રંગ કાળો, પીળો થયો જ નહીં,
એના દિલમાં દીવો થયો જ નહીં !
ભરત વિંઝુડા

કુંચી આપો બાઇજી – વિનોદ જોશી

કુંચી આપો બાઇજી!
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઇ જી?

કોઇ કંકુ થાપા ભૂંસી દઇ, મને ભીંતેથી ઉતરાવો.
કોઇ મીંઢળની મરજાદા લઇ , મને પાંચીકડાં પકડાવો.
ખડકી ખોલો બાઇજી! તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઇ જી!
કુંચી આપો બાઇજી!
 
તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી.
તમે અણજાણ્યા ઉંબરિયેથી, મારી નદીયું પાછી ઠેલી.
મારગ મેલો બાઇજી! તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઇ જી !
કુંચી આપો બાઇજી!

– વિનોદ જોશી

6 Comments »

 1. ગુજરાતી સર્જક પરિચય » વિનોદ જોશી said,

  July 6, 2006 @ 4:37 am

  […] કુંચી આપો બાઇજી   તો અમે આવીએ […]

 2. manvant said,

  July 7, 2006 @ 12:56 pm

  કાવ્યનું શીર્ષક અને હાર્દ બંને હૃદયંગમ છે !કવિપરિચય થયો હોત ,તો ઠીક થાત !

 3. zarmar hemal said,

  April 20, 2007 @ 10:18 pm

  મજા પડી ગઈ……………..
  આભર.

 4. મીત said,

  July 24, 2010 @ 6:50 am

  આ ગીતમાં મૈયરની જે માયા વળગી છે તે અદભુત છે..!ખરેખર અદભુત ગીત લખ્યું છે કવિ વિનોદ જોષીએ એમની એક રચના છે “આવું કા થાય?” એ પણ મુકશો તો ગમશે..!
  મીત

 5. વિનોદ જોશી said,

  August 16, 2013 @ 4:27 am

  ‘ પાંચીકા’ નહીં, ‘પાંચીકડાં’. સુધારી લેશો.
  – વિનોદ જોશી

 6. વિનોદ જોશી said,

  August 16, 2013 @ 4:42 am

  આવું કાં થાય ?
  એનો ઉત્તર છે એટલો કે એવું પણ થાય,
  એના જેવું પણ થાય…

  છાપામાં ઊઘડતું ઝાંખું પરોઢ રોજ સાંજ પડ્યે પસ્તી થઇ જાય,
  આખ્ખો’દિ ત્રાજવામાં તોળાતી લાગણીઓ સરવાળે સસ્તી થઇ જાય;

  કોરી આંખોમાં હોય બેઠેલા ખારવા, ને માછલીઓ ચશ્મામાં ન્હાય !
  આવું કાં થાય?
  એનો ઉત્તર છે એટલો કે એવું પણ થાય, એના જેવું પણ થાય…

  રોજ રોજ પંખી ઝુલાવનાર ડાળખી એક દિવસ ખીંટી થઇ જાય,
  લેખણમાં ઊડાઊડ કરતું પતંગિયું કાગળ પર લીટી થઇ જાય;

  ક્યાંક ફૂલદાની પર ચોમાસું ત્રાટકે ને ક્યાંક ઊભાં જંગલ સૂકાય !
  આવું કાં થાય?
  એનો ઉત્તર છે એટલો કે એવું પણ થાય, એના જેવું પણ થાય..

  – વિનોદ જોશી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment