં ઘર કરી લીધું હતું, જેના દુષ્પ્રભાવના કારણે તક્ષક નાગના ડંખ અને સાત દિવસમાં મૃત્યુનો શાપ રાજાને વેઠવાનો આવ્યો હતો એ કથા સર્વવિદિત છે. પણ એક ઓછી જાણીતી ઉપકથા મુજબ દેહધાર્મિક ક્રિયા પતાવ્યા બાદ પરીક્ષિત રાજાએ હાથ-પગ ધોયા પણ પગની પાની ધોવાની રહી જતાં કળિયુગ શાપ મુજબ પગની પાનીમાં થઈને એમના દેહમાં પેઠો હતો. કવિને આ સંદર્ભ અભિપ્રેત હશે કે કેમ એ તો ખ્યાલ નથી પણ નાયિકાની પગની પાની અકબંધ છે એમ કહ્યા બાદ પછી તરતની પંક્તિમાં ટહુકાનું લસલસ કરતુંકને પગમાં પેસવાની વાત આવે છે.

કોઈકનો અવાજ સોળ વરસથી અકબંધ વ્યક્તિત્ત્વમાં છેદ કરીને અંદર ઊતરી ગયો છે. સણકા ઊપડી રહ્યા છે. નાયક નાયિકાને કહે છે કે, હે સખી! આ ટહુકો કોનો છે એની પંચાતમાં પડવાના સ્થાને હૈયા આખાને હચમચાવી દે એવી જે કંપારીઓ જન્મી છે, એને વેઠવાની મજા લો. પ્રણયસંગીત ના ધિન ધિન તાને લઈને લોહીમાં ખળભળાટ મચ્યો છે.

હિંદુ પરંપરા અનુસાર છોકરી એના લગ્નના દિવસે નથ પહેરે છે અને સુહાગરાતે પતિ એ નથ ઉતારી બે દેહનું અદ્વૈત સાધે છે. પણ નાયક નથ ઉતારવાના બદલે જીવનમાં પહેલીવાર પોતાની મૂંછ ઉતારવાની વાત કરે છે, એ સૂચક છે. સ્ત્રી ઉપર પૌરુષી કબજો મેળવવાના બદલે નાયકની નેમ પોતાના અહંકારનો ત્યાગ કરવાની વધુ છે. આ જ સાચો પ્રણય છે ને! એ પછીની સંભોગશૃંગારની વાત તો સહજ સમજાય એવી છે…

Comments (12)

ખુશબૂથી મારું…..- અનિલ ચાવડા

ખુશબૂથી મારું ગળું ટૂંપાવ નહિ.
છોડ, આ રીતે મને મ્હેંકાવ નહિ.

છું પ્રતીક્ષાના પરમ આનંદમાં,
તું મને મળવા સમયસર આવ નહિ.

હું પળેપળ ખૂબ બદલાતો રહું,
મારી સાથે પણ મને સરખાવ નહિ.

મારું આ ઊંડાણ છે મારા સમું,
ખીણ, દરિયો, ખાઈ, કૂવો, વાવ નહિ.

એમ ભીતરમાં અનામત ક્યાંથી દઉં?
જ્યાં સુધી તું યોગ્યતા દર્શાવ નહિ.

ખાલીપાનો આ કૂવો અકબંધ રાખ,
હાજરી નાખીને તારી પૂરાવ નહિ.

– અનિલ ચાવડા

છું પ્રતીક્ષાના પરમ આનંદમાં…..- આ શેર પર હું અટકી ગયો….

આખી ગઝલ મજબૂત….

Comments (3)

આવી સૈયર ઠંડી..! – પ્રકાશ પરમાર

આવી સૈયર ઠંડી..!
સાવરિયાની અકોણાઈમાં હવે આવશે મંદી…!
આવી સૈયર ઠંડી.

મેડીનો સુનકાર પાછા પગલે પાછો થાશે;
કડલાં કાંબીનો કેલીરવ પડસાળે પડઘાશે.
પર્વત શિખર ચડી ઉતરશે ખીણમાં આ પગદંડી….!
આવી સૈયર ઠંડી.

સાજન મુજને પીશે માની કઢિયેલ દૂધનો કળશ્યો;
ગટકગટ ગટગટાવે મુજને તોયે રહેશે તરસ્યો..!
નાગરવેલના પાનની ફૂંપળ બનશે ફરી ફરંદી….!
આવી સૈયર ઠંડી.

ઓળંગીને આડ બધીએ ઓગળશું ઉભયમાં,
બોલકા મૌનનો હૂંફાળો સંવાદ રચીશું લયમાં.
પાતળિયાની પટરાણી થઈ મોજ માણશે બંદી..!
આવી સૈયર ઠંડી.

– પ્રકાશ પરમાર

ઠંડી એટલે ભરસંસારમાં પાનખર પણ ઘરસંસારમાં વસંત ઋતુની સંવાહક. રાતની ઠંડકમાં હૂંફ અર્થે પિયુ સાયુજ્ય સ્થાપવા આવશેની ખાતરીમાંથી જન્મેલું મજાનું ગીત આસ્વાદીએ. સતત તોરમાં ફરતા રહેતા સાંવરિયાની અકોણાઈમાં હવે મંદી આવશે એની નાયિકાને પ્રતીતિ છે. મેડીનો સૂનકાર કડલાં-કાંબીના કેલીરવમાં પડસાળ સુધી પડઘાશે. પાછા પગલે પાછા થવાની વાતમાં કવિકર્મનો રણકો સંભળાય છે. પાછા-પગલે-પાછો-પડસાળે-પડઘાશે-પર્વત-પગદંડીમાં ‘પ’ની વર્ણસગાઈ તથા કડલાં-કાંબી-કેલીરવ સાથે સુનકારના કારનો ‘ક’કાર પણ આખા બંધને રણકતા-પડઘાતા રાખે છે. શિખર ચડીને પગદંડીના ખીણમાં ઉતરવાનો સંભોગશૃંગાર મેડી-પરસાળના રૂપકથી અળગું પડી જાય છે એ નિરવદ્ય કાવ્યરસમાં થોડો ખટકો જરૂર પેદા કરે છે. સાજન પોતાને કઢિયેલ દૂધનો કળશ્યો ગણીને આકંઠ પીશે પીશે ને તોય તરસ્યો રહેશે એ આત્મવિશ્વાસ કાવ્યપ્રાણ સમો છે. અહીં પણ નાગરવેલના પાનની કૂંપળના ફરી ફરંદી બનવાવાળી ક્રોસલાઇન જામતી નથી. શાંત વસ્તુ તોફાની બનશે એવી અભિવ્યક્તિ કવિને હૈયાવગી હોય એમ જણાય છે, પણ નાગરવેલના પાનની બે વિરોધાભાસી અવસ્થા જળ-પવન જેવા પ્રતીકોમાં જેમ સ્પષ્ટ થઈ શકી હોત એમ થઈ શકતી નથી. ત્રીજો બંધ સહજ છે. કાયમ માટે બંદી થઈને રહેતી પત્ની હવે ઠંડીના પ્રતાપે પાતળિયાની પટરાણીનું ગરવું સ્થાન પામશે એ વાત સ્પર્શી જાય છે.

Comments (11)

(કઈ રીતે ધારું?) – અંજના ભાવસાર ‘અંજુ’

તને છોડી જયારે બીજું કંઈ વિચારું!
ઘડી એવી ધારું તો કઈ રીતે ધારું?

પછી બમણા વેગે તું ભેટી પડે છે,
હું તકરાર પણ એટલે આવકારું.

અધૂરી રહી પણ, ગઝલ પૂરી આપે-
ભલા, ઋણ ઇચ્છાનું ક્યાંથી ઉતારું!

તને યાદ ના હો ભલે શબ્દ મારા,
છે મારા સ્મરણમાં હજી મૌન તારું.

ભલે ભૂલ છે તું, મને તું ભૂલ્યો છે;
છતાં તું ગમે છે, તને નહિ મઠારું.

કઈ ફૂટપટ્ટીથી માપું એ અંતર?
તું કહેતો હતો ‘તારું’, કહે છે ‘તમારું’!

– અંજના ભાવસાર ‘અંજુ’

સાંભળતાવેંત ગમી જાય એવી ગઝલ. પણ બીજીવાર સાંભળો કે વાંચો ત્યારે પહેલીવાર કરતાં વધારે ગમી જવાની ગેરંટીવાળી. પ્રિયજન સિવાયનું કશું બીજું વિચારી જ ન શકાય એવી પ્રેમની પરવશતા મત્લામાં કેવા સરળ શબ્દોમાં વ્યક્ત થઈ છે! પ્રણયોર્મિની આ ઉત્કટતા તો કેવળ સ્ત્રીની કલમમાંથી જ જન્મી શકે. સંબંધમાં ઝઘડો પ્રેશરકૂકરનું કામ કરે છે. સમય પર સીટી ન વાગે તો કૂકર ફાટી જાય. સંબંધમાં ઝઘડાની સીટી સમયે-સમયે વાગતી રહે તો હૈયાવરાળ નીકળી જવામાં આસાની રહે. અને એકવાર સીટી વાગી જાય એટલે કૂકર જે રીતે રસોઈ બરાબર બનાવવાના કામે લાગી જાય, એ જ રીતે તકરાર કર્યા બાદ બે પ્રિયજન ‘ન સાંધો ન રેણ’ની જેમ એકમેકમાં ઓગળી જતાં હોય છે. ઝઘડા પછી બમણો પ્રેમ મળતો હોવાના લોભે જ નાયિકા ઝઘડાને પણ આવકારે છે. પૂરી ન થતી ઇચ્છાઓ આખરે શબ્દોમાં અભિવ્યક્તિ શોધી લેતી હોય છે, એ વાત તો સર્વવિદિત છે, પણ સર્જક જ્યારે આ અધૂરી ઇચ્છાઓનો ઋણસ્વીકાર કરે છે ત્યારે કવિતા સર્જાય છે. સરવાળે સાદ્યંત આસ્વાદ્ય ગઝલ…

Comments (16)

(દિલ વધારે દુઃખશે) – ‘અગન’ રાજ્યગુરુ

કોઈ આવીને હવે જો પૂછશે-
‘કેમ છો’ તો દિલ વધારે દુઃખશે!

જે મળે છે એ બધા ગમગીન છે;
કોણ મારા આંસુઓને લૂંછશે?

એ જ સારું કે મને જોયા કરો;
સ્મિત ક૨શો તો ઘણાંને ખૂંચશે!

મારી દોલત માત્ર મારા શબ્દ છે,
કોણ આવીને કહો એ લૂંટશે?

જેમના માટે વધુ હો લાગણી;
જોઈ લેજો, એ વધારે રુઠશે!

રોજ મારી બેડીઓને તાકું છું;
રોજ એવું લાગતું કે તૂટશે!

ના રહે ઉમ્મીદ કોઈ તો ‘અગન’
આયખું કોના સહારે ખૂટશે?

– ‘અગન’ રાજ્યગુરુ

સરળ પણ હૃદયસ્પર્શી વાત કરતી ગઝલ. જિંદગી દુઃખસાગરમાં એવી તો ગરકાવ થઈ ગઈ છે કે કોઈ પૂછવા ખાતર પણ ખબર-અંતર પૂછી બેસશે તો દિલ વધુ દુઃખનાર છે. ઈર્ષ્યાભાવ પણ આજની દુનિયા પર એવો અજગરભરડો લઈને બેઠો છે, કે પ્રિયપાત્ર પાસેથી કવિ કેવળ તારામૈત્રકની જ અપેક્ષા રાખે છે, કારણ એને સ્મિત આપતાં જોઈ જશે તો ઘણા લોકોને પેટમાં દુઃખશે. કવિની દોલત કોઈ લૂંટી શકવાને સમર્થ નથી એ વાતે ખોંખારતો શેર ઘણો મજાનો થયો છે. સરવાળે આખી રચના આસ્વાદ્ય.

Comments (13)

ભણકારા પહેરીએ! – અનિલ ચાવડા

ચાલી ગયેલ એક જણ પાછા આવ્યાના એવા તો ભણકારા પહેરીએ!
સાચુકલા આવ્યા હો એમ મારી આંખ મને ખેંચીને લઈ આવે શેરીએ!

ઝાંપે જઈ નિરખીએ, ઊગેલું દેખાતું
મસમોટું ભોંઠપનું ઝાડ!
એકએક પાંદડાના કાન મહીં કહીએ કે
ધારણાને સાચી તો પાડ!

પોતે પોતાની પર ધૂળ જેમ બાઝ્યા તે પોતે પોતાને ખંખેરીએ
ચાલી ગયેલ એક જણ પાછા આવ્યાના એવા તો ભણકારા પહેરીએ!

ધારો કે રસ્તો આ રસ્તો ના હોત
અને હોત કોઈ સૂતરનું દોરડું
પકડી હું ખેંચત, એ જલદીથી આવત,
ને મહેકી ઊઠત મારું ખોરડું!

આવી તો કેટલીય કલ્પનાઓ રાત દાડો મનમાં ને મનમાં ઉછેરીએ!
ચાલી ગયેલ એક જણ પાછા આવ્યાના એવા તો ભણકારા પહેરીએ!

~ અનિલ ચાવડા

ઝિંદગી કે સફરમેં ગુઝર જાતે હૈ જો મકાં
વો…..ફિર નહીં આતે….વો…..ફિર નહીં આતે….

Comments (4)

કાચિંડો – પરાગ ત્રિવેદી

વૃક્ષની નીચે
નેતાસભા, ઉપર
કાચિંડો સ્તબ્ધ.

– પરાગ ત્રિવેદી

સત્તર જ અક્ષરમાં કવિતા ધારે તો કેટલું બધું કહી શકે છે! નહીં?!

Comments (6)

તડકા! તારાં તીર – મનોહર ત્રિવેદી

તડકા! તારાં તીર,
વીંધતો જાય કોઈ શિકારી કોયલ-કાબર-કીર.

દૂર ભાઠોડે આંખ માંડીને ઘાસનો વાળ્યો સોથ,
છાંયડા જેવા છાંયડાએ પણ વાડયની લીધી ઓથ;
તરકોશીએ તરસ્યા એમાં ગોતવાં ક્યાંથી નીર?

હળખેડુની ધૂંસરી ઉપર સૂરજ બેઠો હોય,
ભોંયના કૂણા દેહને એની ત્રોફતી તીણી સોય,
પગ પડે તે મલક એનો, જાય ત્યાં ત્યાં જાગીર..

વાયરા સીમે સૂસવે: હડી કાઢતી આ બપ્પોર,
ઝીંક ઝીલે છે તોય ત્યાં પેલી ટેકરીનો ગુલમ્હોર;
ઝૂંટવે તું શું જોર? તું તારે લાવજે તારો પીર..
તડકા! તારાં તીર…

– મનોહર ત્રિવેદી

કોઈ શિકારી એક પછી એક પક્ષીઓનો શિકાર કરતો જતો હોય એમ તડકાનાં તીર અંગાંગને વીંધી રહ્યાં હોવાનું ચિત્ર કવિએ દોઢ જ પંક્તિમાં આબાદ દોરી બતાવ્યું છે. ભાઠોડામાંનું ઘાસ પણ તડકાના તાપને લઈને સૂકાઈ ગયું છે. સૂર્ય માથે ચડ્યો હોય ત્યારે પડછાયો લગભગ ગાયબ જેવો થઈ જાય છે. છાંયડા જેવો છાંયડો પણ વાડની ઓથ લેવા નજીક જઈ ભરાયો છે, મતલબ વાડનો પડછાયો નહીંવત્ જેવો રહી ગયો છે એમ કહીને કવિ કેવી અદભુત રીતે ભરબપોરની વેળા થઈ હોવાનું કહી દે છે! તરકોશી એટલે એકસાથે ત્રણ-ત્રણ કોશ સાથે ચાલી શકે એવું વિશાળ નવાણ! પણ તડકાના કારણે તરકોશીએ પણ પાણી નસીબ નથી એમ કહીને કવિએ તડકાના તીરને વધુ ધાર કાઢી છે.

આમ તો શતસહસ્રો કિલોમીટર દૂર પ્રકાશતો સૂર્ય જાણે બળદગાડાની ધૂંસરી પર આવી બેઠો હોય એમ એકદમ નજીક આવીને ધરતીને તાવી રહ્યો છે. તડકાની દાદાગીરીનો કોઈ પાર નથી. જ્યાં જ્યાં એ પગ મૂકે તે તે જગ્યા એની જાગીર બની જાય છે. સીમમાં વાયરા સૂસવાટા મારતા હોય અને બપ્પોર હડી કાઢતી હોય એ વચ્ચે પણ ટેકરી પરનો ગુલમહોર બાકીની સમગ્ર સૃષ્ટિની જેમ નમતું જોખી દેવાના બદલે એકલવીરની જેમ ઝીંક ઝીલે છે, ખીલે છે. ગુલમહોરની ઓથ લઈને આખી રચનામાં તડકાને સર્વોપરી સ્વીકારી લેનાર કવિ કાવ્યાંતે તડકાને પડકારે છે…

Comments (9)

(ઝળહળ નથી) – કિરણસિંહ ચૌહાણ

જેવી તું ઝંખે છે એ ઝળહળ નથી,
મારી પાસે પાણી છે, મૃગજળ નથી.

સાવ મેલું મન લઈ આવી ન જા,
તીર્થ છે આ પર્યટનનું સ્થળ નથી.

ધમપછાડા ટોચ પર ટકવાના છે,
બાકી વધવામાં કશું આગળ નથી.

ડાળ છોડી ફૂલદાનીમાં ગયા,
આજથી તકદીરમાં ઝાકળ નથી.

કેટલા આગળ છીએ એ જોયું નહિ,
એટલું જોયું કે બહુ પાછળ નથી.

– કિરણસિંહ ચૌહાણ

ગઝલ આજે સૌથી વધુ લોકપ્રિય કાવ્યપ્રકાર બન્યો છે, એનું પ્રમુખ કારણ એ છે કે કેવળ બે પંક્તિની સાંકડી જગ્યામાં એ હૃદયસ્પર્શી વાત મૂકી શકે છે. આ ગઝલ જુઓ: ઝાકમઝોળ આજે આપણી ખરી તૃષા બની ગઈ છે, પણ સાચી તૃષા છીપાવનાર પાણી પાસે તો કેવળ સાદગી જ છે. એક અદભુત મત્લાની બે જ પંક્તિઓમાં કવિ માનવજીવનની કારમી વાસ્તવિકતા સાથે આપણને મુખામુખ કરાવે છે. દૂરથી નજરે ચડતું મૃગજળ રણ કે રસ્તા પરથી સૂર્યપ્રકાશના થતા પરિવર્તનના કારણે ખૂબ ચમકીલું અને આકર્ષક દેખાય છે, પણ એની હકીકતથી આપણે સહુ વાકેફ છીએ. જીવનભર ખોટી ચમક પાછળ દોડતા લોકોને ડંખ વિનાના ચાબખો મારીને કવિ સ-રસ સાવધાન કરે છે. સરવાળે નખશિખ આસ્વાદ્ય રચના.

Comments (9)

You are there…. – Erica Jong – અનુ. ડો. નેહલ વૈદ્ય

તમે ત્યાં છો.
તમે હંમેશાંથી ત્યાં (જ) છો.
(બરાબર) એ વખતે જ્યારે તમે વિચારતા હતા
કે તમે (ચઢાણ) ચઢી રહ્યા છો
તમે ખરેખર (તો ત્યાં ) પહોંચી ચૂક્યા હતા
ત્યારે તમે હાંફી રહ્યા હોવા છતાં આરામમાં હતા
એ સમયે એ સ્પષ્ટ હતું કે તમે ત્યાં હતા.
એ સમજવું આપણી (માનવ) પ્રકૃતિમાં નથી કે ‘યાત્રા’ શું છે અને ‘પહોંચવું’ એટલે શું !
અને જો આપણે જાણી પણ ગયા હોઈએ
તો એ સત્ય સ્વીકારીએ નહીં
(અને ખરેખર આખી) જીંદગી જીવી ગયા પછી
(પણ) આપણે એવું વિચારીએ કે
આપણે હમણાં (જ) અસ્તિત્વમાં આવ્યા છીએ
(ખરેખર) જીવવું એટલે
અનિશ્ચિત રહેવું
સ્પષ્ટતા (તો) અંતમાં
આવે છે.

~એરિકા જોંગ

You are there.

You have always been
there.
Even when you thought
you were climbing
you had already arrived.
Even when you were
breathing hard,
you were at rest.
Even then it was clear
you were there.

Not in our nature
to know what
is journey and what
arrival.
Even if we knew
we would not admit.
Even if we lived
we would think
we were just
germinating.

To live is to be
uncertain.
Certainty comes
at the end.
~ Erica Jong ( From 'Poetry Of Presence' An Anthology Of Mindfulness Poems )

આ એક અનોખી યાત્રાની વાત છે. આપણાંમાંથી ઘણાંના અંતર મનમાં પ્રગટપણે કે ઘણીવાર ઊંડાણમાં અપ્રગટ રૂપે ચાલ્યા કરે છે. અને આ ‘હોવું’ અને ‘પહોંચવું’ પણ સ્થૂળ રીતે નહીં પણ સમગ્ર માનવજાતના અંતિમ ગંતવ્ય એવા નિર્વાણ, મુક્તિ કે પછી આત્મજ્ઞાન કહો, એ અવસ્થાએ પહોંચવાની વાત છે.
એ પરમ તત્ત્વ આપણને “તદ્ દૂરે તદ્ અન્તિકે” જણાય છે, આપણા ઉપનિષદોના સારતત્ત્વ જેવી આ કવિતા પહેલી લીટીમાં જ એ સત્ય જણાવી દે છે કે તમે ત્યાં છો, એ જ સત્ય પર ભાર મૂકવા બીજી લીટીમાં એનું પુનરાવર્તન કરતાં કવિ કહે છે કે તમે ત્યાં હંમેશાંથી છો. આપણે આપણું સમગ્ર જીવન જેની શોધમાં વિતાવી દઈએ, જે અંતિમ સત્યને પામવા જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ અપનાવીએ, જપ-તપ, મંત્ર-તંત્ર, ધ્યાન-આરાધનામાં વર્ષો ગાળી નાંખીએ; એ લક્ષ્ય આપણે પામી ચૂક્યા છીએ, જો આપણને એ સત્ય જોતાં આવડે તો.
કવિ આગળ કહે છે કે જ્યારે તમારી કપરાં ચઢાણ ચઢવા જેવી યાત્રા ચાલુ હતી, તમે હાંફી રહ્યા હતા અને આ રસ્તો ક્યારે પૂરો થશે એવું અનુભવતા હતા, એ આખો વખત તમે તમારી મંઝિલ પર જ હતા અને આરામમાં હતા. આપણે આપણું તન-મન-ધન, સમગ્ર ઊર્જા, બધો જ પુરુષાર્થ હરિના માર્ગે ચાલવામાં લગાવી દઈએ, ત્યારે ખરેખર તો આપણે એ વિશ્વનિયંતાના ખોળે બેઠેલા હોઈએ છીએ. એવું કહેવાય છે કે સંત રૈદાસના પદ સાંભળવા ભગવાન કૃષ્ણ સ્વયં આવીને બેસતા. ભગવદ ગીતામાં પણ ભગવાન કૃષ્ણ કહે છે કે સૃષ્ટિમાં એવું કોઈ સ્થાન નથી જ્યાં મારો વાસ ન હોય, છતાંય આપણે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ તીર્થયાત્રાઓ કર્યા કરીએ છીએ.
આપણી મનુષ્યની પ્રકૃતિ માટે એ સમજવું બહુ અઘરું છે કે આ ‘યાત્રા’ શું છે અને એ ગંતવ્ય સ્થાને ‘પહોંચવું’ એટલે શું? આપણા પૂર્વજો જે જે માર્ગે ચાલ્યા એ જ માર્ગે આપણે પણ ચાલી નીકળીએ છીએ પણ આ તો દરેકની પોતાની આગવી સફર છે. અને બીજાઓના અનુભવો સાથે આપણી અનુભૂતિઓને સરખાવ્યા કરવાથી કોઈ ફાયદો થવાનો નથી. જ્યારે આપણે જાણી ચૂક્યા હોઈએ તેમ છતાં એ સત્ય સ્વીકારી નથી શકતા કે જેની શોધમાં છીએ તે અહીં જ છે, આ પળમાં જ છે. આખી જીંદગી જીવી લીધા પછી પણ આપણે હજુ શરૂઆત કરી રહ્યા છીએ એવું માનીએ છીએ. ‘માઈન્ડફૂલનેસ’ થી જીવીએ (પ્રત્યેક ક્ષણ જાગૃતીથી જીવીએ) તો બધા ગ્રંથોનો સાર આ પળ છે, જે પરમ સત્ય છે તે આ પળ છે, અહીં જ છે, જો પળનું સત્ય સમજી જઈએ તો ક્યાંય જવાનું નથી, ક્યાંય પહોંચવાનું નથી.
પણ જીવન જીવવાનું બીજું નામ અનિશ્ચિતતા છે, સત્યની સ્પષ્ટતા તો જીવનના અંતે જ આવે છે.
છેલ્લી બે લીટીનો એક બીજો અર્થ પણ નીકળે છે કે વર્તમાનની પ્રત્યેક પળને સજગતાથી જીવવું એટલે અનિશ્ચિતતાને અપનાવવી. જે ક્ષણે તમે નિશ્ચિતતા તરફ જવા જાઓ છો ત્યારે ક્યાં તો તમે ભૂતકાળના કોઈ અનુભવ પર આધાર રાખો છો અથવા ભવિષ્યની કલ્પનામાં રાચવા લાગો છો અને એ ક્ષણે વર્તમાનની પળનો, સજગતાનો અંત આવી જાય છે.

~ નેહલ ( https://inmymindinmyheart.com/ )

Comments (2)

(સો ગણું છે) – હરીશ ઠક્કર

સમજ આટલી આવે તો પણ ઘણું છે,
સમજમાં નથી એ હજી સો ગણું છે.

અમે કોઈનાથી પ્રભાવિત ન થઈએ,
અમારામાં જે છે એ પોતાપણું છે.

તમે નામ આપો તે નામે કરી દઉં,
ગગન નીચે જે છે, બધું આપણું છે…

તમારી પ્રતિમા તમારા થકી છે,
તમારા જ હાથોમાં એ ટાંકણું છે.

બીડાઈને ખૂલતું, ખૂલીને બીડાતું,
નયન જેવું નમણું તો બસ, પોયણું છે!

અરે! જિંદગી એવી જીવી ગયો છું,
ઘણીવાર લાગે જીવન વામણું છે.

– હરીશ ઠક્કર

ફરી એકવાર નિવડેલી કલમથી સ્રવેલી સાદ્યંત સુંદર રચના. આપણી ઇમેજના એકમાત્ર અને ખરા ઘડવૈયા આપણે સ્વયં છે એ વાત એકદમ સાહજિકતાથી કહેતો શેર તો હાંસિલે-ગઝલ શેર છે…

Comments (4)