ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,
આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે.
ચિનુ મોદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

ડેફોડિલ્સને – રૉબર્ટ હેરિક (અનુ. વિવેક મનહર ટેલર)

પ્રિય ડેફોડિલ્સ, અમે રડીએ એ જોઈ
ઝટ જવાની તમારી દોડ;
કેમકે આ ચડતા સૂર્યનું ભ્રમણ
હજીય પામ્યું ના એની બપોર.
થોભો, અટકો,
જ્યાં લગ આ દિવસ ઉતાવળો
દોડે પણ
આંબે ન કમ સે કમ સાંધ્ય-ગીત;
ને, સાથે જ પ્રાર્થનામાં જાતને પ્રોઈ,
આપણ સાથે જ જઈશું રે મીત.

તમારી પેઠે જ નથી ઝાઝો સમય
ને છે ટૂંકી અમારીયે વસંત;
તમારી જેમ જ ઝડપી છે વૃદ્ધિ
ને ઝડપી અમારોયે અંત.
અમેય મરીએ
સમય તમારો, કે કંઈ પણ મરે જે રીતે,
ઉનાળુ વૃષ્ટિ
પેઠે અમે પણ સૂકાઈ જઈએ ત્વરિત;
કે પછી પ્રભાતી ઝાકળના મોતીની જેમ જ
જડીએ ન ક્યારેય ખચીત.

– રૉબર્ટ હેરિક
(અનુ. વિવેક મનહર ટેલર)

*
સુખી થવાની સૌથી અગત્યની રીત કઈ? તો કે આજમાં જીવો. ભૂતકાળના પડછાયા અને ભવિષ્યકાળના અંદેશા માણસના તકિયા પરથી ઊંઘ ચોરી લે છે. જે માણસ થઈ ગયેલા સૂર્યોદય અને આવનારા સૂર્યાસ્તની વચ્ચેની ધૂપછાંવનો જીવ છે એ જ સુખી છે. ‘આજની વાતો આજ કરે ને કાલની વાતો કાલ’ (મકરંદ દવે) કરનારને ઊંઘવા માટે કદી ગોળી લેવી પડતી નથી. ઇસુ પહેલાં એટલે આજથી લગભગ એકવીસસો વર્ષ પહેલાં થઈ ગયેલ લેટિન કવિ હોરસ એના સંગ્રહ ‘ઑડ્સ’ની એક કવિતામાં Carpe Diem (કાર્પે ડિએમ), અર્થાત્ ‘આજમાં જીવી લો’, ‘આજને ચૂંટી લો’ કહે છે.

આ કવિતા વહી જતી ક્ષણમાં સ્નાન કરી લેવાની કવિતા છે. સમયનો સ્વ-ભાવ છે કે એ રહે નહીં, વહે. આપણું જીવન સમયના આ ‘રહે’ અને ‘વહે’ની વચ્ચેના કૌંસમાં છે. જેમ વિદ્યા વાપરવાથી વધે છે એમ સમયના સોનાની કિંમત પણ વાપરો એમ વધે છે. ડેફોડિલના ફૂલના અલ્પ આયુષ્યને રૂપક બનાવીને કવિ મજાની કાર્પે ડિએમ કવિતા આપણને આપે છે. આજમાં જીવી લો… કલ હો ન હો…

*

To Daffodils

Fair Daffodils, we weep to see
You haste away so soon;
As yet the early-rising sun
Has not attain’d his noon.
Stay, stay,
Until the hasting day
Has run
But to the even-song;
And, having pray’d together, we
Will go with you along.

We have short time to stay, as you,
We have as short a spring;
As quick a growth to meet decay,
As you, or anything.
We die
As your hours do, and dry
Away,
Like to the summer’s rain;
Or as the pearls of morning’s dew,
Ne’er to be found again.

– Robert Herrick

Comments (3)

ગઝલ – રાહુલ શ્રીમાળી

વૃક્ષની એ વેદના સાચી હતી,
જે ખરી’તી એ કૂંપળ કાચી હતી.

અર્થનાં ઇન્દ્રાસનો ડોલી ગયાં,
શબ્દની જ્યાં અપ્સરા નાચી હતી.

ઝાંઝવાઓની શીખી બારાખડી,
એક તરસ્યાએ નદી વાંચી હતી.

જાગતી’તી એય મારી સાથમાં,
રાત કોની યાદમાં રાચી હતી?

આપણે ક્યાં કંઈ બીજું કંઈ માગ્યું હતું?
માત્ર મોસમ મ્હેકતી યાચી હતી.

– રાહુલ શ્રીમાળી

ગાલિબને નવ સંતાન થયાં. એક પણ પુખ્ત વય સુધી પહોંચી ના શક્યું. મા-બાપના કલેજા પર કેવી આરી ચાલી હશે!? આવી જ વાત આ મજેદાર ગઝલનો મત્લા આપણી સામે લઈ આવે છે. શબ્દ કળા કરે તો એક જ શબ્દમાંથી નિતનવા અર્થ જન્મી શકે એ વાત પણ કવિએ કેવા મજાના અંદાજમાં રજૂ કરી છે! તરસ તીવ્ર થાય તો જ પાણીની ખરી કિંમત સમજાઈ શકે. ચાતક જ વરસાદના ટીપાનો ખરો મોલ કહી શકે. જિંદગીભર ઝાંઝવાની પાછળ દોડનાર જ સાચી સફળતા સમજી શકે. આખરી શેર પણ સરળ અને મજાનો થયો છે પણ હાંસિલે-ગઝલ શેર તો રાતવાળો થયો છે. કો’કની વાલમ વેરીની યાદમાં રાતના થતા ઉજાગરાને કવિ રાત પણ પોતાની જેમ જ જાગે છે એમ કહીને અદભુત કવિકર્મ કરે છે…

પ્રથમ ગઝલસંગ્રહ “રાતવાસાના નગરમાં”નું લયસ્તરોના આંગણે સહૃદય સ્વાગત છે…

Comments (2)

કરશું અમે – બરકત વિરાણી ‘બેફામ’

કંઇક એ રીતે ગઝલની બાંધણી કરશું અમે,
કે તમારા મૌનને પણ રાગણી કરશું અમે.

સૌથી પહેલાં તો હ્રદયની તાપણી કરશું અમે,
એ પછી જે કાંઈ બચશે, લાગણી કરશું એમે.

પ્રીતને પણ એટલી સોહામણી કરશું અમે,
કે તમારા રૂપની સરખામણી કરશું અમે.

આ જગત અમને ભલેને નોખનોખા માર્ગ દે,
પણ સફર જીવનની તારા ઘર ભણી કરશું અમે.

આભધરતીનો તફાવત છે તો એથી શું થયું ?
ચંદ્ર થઈ જાશું ને તમને પોયણી કરશું અમે.

તું ન ચાહે તો પછી એને કોઈ ચાહે નહીં,
જિન્દગીને એ રીતે અળખામણી કરશું અમે.

શી દશા થઈ છે જીવનની, ખ્યાલ તો આવે તને,
એની કુરબાની નહીં પણ સોંપણી કરશું અમે.

કાં મળે સૌ કાંઈ અમને, કાં મળે ના કાંઈ પણ,
એની પાસે એની ખુદની માગણી કરશું અમે.

એક વખત સ્પર્શી અમારી શુધ્ધતા પણ જોઈ લો,
છો તમે પથ્થર ભલે, પારસમણિ કરશું અમે.

છે ખુદા સૌના અને એથી એ સંતાઈ ગયો,
ડર હતો એને કે એની વહેંચણી કરશું અમે.

ચાર દિનની જિન્દગીમાં ઘર તો ક્યાંથી થઇ શકે ?
વિશ્વને ‘બેફામ’ ખાલી છાવણી કરશું અમે.

– બરકત વિરાણી ‘બેફામ’

Comments (3)

“શબ્દો છે શ્વાસ મારા”ની બારમી વર્ષગાંઠ પર…

શું આપ ગુજરાતી ભાષાને ચાહો છો? તો અત્યારે જ ક્લિક કરો….

http://vmtailor.com/archives/4625

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઇટ – શબ્દો છે શ્વાસ મારા (vmtailor.com) આજે નિયમિત બ્લૉગિંગના એક-બે નહીં, ૧૨-૧૨ વર્ષ પૂરાં કરી આજથી તેરમા વર્ષમાં શુભપ્રવેશ કરે છે… ૧૨ વર્ષ, ૫૭૦ જેટલી પૉસ્ટ્સ, અને ૧૩૦૦૦થી વધુ પ્રતિભાવોની આ મુસાફરી આપ સહુના સ્નેહ વિના શક્ય જ નહોતી… તો આવો, આજે ફરી એકવાર આપના પ્રેમની વર્ષા કરવા ભૂલ્યા વિના સમય ફાળવીને મારા આંગણે પુનઃ પધારો…

આપના આશીર્વચન અને સ્નેહકામનાઓની પ્રતીક્ષામાં…
-વિવેક

Comments (11)

એટલો – હસમુખ પાઠક

એટલો તને ઓળખ્યો, વહાલા
ઓળખું જરાય નહીં,
લાખ લીટીએ લખું તોયે
લખ્યો લખાય નહીં – એટલો.

સૂરજ-તાપની જેટલો તીખો
અડયો અડાય નહીં,
ચંદર-ચાંદની જેટલો મીઠો
ઝાલ્યો ઝલાય નહીં – એટલો.

યુગ યુગોની ચેતના જેવડો
વરણ્યો વરણાય નહીં
જનમોજનમ હેતના જેવડો
પરણ્યો પરણાય નહીં – એટલો.

અંતર-આરત જેટલો ઊંડો
ખેંચ્યો ખેંચાય નહીં
વ્રેહની વેદના જેટલો ભૂંડો
વેચ્યો વેચાય નહીં – એટલો.

– હસમુખ પાઠક

મધ્યકાલીન ગીતોની પ્રણાલિમાં બેસે એવું મજાનું ગીત.

Comments (1)

સપનાં – કિરીટ ગોસ્વામી

કોને દઈએ આળ?
થાય તે બધું કરનારો તો આખર પેલો કાળ!

એક ઘડી પથરાળ
.          વળી, બીજી ફૂલોની ઢગલી…
સાવ સુકોમળ સપનાં,
.          ભીતર પાડે હળવે પગલી…
આંખ ખૂલે ત્યાં ઊઠે પાછી રોમે-રોમે ઝાળ!
.          કોને દઈએ આળ?

આજ સંત તો કાલે પાછું-
.          બાળક થઈને પજવે!
કેટકેટલા ભરે લબાચા-
.          મન પોતાના ગજવે!
સમજે તોય ત્યજી ક્યાં શકતું, માયાની મધલાળ!
.          કોને દઈએ આળ!

– કિરીટ ગોસ્વામી

ઘડી દુઃખ, ઘડી સુખ, ઘડી સુખના સપનાં ને અંખ ખુલતામાં રોમેરોમ પ્રજાળતી વાસ્તવિક્તાની આગ… કોના વાંકે? મુખડામાં બધા જ આળનો ટોપલો કાળના માથે ચડાવીને કવિ આગળ વધે છે પણ બીજા અંતરામાં ચોર પકડમાં આવે છે. મન ક્યારેક ત્યાગી તો ક્યારેક બાળકની જેમ બધી જ વસ્તુ માટે તીવ્ર અનુરાગી બની જાય છે. આ બધું જ માયા છે એ જાણવા છતાં મન ત્યાગી-ત્યજી શકતું નથી… ચોર પકડાઈ ગયો છે એટલે શરૂનો પ્રશ્ન કાવ્યાંતે પહોંચતા ઉદગાર ચિહ્નમાં પરિવર્તિત થઈ જાય છે…

Comments (2)

અભિસારિકા ગઝલ – જવાહર બક્ષી

સાજણ તારી વાટમાં બંધનનો વિસ્તાર
આકાશ ઊગ્યું આંખમાં, પગમાં ઊગ્યા પ્હાડ

પગમાં ઊગ્યા પ્હાડ નીકળું નદી થઈને
અધવચ્ચે રોકે મને પડછાયાનાં ઝાડ

પડછાયાનાં ઝાડ સ્હેજ પણ વ્હેમાયે નહિ !
એમ તળથી સરકતાં વહ્યે જાઉં એકધાર

વહ્યે જાઉં એકધાર ભિન્ન સંજોગો વચ્ચે
પળભરમાં કાંઠે વસે પરિસ્થિતિનું ગામ

પરિસ્થિતિનું ગામ પારદર્શક છે આખું
મને બચાવી નીકળું લઈ શબ્દની આડ

લઈ શબ્દની આડ, તને શોધું દરિયામાં
મોજાંઓ કહેતાં ફરે, તું છે દરિયાપાર

  • જવાહર બક્ષી

આગલા શેરના અનુસંધાનમાં પછીનો શેર લખાયો છે, અને પ્રત્યેક શેર પાછા સ્વતંત્રરીતે પણ મજબૂત છે !! અભિસારિકા એટલે સંકેતને અનુસરી રાત્રિએ પોતાના પ્રેમીને મળવા જનારી સ્ત્રી. જાણે કે આગલા શેરનો સંકેત સમજીને આખી ગઝલ આગળ વધે છે !!

Comments (2)

ગોફણ છે…..- અનિલ ચાવડા

ચોપાસે પીડાની સણસણતી વીંઝાતી ગોફણ છે ગોફણ છે ગોફણ છે,
આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે તો પણ છે તો પણ છે.

આંખો તો મનદુઃખનાં મેલાંમસ વસ્ત્રોને
કીકીઓના વાસણમાં ભીંજવે,
ધોઈને ચોખ્ખાચણાક કરી છેવટ એ
પાંપણની આંગળીથી નીચવે;
એમાં શું ખોટું હું આંખોને કહી દઉં તું ધોબણ છે ધોબણ છે ધોબણ છે,
આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે તો પણ છે તો પણ છે.

કોની તે ઝંખનામાં વરસોથી ટળવળતાં
મારાં બધીર સાવ ટેરવાં,
વીંટી જો હોય તો એ પ્હેરી પણ લઈએ
પણ કેમ કરી સ્પર્શોને પ્હેરવા?
પથ્થર પર ઢીંચણિયે ચાલવામાં છોલાયા ગોઠણ છે ગોઠણ છે ગોઠણ છે,
આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે તો પણ છે તો પણ છે.

– અનિલ ચાવડા

કવિની લાક્ષણિક અદા ઉજાગર કરતું મઝાનું ગીત…..

Comments (2)

આગળ જઈએ – સુનીલ શાહ

એવું થોડું છે, દોડીને આગળ જઈએ?
ચાલીને, થોડું અટકીને આગળ જઈએ.

એમ નથી, છાંયો ભાળીને આગળ જઈએ,
તડકાને પણ સ્વીકારીને આગળ જઈએ.

એમ બને, એ સાથે આવે, ના પણ આવે,
બૂમ જરા એને પાડીને આગળ જઈએ.

એને પણ પૂરો હક છે આગળ વધવાનો,
સ્હેજ જગા એની છોડીને આગળ જઈએ

કોઈ હતાશા લઈ પાછળ પાછળ આવે છે,
સ્મિત સમા પગલાં પાડીને આગળ જઈએ.

– સુનીલ શાહ

સરળ અને સહજ ભાષામાં મજાની વાત કરતી નખશિખ આસ્વાદ્ય અને સંપૂર્ણ ‘પોઝિટીવ’ ગઝલ… શૈલી એવી કે તરત મરીઝ યાદ આવે…

Comments (12)

ખિસકોલી રાણીનું ગીત – વિજય રાજ્યગુરુ

શકરો વીંઝે પાંખ ગગનમાં ! હૈયે પડતી ફાળ,
તમોને ઝડપી લેશે કાળ…
પાળ ઉપર ના રખડો રાણા ! ઝડપી લેશે કાળ,
તમોને ઝડપી લેશે કાળ…

ઠાલા વટમાં, ખુલ્લા પટમાં,
મારે કાજ તમે જોખમમાં નાખ્યો જીવ તમારો !
અમે અબોલા છોડી દીધા,
રીસ તમે તરછોડી રાજા પાછા ઘેર પધારો !
સીતાની હરણાંહઠ જેવા અમને પડશે આળ,
તમોને ઝડપી લેશે કાળ…

ઘરવખરીમાં થોડા ઠળિયા,
પોલ નથી છો રૂના, છોને લાગે મ્હેલ અનૂરા !
જીવ હશે તો રામદુલારા,
સંતોષાય અબળખા,સઘળા થાય મનોરથ પૂરા !
ઠળિયો છોડો, દરમાં દોડો, ઠેકી પકડો ડાળ,
તમોને ઝડપી લેશે કાળ…

શકરો વીંઝે પાંખ ગગનમાં ! હૈયે પડતી ફાળ,
તમોને ઝડપી લેશે કાળ…
પાળ ઉપર ના રખડો રાણા ! ઝડપી લેશે કાળ,
તમોને ઝડપી લેશે કાળ…

– વિજય રાજ્યગુરુ

કવિ પોતે આ ગીત વિશે જે કહે છે એ સાંભળીએ: “એક ગૃહિણીનું / ઘરની રાણીનું ગીત આપને ગમી જશે. મંગાવેલી ચીજ પતિ ન લાવે. પત્ની કોપભવનમાં જાય. રીસભર્યો પતિ વસ્તુ લીધા વગર ઘરમાં પગ ન મૂકવાની પ્રતિજ્ઞા કરી જવા નીકળે અને નગરના ટ્રાફિકમાં પતિના જાનનું જોખમ જોતી પત્ની જે ચિંતા અનુભવે તેનું ગીત….”

પણ આવું કશું ન વિચારીએ તો પણ સાવ નવી ફ્લેવરનું આ ગીત એમ જ આખું આસ્વાદ્ય બન્યું છે. હરણાંહઠ શબ્દપ્રયોગ ચાર ચાંદ લગાવી દે છે…

Comments (4)

Page 2 of 408123...Last »