મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.
હેમેન શાહ

હેમચંદ્રના દુહા (રૂપાંતર: વિવેક મનહર ટેલર)

ઢોલ્લા સામલા ધણ ચંપાવણ્ણી,
નાઈ સુવણ્ણ-લેહ કસવટ્ટઈ દિણ્ણી

ઢોલો કેવો શામળો, ધણ છે ચંપાવર્ણ
કસોટી ખાતર પડી ન હો જાણે રેખા સ્વર્ણ
*
હિઅઈ ખુડુક્કઈ ગોરડી ગયણિ ધુડુક્કઈ મેહુ,
વાસારત્તિ પવાસુઅહં વિસમા સકડુ એહુ.

હૈયે ખટકે ગોરડી, ગગને ધડૂકે મેહ,
મેઘલરાતે યાત્રીને વસમું સંકટ એહ.
*
અગલિઅ-નેહ-નિવટ્ટાંહં જોઅણ-લખ્ખુ જાઉ,
વસિર-સોએણ વિ જો મિલૈ સહિ, સોકખહં સો ઠાઉ

અગણિત સ્નેહ કરંત કો લાખો જોજન જાય,
સો વર્ષેય મળે, સખી! સુખનું ઠામ જ થાય.
*
પિય-સંગમિ કઉ નિદ્દડી, પિઅહા પરોકખહા કેમ્વ,
મઈ વિન્નિ-વિ વિન્નાસિઆ નિદ્દ ન એમ્વ ન તેમ્વ.

પિયુસંગમાં ઊંઘ ક્યાં, પરોક્ષ હો તો કેમ?
બંને રીતે ખોઈ મેં, ઊંઘ ન આમ ન તેમ.
*
સાવ-સલોણી ગોરડી નવખી ક-વિ વિસ-ગંઠિ
ભડુ પચ્ચલ્લિઉ સો મરઈ જાસુ ન લગ્ગઈ કંઠિ

સાવ સલૂણી ગોરી આ નવલો કો વિષડંખ
ઊલટું મરે છે વીર એ, ન લાગી જેને કંઠ
*
વાયસુ ઉડ્ડાવંતિઅએ પિયુ દિઠ્ઠઉ સહસત્તિ,
અદ્ધા વલયા મહિહિ ગય અદ્ધા ફુટ્ટ તડત્તિ !

વાયસ ઉડાવનારીએ પિયુ દીઠો સહસા જ,
અડધા કંકણ ભૂમિમાં, અડધા તૂટ્યાં ત્યાં જ !
*
સિરિ જરખંડી લોઅડી ગલિ મણિઅડા ન વીસ
તો-વિ ગોટ્ઠડા કરાવિઆ મુદ્દાએ ઉઠ્ઠ-બઈસ!

માથે જર્જર ઓઢણી, ન કંઠ મણકા વીસ,
તોય કરાવી ગોરીએ ગોઠિયાવને ઉઠબેસ.
*
એ હુ જમ્મુ નગ્ગહ ગિઅઉ ભ્રડસિરિ ખગ્ગુ ન ભગ્ગુ,
તિકખા તુરિય ન વાહિયા ગોરિ ગલિ ન લગ્ગુ !

વ્યર્થ ગયો એ જન્મ, ભડ! શિર તલવાર ન ભાંગી
તીખા હય ન પલાણિયા, ગોરી ગળે ન લાગી!
*
મહુ કંતહા બે દોસડા હેલ્લિ, મ ઝંખઈ, આલુ
દેં તહા હઉં પર ઉવ્વરિઅ જુજઝંતહા કરવાલુ

મુજ કંથમાં છે દોષ બે, ન ખોટું બોલ લગાર,
દેતા હું ઊગરી, સખી, ઝઝૂમતાં તલવાર
*
ભલ્લા હુઆ યુ મારિયા બહિણે, મહારા કંતુ,
લજ્જેજ્જ તુ વયંસિઅહુ જઈ ભગ્ગા ઘરુ એંતુ !

ભલું થયું કે મારિયો, બહેના, મારો કંથ,
સહિયરમાં લાજી મરત, જો ભાગી ઘર ફરંત.

– મૂળ દુહા ‘સિદ્ધ-હૈમ’માંથી
(રૂપાંતર: વિવેક મનહર ટેલર)

લગભગ હજાર વર્ષ પહેલાંના આ દુહા જે-તે સમયની ગુજરાતી ભાષામાં જ લખાયેલા છે પણ પહેલી નજરે આ ગુજરાતી ગુજરાતી લાગતી જ નથી. કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિએ ‘સિદ્ધ-હેમ શબ્દાનુશાસન’માં પ્રાકૃત વ્યાકરણના આઠમા અધ્યાયના ચતુર્થ ખંડમાં એમણે ‘અપભ્રંશ વ્યાકરણ’ના નિયમો ઉદાહરણ સહિત સમજાવ્યા છે. પ્રસ્તુત દુહાઓ ભલે હેમચંદ્રના માધ્યમથી આપણા સુધી પહોંચ્યા છે, પણ એના કર્તા હેમચંદ્ર પોતે નથી. જૂની ગુજરાતીમાં લખાયેલા આ દુહાઓને આજની ગુજરાતીના દુહાઓમાં ઢાળવા માટે શ્રી રમેશ જાનીએ ‘કવિતા અમૃતસરિતા’ પુસ્તકમાં આપેલા શબ્દાર્થ-સમજૂતિની સહાય લીધી છે.

ગૌરવાન્વિત શૌર્યછલકંતી ગરવી ગુજરાતનું ખરું સૌંદર્ય અને પ્રજાનું ખમીર હજાર-બારસો વર્ષ પૂર્વે પ્રવર્તમાન આ દુહાઓમાંથી છલકાય છે. આપણા વડવાઓની આ ભાષા પરથી ગુજરાતી ભાષાની નદી કેવાં કેવાં વળાંકો ને વહેણમાં વહીને આપણી આજ સુધી પહોંચી હશે એનો હૃદયંગમ ચિતાર પ્રાપ્ત થાય છે.

6 Comments »

  1. Shivani Shah said,

    September 16, 2017 @ 7:52 PM

    સરસ પ્રયોગ! વિદેશી ભાષાઓમાં લખાએલ કાવ્યોના ભાષાંતર અને રસદર્શન માણી શકાય તો જૂની ગુજરાતીમાં લખાયેલ કાવ્યો શા માટે બાકાત રહે ? પ્રાકૃત, માગ્ધી, અર્ધમાગ્ધી, પાલી વિ. ભાષાઓની જેમ જૂની ગુજરાતી પણ સાવ Greek and Latin જેવી – સમૂળગી ન સમજાય એવી લાગે છે પણ અર્વાચિન ગુજરાતીમાં કરેલ રુપાંતર અને background notes સાથે વાંચવાની મઝા આવી. Layastaro, Thanks for this unexpected, unusual/ unique praiseworthy effort !

  2. સંજુ વાળા said,

    September 17, 2017 @ 1:29 AM

    વાહ.. વાહ
    અતિ મહત્વના આ દોહા છે.

  3. વિવેક said,

    September 18, 2017 @ 3:22 AM

    @ સંજુ વાળા

    આપની વાત સાચી છે… ખૂબ ખૂબ આભાર…

  4. વિવેક said,

    September 18, 2017 @ 3:23 AM

    @ શિવાની શાહ:

    મિત્રો unexpected, unusual/ unique નું મહત્ત્વ સમજે એનો જ તો આનંદ છે… ખૂબ ખૂબ આભાર…

  5. nicky9112 said,

    September 20, 2017 @ 5:22 AM

    બેીજા દુહા લાવો હજેી, બહુ મજા આવેી ગઈ. ઝિરિમિરિ ઝિરિમિરિ ……..થઈ ગયુ. “Apbhransha ” Gujarati.

  6. વિવેક said,

    September 20, 2017 @ 8:02 AM

    આભાર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment