પગ ત્યજીને પગલાં ચાલી નીકળે,
માર્ગ પણ કેવા મવાલી નીકળે !
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

આવશે – આદિલ મન્સૂરી

હવાનાં ઊછળતાં હરણ આવશે
ને સૂરજનું ધગધગતું રણ આવશે

ઊઘડતો જશે એક ચહેરો સતત
સ્મરણમાંય એનું સ્મરણ આવશે

હશે કોઈ સામે ને અડવા જતાં
ત્વચા સ્પર્શનું આવરણ આવશે

રહેવા દો દરવાજા ખુલ્લા હવે
છે આશા હજી એક જણ આવશે

તમે પાછા કરશો ખુલાસા નવા
અને અમને વિશ્વાસ પણ આવશે

સમયની તો સીમાઓ પૂરી થઈ
હવે જોઈએ કેવી ક્ષણ આવશે

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે

– આદિલ મન્સૂરી

Comments (4)

બરફના પંખી – અનિલ જોશી

અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં. 

લૂમાં તરતો ઘોર ઊનાળો
અમે ઉઘાડે ડિલે,
ઓગળતી કાયાના ટીપાં
કમળપાંદડી ઝીલે,

ખરતા પીંછે પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યા !
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લીલા-સૂકા જંગલ વચ્ચે
કાબરચીતરા રહીએ,
નભમાં ઊડતાં સાંજ પડે તો
સોનલવરણાં થઈએ,

રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

– અનિલ જોશી

અ.જો. નુ આ ગીત ગુજરાતી ગીતોમાં એક સિમાચહ્ન છે. આ સાથે જ માણો અ.જો.ના બીજા બે ગીત કન્યા-વિદાય અને મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી.

Comments (1)

વિકલ્પ નથી – મનોજ ખંડેરિયા

બધાનો   હોઈ  શકે,  સત્યનો   વિકલ્પ   નથી
ગ્રહોની   વાત  નથી,   સૂર્યનો  વિકલ્પ  નથી

હજારો   મળશે    મયૂરાસનો    કે    સિંહાસન
નયનનાં  આંસુજડિત તખ્તનો  વિકલ્પ નથી

લડી   જ   લેવું   રહ્યું   મારી   સાથે  ખુદ મારે
હવે  તો  દોસ્ત,   આ   સંઘર્ષનો  વિકલ્પ નથી

કપાય   કે  ન બળે,  ના  ભીનો  યા થાય જૂનો
કવિનો   શબ્દ   છે,  એ  શબ્દનો વિકલ્પ નથી

પ્રવાહી  અન્ય  ન  ચાલે ગઝલની રગેરગમાં
જરૂરી   રક્ત  છે  ને   રક્તનો   વિકલ્પ   નથી

-મનોજ ખંડેરિયા

Comments (4)

જઈએ – શોભિત દેસાઈ

પાણીના ટીપે ઘાસમાં જઈએ
ચાલ, કોઈ પ્રવાસમાં જઈએ
પહેલી વર્ષામાં એક થઈને પછી
માટીના ભીના શ્વાસમાં જઈએ.

-શોભિત દેસાઈ

Comments

મહેફીલ-એ-સોનલ અને વાર્તા રે વાર્તા

થોડા દીવસ પર મહેફીલ-એ-સોનલ માણવાનો મોકો મળ્યો. ના આ કોઈ કવિ સંમેલન કે મુશાયરાની વાત નથી. આ વાત કેલિફોર્નિયાથી સોનલે શરુ કરેલા પોડકાસ્ટની છે. (પોડકાસ્ટ એ બ્લોગનો બોલકો ભાઈ છે. એટલે કે બ્લોગમાં લખીને રજુઆત કરાય છે એમ પોડકાસ્ટ બોલીને-અવાજથી રજૂઆત કરાય છે. ઓડિયો ફાઈલ ડાઉનલોડ કરીને અથવા તો સ્ટ્રીમીંગ ઓડિયોથી પોડકાસ્ટ સાંભળી શકાય છે.) સોનલ એના પોડકાસ્ટમાં ગઝલ, કવિતા અને ગીતોનું સંમિશ્રણ કરે છે અને એમા ઉમેરે છે પોતાની પસંદગી અને સંસ્મરણો. અત્યાર સુધીમાં સોનલે ત્રણ એપિસોડ પ્રગટ કર્યા છે. ત્રણે માણવા જેવા છે. સોનલના સુંદર અવાજ અને રસાળ શૈલીથી ગીતો અને ગઝલો જીવંત થઈ જાય છે.

સોનલની પોડકાસ્ટની કામગીરી આટલાથી અટકતી નથી. એણે બાળકો માટે ખાસ પોડકાસ્ટ વાર્તા રે વાર્તા પણ શરુ કરેલો છે. ગુજરાતીમાં આ પહેલો જ પોડકાસ્ટ છે. આ પોડકાસ્ટમાં એ ‘બાળ-વાર્તાઓ કહેવાની પારં૫રિક કલા નો પોડકાસ્ટિંગ ની આધુનિક પધ્ધતિ સાથે સમન્વય’ કરે છે. આ પોડકાસ્ટ ખાસ માણવાલાયક છે.

Comments (2)

પ્રેમ એટલે – મુકુલ ચોકસી

પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો
સ્વપ્નમાં પળાય એવો કાયદો
પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં
ડૂબી જતાં મારાં ચોર્યાસી લાખ વહાણોનો કાફલો !

ક્યારે ય નહીં માણી હોય એવી કોઈ મોસમનો
કલરવ યાદ આવે, એ પ્રેમ છે
દાઢી કરતાં જો લોહી નીકળે, ને ત્યાં જ કોઈ
પાલવ યાદ આવે, એ પ્રેમ છે
પ્રેમ એટલે કે સાવ ઘરનો એક ઓરડો,
ને તોયે આખા ઘરથી અલાયદો…

કાજળ આંજીને તને જોઉં તો તું લાગે
એક છોકરી, ને તે ય શ્યામવરણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે,
મને મૂકી, આકાશને તું પરણી
પ્રેમમાં તો ઝાકળ આંજીને તને જોવાને હોય
અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો !

– મુકુલ ચોકસી

Comments (8)

પગફેરો – એષા દાદાવાળા

દીકરીને અગ્નિદાહ આપ્યો,
તે પહેલા ઈશ્વરને
બે હાથ જોડીને કહ્યું હતું,
સાસરે વળાવતો હોઉં એવી જ રીતે
મારી દીકરીને વિદાય કરું છું,
ધ્યાન રાખીશને એનું?
અને પછી મારામાં અગ્નિદાહ દેવાની તાકત આવી,
લાગ્યું કે ઈશ્વરે વેવાઈપણું સ્વીકારી લીધું…!
એને અગ્નિદાહ આપીને પાછો ફર્યો ત્યારે પત્નીએ
આંગણામાં પાણી મૂક્યું હતું…
નાહી નાખવાનું હવે દીકરીનાં નામનું…!
દીકરી વિનાનું ઘર આજે દસ દિવસનું થયું…
પત્નીની વારેવારે ભરાઈ આવતી આંખો
દીકરીના ડ્રેસિંગટેબલ અને છેલ્લાં દસ દિવસથી
એકદમ વ્યવસ્થિત રહેલાં એનાં વોર્ડરોબ પર ફરી વળે છે…
હું પણ ત્યાં જોઉં છું ને એક
નિસાસો નંખાય જાય છે…
ઈશ્વર, દીકરી સોંપતા પહેલાં તારા વિશે
તપાસ કરાવવાની જરુર હતી,
કન્યાપક્ષના રિવાજોને તારે માન આપવું જોઈએ,
દસ દિવસ થઈ ગયાં…
અને અમારે ત્યાં પગફેરાનો રિવાજ છે…!!!

-એષા દાદાવાળા

એષા દાદાવાળાની રચના ડેથ સર્ટિફિકેટ થોડા વખત પર રજુ કરેલી. એજ સૂરમાં લખાયેલી આ બીજી રચના.

Comments (13)

કેવા રમતારામ હતા – સૈફ પાલનપુરી

ખૂશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં, ઊર્મિમાં ડૂબેલાં જામ હતાં,
શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાં પણ નામ હતાં ?

થોડાક ખુલાસા કરવા’તા થોડીક શિકાયત કરવી’તી,
ઓ મોત જરા રોકાઈ જતે, બેચાર મને પણ કામ હતાં.

હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંઝિલ પણ મશહૂર હતી, કંઈ રસ્તા પણ બદનામ હતા.

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા

જે પેલા ખૂણે બેઠા છે એ ‘સૈફ’ છે, મિત્રો જાણો છો ?
એ કેવા ચંચલ જીવ હતા, ને કેવા રમતારામ હતા !

– ‘સૈફ’ પાલનપુરી

સૈ.પા.ની આ ગઝલ જખ્મોની યાદીવાળા શેરથી પ્રખ્યાત છે. પણ બાકીના બીજા શેર પણ એકએકથી ચડીયાતા છે. છેલ્લા શેરમાં ‘સૈફ’ પોતાની જાતમાંથી નીકળીને, દૂરથી પોતાના વિષે વાત કરે છે એ અલગ જ પ્રભાવ પાડે છે.

Comments (6)

નિખાલસતા – સૈફ પાલનપુરી

ઘણા લાંબા સમય પહેલાંની ચોરાયેલી વસ્તુ છે
ઉતાવળમાં એ જાણે બહાર ફેંકાયેલી વસ્તુ છે
અજાણ્યા કોક હૈયે જોઉં છું જ્યારે નિખાલસતા,
મને લાગે છે એ મારી જ ખોવાયેલી વસ્તુ છે !

– સૈફ પાલનપુરી

Comments (3)

શાનદાર જીવ્યો છું – ‘ધાયલ’

ખૂબ     અંદરબહાર     જીવ્યો     છું
ઘૂંટેઘૂંટે      ચિકાર      જીવ્યો      છું

હું  ય  વરસ્યો    છું   ખૂબ  જીવનમાં
હું  ય   બહુ   ધોધમાર   જીવ્યો   છું

બાગ   તો   બાગ,    સૂર્યની    પેઠે-
આગમાં    પુરબહાર    જીવ્યો    છું

આમ ‘ઘાયલ’ હું અદનો શાયર, પણ
સર્વથા     શાનદાર     જીવ્યો    છું

-‘ઘાયલ’

Comments (3)

Page 390 of 404« First...389390391...Last »