ના કદી એથી વધુ પામી શક્યા
પામવાની ધારણા કેવળ હતી.
– રમેશ ઠક્કર

દુ:ખની સ્વીકૃતિનું ગીત – ભાનુપ્રસાદ પંડ્યા

સુખ તો સોહામણું છાયલ, ઓ વાલમા !
દુ:ખ તો ત્રોફેલ ડિલે છૂંદણું,
ઓલ્યું તો વાયરાની ઝાપટમાં ઊડે
આ રૂંવાડે કોર્યુ ભાઈબંધણું !

લિસ્સેરું અડકીને અળગું જે થાય
એની સરતા સમીર જેવી માયા,
અણિયાળું થઈને જે ઊતરતું અંગ અંગ
એના તો પ્રાણ સુધી પાયા !
સોનારે નહીં કોઈ મણિયારે નૈં,
આ તો જનમારે ઘડિયેલું ઝૂમણું.

નાગણના દીધેલા લીલાછમ ડંખ જેવું
જિંદગીની કાયા પર શોભતું,
ભવભવની વાટેથી વળગેલા રજકણની
એંધાણી થઈને એ ઓપતું !
આળખેલી પિયળ શું પળનું મે’માન નથી,
હરદમ ઝિલમિલ થતું ઈંધણું !

– ભાનુપ્રસાદ પંડ્યા

સુખની સ્વીકૃતિનું ગીત તો કેમ હોઈ શકે, સુખ તો આપણને સહજ સ્વીકાર્ય છે.  અહીં ગ્રામનાયિકા સુખ અને દુ:ખની લાક્ષણિકતા પોતાની આગવી લઢણમાં દર્શાવે છે.  એને મન તો સુખ એક સોહામણા  ‘છાયલ’ જેવું છે, જે એના અંગે સ્પર્શે તો છે પરંતુ એ વાયરા જેવું ચંચળ અને લીસ્સું હોઈ ઊડીને અને અડીને અળગું પણ થઈ જાય છે.  જ્યારે દુ:ખ તો એને મન અંગે ત્રોફાવેલ એક છૂંદણા જેવું છે, જે માત્ર અંગને અડતું નથી પરંતુ અંગનો એક અવિભાજ્ય ભાગ બની ગયેલ છે – રૂંવાડે કોરાઈ ગયેલ છે – બિલકુલ કોઈ વ્હાલા સ્વજનની જેમ.  વળી વાયરો તો ક્ષણજીવી છે. જ્યારે સૌંદર્યના શણગારની જેમ છૂંદણાં ત્રોફાવતી ગ્રામનાયિકાને મન છૂંદણાનો મહિમા અનેક ઘણો મોટો છે, જેને એ ‘ભાઈબંધણું’ કહીને જીવનમાં એની અગત્યતા અને દૃઢતા બતાવે છે.  નાયિકાને દુ:ખની સહેજે ફરિયાદ નથી, એને તો એ સહજ સ્વીકાર્ય છે.  કારણ કે એ કહે છે કે એનું ‘છૂંદણું’ કોઈ સોનારે કે મણિયારે એને નથી ઘડી આપ્યું, બલ્કે ખુદ એના જનમારાએ જ એને ઘડ્યું છે –  જે ઉક્તિ કદાચ એક ગ્રામિણનારીનાં જીવનમાં વણાઈ ગયેલા ‘સહજ દુ:ખ’ને વધુ ઉજાગર કરે છે.

પરમ દિવસે જ ધવલે મૂકેલું વિપિન પારેખનું સુખ-દુ:ખ વિશેનું એક અછાંદસ – સુખ-દુ:ખ – ન માણ્યું હોય તો જરૂરથી માણવું ગમશે.

12 Comments »

  1. sudhir patel said,

    April 28, 2010 @ 9:42 PM

    ખૂબ સુંદર અનોખી ભાત ઉપસાવતું ગીત!
    સુધીર પટેલ.

  2. gopal said,

    April 29, 2010 @ 12:56 AM

    આ કાવ્યના વખાણ કરવા માટે ‘સરસ’શબ્દ પણ વામણો નથી લાગતો?

  3. વિવેક said,

    April 29, 2010 @ 1:20 AM

    ગીત વધુ સુંદર છે કે લય એ કળવું દોહ્યલું થઈ પડે એવું મજાનું ગીત… દુઃખ તે વળી કોને ગમે પણ કવિએ અહીં દુઃખને એવી સરસરીતે ગાયું છે કે દુખને પ્રેમ કરવાનું મન થઈ જાય…

    વાહ…

  4. Kirtikant Purohit said,

    April 29, 2010 @ 2:14 AM

    વરિષ્ટ વદીલ કવિ ભાનુભાઇની એક ઘણી જ સુંદર અને ઉર્મિગત હ્રદયસ્પર્શી કવિતા જે દુખને એની આધ્યાત્મિક ઉંચાઇએ લઇ જાય છે.ખરેખર એક ઉત્તમ ગીત.

  5. pragnaju said,

    April 29, 2010 @ 7:19 AM

    સુંદર ગીત
    અમારા ગ્રામિણ નારીના સહજ ભાવને ઉજાગર કરતું ગીત
    નાગણના દીધેલા લીલાછમ ડંખ જેવું
    જિંદગીની કાયા પર શોભતું,
    ભવભવની વાટેથી વળગેલા રજકણની
    એંધાણી થઈને એ ઓપતું !
    આળખેલી પિયળ શું પળનું મે’માન નથી,
    હરદમ ઝિલમિલ થતું ઈંધણું !
    ખૂબ સ રસ
    અમને તો-
    લાય લાગે તો બળે નહીં, એવા કાળજા કીધાં રે…
    દરિયો ખારો ને વીરડો મીઠો, એવા દાખલ દીધા રે….
    જીવન નથી જંજાળ, જીવન છે જીવવા જેવું રે

  6. Pushpakant Talati said,

    April 29, 2010 @ 7:47 AM

    real & extremely very good .
    perticularly I liked and enjoyed the following lines :-

    ભવભવની વાટેથી વળગેલા રજકણની
    એંધાણી થઈને એ ઓપતું !

    દુખ ને આટલી સહજતાથી સ્વિકારવુ itself is a great thing. everybody can not do so.

    આ ગીત જોઇને જુનાગઢના ભક્ત કવિ નરસૈયો યાદ અવ્યા વગર કેમ રહે – તેની પેલી રચના તો ભુલાય જ કેમ –
    ” સુખ દુખ મનમા ન આણીયે, તે તો ઘટ સાથે રે જડીયા,
    ટાળ્યા તે કોઈના નવ ટળે , રઘુનાથના ઘડિયા ”
    આ સમજ આ ગીતની ગ્રામીણ મહિલાએ જરુર આત્મસાત કરી જ હશે.

    આ ગીત ખરેખર ખુબ જ ગમ્યુ. – આ ભા ર

  7. preetam lakhlani said,

    April 29, 2010 @ 8:20 AM

    ભાનુભાઇ ની તો વાત જ શુ કરુ, ભાનુ ભાઇ કલ્પશબ્દ છે જે શબ્દને અડકે તે ગીત, ગઝલ્ કાવ્ય થઈ જાય્…

  8. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    April 29, 2010 @ 10:42 AM

    આ વાંચ્યા પછી ગુજરાતી ભાષાના ભવિષ્ય વિષે ચિંતા કરવાનું કોઈ કારણ બાકી રહે છે ખરું?

  9. jigar joshi prem said,

    April 29, 2010 @ 8:45 PM

    આ ગીત વાઁચતાની સાથે જ શું કામ ગમી ગયું એ જ સમજાતું નથી….અતિ સુંદર
    ભાનુભાઈને વંદન…

  10. Pinki said,

    April 29, 2010 @ 10:20 PM

    મનુષ્યનો સ્વભાવ છે કે, દુ:ખનાં રોદણાં રડવામાં સુ:ખ આવે ત્યારે તેને સ્વીકારી પણ નથી શકતો. કવિ ગ્રામકન્યાને મુખે કેટલી સહજ રીતે ‘સુખ’ની સ્વીકૃતિનું ગીત ગવડાવે છે.

  11. varsha tanna said,

    May 3, 2010 @ 5:05 AM

    સુખની વાતો કરીએ અમે દુઃખની આંગળીએ આંગળીએ જેવી સુંદર વાતનું ચોટદાર ગીત્

  12. kanchankumari. p.parmar said,

    May 3, 2010 @ 6:53 AM

    આદત પડી ગય છે હવે દુખ દર્દને પિવાનિ ને ઉબકે છે જિવ હવે તો સુખ ના ભરેલા જામ થિ……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment