તમારાં અહીં આજ પગલાં થવાનાં,
ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર થૈ ગઈ છે.
ગની દહીંવાલા

(અવળી ચાલ, અજાયબ કેડા) – સંજુ વાળા

અવળી ચાલ, અજાયબ કેડા
એક જ ડગલે માપી લીધા ત્રણે કાળના છેડા.

ભાતભાતનાં ભાવભોજથી તસતસતાં તરભાણાં,
અબૂધની આગળ મૂકેલાં અઘરાં કોઈ ઉખાણાં;
ચાખે એ સહુ નાચે લઈને માથે નવ નવ બેડાં,
અવળી ચાલ, અજાયબ કેડા.

ધખધખતી એક ધૂન ચડાવી લખીએ લખ સન્દેસા.
પગ થઈ જાતા પવનપાવડી, હાથ બન્યા હલ્લેસાં;
મીટ-અમીટે એ જગ જોવા, વિણ વાયક વિણ તેડાં,
અવળી ચાલ, અજાયબ કેડા.

– સંજુ વાળા

જમાનો એનો છે જે પોતાની રાહ પોતે કંડારે છે. બીજાની ચાલ કે બીજાએ ચાતરેલી કેડી નહીં પણ જરા અવળું કરી શકો તો ભૂત, વર્તમાન ને ભવિષ્ય – બધું જ તમારું છે. પંક્તિ-દર પંક્તિમાં છવાયેલો વર્ણાનુપ્રાસ (alliteration) કવિતાના નિર્મિત સંગીતની ભીતર એક બીજું સંગીત ઉમેરે છે, જાણે કે શરણાઈની પછીતે ઝાંઝરી !

9 Comments »

 1. Manish V. Pandya said,

  October 18, 2014 @ 2:43 am

  સુંદર રચના. પ્રશંસનીય.

 2. Sanju Vala said,

  October 18, 2014 @ 2:59 am

  Aabhar…. vivekji.

 3. ravindra Sankalia said,

  October 18, 2014 @ 9:56 am

  પ્રાસનુપાસથી સમ્રુધ

 4. Sudhir Patel said,

  October 25, 2014 @ 11:05 pm

  વાહ, ભજનની કક્ષાનું મસ્તી સભર ગીત!
  સુધીર પટેલ.

 5. CHENAM SHUKLA said,

  August 6, 2015 @ 6:07 am

  વાહ સરસ ગીત

 6. Neekita said,

  June 12, 2017 @ 10:28 pm

  Where did you get the inspiration to create such – Alakh Nirnajan feelings type Geet and if possible, please provide Audio Clip in your own voice , so that we can learn how to sing this properly. Hope you don’t mind.

 7. વિવેક said,

  June 13, 2017 @ 2:22 am

  @ નિકીતાજી:

  આપનો પ્રતિભાવ કવિ સુધી પહોંચાડીશ….

 8. સંજુ વાળા said,

  June 13, 2017 @ 8:31 am

  ખૂબ ખૂબ આભાર મિત્રો

  નિકિતાજી
  આપણી પાસે છેક મધ્યકાળથી પદ-ભજનનો મોટો વારસો છે.
  પરંતુ એજ રીતિએ અને એજ ભાવદ્રવ્યને આપણે વલોવ્યા કરીએ તો એ સસ્તા અનુકરણથી વિશેષ કંઈ ના નીપજાવે. આ પરંપરા પોષણ જરૂર આપે પણ ખુદ પોષક બની જાય તો કવિના પોતીકા ચેતોવિસ્તારને પણ એ કુંઠિત કરે. એટલે આવા ભાવદ્રવ્યને સ્વકીય ચેતનાથી માંઝવી રહે. આ સંકેતોની ફેરતપાસ પણ કરવી રહે. બસ.. આ એની મથામણ ગણી શકાય.

  શરળ લય છે. ચતુષ્કલ માત્રા સંધિએકમોનો. એટલે એના પાઠની તો જરૂર નથી. પણ આપણે એ પણ યાદ રાખવા જેવું કે વાંચવાનું હોય છે તે કાવ્ય છે. એનો લય નહીં. બસ એનું ભાવવાહી પઠન થાય એટલે કવિતા સમજાવા કરતા પ્રત્યાયિત થાય એટલે બધું આવી ગયું

  વિવેકજી..
  આભાર
  અહીં વાત કરવાની પણ તક મળી.

 9. વિવેક said,

  June 14, 2017 @ 2:40 am

  @ સંજુ વાળા:

  આભાર…
  🙂

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment