જીવ ! કૂદી જા હવે ‘ઈર્શાદગઢ’.
કેમ ગણકારે છે કાચી કેદને ?
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

પાણી છીએ – મનોજ ખંડેરિયા

કાયમ કાયામાં ખળભળતું પાણી છીએ
પાણીમાં ભળવા ટળવળતું પાણી છીએ

ધ્રુવ-પ્રદેશો જેવી ઠંડી પળમાં ઠીજ્યું,
તડકો અડતાંવેત પીગળતું પાણી છીએ

કાગળની હોડી શી ઇચ્છા સધળી ડૂબે,
એક અવિરત વ્હેતું ઢળતું પાણી છીએ

માધાવાવે સાત પગથિયાં ઊતરે સપનાં,
પાણીની આગે બળબળતું પાણી છીએ

જીવતરના આ ગોખે આંસુ નામે દીવો,
આંખોના ખૂણે ઝળહળતું પાણી છીએ

સાતપૂડાની વ્હેતી જલની ધારા જેવા-
કાળા પથ્થરનું ઓગળતું પાણી છીએ

ક્યાંથી આવ્યા, મૂળ અમારું કૈં ના પૂછો
અંતે પાણીમાં જઈ ભળતું પાણી છીએ

– મનોજ ખંડેરિયા

Comments (5)

ગઈ – ભગવતીકુમાર શર્મા

આશ્ચર્ય છે કે તારા વગર જિંદગી ગઇ
દરિયો મળી શક્યો ન તો રણમાં નદી ગઇ.

ભીની હતી જો આંખ તો જીવંત રહી ગઇ
રેતીમાં પડતાંવેંત મરી માછલી ગઈ.

શ્વાસો ખૂટી ગયા અને મીંચાયા બે નયન
પહેલાં પવન પડયો પછી રોશની ગઈ.

તો યે ટકી રહ્યો છું હું એકાકી વૃક્ષ શો
રસ્તો ગયો, એ ઘર ગયું, તારી ગલી ગઈ.

બાળકની જેમ ભીડમાં ભૂલી પડી જશે
છોડાવી મારી આંગળી ક્યાં લાગણી ગઈ?

લખતો રહ્યો છું કાવ્ય હું સંબોધીને તને
કિંતુ ગઝલની નીચેથી મારી સહી ગઈ !

આવ્યો છું કંઇ સદી પછી તારે આંગણે
ગાળી’તી ચાર ક્ષણ ને મને ઓળખી ગઈ ?

સુમસામ માર્ગ પર હજી તાજી સુગંધ છે
કોઇ કહો, વસંતની ક્યાં પાલખી ગઈ ?

– ભગવતીકુમાર શર્મા

Comments (4)

અમથો ટહેલું! – રાજેન્દ્ર શુક્લ

નોખું, ન્યારું, સાવ નવેલું,
પરથમ ને વળી પ્હેલું વ્હેલું!

કેમ કરીને પાછું ઠેલું,
હોય બધું તારું દીધેલું!

આ તારી સંગે જે ખેલું,
મેં તો બહુ સ્હેલું માનેલું!

આગળિયે અડકીર્યું ડ્હેલું,
એક વખત એ પણ ખખડેલું!

ભવ ભવથી આ છે ઊચકેલું,
મેલું તોયે ક્યાં જઈ મેલું!

અધખૂલી બારી બોલાવે,
બાકી આખું જગ ભીડેલું!

લે મારી પૂરી પરકમ્મા,
તારી સન્મુખ મને અઢેલું!

તું તારી મરજીનો માલિક,
તેં ક્યાં અમને કાંઈ પૂછેલું!

એક સંચર્યું સીધી વાટે,
એક સતત આડું ફાટેલું!

પ્હેલાં તો પાણા ઊપડાવ્યા,
પછી હાથ પકડાવ્યું લેલું!

મીઠાંને મધમીઠું કહિયેં
કડવાને કહિયેં કારેલું!

