ઉકેલ્યા પછી ભેદ નીર-ક્ષીર કેરાં,
જીવણ! એકે મોતી ચરી ના શકાયું!
– હર્ષા દવે

અવસ્થાન્તર – જયન્ત પાઠક

(શિખરિણી)

અહો એ અશ્વો, એ તડિત-શી ત્વરા, ખૂંદતી ધરા
ખરીઓ એ, ખુલ્લાં હરિત ચરિયાણો ગજવતી
મહાહેષાઓ એ અતલ ઊંડું આકાશ ભરતી;
જરા વાગી એડી, ગગન ઊડતા લક્ષ્યઅધીરા !

અહો એ વેગીલા શત શત સર્યા પ્હાડથી ઝરા !
ઝલાતા ના ઝાલ્યા, તટ ઉભયને ઉચ્છલી જતા;
મહામોજે તાણી તરુવર, ગુહાઓ ગજવતા
ફીણો ફુત્કારંતા વળવમળબંકા બલભર્યા !

હવે ધીમે ધીમે ઘટતું મટતું જાય જીવન;
બુઝાતા દીવાની શગ-શું, અવળો વાય પવન;
દૃગો ટૂંકું ભાળે પગ નજીકનું – તે ય ધૂંધળું;
પગો ટૂંકી ચાલે ઘર મહીં ફરે રે હળુહળુ;

બધી ઇન્દ્રિયો ને મન હવે શાંત, શિથિલ
જગત્ જાણે ગૂંથ્યું જીવ જકડતું જાળું જટિલ.

– જયન્ત પાઠક

યુવાનીનો તેજીલા તોખાર સમો તરવરાટ અને ઘડપણનો હોલવાતો દીવો – જીવનની બે સાવ વિપરિત છેડાની પણ અનિવાર્ય અવસ્થાઓ કવિએ શબ્દો દ્વારા અદભુતરીતે ચાક્ષુષ કરી છે… પંક્તિની મધ્યમાં એક સાથે પાંચ લઘુ આવે એવો એવો શિખરિણી છંદ જાણે કે ઘોડાની ચાલનો લય દોરી આપે છે. 4-4-4-2 બંધારણના સૉનેટના પ્રથમ બે બંધ યુવાવસ્થાનું દૃશ્ય તાદૃશ કરે છે અને abba પ્રમાણે પ્રાસ જાળવે છે જયારે ત્રીજા બંધમાં અવસ્થાન્તરની સાથે પ્રાસ રચના પણ aabb પ્રમાણે બદલાય છે. સૉનેટના બંધારણ પર નજર રાખ્યા વિના કાવ્ય વાંચતો વાચક પણ કદાચ આ પ્રાસપલટા અને ભાવપલટાને અનુભવી શકે છે…

15 Comments »

  1. હેમંત પુણેકર said,

    September 11, 2010 @ 2:07 AM

    સુંદર!!

  2. bharat joshi said,

    September 11, 2010 @ 4:10 AM

    મૃત્યોત્સવ !!!!!!!!!!!!!

    મૃત્યુની વાસ્તવિકતાને સ્વિકારી ઉજવીએ મૃત્યોત્સવ !!!!!!!!!!!!!

  3. વિહંગ વ્યાસ said,

    September 11, 2010 @ 6:25 AM

    સુંદર સૉનેટ.

  4. marmi kavi said,

    September 11, 2010 @ 6:41 AM

    યુવાની અને વૃદ્ધત્વને સુપેરે વ્યાખ્યાતિત કરી બતાડ્યું

  5. Pinki said,

    September 11, 2010 @ 7:23 AM

    જગત્ જાણે ગૂંથ્યું જીવ જકડતું જાળું જટિલ.!

    સુંદર અભિવ્યક્તિ !

  6. Viay Shah said,

    September 11, 2010 @ 9:36 AM

    બહુ જ સરસ કાવ્ય!

  7. pragnaju said,

    September 11, 2010 @ 9:55 AM

    સ રસ સોનેટ
    મૃત્યુનું પણ મૃત્યુ એનું નામ મહામૃત્યુ. આવું મહામૃત્યુ સિદ્ધ કરવાનો રસ્તો જ્ઞાનદેવ મહારાજ બતાવે છે : ‘જીવવાનું દેહ સોંપીને સ્વસ્થ રહેવાથી
    મરણ પરભારું મરી જ જાય છે.
    વસ્તુત: સ્વરૂપને
    જન્મેય નથી અને મરણેય નથી
    સમુદ્રના બુંદબુંદને સમુદ્રથી અલગ કલ્પી લીધું
    તો તે ક્ષણમાં જ સુકાઈ જવાનું છે,
    પણ એને સમુદ્રથી અળગું ન પાડતાં
    તે સમુદ્રમય જ છે એમ માન્યું
    તો તે કદીયે સુકાવાનું નથી.’
    ઈશ્વરને ચરણે જીવભાવનું સમર્પણ કરવું એટલું એક જ મરણ બસ જ્ઞાનદેવ જાણે છે. આ જ વાત અખો એની આખી વાણીમાં કહે છે :
    ‘મરતાં પહેલાં જાને મરી,
    અણહાલ્યું જળ રહે નીતરી.’
    શું જ્ઞાનેશ્વર કે અખો, શું નચિકેતા કે શ્રી અરવિંદ અથવા તો વિનોબાનો અંતિમ પ્રાણોત્સર્ગનો મહાપ્રયોગ… આ બધા એક જ વાત કહે છે કે મૃત્યુને જીતવું હોય તો શરીરભાવથી ઉપર ઊઠો. નચિકેતાને એના શરીરમાં લાવવા માટે યમદેવે કેટકેટલાં પ્રલોભનો આપ્યાં ? ગાડી, ઘોડા, ધન-દોલત, રાજપાટ, સ્વર્ગની અપ્સરાઓ – પણ નચિકેતાએ તો મૃત્યુનું રહસ્ય જ વાંછ્યું અને આત્મભાવમાં એ સ્થિર રહ્યો. ‘મરતાં પહેલાં મરવું’ એટલે મૃત્યુનું રોજ-રોજ રિહર્સલ કરવું. સતત સેવન કરવું. મૃત્યુ એટલે અ-શરીરમાં વસવું. સતત અ-શરીરમાં, આત્મભાવમાં રહેવાની ટેવ પડશે તો ‘વિમૃત્યુ’ થવાય છે. કઠોપનિષદ કહે છે : ‘अथ मर्तोडमृतो भवात । मृत्युमुखात्प्रेमुच्यते । आनन्त्याय कल्पते ।’ આ રીતે મર્ત્ય અમર્ત્ય બને છે. મૃત્યુ-મુખમાંથી છૂટે છે અને અનંતતાને પામે છે.

  8. Bharat Trivedi said,

    September 11, 2010 @ 2:44 PM

    બેશક સુંદર સોનેટ! જરા ખૂલ્લા અવાજે વાંચતાં હાઈસ્કૂલના દિવસો યાદ આવી ગયા. અમારા પંડ્યા સાહેબ છંદોબધ્ધ કાવ્યને કેવી રીતે વાંચવું જોઈએ તે બધું શિખવતા તે પછી તો કયા કવિને કયો છંદ કેવો કે કેટલો સદ્યો છે એ બધું જોવાની કુટેવ તો કોલેજમાં પડી ( તે ધણું ખોટું થયું) ! છતાં મારો છંદોબધ્ધ કાવ્યો પ્રત્યેનો લગાવ આજેય ઘટ્યો નથી. આજે ના ના કરતાંય આ સોનેટ હું પાંચ/છ વખત વાંચી ગયો હોઇશ! વિવેકભાઈ, હવે ‘ઉસનસ્’નું એકાદ સોનેટ ક્યારે આવે છે?

    -ભરત ત્રિવેદી

  9. himanshu patel said,

    September 11, 2010 @ 8:57 PM

    જયન્તભાઈ,સિતાંન્શુભાઈ અને ફ્રેંચ કવિ પેર લવિંગના બ્લેક હોર્સ રાઈડરનો સયુક્ત અભ્યાસ મારી વેબ પર મુકીશ, પણ અત્યારેતો ત્રણેવ એકસાથે યાદ આવી ગયા. અભાર.

  10. sudhir patel said,

    September 11, 2010 @ 9:52 PM

    સુંદર અને વળી સહજ સમજાય એવું સોનેટ!
    સુધીર પટેલ.

  11. Ruchir Pandya said,

    September 12, 2010 @ 1:03 AM

    વાહ સાહેબ ,

    તમે ખરેખર વિવિધ કાવ્ય સ્વરુપો મા થી કૈક સારુ આપો છો.

    કવિ જયન્ત પાઠક અને ઉશનસ અમારે ત્યા એક સપ્તાહ અતિથિ બનેલા. ત્યારે હુ ૧૦ વર્શ નો હતો. પણ આજેય તેમ્નુ પ્રેમાળ હાસ્ય …એક્દમ સરસ સ્વભાવ …ભુલ્યો નથી. તેમના સોનેટો બહુ ગમે છે. કિશોરવસ્થા મ વાન્ચેલ “વનાન્ચલ્ ” તેમના ગદ્ય પર ના સ્વામિત્વ ને પુરવાર કરે છે.

  12. prabhat chavda said,

    September 12, 2010 @ 1:08 AM

    સુંદર અભિવ્યક્ત બેશક સુંદર

  13. વિવેક said,

    September 12, 2010 @ 3:14 AM

    પ્રિય ભરતભાઈ,

    કવિશ્રી ઉશનસ્ ના ત્રણ સૉનેટ તો લયસ્તરો પર હાલ છે જ… છતાં એમના અન્ય સૉનેટ પણ સમયાંતરે અહીં આવતા રહેશે:

    https://layastaro.com/?p=921 (કવિશ્રીના પોતાના હસ્તાક્ષરોમાં)

    આંસુ – ઉશનસ્

    અકર્મક પ્રેમ વિશે – ઉશનસ્

  14. dhrutimodi said,

    September 12, 2010 @ 9:26 PM

    ખૂબ જ સુંદર સોનેટ.
    પહેલી આઠ પંક્તિમાં શબ્દો દ્વારા જુવાનીનો અદ્ભુત જોમ-જુસ્સો ચિત્રિત કર્યો છે. તો પછીની છ પંક્તિમાં ઉત્તરાવસ્થાની મંદ પડી ગયેલી શરીરની ક્રિયાની સુંદર અભિવ્યક્તિ કવિઍ આલેખી છે. વારંવાર વાંચવું ગમે ઍવું સોનેટ.

  15. bharat joshi said,

    September 15, 2010 @ 10:04 AM

    pragnaju ji,
    આપનો ખુબ આભાર
    મૃત્યોત્સવ !!!!!!!!!!!!!

    મૃત્યુની વાસ્તવિકતાને સ્વિકારી ઉજવીએ મૃત્યોત્સવ !!!!!!!!!!!!!

    મારી અભિવ્યક્તિને આપે સુંદર સરળ ભાષામાં સમજાવી તે બદલ…….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment