માથે સંકટ હતું, શબ્દ શંકર બન્યા
ઓગળ્યો વખ સરીખો વખત શબ્દમાં

આમ લખવું કરાવે અલખની સફર
શબ્દનો બંદો ફરતો પરત શબ્દમાં
રઈશ મનીઆર

યાહોમ કરીને પડો – કવિ નર્મદ

સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.

કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે….યા હોમ..

સાહસે કર્યો પરશુએ પૂરો અર્જુનને,
તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે…યા હોમ..

સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નિપોલિયન ભીડ્યો યૂરપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામાં,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે…યા હોમ..

સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;
સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,
સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો;
સાહસે નર્મદા દેશ-દુ:ખ સહુ ભાગે…યા હોમ..

-કવિ નર્મદ

કવિ નર્મદની જન્મજયંતી નિમિત્તે આજે એમની એક લબ્ધપ્રતિષ્ઠ કૃતિ… “યાહોમ કરીને પડો, ફતેહ છે આગે“- આ પંક્તિ તો આજે કહેવતકક્ષાએ પહોંચી ચૂકી છે. કવિ નર્મદનો પરિચય અને એમની અન્ય કૃતિઓ આપ અહીં વાંચી શક્શો. લયસ્તરો તરફથી યુગક્રાંતિના આ પ્રણેતાને સો સો જુહાર…

4 Comments »

  1. પંચમ શુક્લ said,

    August 24, 2007 @ 4:18 AM

    લગભગ દરેક ગુજરાતીને મોઢે એવી કડીઃ

    સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;
    યા હોમ કરીને પડો ફતેહ છે આગે.

    યુગક્રાંતિના આ પ્રણેતાને યોગ્ય જન્મજયંતી અંજલિ.

  2. ધવલ said,

    August 24, 2007 @ 9:59 PM

    આપણે તો આ જુસ્સો માત્ર ગીત દ્વારા અનુભવિએ છીએ, નર્મદ તો આ જુસ્સો જીવતો હતો. એની કવિતા અને ગીતોમાં જે જોશ છે એ એની જીંદગીનું પ્રતિબિંબ માત્ર છે.

  3. હાસ્યલેખ ! પણ લખવો કેમ ? | વાંચનયાત્રા said,

    September 27, 2010 @ 11:42 PM

    […] જોયા વગર, કોઇની દરકાર કર્યા વગર, “યાહોમ કરીને પડો, ફતેહ છે આગે”. અને વાંચનારાઓ બહુ બુદ્ધિમાન હોય છે, […]

  4. પુસ્તક પ્રિસ્ક્રિપ્શન:’Poke the Box’-ચાલો કાંઈક કરી બતાવીએ…. « ઈન્ટરનેટ પર વેપાર…ગુજરાતીમાં said,

    April 7, 2011 @ 5:53 PM

    […] બહાર મુકેલી નવી બૂક: ‘Poke The Box’ ને આ ગુર્જરિત કવિતાનો બાંકડો બનાવી ઇંગ્લીશમાં પોતાના […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment