જીવની સન્મુખ મેં સ્થાપી દીધો,
મેં તને સાષ્ટાંગ આલાપી દીધો
મિત્રદક્ષિણામાં જમણા હાથનો-
અંગૂઠો કાપી તને આપી દીધો.
રમેશ પારેખ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

ઝાકળનું ગીત – કૃષ્ણલાલ શ્રીધરાણી

વાદળના મ્હેલમાં બાર બાર બાળકી,
          તેરમી હું બાળકી રોતી જી રે !
આંસુમાં જનમી ને આંસુમાં જીવતી,
          વન વન વેરતી મોતી જી રે !

ફૂલડાં અપારને નથડી નથાવી,
          ખડ ખડ મોતી પરોતી જી રે !
કુમુદિની કાનમાં મૂકું લવિગડાં,
          હીરલા ગૂંથું હું ગોતી જી રે !

– કૃષ્ણલાલ શ્રીધરાણી

Comments

અનહદનો સૂર – હરીન્દ્ર દવે

શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ,
                મને આપો એક અનહદનો સૂર,
એક વાર ઓરેથી સંભળાવો, દૂર દૂર
                વાગે છે ક્યાંકનાં નૂપુર.

હમણાં હમણાં આ શીળી રાતનો સમીર
                મારાં વ્હૈ જાતાં વેણ નહીં ઝીલે,
અધવચ મૂંઝાઈ મન પાછું ફરે છે
                ઝાઝાં પગલાની ભાત પડી ચીલે;
પ્રગટાવો એક વાર ભીતરનાં તેજ, પછી
                લઈ લો આ આંખડીના નૂર.

મનને આકાશ સૂર સૂરજનું રૂપ:
                અને સૂરજનું આભ કોઈ ઓર,
આભમાં મુલક કોઈ અણદીઠો, પહોંચવા જ્યાં
                યુગ છે ઓછો ને ઝાઝો પ્હોર;
અગની અડકે તો જરા પ્રજળું
                હવામાં મારાં ખાલી વેરાતાં ક્પૂર.

– હરીન્દ્ર દવે.

Comments (1)

યાદ – મરીઝ

રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ,
બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદા યાદ.

પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ,
દુઃખદર્દ છે એવાં કે તમે પણ ન રહ્યાં યાદ.

એ તો ન રહી શકતે મહોબ્બતના વિના યાદ,
હો વિશ્વના વિસ્તારમાં એક નાની જગા યાદ.

મુજ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે,
જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ.

મર્યાદા જરા બાંધો જુદાઈના સમયની,
નહિતર મને રહેશે ન મિલનની ય મજા યાદ.

માગી મેં બીજી ચીજ, હતી એ જુદી વસ્તુ,
બાકી હો કબૂલ એવી હતી કંઈક દુઆ યાદ.

આ દર્દ મહોબ્બતનું જે હરગિઝ નથી મટતું,
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.

એકાંતમાં રહેવાનું ન કારણ કોઈ પૂછો,
છે એમ તો કંઈ કેટલી પ્રેમાળ સભા યાદ.

કિસ્મતમાં લખેલું છે, જુદાઈમાં સળગવું,
ને એના મિલનની મને પ્રત્યેક જગા યાદ.

ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.

હો મૌન જરૂરી તો પછી બન્ને બરાબર,
થોડોક પ્રસંગ યાદ હો, યા આખી કથા યાદ.

ચાલો કે ગતિની જ મજા લઈએ કે અમને,
મંઝિલ ન રહી યાદ, ન રસ્તો, ન દિશા યાદ.

મન દઈને ‘મરીઝ’ એ હવે કંઈ પણ નથી કહેતાં,
સૌ મારા ગુનાની મને રહેશે આ સજા યાદ.

– મરીઝ

સંપૂર્ણ ગઝલ, વિવેકે મોકલ્યા મુજબ. ( જુઓ કોમેન્ટ્સ)

Comments (13)

ગઝલ – ડૉ. રઈશ મનીઆર

દીવાનગીની હદ સુધી મુજથી ન જવાયું
ટળવળતું રહ્યું સ્વપ્ન ફરી એક નમાયું

તુજ આત્મકથામાં થયો ઉલ્લેખ ન મારો
એક પાનું જો કે સાવ તેમાં કોરું રખાયું

કાંટા હવે ખૂંચે છે તો ઘા પણ નથી પડતા
ક્યારે તે રુઝાયું છે જે ફૂલોથી ઘવાયું

તારી સ્મૃતિ તારા જ વિચારો અહીં દાટ્યા
ને નામ કબર પર છતાં મારું જ લખાયું

ઇતિહાસ લખાયો તે ઘડી નામ કોઇનું
સગવડતાભરી રીતે ‘રઈશ’ ભૂલી જવાયું

(ડૉ. રઈશ એ. મનીઆર (૧૯-૮-૧૯૬૬) વ્યવસાયે બાળરોગ નિષ્ણાંત અને કર્મે કવિ. મારા જ શહેરના અને મારા કાવ્યગુરૂ રઈશ ગુજરાતી ભાષાની ઝળહળતી આજ અને આવતીકાલ છે. ધર્મ અને સમાજના ઢાંચાને એ વર્ષો પહેલાં જ વળોટી ગયેલાં અને એના પુરાવા કોલેજના નોટીસબૉર્ડ પર એમની કવિતાની નીચે લખેલા નામના પ્રથમ મૂળાક્ષરો R.A.M. થી માંડીને હિંદુ છોકરીને જીવનસાથી બનાવવા સુધી વિસ્તરેલા છે. ધોમધીખતી તબીબી પ્રેક્ટીસને નિયંત્રિત કરીને શબ્દની આરાધના કરવાનું તપ ફક્ત સરસ્વતીનો આ અલગારી ઉપાસક જ કરી શકે. ગઝલના છંદોને સંગીતના સૂર સાથે સાંકળીને સાવ સરળ બનાવતું પુસ્તક, ગુલઝારની કવિતાઓનો સમાન છંદસહિત અનુવાદ તથા ઊર્દૂ અને ગુજરાતી ગઝલનો ઇતિહાસ – આ ત્રણ આગામી પુસ્તકો નિઃશંક આપણી ભાષાના સીમાચિહ્ન બની રહેશે.)

Comments (5)

હું ગુર્જર ભારતવાસી – ઉમાશંકર જોશી

હું ગુર્જર ભારતવાસી.
ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી . હું…..

અર્બુદ- અરબસમુદ્ર વચાળે
ધરતીના આ આઉ દુધાળે,
આવી વળગી હર્ષ-ઉછાળે
ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વથી વિધ વિધ પ્રજા સુહાસી . હું…..

ધન્ય ધરા આ, કૃષ્ણ વસ્યા જ્યાં,
વિપદ દીઠી ક્યહીં, ત્વરિત ધસ્યા ત્યાં;
ગીતામૃત પી ગાંધી હસ્યા હ્યાં.
ગાંધી-કૃષ્ણની કરુણાકરણી રહો જ ચિત્ત ઉપાસી . હું….

અશોક-ધર્મલિપિ ઉર મુજ અંકિત,
ઈસાઈ પારસિક મુસ્લિમ જિન-હિત
મંત્ર મધુર ગુંજે અંવિશંકિત :
‘સર્વ ધર્મ સમ, સર્વ ધર્મ મમ.’ – ઉર એ રહો પ્રકાશી . હું….

ગિરિચટ્ટાન સમાણી છાતી
જલધિતરંગ નાથે મદમાતી,
રમે વિદેશે સાહસ-રાતી
સદાજાગરૂક જગતનાગરિક સાગરતીર્થનિવાસી.
હું ગુર્જર ભારતવાસી.

(ઉમાશંકર જેઠાલાલ જોશી ગાંધીયુગની ગુજરાતી કવિતાના મૂર્ધન્ય કવિ હતાં. ઉમાશંકર માત્ર કવિ ન્હોતાં, એ તો ગુજરાતી ભાષાનો ગરવો શબ્દ હતાં. એમના વિશે લખવું એટલે સૂર્યને દિવો ધરવો. ‘ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા’થી લઈને ‘છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે’ ની શાતા સુધી તો એ જ લઈ જઈ શકે જેના ઉરમાં ‘હું માનવી માનવ થાઉં તો ઘણું’ નું બીજ અંકુરિત થયું હોય.)

Comments

એક સૂર્ય : ત્રણ રણ (તાન્કા) – કિશોરસિંહ સોલંકી

સવાર  

વસંત આવી
ઝાંખરને ડાળે ! ત્યાં
સુક્કા પરણે
ઓસબિંદુમાં સૂર્ય
બેઠો સેવે રણને.

બપોર

હરણાં ઊભાં
પીએ મૃગજળને
ખજૂરી દોડે
વાયરાની વચાળે
જુએ હાંફતું રણ.

સાંજ

ચોળતો આંખો
ક્ષિતિજના માળામાં
લપાતો સૂર્ય
ધીમે કંકુ પગલે
આથમે ભીનું રણ.

– કિશોરસિંહ સોલંકી

રણ અને સૂર્યની દૈનિક રમતને કવિએ આ તાન્કા-ત્રયીમાં વણી લીધી છે. તાન્કા (હાઈકુની જેમ જ) જાપાની કાવ્યપ્રકાર છે. 31 શ્રુતિઓની કુલ 5 પંક્તિઓથી તાન્કા બને છે. પહેલી ત્રણ પંક્તિઓમાં હાઈકુની જેમ જ 5-7-5 શ્રુતિઓ હોય છે અને છેલ્લી બેમાં સાત-સાત શ્રુતિઓ હોય છે.

Comments (1)

દુર્દશાનો એટલો આભાર હોય છે – મરીઝ

બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.

ઝંખે મિલનને કોણ જો એની મજા કહું !
તારો જે દૂરદૂરથી સહકાર હોય છે.

ટોળે વળે છે કોઈની દિવાનગી ઉપર,
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે.

દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,
એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે.

કાયમ રહી જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે.

જો એ ખબર પડે તો મજા કેટલી પડે,
ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે.

જાણે છે સૌ ગરીબ કે વસ્તુ બધી ‘મરીઝ’,
ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે.

– મરીઝ

Comments (8)

આવો ! – મકરંદ દવે

અમે રે સૂકું રૂનું પૂમડું,
     તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યો ને તારેતારને,
     વીંધો અમને વ્હાલા, આરંપાર:
     આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે, સૂના ઘરનું જાળિયું,
     તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
     ભરો લખ લખ અદીઠા અંબાર:
     આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે ઊધઈખાધું ઈધણું,
     તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી,
     આપો અમને અગનના શણગાર:
     આવો, રે આવો હો જીવણ, આમના.

– મકરંદ દવે

આ ભક્તિગીતમાં ઈશ્વર માટે કવિ જીવણ શબ્દ વાપરે છે. કવિએ અહીં અદભૂત રૂપકોની રેલમછેલ કરી દીધી છે. આપણા શ્રેષ્ઠ સર્જકોમાંથી એક એવા મકરંદ દવેના અવસાનને આ મહીનાના અંતે એક વર્ષ પૂરું થશે.

Comments (4)

ગઝલ – શ્યામ સાધુ

તારી નજરમાં જ્યારે અનાદર બની ગયો,
મંજિલ વગરનો જાણે મુસાફર બની ગયો!

ફૂલોનું સ્વપ્ન આંખ માં આંજ્યાના કારણે,
હું પાનખરમાં કેટલો સુંદર બની ગયો?

ક્યાં જઈ હવે એ સ્મિતની હળવાશ માણશું?
હૈયાનો બોજ આંખની ઝરમર બની ગયો!

મુક્તિ મળે છે સાંભળ્યું ચરણોનાં સ્પર્શથી,
રસ્તે હું એ જ કારણે પત્થર બની ગયો!

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!

‘ગઝલનો ગિરનારી મિજાજ’ ધરાવનાર શ્યામ સાધુ (૧૫-૬-૧૯૪૧ થી ૧૬-૧૨-૨૦૦૧) નું મૂળ નામ શામળદાસ સોલંકી. એમની ગઝલોનો અલગારી મિજાજ તો એમના ગઝલ સંગ્રહ ના નામ પરથી જ તાદ્દશ થાય છે – ‘યાયાવરી’, ‘અને થોડાં બીજાં ઇન્દ્રધનુષ્ય’.

Comments (7)

સદાકાળ ગુજરાત – અરદેશર ફ. ખબરદાર ‘અદલ’

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!

ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ;
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ.
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત,
જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત.
જેને ઉર ગુજરાત હુલાતી, તેને સુરવન તુલ્ય મિરાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ;
ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ.
ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

અણકીધાં કરવાના કોડે, અધૂરાં પૂરાં થાય;
સ્નેહ, શૌર્ય ને સત્ય તણા ઉર, વૈભવ રાસ રચાય.
જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

(કવિતા પંક્તિ મટીને કહેવત બની જાય ત્યારે જાણવું કે કવિ અમર થઈ ગયો. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત- આ પંક્તિ વારે-તહેવારે ન વાપરી હોય છતાં જેને ગુજરાતી હોવાનો ગર્વ હોય એવો એકેય ગુજરાતી મળવો શું શક્ય છે? પારસી વેપારી અરદેશરે આ એક કાવ્ય પછી કશુંય ન લખ્યું હોત તોયે ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાતી ભાષા- ત્રણેય એમનાં સદાકાળ ઋણી રહેવાનાં હતાં. ‘ઇકા-ઇકા’ ના અંત્યાનુપ્રાસવાળા કાવ્યરસિકા, વિલાસિકા, પ્રકાશિકા, સંદેશિકા, કલ્યાણિકા, નંદનિકા, કલિકા તથા ભજનિકા વગેરે કાવ્યસંગ્રહો એમણે આપ્યાં.
જન્મ : ૬-૧૧-૧૮૮૧, મરણ : ૩૦-૭-૧૯૫૩)

Comments (8)

Page 381 of 398« First...380381382...Last »