સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

ગુજરાતી ભાષાના 200 શ્રેષ્ટ પુસ્તકો : તમને કયું ગમે છે ?


આરપાર મેગેઝીને એક ખાસ અંકમા ગુજરાતી ભાષાના 200 શ્રેષ્ટ પુસ્તકોની યાદી પ્રગટ કરી છે. દરેક પુસ્તકના નામ સાથે એનો ટૂંકો પરિચય પણ આપેલો છે. આ યાદીમાં દરેક જાતના પુસ્તકોનો સમાવેશ કરેલો છે.

અંગ્રેજી ભાષામાં આવી યાદીઓનો શિરસ્તો છે, ટોપ 10 કે ટોપ 100 પુસ્તકોની યાદી બધે જોવા મળે છે. પણ ગુજરાતીમાં આવી યાદી પહેલી જ વાર જોઈ.

આ યાદીમાંથી તમે કેટલા પુસ્તકો વાંચેલા છે ? આ યાદીમાંથી તમારું મનપસંદ પુસ્તક કયું ? આ યાદીમાં ન હોય, પણ ઉમેરવા જેવું કયું પુસ્તક છે ? ચર્ચા માટે મોકળું મેદાન છે. આપના અભિપ્રાય કોમેન્ટમાં જાણાવશો.

Comments (7)

મતભેદ – ‘શિલ્પીન’ થાનકી

સહુ કહે છે: ‘મંદિરે ઈશ્વર નથી’,
હું કહું છું: ‘ત્યાં ફ્ક્ત પથ્થર નથી’.

સહુ કહે છે: ‘ઝાંઝવાં છે રણ મહીં’,
હું કહું છું: ‘ત્યાં નર્યા મૃગજળ નથી’.

સહુ કહે છે: ‘પાનખર છે ઉપવને’,
હું કહું છું: ‘ત્યાં ધરા ઊષર નથી.’

સહુ કહે છે: ‘શૂન્ય છે આકાશ આ’,
હું કહું છું: ‘સૂર્ય આ જર્જર નથી.’

સહુ કહે છે: ‘ક્ષણ સમી છે જિન્દગી’,
હું કહું છું: ‘પ્રાણ મુજ નશ્વર નથી.’

-‘શિલ્પીન’ થાનકી

(ઊષર = ખારાશવાળું)

Comments (2)

30 જાન્યુ. 2000 -હસમુખ પાઠક

વીસમા   શતકે   કાંધે   લીધી   સૌ
                માંધાતાની   લાશ,
પણ   હ્રદયે  કેવળ ધર્યો નર્યો એક
                માણસ મોહનદાસ.

Comments

ફરવા આવ્યો છું -નીરંજન ભગત

હું તો બસ ફરવા આવ્યો છું!
હું ક્યાં એકે કામ તમારું કરવા આવ્યો છું? 

અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા !
-રે ચહું ન પાછો ઘેર જવા !
હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમહીં સરવા આવ્યો છું!

જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બેચાર ઘડી
ને ગાઈ શકું બેચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું!

હું તો બસ ફરવા આવ્યો છું!
-નીરંજન ભગત

Comments (1)

પગલાં -સુંદરમ

દરિયાને તીર એક રેતીની ઓટલી
ઊચીં અટૂલી અમે બાંધી જી રે.
પગલું તે એક એક પાડે મહેમાન એમ
રામજીની આણ અમે દીધી જી રે.

પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ,
પગલું સોનેરી એક પાડજો જી રે.
પગલામાં નવલખ તારાની ભાત ને
સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે.

બીજા મહેમાન તમે આવો, પવનદેવ,
પગલું પનોતું એક પાડજો જી રે.
પગલામાં વાત લખો પરીઓના દેશની
ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.

ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ,
પગલું મોતીનું એક પાડજો જી રે.
પગલામાં મહેલ ચણી સાતે પાતાળના,
માણેકના દીવા પ્રગટાવજો જી રે.

ઘીરે મહેમાન જરા ધીરેથી આવજો,
પગલાં તે પાડજો જાળવી જી ને,
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,
બાળુડે ઓટલી બનાવી જી રે.

-સુંદરમ

ચોક્ક્સ તો યાદ નથી, પણ મોટે ભાગે પાંચમા ધોરણમાં આ ગીત ભણવામાં આવતું. ત્યારથી આ ગીત મારું અને મારા દોસ્તોનું પ્રિય ગીત રહ્યું છે. જ્યારે જયારે દરિયાકિનારે જઈએ ત્યારે અચૂક આ ગીત યાદ આવે. એક વખત હતો જયારે (લગભગ) આખ્ખું ગીત યાદ હતું. જેમ જેમ વર્ષો વિતતા ગયા તેમ તેમ એક પછી એક પંક્તિઓ ભૂલાતી ગઈ. આજે તો માત્ર પહેલા, બીજા અને ત્રીજા મહેમાનનું નામ જ યાદ છે ! આજે આ ગીત ‘અમીસ્પંદન’ નામના કાવ્યસંચયમાંથી ઉતારું છું ત્યારે એવું લાગે છે કે બીજી લીટીમાં ‘ઊંચી’ શબ્દને બદલે ધણેભાગે ‘એકલી’ શબ્દ હતો. કોઈ પાસે એ અંગે વધારે માહિતી હોય તો જણાવજો.

Comments

સમજી જાજે સાનમાં -બાલમુકુન્દ દવે

સમજી જાજે સાનમાં, મન બાંધી લેજે તોલ,
હોય ઈશારા હેતના, એના ના કંઈ વગડે ઢોલ !

-બાલમુકુન્દ દવે

Comments (1)

નીકળવું છે -હરજીવન દાફડા

વારા ફરતી વારામાંથી નીકળવું છે
મારે આ જન્મારામાંથી નીકળવું છે

જન્મોથી હું એની અંદર જકડાયો છું,
ઇચ્છાઓના ભારામાંથી નીકળવું છે;

તેથી સઘળું જગના ચરણે અર્પણ કીધું,
મારે તારા-મારામાંથી નીકળવું છે;

કાયમ શાને જન્મ-મરણના ભયમાં રહેવું?
સંસારી આ ધારામાંથી નીકળવું છે;

સદીઓથી એમાં ને એમાં સપડાયો છું
ઇચ્છાઓના ભારામાંથી નીકળવું છે

કાળી ભમ્મર ખાઇ તરફ સરકાવે છે એ
જગની જર્જર ધારામાંથી નીકળવું છે

કોઇ મમતના માળા બાજુ ખેંચ્યા ના કર
મારે તારા-મારામાંથી નીકળવું છે

અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો
ભીતરના અંધારામાંથી નીકળવું છે

– હરજીવન દાફડા

(સંપૂર્ણ ગઝલ માટે આભાર, નીરજ મહેતા અને જનક દેસાઈ. નીચે કોમેંટ જુઓ.)

Comments (11)

ગમે ત્યારે હું ચાલ્યો જઈશ -ભગવતીકુમાર શર્મા

ઉઘાડાં દ્વાર છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ;
જગતથી મુખ મરોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

કિનારો હોય કે મઝધાર મારે શો ફરક પડશે ?
ડુબાડી જાતે હોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

હું માયામાં ઘણો જકડાયેલો છું, પણ વખત આવ્યે,
બધા તંતુઓ છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

-ભગવતીકુમાર શર્મા

Comments

દાદ -બેફામ

મને ઓ કલ્પનાનાં ઉડ્ડયનની દાદ તો આપો,
કે મેં પિંજર મહીં હોવા છતાં પાંખો પ્રસારી છે !

-બેફામ

Comments (2)

મેવાડ મીરાં છોડશે -રમેશ પારેખ

ગઢને   હોંકારો   તો   કાંગરાય   દેશે,
પણ   ગઢમાં    હોંકારો    કોણ   દેશે ?
રાણાજી, તને ઉંબરે હોંકારો કોણ દેશે?
આઘેઆઘેથી  એને  આવ્યાં  છે કહેણ,
જઈ   વ્હાલમશું   નેણ   મીરાં   જોડશે,
હવે    તારો  મેવાડ     મીરાં     છોડશે.

-રમેશ પારેખ

Comments (4)

Page 395 of 406« First...394395396...Last »