તું જાતે ગોતે તો મળશે,
છેવાડે ઊભું જો છેલ્લું!

ખડખડપાંચમ અધવચ અટ્ક્યું,
એક જ પડખે ઝૂકી ગયેલું!

બોલ્યા કે સમજો બંધાયાં,
અડધું ડાહ્યું, અડધું ઘેલું!

પૂછો તોયે હું નહીં બોલું,
ટ્હેલ નથી કંઈ, અમથો ટ્હેલું!

– રાજેન્દ્ર શુક્લ

ઋષિકવિ શ્રી રાજેન્દ્ર શુક્લની કલમે ટૂંકી બહેરની લાં…બી ગઝલ… બધા જ શેર સહજ અને મનનીય…

Comments (4)

(ચાલ્યું ગયું છે ક્યાંક) – અનંત રાઠોડ “અનંત”

કશા કારણ વગર આખા નગરમાં ચોતરફ આ સ્તબ્ધતાનો સ્તંભ એ ખોડી અને ચાલ્યું ગયું છે ક્યાંક.
નગરનું એક જણ રસ્તો, પવન, અજવાસ, ભરચક સાંજ ને આવું બધું ચોરી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

મને વહેલી સવારે એ નદીકાંઠે કોઈ બિનવારસી પેટીમાં મૂકેલી દશામાં હાથ લાગેલી;
ન જાણે કોણ પેલે પારથી નવજાત બાળકના સમી તારી પ્રતીક્ષા પાણીમાં છોડી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

હજુ સ્યાહી, કલમ, કાગળ અને રંગો બધુયે છે અહીં અકબંધ, કોઈ પણ પછી અડક્યું નથી એને;
બહુ સ્હેલાઈથી એક જણ મને જાણીબૂજીને સાવ અર્ધો ચિત્રમાં દોરી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

સવારે મૂળથી એને ઉખેડીને હું ફેંકી દઉ ને સાંજે તો ફરી એ ત્યાં જ ઊગી જાય છે પાછું;
ગયા ભવનું કોઈ વેરી અજંપાનુ લીલુંછમ ઝાડ મારા આંગણે રોપી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

– અનંત રાઠોડ “અનંત”

ઓછા શેર અને લાંબી બહેરવાળી મજબૂત રચના. કોઈ એક પ્રિયજન અચાનક કોઈ જ કારણ વિના અને કહ્યા વિના ક્યાંક ચાલ્યું જાય એ પછી નગરમાં ક્યાંકથી ક્યાંક જવાના રસ્તાઓ તો રહે છે, પવન પણ ફૂંકાય છે, સૂરજ ઊગે છે ને આથમે છે એટલે અજવાળું પણ થાય છે ને રંગોથી ભરેલી ભરચક સાંજ પણ થતી રહે છે પણ જેનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે એ માણસ માટે આ તમામ અસ્તિત્વનો સંદર્ભ ગુમાવી બેસે છે. ચારેતરફ હવે સ્તબ્ધતા સિવાય કાંઈ નથી. કવિ “સ્તબ્ધતાના સ્તંભ” એમ બહુવચન વાપરવાને બદલે “સ્તબ્ધતાનો સ્તંભ” એમ એકવચન વાપરે છે જે સૂચક છે. આ સ્તબ્ધતા ‘સ્વ’થી ‘સર્વ’ સુધી વિસ્તરી ચૂકી છે એટલે ચોતરફ ભલે ખોડી દેવાયા હોય પણ સ્તબ્ધતાનો સ્તંભ તો એક જ છે, અનેક નહીં… કુંવારી કુંતી અનૌરસ કર્ણને નદીમાં તરતો મૂકી દે એમ પ્રિયજનની પ્રતીક્ષા હાથ ચડી છે. આ પ્રતીક્ષા ટૂંકી કે નાની નથી એ વાત વહેલી સવાર અને નવજાત શિશુના કલ્પનથી સમજી શકાય છે. હજી તો વહેલી સવાર થઈ છે, ઇંતેજારનો આખો દિવસ બાકી છે. પ્રતીક્ષા હજી તો નવજાત શિશુ છે, એને પુખ્ત થવામાં જન્મારો વીતી જશે… બધી જ સાધનસામગ્રી હાથવગી હોવા છતાંય જિંદગીનું ચિત્ર સાવ અધૂરું છે કેમકે કોઈક અધરસ્તેથી જ ત્યાગી ગયું છે. ચિત્ર સ્થિરતા, ગતિહીનતાનો ભાવ પણ ઈંગિત કરે છે… ઝાડ અજંપાનું છે પણ લીલુંછમ છે. આ અજંપો સૂકાવાનો નથી, એ એવોને એવો જ રહેવાનો છે. લાખ કોશિશ કરવા છતાંય આ અજંપાને જીવનના આંગણામાંથી હટાવવો હવે નામુમકિન છે.

લાંબી બહેરવાળી રચનાઓનું સૌથી મોટાં ભયસ્થાન ભરતીના શબ્દો અને સહજ વ્યાકરણના નિયમોનું અતિક્રમણ છે. એકાદ અપવાદને બાદ કરતાં અનંત રાઠોડની આ રચના આ ભયસ્થાનોથી બચી શકી છે એ સૌભાગ્ય. ગઝલના રદીફમાં આવતો “અને” શબ્દ “ને”ના સ્થાને અથવા “દઈ/લઈ”ના સ્થાને વપરાયો હોવાનું તરત જ ધ્યાનમાં આવે છે. એ જ રીતે મત્લાના શેરમાં “સ્તબ્ધતાનો સ્તંભ એ ખોડી”માં આવતો “એ” પણ ભરતીનો શબ્દ છે, જે હકીકતે ગઝલના પઠનની પ્રવાહિતા અવરોધે છે.

Comments (11)

તો કહેજો… – દલપત પઢિયાર

એક દિવસ
સોસાયટીના સૌએ ભેગા થઈ
વીજળીના તારને નડતો લીમડો
કાપી નાખ્યો.
તે રાતે
વગડાનાં બધાં ઝાડ
મારી પથારીમાં આવ્યાં હતાં!
મારું એકે મૂળ રાતું થયેલું ન જોતાં
એ બિચારાં પાછાં વળી ગયાં…
હું ઘણી વાર
ઊંઘમાંથી ઝબકી જાઉં છું,
બારણામાં ઝાડનાં પગલાં સંભળાય છે.
મારામાં, મૂળ નાખવા માંડ્યું છે આ ઝાડ !
હું ફરી પાછો
ફણગી જઈશ એવી બીક લાગે છે !
આજે
બીજું ઝાડ કપાયું છે આ વાસમાં
રાત્રે
કોઈ બારણું ખખડાવે
તો કહેજો :
એ અહીં સૂતો જ નથી !

-દલપત પઢિયાર

સિમેન્ટના જંગલની વચ્ચે કેદ મનુષ્યની થીજતી જતી સંવેદનશીલતાની લોહીલુહાણ કરી નાંખે એવી ધારદાર કવિતા. આપણી ભૌતિક સુખસગવડની આડે પ્રકૃતિનું કોઈપણ તત્ત્વ આવે, એને રહેંસી નાંખતા આપણે ઘડીભર પણ વિચારતા નથી. મહોલ્લાના લોકો પાસેથી તો અપેક્ષા ન જ રાખી શકાય પણ પ્રકૃતિ કાવ્યનાયક પાસે સમ-વેદનની આશા રાખે છે. કપાઈ ગયેલું ઝાડ રાતે નાયકના સ્વપ્નમાં આવે છે પણ નાયકે કપાયેલા ઝાડને બચાવવા કોઈ યથાર્થ યત્ન-પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કર્યો જ નથી. ભલે ઝાડ છેદાઈ ગયું પણ નાયકના મૂળમાં કશું કપાયું નથી એટલે એના મૂળિયા લાલ થયા નથી. કવિ એ કુદરતની આખરી આશા છે. આખરી આશા પણ ઠગારી નીવડી છે એટલે કુદરત મૂંગા મોઢે પારોઠના પગલાં ભરે છે. ક્યાંક પોતાનામાં સંવેદનશીલતાના ફણગા ફૂતી આવે એની વળી નાયકને બીક પણ છે એટલે બીજું ઝાડ કપાય છે ત્યારે એ સ્વપ્નમાં પણ એનો સામનો કરવા પણ તૈયાર નથી….

Comments (6)

ખેલ ખેલમાં – અમૃત ‘ઘાયલ’

એવુંય ખેલ ખેલમાં ખેલી જવાય છે,
હોતી નથી હવા અને ફેલી જવાય છે.

ઊંઘી જવાય છે કદી આમ જ ટહેલતાં,
ક્યારેક ઊંઘમાંય ટહેલી જવાય છે.

આવી ગયો છું હું ય ગળે દોસ્તી થકી,
લંબાવે કોઈ હાથ તો ઠેલી જવાય છે.

બલિહારી છે બધીય ગુલાબી સ્મરણ તણી,
આંખો કરું છું બંધ, બહેલી જવાય છે.

મળતી રહે સહાય નશીલી નજરની તો,
આંટીઘૂંટી સફરની ઉકેલી જવાય છે.

લાગે છે થાક એવો કે ક્યારેક વાટમાં,
સમજી હવાને ભીંત અઢેલી જવાય છે.

‘ઘાયલ’, ભર્યો છે એટલો પૂરો કરો પ્રથમ,
અહીંયાં અધૂરો જામ ના મેલી જવાય છે.

– અમૃત ‘ઘાયલ’

સરળ શબ્દોમાં એક ક્લાસિક રચના….

Comments (2)

ओस की बुंदो पर – नेहल

पीली पत्तीओं के रास्तो से हो कर पहुंचे हैं;
उन मौसमो के मकाम पर,
जहां अब तक एक डाल हरी भरी सी है!
फूलों और काँटों से परे,
तितलीओं और भवरों से अलग,
मौसम के बदलते मिज़ाज ठहर गए है वहां!
ढूँढते नहीं वे अब
बहारो के निशान।
डरते नहीं
पतझड़ की तेज हवाओं के
थपेडो से।
हरी भरी डाली झुकी है जिस
निली सी नदी पर
जहां अब पानीओंमें अक्स
बनते-बिगडते नहीं।
समय का फूल;
अब न सूरज की गर्मी से झुलसता है,
न बारिषों में बहता है!
स्फटिक सा रंगहीन फूल
समाये हुए है सारे रंग
अपने अंदर।
सुकून के पाखी
जीते है उसी की
ओस की बुंदो पर।

– नेहल

મનુષ્ય જીવન નું અંતિમ લક્ષ્ય મોક્ષ કે મુક્તિ કે નિર્વાણ કહો એ શબ્દોમાં વ્યક્ત થઈ શકે નહીં. ‘નેતિ નેતિ ‘ દ્વારા એ શું નથી એ જ વર્ણવી શકાય. એ જ રીતે ઉપરોક્ત ઝેન કવિતા દ્વારા ‘સત્ ચિત્ આનંદ ‘ ની સ્થિતિએ પહોંચેલ મન કેવું હોય એ વ્યક્ત કરવાનો પ્રયાસ થયો છે. ‘પીળી પત્તીઓ’ નો સંદર્ભ પાનખર , બધી ૠતુઓ માણ્યા પછીની ૠતુ….હરમાન હેસ ના ‘સિધ્ધાર્થ ‘ની જેમ જીવન ની બધી અનુભૂતિઓ થી પસાર થઈ ને જ મુકત અવસ્થા સમજાય. ‘હરી ભરી ડાળી’ શિશુ સહજ વિસ્મય અને તાજગીભરી નજર થી દુનિયાને, જીવન ને જોવાના સંદર્ભ માટે વપરાયું છે.

મનની મૌસમ એ મુકામ પર આવીને સ્થિર થઈ છે જ્યાં સુખ દુ:ખ ના ફૂલ કાંટા સમાન છે. બાહ્ય આકર્ષણ, ચળકાટ પર ભમતા પતંગિયા અને ભ્રમરવૃત્તિ થી મન આગળ વધી ગયું છે.મન ને હવે વસંત ની પાછળ ભાગતું નથી અને પાનખર ના તોફાનોથી ડરતું નથી, નકારતું નથી. શિશુ સહજ વિસ્મયથી જીવનને નિહાળવા મનનું જળ દર્પણ સ્થિર જોઈએ અથવા એમ કહી શકાય કે જે તે વસ્તુ પરિસ્થિતિઓનું પ્રતિબિંબ વિકૃત કર્યા વગર પાડી શકે.

સમય નિત્ય છે, સ્ફટિક ની જેમ નિર્મળ છે- neutral છે….એમાં બધા રંગો સમાયેલ હોવા છતાં તે તટસ્થ છે. જે વ્યક્તિએ સમયને, કાળને સમજ્યો છે એને જીવનની વિપરીત પરિસ્થિતિઓનો તાપ અસર કરતો નથી. નથી એ વહી જતો સમયના ઝંઝાવાતી વહેણમાં. પાખી..પંખી..મુકત મનનું પ્રતિક છે સુકૂન…શાંતિ….મુક્ત મન જ અનુભવી શકે અને એને પોષતું તત્ત્વ છે સમયનું ઝાકળ…ક્ષણ…જો ક્ષણમાં જીવતા આવડી જાય તો સુકૂન…શાંતિ…મુક્તિ…દુષ્પ્રાપ્ય નથી.

રચના તેમજ રસાસ્વાદ :- ડૉ. નેહલ વૈદ્ય

આ જ કવયિત્રી દ્વારા ચલાવતો સ્વ-રચિત તેમજ અન્ય ગમતી રચનાઓ નો બ્લોગ – www.inmymindinmyheart.com માણવો આપણે ગમશે…

Comments (9)

‘મરીઝ’ સાહેબને સલામ * – હેમેન શાહ

આજે બધે જે વાતની ચકચાર હોય છે,
ભાગ્યે જ કાલે કોઈને દરકાર હોય છે.

નીકળે ન શબ્દ એકે પ્રશંસાનો ભૂલથી,
લોકો જગતના એવા ખબરદાર હોય છે.

સ્વીકારે જેની વાતને મૃત્યુ પછી જગત,
એના જીવનમાં ઓછા તરફદાર હોય છે.

પલટે પલકમાં પોતાનાં આંસુને સ્મિતમાં,
દુનિયામાં કેટલાય કલાકાર હોય છે.

પડછાયો પણ તિમિરમાં નથી સાથ આપતો,
મુશ્કિલ સમયમાં કોણ વફાદાર હોય છે ?

ઊભો રહું છું આયના સામે જ રોજ હું,
એક ન્યાયાધીશ, એક ગુનેગાર હોય છે.

– હેમેન શાહ

મરીઝની જાણીતી ગઝલની જમીન પર કામ કરીને હેમેન શાહ મરીઝની જ બાનીમાં એક-એકથી વધુ ચડિયાતા ચોટદાર શેરની ગઝલ લઈ આવ્યા છે… ધીમે ધીમે મમળાવીએ…

(*બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે)

Comments (6)

પાછાં પધારો પણ – ‘જટિલ’ વ્યાસ

હવે નૌકા તો શું, આગળ નથી વધતા વિચારો પણ,
હતી મઝધાર તું મારી અને સામો કિનારો પણ.

હતા એવાય દિવસો, ઘા કરી જાતો ઈશારો પણ,
હવે ક્યાં ભાન છે, ભોંકાય છે લાખ્ખો કટારો પણ ?

કરું શું રાતની વાતો હવે તારા વિરહમાં હું ?
કે મારા દિલને અજવાળી નથી શકતી સવારો પણ.

હતાં ત્યારે તો રણની રેત પણ ગુલશન બની જાતી,
નથી ત્યારે આ ગુલશનમાં બળી ગઈ છે બહારો પણ.

હતી ત્યારે જીવનની હર ગલીમાં પણ હતી વસ્તી,
હવે લાગે છે ખાલીખમ જગતભરનાં બજારો પણ.

જીવન પ્યારું હતું તો રોમેરોમે દીપ જલતા’તા,
બળી મરવું છે ત્યારે કાં નથી જડતો તિખારો પણ ?

મિલન માટે તો મહેરામણ તરી જાતો ઘડીભરમાં,
હવે પામી નથી શકતો આ આંસુઓનો આરો પણ !

તમે જોયું હશે – કળીઓ મને ખેંચી જતી પાસે,
હવે જોતાં હશો – મોં ફેરવી લે છે મજારો પણ.

મને છોડ્યો તમે છો ને, તમારું દિલ તજી જાશે,
ભલેને લાખ પોકારો, નહીં પામો હુંકારો પણ.

મને આપ્યું તમે, એ તમને પણ મળશે તો શું થાશે ?
વિરહની શૂન્યતા – લાંબા જીવન સાથે પનારો પણ.

‘જટિલ’, મુજ ખાખમાં આજેય થોડી હૂંફ બાકી છે,
હજી એને છે આશા કે તમે પાછાં પધારો પણ.

– જટિલરાય કેશવલાલ વ્યાસ

લગભગ સો વર્ષ પહેલાં રાજકોટના કોટડા સાંગાણીમાં 11-5-1917ના રોજ જન્મેલા, બીએ ભણેલા અને પશ્ચિમ રેલવેમાં ઑડિટર તરીકે સેવા આપનાર આ કવિની ગઝલસ્વરૂપ વિશેની નિસ્બત અહીં સાફ નજરે ચડે છે. લગભગ પચાસ વર્ષ પહેલાં 1967ની સાલમાં ‘નવનીત’માં છપાયેલ આ ગઝલ છંદની ચોકસાઈ, કાફિયા-રદીફની ચુસ્તતા, વિચારોની સફાઈ અને વાંચતા જ યાદ રહી જાય એવી સાફબયાનીવાળા શેરોના કારણે ધ્યાનાર્હ બની રહે છે. વિયોગ અને વિષાદનો ગુણાકાર એ આ ગઝલનો સાચો સરવાળો છે.

Comments (4)

“શબ્દો છે શ્વાસ મારા”ની અગિયારમી વર્ષગાંઠ પર…

લયસ્તરોની સમાંતર ચાલતી મારી પોતાની વેબસાઇટ પર પધારવા આજે આપ સહુ વાચકમિત્રોને નેહનિમંત્રણ…

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઇટ “શબ્દો છે શ્વાસ મારા” આજે નિયમિત બ્લૉગિંગના અગિયાર વર્ષ પૂરાં કરી બારમા વર્ષમાં પ્રવેશે છે… આ પ્રસંગે મારી આ યાત્રામાં ડગલે ને પગલે સાથ અને પ્રોત્સાહન આપતા રહેનાર સૌ સ્નેહીમિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું. આગળ ઉપર પણ આપ સહુ આ વેબસાઇટની નિયમિત મુલાકાત લેતા રહી ઉત્સાહિત કરતા રહેશો એવી વિનમ્ર અપેક્ષા…

ક્લિક કરો: http://vmtailor.com/archives/4228

બે મિનિટ જેટલો સમય ફાળવીને આપના પ્રતિભાવ વેબસાઇટ ઉપર જ આપશો તો વધુ આનંદ…

આભાર,
વિવેક

Comments (12)

Page 4 of 386« First...345...Last »