હૃદયમાં જ તારા પ્રથમ તું નીરખને !
પછી દસ દિશામાં પરમ તું નીરખને !

અગમ તું નીરખને ! નિગમ તું નીરખને !
દ્યુતિની ઝલક ચારેગમ તું નીરખને !
-ભગવતીકુમાર શર્મા

ચાલ, અહીંથી ભાગી છૂટીએ – રિષભ મહેતા

આ કંઈ રહેવા જેવું સ્થળ છે ? ચાલ, અહીંથી ભાગી છૂટીએ
માણસો છે કે મૃગજળ છે ? ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

ઉપર ઉપરથી આઝાદી, વાસ્તવમાં તો કેદ છે સાદી
સંબંધો નામે સાંકળ છે ! ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

એમ છલોછલ લાગ્યા કરતી, ક્યાં આવે છે એમાં ભરતી ?
કેવળ કાગળ પર ખળખળ છે ! ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

ચારે બાજુ બસ અંધારું, હો તારું કે જીવન મારું
આ તો સપનાંની ઝળહળ છે ! ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

હોય ભલે વરસાદી મોસમ; તું સુક્કી હું કોરો હરદમ
છત કે છત્રી બંને છળ છે ! ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

હું ન લાગું માણસ જેવો; તું ન લાગે પારસ જેવો
ઓળખ બંનેની નિષ્ફળ છે ! ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

હુંય એકલો તુંય એકલો; કરીએ ઈશ્વર એક ફેંસલો
કોઈ ક્યાં આગળ પાછળ છે ? ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

મેં જોયા શબ્દોને ડરતા; અંદર અંદર વાતો કરતા;
‘જીર્ણ થયેલો આ કાગળ છે, ચાલ, અહીંથી ભાગી છૂટીએ !’

અહીંથી ક્યાં ભાગીને જઈશું ? જ્યાં જઈશું ભાગેડુ થઈશું
મુક્તિની આશા પોકળ છે, (પણ) ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

-રિષભ મહેતા

આ સરસ મજાની ગઝલની બીજી એક ખૂબીએની આંતરિક પ્રાસરચના છે. દરેક શેરની પહેલી પંક્તિના બન્ને ટુકડામાં અંત્યાનુપ્રાસ જળવાયો હોવાથી ગઝલમાં એક અનોખો લય ઉપસી આવે છે. રિષભ મહેતા કોલેજમાં આચાર્ય છે. જન્મ: વેડછા ગામ (નવસારી), 16-12-1949. કાવ્યસંગ્રહો: ‘આશકા’, ‘સંભવામિ ગઝલે ગઝલે’, ‘તિરાડ’.

2 Comments »

  1. પંચમ શુક્લ said,

    December 23, 2006 @ 5:35 PM

    અહીંથી ક્યાં ભાગીને જઈશું ? જ્યાં જઈશું ભાગેડુ થઈશું
    મુક્તિની આશા પોકળ છે, (પણ) ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

    સુંદર ગઝલ.

  2. ધવલ said,

    December 24, 2006 @ 1:11 AM

    હું ન લાગું માણસ જેવો; તું ન લાગે પારસ જેવો
    ઓળખ બંનેની નિષ્ફળ છે ! ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

    બહુ સરસ રચના !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment