છે ઊછીનું તેજ તોયે ઠારતું, ના બાળતું,
લેણ-દેણીની રસમ ગર્વિત કરે છે ચાંદની.
વિવેક મનહર ટેલર

શબ્દોત્સવ – ૪: ગીત: અનુભૂતિ – જગદીશ જોષી

પાંદડી તે પી પીને કેટલું રે પીશે
                  કે મૂળિયાંને પડવાનો શોષ ?
આભ જેવા આભને હૈયામાં હોય કદી
                  જળના વરસ્યાનો અફસોસ ?

એક પછી એક મોજાં આવે ને જાય
                  એને કાંઠે બેસીને કોણ ગણતું ?
વાદળના કાફલાનું ગીત અહીં લ્હેરખીમાં
                  રેશમનો સૂર વણતું;
ઉઘાડી આંખે આ જાગતા ઊજાગરાને
                  આઘાં પરોઢ આઠ કોશ !

નીંદરાતી આંખ મહીં ઊમટીને ઊભરાતું
                  જાગે છે સપનાંનું ટોળું,
કિરણોની એક એક કાંકરીઓ નાખીને
                  જંપ્યું તળાવ નહીં ડહોળું;
આખા આકાશને ઓઢીને  ઠરવાનો
                  જળને છે ઝીણો સંતોષ !

– જગદીશ જોષી

1 Comment »

  1. જ્યશ્રી said,

    December 8, 2006 @ 1:47 AM

    જેમ નાના છોકરાને થાય ને, કે વર્ષગાંઠ વર્ષમાં એક કરતા વધારે વાર આવવી જોઇએ, જેથી એ special treatment એને વારે વારે મળે… એમ મને પણ થાય છે કે લયસ્તરોનો જન્મદિવસ વર્ષમાં એક કરતા વધારે વાર આવવો જોઇએ.

    અઠવાડિયા સુધી દરરોજ એક જ કાવ્યપ્રકારની ત્રણ એકદમ સરસ રચનાઓ એક સાથે… અમને મજા જ પડી ગઇ.. !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment