જે પ્રેમ પૂરો થઈ ગયો એ ના જતાવ તું,
બાકીમાં શું હિસાબ રહ્યો એ લખાવ તું.
મેગી આસનાની

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

(ઠાઠ વધતો જાય છે) – પારુલ ખખ્ખર

આખરી ક્ષણ છે, દીવાનો ઠાઠ વધતો જાય છે,
‘જીવવું છે’, ‘જીવવું છે’, જાપ વધતો જાય છે.

જીવ ચાંચૂડી ઘડાવીને થઈ જા સાબદો,
ઊડવું પડશે, દિશાનો દાબ વધતો જાય છે.

હણહણે છે પણ નથી છોડી શક્યો ઘોડારને,
એક ડગ ચાલ્યો નથી ને થાક વધતો જાય છે.

ઘાસ, પીછાં, ફોતરાં જેવો બધો સામાન છે,
તે છતાં યે પોટલાનો ભાર વધતો જાય છે.

કામળી કાં ઓઢ ‘પારુલ’, કાં સ્વીકારી લે હવે,
જે હતો ટપકું કદી એ ડાઘ વધતો જાય છે.

—પારુલ ખખ્ખર

વાહ! શું ગઝલ છે! મત્લા પર જ કુરબાન થઈ જવાય. બુઝાવાની ક્ષણે દીવો વધુ ભભૂકે એ આપણે સહુ જાણીએ છીએ પણ આ ઘટનાને જિજિવિષા સાથે સાંકળી લઈને કવયિત્રીએ કમાલ કરી છે. બધા જ શેર એટલા સહજ અને એટલા મર્મસભર છે કે વાંચતાવેંત જ આફરીન પોકારી જવાય…

Comments (9)

સૂફી દોહરા – 2 :- સિતાંશુ યશશ્ચંદ્ર

ક્ષણ મળવું, ક્ષણ બિછડવું, ક્ષણ આંસુ, ક્ષણ હાસ,
મરણ-પિયાલી હોઠ પર, [મને] અમરત પીધાંની આસ.

ભીતર તું, બાહિર નહીં – આને મિલન કહું કે વ્રેહ ?
બેય બાહુથી સાહવા હું ચહું તારો નમણો દેહ.

તારા નરદમ નેહને હું શોધું છું જગ માંહ્ય,
[પણ] ઝબકી ખરતા તારલા, એનાં નક્ષત્રો ન રચાય.

ખરતા તારા ઝબકતા, અમે જોઈ તારી મુખરેખ,
શાશ્વતને અજવાળતું કેવું અજવાળું પળ એક !

ઝંખા બીજલી ઝબકતી, બહુ અજંપ વરસે મેહ,
દુઃખ તે માટી, સુખ સુગંધ, ને ભીંજાવું તે નેહ.

ઝંખા બીજલી ઝબકતી, કયો પથ આ અજબ અંકાય,
[મને] મારગ માટીમાં મળ્યો, કેમ તારે ગગનમંડળ પહોંચાય ?

ઝંખા બીજલી ઝબકતી, [તેમાં] કંઈ જોઈ સુરત તારી,
[પછી] શ્યામ શિલા બિરહા સઘન, નખશિખ મૂરત કંડારી.

આંખ મીંચું તો જોઉં, સાંભળું જો શ્રુતિને જઉં ભૂલ,
શ્વાસ રૂંધું, તો સૂંઘી લઉં તારી છાતીના બેય ફૂલ.

– સિતાંશુ યશશ્ચંદ્ર

આગળ માણેલા સૂફી દોહરાનો બીજો ભાગ. પ્રત્યેક દોહરો સ્વતંત્ર છે. તમામમાં જગન્નિયંતા સાથે જાણે સંવાદ છે….ધ્યાનના ઊંડાણે નીપજતી અનુભૂતિને શબ્દે કંડારવાનો પ્રયાસ છે.

Comments (3)

રંગ છે – હરીન્દ્ર દવે

આ આપણું મિલન એ જુદાઈનો રંગ છે,
ઝંખ્યો છે જેને ખૂબ – તબાહીનો રંગ છે.

ઘેરો થયો તો ઓર મુલાયમ બની ગયો,
અમૃતમાં જે મિલાવ્યો : ઉદાસીનો રંગ છે.

છેલ્લી ક્ષણોમાં આંખની બદલાતી ઝાંયમાં,
જોઈ શકો તો જો જો, કે સાકીનો રંગ છે.

બદલ્યા કરે છે રંગ ગગન નિત નવા નવા,
આદિથી એ નો એ જ આ ધરતીનો રંગ છે.

કોઈ અકળ ક્ષણે હું મને પણ ભૂલી જતો,
કહેતું’તું કો’ક એમાં ખુદાઈનો રંગ છે.

– હરીન્દ્ર દવે

Comments (3)

હું – ચૈરિલ અનવર (ઇન્ડોનેશિયા) (અનુ. વિવેક મનહર ટેલર)

જ્યારે મારો સમય આવશે
મારે કોઈનેય રડતાં સાંભળવા નથી
તને પણ નહીં

રડવું બિલકુલ જરૂરી નથી!

આ છું હું, એક જંગલી જાનવર
પોતાના ઝુંડમાંથી હાંકી કઢાયેલો

ગોળીઓ મારી ચામડી છેદી નાંખશે
પણ હું વધતો જ રહીશ

આગળ મારા ઘા અને મારા દર્દને ઊંચકીને હુમલો કરતો,
હુમલો કરતો,
જ્યાં સુધી યાતના ગાયબ ન થઈ જાય

અને હું તસુભાર પણ પરવા નથી કરવાનો

હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.

– ચૈરિલ અનવર
(અનુ. વિવેક મનહર ટેલર)

*
ચૈરિલ અનવર. ઇન્ડોનેશિયાનો યુવા કવિ. ભરવસંતે ખરી ગયેલું ફૂલ. એના હોઠ વચ્ચેની સિગારેટ સળગીને રાખ થાય એ ઝડપે સત્તાવીસથીય અલ્પાયુમાં માત્ર ૭૧ જેટલી કવિતાઓ અને ગણતરીબંધ લેખો, મુઠ્ઠીભર અનુવાદો કરીને આ માણસ ઇન્ડોનેશિયાનો આજદિનપર્યંતનો સૌથી નોંધનીય કવિ બની ગયો. ફાકામસ્તીમાં જીવતો, સૂકલકડી, ફિક્કો અને લઘરવઘર નફિકરો નવયુવાન દુકાનમાંથી પુસ્તકો પણ ચોરતો. ૧૫ વર્ષની ઊંમરે એને ખબર હતી કે એનો જન્મ કળાકાર થવા માટે થયો છે. ૧૮ વર્ષની ઊંમરે શાળા છોડી દીધી. હૉસ્પિટલમાં જ મૃત્યુ થયું પણ મૃત્યુનું કારણ અનિર્ણિત. ભાષામાં એની શોધખોળ-પ્રયોગોએ ઇન્ડોનેશિયાની પરંપરાગત ‘શૃંગારિક’ ભાષા અને બીબાંઢાળ કાવ્યપ્રણાલિઓના લીરેલીરા ઊડાવી દીધા. એનો નિર્વાણદિન આજેપણ ઇન્ડોનેશિયામાં ‘સાહિત્ય દિન’ તરીકે ઉજવાય છે.

આખી રચના ‘હું’ની ફરતે વીંટળાયેલી છે. સૈનિક તરીકે યુદ્ધમાં જવાનો કે મૃત્યુના ખોળામાં સૂઈ જવાનો કે કોઈપણ સમય જ્યારે આવશે ત્યારે કવિ નથી ઇચ્છતા કે કોઈપણ રૂદન કરે, શોક મનાવે. કેમ? કેમકે નાયક એના દળમાંથી હાંકી કાઢવામાં આવેલ જંગલી જાનવર છે. ભલે ન્યાતબહાર મૂકાયો હોય પણ એની ભીતરનો સૈનિક મર્યો નથી ત્યાં સુધી એ આગળ ધપશે જ ધપશે. બધી યાતનાઓ તન-મનને વીંધી-વીંધીને હથિયાર ફેંકી દે, જ્યાં જઈને દુઃખ-દર્દની સરહદ જ ખતમ થઈ જાય એ સ્થળે પહોંચી ન જવાય ત્યાં સુધી નાયક અવિરત ધપતા રહેવાની નેમ ધરાવે છે. मुश्किलें मुझ पर पड़ीं इतनी कि आसां हो गईं | અને કવિને કોઈ વાતની પડી પણ નથી. મૃત્યુને રડ્યા વિના, રડવા દીધા વિના, ખુશી ખુશી ગળે લગાડવાનું આહ્વાન આપતી આ રચના હકીકતમાં તો આઝાદી અને જીવન માટેનું બુલંદ આક્રંદ છે. એટલે જ અંતને ગળે લગાડતી આ કવિતાના અંતમાં કવિ તારસ્વરે એલાન કરે છે: ‘હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.

*
I

When my time comes
I want to hear no one’s cries
Nor yours either

Away with all who cry!

Here I am, a wild beast
Driven out of the herd

Bullets may pierce my skin
But I’ll keep on

Carrying forward my wounds and my pain Attacking,
Attacking,
Until suffering disappears

And I won’t care any more

I wish to live another thousand years.

– Chairil Anwar
(Eng. Trans: Burton Raffel)

Comments (3)

(ખુદની તરફ વળાશે) – લક્ષ્મી ડોબરિયા

એની તરફ નહીં તો ખુદની તરફ વળાશે.
સંભાવના ઘણી છે પગલું ભર્યું છે ત્યારે.

આથી વધુ ખુલાસો, શું હોય લાગણીનો ?
મેં મૌન જાળવ્યું છે સંવાદ સાધવાને.

કંઈ પણ નથીનો મહિમા આ વાતથી વધ્યો કે..
ખાલીપો છે જરૂરી એક વાંસળીના માટે.

દાવા-દલીલ વિના સાબિત કરે છે હોવું,
ફૂલો ને પાંદડાંઓ નોખો મિજાજ રાખે.

આ નામ ને આ સુરખી, પીછાંની જેમ ખરશે,
ઓળખ જો આપવી હો, ટહુકા જ કામ આવે.

ગમતી બધી કથાનો આ સાર સાંપડ્યો છે,
દૂરી છે એટલે તો રહેવાયું પાસપાસે.

નોખી અદાથી અહિંયા રંગોએ રંગ રાખ્યા,
ચૈતર છે લાલ-પીળો, આષાઢ ભીનેવાને.

– લક્ષ્મી ડોબરિયા

પગલું ભરવું જ જરૂરી છે. બધા જ સિગ્નલ લીલા થઈ જવાની રાહમાં ઘરે બેસી રહેનાર ક્યાંય પહોંચી શકતો નથી. પહેલું પગલું ભરવું જ અઘરું છે. ચારેતરફથી વીંટળાઈ વળેલા સામાજિક-પારિવારિક બંધનોને ત્યજીને તમે આગળ વધો છો એની ખાતરી ન હોય તો એ પગલું જ ભરી શકાતું નથી. પણ એ પગલું એકવાર ભરી લીધું એટલે એટલું નક્કી છે કે મંઝિલ મળ્યા વિના નહીં રહે. આ ‘એ’ એ પ્રિયજન પણ હોઈ શકે અને ઈશ્વર પણ હોઈ શકે. આ ‘એ’ અગર નહીં મળે તો કમ સે કમ પોતાની જાત તો હાંસિલ થશે જ થશે, જેને આપણે દુન્યવી મથામણો અને પળોજણોમાં વરસોથી સાવ ભૂલી બેઠા છીએ. અને આખરે ‘એ’ અને ‘આ’ – બંને પણ એક જ છે ને! પ્રિયજન/ઈશ્વર મળી જાય એ ઘડી ‘સ્વ’ પણ મળી જ જશે ને…

આખી ગઝલ જ ઉત્તમ થઈ છે…

Comments (8)

મનજી – ડૉ.મનોજ જોશી ‘મન’

ઇચ્છા ઘોળી ઘોળી મનજી,
પૂરે છે રંગોળી મનજી !

માંગ્યા ઘીમાં બોળી મનજી,
ખાતા પુરણપોળી મનજી !

કાચિંડાના રંગો ચોરી,
રોજ રમે છે હોળી મનજી.

ઠાંસોઠાંસ ભરી છે તો પણ,
ફેલાવે છે ઝોળી મનજી !

તમને ભોળા માની લીધા !
દુનિયા કેવી ભોળી, મનજી !

– ડૉ.મનોજ જોશી ‘મન’

તખલ્લુસને મક્તાના શેરમાં સાંકળી લેવાની પરંપરા જૂની છે પણ તખલ્લુસને વિષય બનાવીને આખું પુસ્તક ભરીને ગઝલો લખવી? જામનગરના મનોજ જોશીએ પોતાના તખલ્લુસ ‘મન’ને હાથ ઝાલીને તાજેતરમાં જે ‘મનચાલીસા’ કે ‘મનજીચાલીસા’ લખવી આદરી છે એ મનજીમાળાનો એક મણકો આજે આપણા માટે. એક જ વિષય પર ચાળીસ ગઝલ યાને કે ઓછામાં ઓછા બસો શેર કહેવા એ બહુ મોટો અને આકરો પડકાર છે. કવિ જીવનનો સમીક્ષક છે, નિરીક્ષક છે, તત્ત્વચિંતક કે સાધુ હોવો જરૂરી નથી એટલે અગાઉ કહેવાઈ ગયેલી વાતો ભલે નવા સ્વરૂપે આવે પણ એકની એક જ વાત આ બસો શેરમાં પુનરાવર્તિત ન થયે રાખે અને દરેક ગઝલ પાસેથી મનોજગતના નવા-નવા આયામ ઉપલબ્ધ થાય એવી અપેક્ષા સહજ બને છે. શુભકામનાઓ, મનોજભાઈ…

Comments (11)

થયો ! – રાજેન્દ્ર શુકલ

પૂર્ણમાંથી અંશ ,અલગારી થયો
સ્વાદ કાજે શબ્દ સંસારી થયો.

“તું” થઈને શુદ્ધ શૃંગારી થયો
“હું” થઇ અવધૂત અલગારી થયો.

કંદરા એ, કાળ એ, ગોરંભ એ,
મૌન એ, ને એ જ ઉદગારી થયો.

મુક્ત સ્વેચ્છાએ જ બંધાયો સ્વ માં,
સ્થિર મટીને કેવો સંસારી થયો ?

તેજ, માટી, મૂર્તિ, મંદિર, આરતી,
એ જ પુષ્પો થઇને પૂજારી થયો !

– રાજેન્દ્ર શુકલ

ચોથો શેર લાજવાબ છે…..

Comments (1)

આવી હશે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

એ જ ભણકારા રહે હરપળ કે તું આવી હશે,
દૂર સુધી શ્હેર આ ઝળહળ કે તું આવી હશે.

ઠેઠ પાતાળેથી પ્રગટ્યાં જળ કે તું આવી હશે,
સાવ નોખાં લાગતાં હર સ્થળ કે તું આવી હશે.

હા હતી સાબરમતી પણ નામની કેવળ નદી,
બેઉ કાંઠે એય છે ખળખળ કે તું આવી હશે.

શ્વાસ-આંખો-ઉંબરો-આંગણ ને રસ્તાઓ બધા,
રોજ કરતાં છે વધું વિહ્વળ કે તું આવી હશે.

ક્યાં હવે સજ્જડ કોઇ કારણ રહ્યું છે તે છતાં,
ટેવવશ થઇ જાય છે અટકળ કે તું આવી હશે.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

Comments (4)

પાંખડી મનની શતદલ થઈ ગઈ – દેવિકા ધ્રુવ

અણધારી આ હલચલ થઈ ગઈ,
અંદર ઉથલપાથલ થઈ ગઈ.

નાની શી ચિનગારી સળગી,
ભીતર ઝીણી ઝળહળ થઈ ગઈ.

ધુમ્મસનો વિસ્તાર હટ્યો ને,
કાજલ દુનિયા ફાજલ થઈ ગઈ.

વયનો પડદો હાલ્યો ત્યાં તો,
સમજણ આખી સળવળ થઈ ગઈ.

શીતલ વાયુ સહેજ જ સ્પર્શ્યો
પાંખડી મનની શતદલ થઈ ગઈ.

કોણે જાણ્યું ક્યાંથી આવી,
બૂંદો પલભર ઝાકળ થઈ ગઈ.

સુરભિત મુખરિત શ્વાસે શ્વાસે,
આરત ફૂલની ઉજ્વળ થઈ ગઈ.

– દેવિકા ધ્રુવ

પારિજાતના ફૂલની જેમ, જીવનની સાંજે જયારે અંદરથી સમજણનું પુષ્પ -ભલેને મોડે મોડે- ખુલે છે ત્યારની -સૂર્યથીય વધુ ઉજ્જવળ અને કમળથીય વધુ કોમળ- અવસ્થાની ગઝલ.

Comments (14)

દોહા – કબીર

साहेब मेरा एक है दूजा कहा न जाय,
दूजा साहेब जो कहूं साहेब खरा रिसाय।

મારો સાહેબ (ઈશ્વર) એક જ છે. બીજાને સાહેબ કેમ કહેવું? અદ્વૈતમાં દ્વૈત જોવા જઈએ તો સાચો સાહેબ રિસાઈ ન જાય?

एक कहौं तो है नहीं, दोय कहौं तो गारि,
है जैसा तैसा रहै कहै कबीर विचारी।

(ઈશ્વરને) એક જ છે એમ કહું તો (એ તો શૂન્યરૂપ છે એટલે) એ છે જ નહીં, દ્વૈતભાવે એ અદ્વૈતીને બે કહું તો ઈશ્વરને ગાળ દીધા બરાબર જ ગણાય. એટલે સમજી વિચારીને કબીર કહે છે એ જેમ છે એમ જ ભલે રહે, એના વિશે પિષ્ટપેષણ કરવું નકામું છે.

साहेब सों सब होत है बंदे ते कछु नाहि,
राई ते पर्बत करे, पर्बत राई माहि।

સાહેબની કૃપાથી જ બધું થાય છે, બંદાની તો હેસિયત જ શી છે વળી? એ ઇચ્છે તો રાઈમાંથી પર્વત બનાવી દે ને ઇચ્છે તો પર્વતને રાઈ કરી દે.

जाको राखे सांईयां मारि न सक्के कोय,
बाल न बाका करि सकै जो जग बैरी होय।

જેને રામ રાખે એન કોણ ચાખે? આખી દુનિયા દુશ્મન થઈ જાય તોય જેના પર પરમકૃપાળુની કૃપા હોય એનો વાળ પણ કોઈ વાંકો કરી શકે નહીં.

ज्यों तिल माहीं तेल है ज्यों चकमक में आगि,
तेरा सांई तुझमें जागि सकै तो जागि।

જે રીતે તલની અંદર તેલ (છૂપાયેલું) છે અને ચકમક પથ્થરની અંદર અગ્નિ (છૂપાયેલો) છે, એ જ રીતે તારો ઈશ્વર તારી અંદર જ છે. ઈશ્વર બહાર ક્યાંય છે જ નહીં. अहं ब्रह्मास्मि। જાગી શકાય તો જાગ.

नाम रतन धन पाई कै गांठि बांधि ना खोल,
नाहीं पटन नहिं पारखी नहिं गांहक नहिं मोल।

(હરી) નામ રત્નનું ધન મળ્યું છે તો એને (અંતરમાં જ) ગાંઠે બાંધી રાખ. ખોલીશ નહીં, અહીં એની કોઈ કિંમત નથી, કે નથી કોઈ પારખુ. નથી કોઈ ગ્રાહક કે નથી કોઈ મૂલ્ય.

चंदन गया बिदेसडे सब कोई कहि पलास,
ज्यों ज्यों चूल्हे झोंकिया त्यों त्यों अधकी बास।

ચંદન કાષ્ઠ (જ્ઞાનીજન) વિદેશ ગયું તો ત્યાં બધા એને ખાખરો (અજ્ઞાની) કહેવા માંડ્યા. પણ જેમ જેમ એને (કસોટી)ના ચૂલામાં નાંખતા ગયા, તેમ તેમ એની સુગંધ (ખરું સ્વરૂપ) વધુ ને વધુ મહેકી ઊઠી.

दुर्बल को न सताईये जाकी मोटी हाय,
बिना जीवे की साँस से लोहा भसम ह्वै जाय।

નિર્બળને સતાવવા જોઈએ નહીં કેમકે એમની હાય ભારે હોય છે. જીવ વિનાની (ધમણના) શ્વાસથી લોઢું પણ પીગળી જાય છે.

Comments (4)

Page 3 of 398« First...234...Last »