ચામડું ઓઢી સતત ફરતો હતો
ને હવે ફરિયાદ કે ઢોલક થયો ?
નયન દેસાઈ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

એકાંત -હર્ષદ ચંદારાણા

ભડ ભડ ભડ કાળું એકાંત
ઈંધણ થઈ હોમાતી જાત

આખ્ખું નભ છે ખુલ્લી આંખ
એમાં ઊડે પવનની રાખ

જતા-આવતા સુક્કા શ્વાસ
ડગલે- પગલે લૂની ફાંસ

છાતીએ ત્રોફાતી લાહ્ય
રુંવેરુંવે રણ ફેલાય

અફવામાં પણ નહીં વરસાદ
વરસે છે અણિયારી યાદ…

Comments (1)

શેર -રાજેન્દ્ર શુક્લ

આપણા સામટા શબ્દ ઓછા પડે,
એમના મૌનને એટલા રંગ છે.

લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું !

-રાજેન્દ્ર શુક્લ

Comments

પાનખર -હરીન્દ્ર દવે

હવા   ફરી  ઉદાસ  છે,   ચમન  ફરી  ઉદાસ છે,
નિગૂઢ  સ્પર્શ  પાનખર  તણો  શું આસપાસ છે!

                 વિલુપ્ત ગુંજનો થતાં
                                રહ્યા પ્રસન્ન રાગનાં,
                 લહર ગઈ સમેટી શ્વાસ
                                 મ્હેકતા   પરાગના;

છેલ્લું  આ  કિરણ જતાં સુધી જ બસ ઉજાસ છે,
નિગૂઢ  સ્પર્શ  પાનખર તણો  શું આસપાસ છે!

               હવે બિડાય લોચનો
                              રહેલ નિર્નિમેષ જે,
               રાત અંધકારથી જ
                               રંગમંચને સજે,

હ્રદયમાં ભાર ભાર છે, અધર પે પ્યાસ પ્યાસ છે,
નિગૂઢ   સ્પર્શ  પાનખર  તણો  શું  આસપાસ છે!

-હરીન્દ્ર દવે

Comments (1)

પગલાં -‘બેફામ’

એકેક વ્હેંત ઊંચાં બધાં ચાલતાં હતાં,
તારી ગલીમાં કોઈના પગલાં પડ્યાં નહીં.

-‘બેફામ’

Comments (3)

જગા પુરાઈ ગઈ ! -ઓજસ પાલનપુરી

મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ
આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ !

-ઓજસ પાલનપુરી

Comments (4)

ચાલ્યા કરીએ -હરીન્દ્ર દવે

પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ,
સૂર્યની આંખે અજબ નૂર થૈ ચાલ્યા કરીએ.

એને બદનામી કહે છે આ જગતના લોકો,
ચાલને, આપણે મશહૂર થૈ ચાલ્યા કરીએ.

એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે,
પ્રેમનું કોઈ અજબ પૂર થૈ ચાલ્યા કરીએ.

પ્રેમના ગર્વથી વધતો નથી સંસારનો ગર્વ,
ચાલ, ભગવાનને મંજૂર થૈ ચાલ્યા કરીએ.

-હરીન્દ્ર દવે

Comments

વાત -ઘાયલ

વાત મારી નીકળી તો હશે,
સાંભળી પાંપણો ઢળી તો હશે,
મૌન પાળ્યું હશે છતાં ‘ઘાયલ’
ચીસ આંખોમાં સળવળી તો હશે.

-‘ઘાયલ’

Comments (1)

જોયા છે -ઉદયન ઠક્કર

આસમાનમાં એકાએક લિસોટા પડતા જોયા છે ?
અંધારી રાતે વાયુના ફોટા પડતા જોયા છે ?

વૃક્ષો વત્તા વેલી ઓછા માણસ ગુણ્યા ફેકટરીઓ,
અચ્છા અચ્છા ગણવાવાળા ખોટા પડતા જોયા છે.

વચ્ચે આવે સોયનું નાકું, બાકી સુખ તો સામે છે;
લોકોને મેં મોટા ભાગે, મોટા પડતા જોયા છે.

ખોટો માણાસ પણ રૂપિયામાં એક-બે આની સાચો છે,
સોળ આનીના રૂપિયાઓને ખોટા પડતા જોયા છે.

-ઉદયન ઠક્કર

ઉ.ઠ.ની ગઝલોમાં હંમેશા નવા કલ્પનો જોવા મળે છે. વાયુના ફોટા પડતા જોવાની વાત ઉદયન જ લખી શકે ! માણસોના નાના પડવાની વાત ઘણી વાર સાંભળશો, પણ માણસના મોટા પડવાની વાત તો અહી જ મળશે.

Comments (2)

અજ્ઞાત પૃથ્વીઓ -હરેશ ‘તથાગત’

સૂક્ષ્મનું દ્વાર ખૂલશે ક્યારે ?
કાર્ય-કારણ જુદા થશે ક્યારે ?

સ્પર્શવી છે અજ્ઞાત પૃથ્વીઓ,
સૂર્ય બીજો જ ઊગશે ક્યારે ?

જે કશું છે – નહીં મહીં જાશે,
કાળ પોતે અકળ થશે ક્યારે ?

બીજમાં ફૂલ જોઈ લેનારી,
દ્રષ્ટિને કોઈ પેખશે ક્યારે ?

જીવ નિર્લેપ ને વળી ભોળો,
લુપ્ત મનની નદી થશે ક્યારે ?

હું નથી તોય છું બધે -અથવા,
શૃંખલા આ પૂરી થશે ક્યારે ?

ગર્ભમાં આ શરીર તો ફરક્યું,
કયા બહાને અને જશે કયારે ?

-હરેશ ‘તથાગત’

Comments (2)

ઝીલનારો જોઈએ -દાન વાઘેલા

કોક તો પડકારનારો જોઈએ;
મોતને પણ મારનારો જોઈએ !

એ હિમાલયમાં રહે કે હાથમાં;
ભાગ્યને સમજાવનારો જોઈએ !

કાળજું કોરી અને રાખી શકું,
શબ્દ પણ કોરો કુંવારો જોઈએ !

સાવ કોરો પત્ર હું કયાં મોકલું ?
મોકલું તો વાંચનારો જોઈએ !

‘દાન’ તારી વાતમાં છે વીજળી;
મેઘ જેવો ઝીલનારો જોઈએ !

Comments (3)

Page 388 of 400« First...387388389...Last »