કાયા એની, આત્મા એનો, શ્વાસ-શ્વાસ ને સ્વપ્નો એના,
સઘળું એનું તોય મને કેમ મારું લાગે ? બોલો ને ભાઈ !
વિવેક મનહર ટેલર

(ત્રિપદી હાઈકુ ગઝલ) – મનોજ ખંડેરિયા

ટપકે નેવાં
આજે તો અવકાશે
છલકે નેવાં

રાત પડે ને
સામે ઘેર જવાને
સરકે નેવાં

કોણ આવતું
આજ આંખની જેવાં
ફરકે નેવાં

અષાઢ-રાતે
કણું બનીને આંખે
ખટકે નેવાં

પાંખ-પાંખમાં
મૌન ધ્રૂજતું ભીનું
ધબકે નેવાં

– મનોજ ખંડેરિયા

અનન્ય કહી શકાય એવી આ રચનાને આપણે શું કહીશું?
હાઈકુ શ્રેણી? ગઝલ? કે પછી ત્રિપદી ?

અહીં ગઝલનો છંદ યથાર્થ પ્રયોજાયો છે, નેવાં રદીફ અને ટપકે-છલકે-સરકે-ફરકે-ખટકે-ધબકે જેવા કાફિયા પણ સફળતાપૂર્વક પ્રયોજાયા છે. શેરિયત જળવાય રહે છે પણ ઉલા મિસરા અને સાની મિસરા એમ ગઝલમાં બે પંક્તિઓ મળીને એક શેર બને એ રચના અહીં નજરે ચડતી નથી. અહીં ત્રિપદીની માફક ત્રણ પંક્તિઓની સંરચના નજરે ચડે છે પણ કવિતાનો ઘાટ વળી હાઈકુનો થયો છે.

આને ત્રિપદી હાઈકુ ગઝલ કહીશું? કે પછી રંગ-રૂપની પળોજણ છોડીને કવિતાને જ મનભર માણીશું?

8 Comments »

  1. Kalpana said,

    September 7, 2011 @ 4:05 AM

    આ જે નાના પદોમા નેવાની વાત ગમી. નીતરે ત્યારે જ નેવા તરફ ધ્યાન જતું હોય છે. એની નીચે કવિએ કલ્પનાનો હાથ ધરી સુન્દર રચના આપણા હાથમા મૂકી છે.
    આભાર.

  2. કિરણસિંહ ચૌહાણ said,

    September 7, 2011 @ 7:25 AM

    આને બહુ જ સાહજિકતાથી થયેલો મીઠો પ્રયોગ કહી શકાય કે જેને મનોજભાઇ જેવા શબ્દશિલ્પી જ કંડારી શકે. ત્રણ–ત્રણ સ્વરૂપ એક સાથે નિભાવવા અને એય જરાય રસક્ષતિ વગર…!! વાહ મનોજભાઇ!

  3. kishoremodi said,

    September 7, 2011 @ 8:17 AM

    સરસ પ્રયોગ છે

  4. kishoremodi said,

    September 7, 2011 @ 3:29 PM

    સુંદર પ્રયોગાત્મક ત્રિપદી ગઝલ.

  5. Dhruti Modi said,

    September 7, 2011 @ 3:32 PM

    ઉપરની કોમેન્ટ મારી ઍટલે કે ધૃતિ મોદીની છે.

  6. Devika Dhruva said,

    September 7, 2011 @ 7:02 PM

    નેવાં જોઇને કાવ્યત્વથી ભરપૂર રચના તો સાચા કવિઓ જ કરી શકે અને એટલે જ તો….
    શબ્દશિલ્પીના, આ આજે પણ હજી, રણકે નેવા.
    ત્રિપદી હાઇકુ ગઝલ ખુબ ગમી.શોધીને લઇ આવવા બદલ વિવેકભાઇને અભિનંદન અને આભાર.

  7. Raj Mheta said,

    September 8, 2011 @ 11:02 PM

    kishoremodi said,
    September 7, 2011 @ 8:17 am

    સરસ પ્રયોગ
    ભાઈ શ્રેી, પણ તમે આ પ્રયોગ ન કરતા!

  8. જગદીશ કરંગીયા ‘સમય’ said,

    June 9, 2017 @ 6:13 AM

    ત્રિપદી હાઇકુ ગઝલ ખુબ ગમી.
    આવું સાહસ કરવું પણ પ્રશંસાને પાત્ર છે.
    આભાર.

    જય ભારત
    —————
    Jagdish Karangiya ‘Samay’
    https://jagdishkarangiya.wordpress.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment