ચારે તરફ નગરમાં બનતું નથી કશું પણ,
છે રાબેતા મુજબનું તેથી જ બીક લાગે.
અંકિત ત્રિવેદી

યાદગાર ગીતો :૧૭: – ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
              જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
.               એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
.               જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
.               એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.

જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
.               જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ હો રામ,
.               સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
.              જાણે કાનુડાના મુખમાં વ્રેમાંડ દીઠું રામ,
.              કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.

કોઈ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં,
             જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,
.              એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.

– હરીન્દ્ર દવે 

(જન્મ: ૧૯-૯-૧૯૩૦, મૃત્યુ: ૨૯-૩-૧૯૯૫)

સંગીત: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર: હંસા દવે

સંગીત સંયોજન: સોલી કાપડિયા
સ્વર: સોનાલી વાજપાઈ

સંગીત: મેહુલ સુરતી (રીમીક્ષ)
સ્વર: દ્રવિતા ચોક્સી

હરીન્દ્ર જયંતીલાલ દવે. કવિ ઉપરાંત નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, પદ્યકાર, સંપાદક અને અનુવાદક. જન્મ કચ્છના ખંભરા ગામમાં. ૧૯૫૧માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૧માં એમ.એ. ૧૯૫૧થી ૧૯૬૨ દરમિયાન ‘જનશક્તિ’ દૈનિકના તંત્રી. ૧૯૬૨થી ૧૯૬૮ સુધી ‘સમર્પણ’ સામયિકના સંપાદક. ‘સમકાલીન’ વર્તમાનપત્રમાં તંત્રી. ૧૯૬૮થી ૧૯૭૩ સુધી યુસિસની મુંબઈ ઑફિસમાં ગુજરાતી વિભાગના તંત્રી. ૧૯૭૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો એવૉર્ડ. ૧૯૮૨નો રણજિતરામ સુવર્ણચંદ્રક. તેઓ મુખ્યત્વે ગીતકાર અને ગઝલકાર છે. સાંપ્રત જીવનની એકલતા કે વ્યથાને વાચા આપતી દીર્ઘરચનાઓ પણ રચી છે. એમની નવલકથાઓમાં સ્ત્રીપુરુષ સંબંધોની સમસ્યાઓ આકારિત થઈ છે. ચિંતનાત્મક લેખો – નિબંધો, કવિતા આસ્વાદ, પરિચયાત્મક પુસ્તિકાઓ તેમની પાસેથી મળે છે. વર્ષો સુધી કટારલેખન કર્યું છે. (ગુજરાતી સાહિત્ય પરિષદનાં સૌજન્યથી)

હરીન્દ્રભાઈનાં કોઈ ગાયક-ગાયિકા એવા નહિ હોય કે જેમણે હરીન્દ્રભાઈનાં ગીતો ગાયા ન હોય. લતા મંગેશકરથી માંડીને શાળાઓ સુધીનાંએ એમનાં ગીતોને હોંશે હોંશે ગાયા છે. એમનાં ગીતોમાંથી એક ગીત પસંદ કરવું કપરું થઈ પડે… કારણ કે તરત જ મનમાં ગીતોની લાઈન લાગી જાય; જેમ કે- માધવ ક્યાંય નથી મધુવનમાં, એક રજકણ, અનહદનો સૂર,  ગુલાલ કરી ગઈ,  જાણીબૂજીને, મેળાનો મને થાક લાગે, તેં પૂછ્યો’તો પ્રેમનો મર્મ, અમોને નજરું લાગી, રાધાની લટની લહેરાતી કાળાશે– જેવા બીજાં કેટલાય લોકપ્રિય ગીતો… આજે તો આ ગીત પસંદ કર્યું, પણ કાલે જો ફરી પસંદ કરવા બેસું, તો નક્કી ગીત બદલાઈ જાય.  લીલાછમ્મ વિરહનું આ legendary ગીત આજે પણ એટલું જ લીલુંછમ્મ અને તાજા કોળેલા તરણા જેવું ચેતનવંતુ લાગે છે.  ગીતમાં પ્રિયનો વિરહ છે, પરંતુ એ વિરહની વેદના નથી. સ્મૃતિનો માત્ર આનંદ જ આનંદ છે.  સ્મૃતિની ભરતી છે, પણ ઝંઝાવાત નથી.  હૈયાને ઠંડક પહોંચાડનારી પ્રિયજનની સ્મૃતિનો મધુર કલશોર છે.  એટલે જ કદાચ કવિશ્રી સુરેશ દલાલે આ ગીતને ‘સ્મૃતિનું નાનકડું ઉપનિષદ’ કહીને બિરદાવ્યું છે.  કવિએ ભાવકો માટે આ ગીતની ભાવસૃષ્ટિ સાવ મોકળી રાખી હોય એવું લાગે છે, જાણે કે કોઈ પણ ભાવક એમનાં ભાવપ્રદેશમાં આસાનીથી પહોંચી શકે છે…

13 Comments »

  1. વિવેક said,

    December 14, 2009 @ 1:27 AM

    સાદ્યંત સુંદર કાવ્ય રચના…

    પ્રિયતમના વિરહમાં લખાયેલું આ કાવ્ય સતત સાહેદી પૂરે છે કે વિરહમાં પ્રયતમ મિલન કરતાંય વધુ નજીક, વધુ આત્મસાત્ હોય છે…

  2. Vijay Shah said,

    December 14, 2009 @ 8:51 AM

    ત્રીસે ત્રીસ ગીતોની સીડી બનાવી વહેંચવી છે…
    કોની પરવાનગી લેવાની..બ્લોગની.. કવિની.. સંગીતકારની કે ગાયકની
    ખુબ જ પ્રસ્તુત્ય કાર્ય..

    આખી ટીમને ધન્યવાદ

  3. BB said,

    December 14, 2009 @ 9:03 AM

    From the childhood I loved this poem. How nicely the poet has expessed the feelings snd so beautifully all the artist have delivered it . Vijaybhai u r idea is very well supported . It will be a hit for the music lovers and also for those who wants to have as an collection too.

  4. rajehyvyas said,

    December 14, 2009 @ 11:42 AM

    હરિન્દ્ર દવે …..મારા જિવન પર કોઇ નો પ્રભાવ હોઇ તો તે હરિન્દર દવેનો.જન્મભુમિ રવિવાર નિ પુર્તિ. પ્રથમ વરસાદ નિ કવિતા ,સામ્પ્રન્ત રાજકરન , ને મુલવવતા તેમના લેખો. એઆખો યુગ હતો , great human being i have never show on this earth, 29 th march is my birthday but i never enjoy because shri harindra dave passe away on same date,i missed him in my life but his poem and books always feel me he is near to me. great great and great,,,,,,,,,,

  5. Jayshree said,

    December 14, 2009 @ 11:46 AM

    એક જમાનામાં કેસેટ ઘસાઇ જાય એ હદે સાંભળેલું ગીત.. સોનાલી વાજપઇના અવાજમાં… અને હરીન્દ્ર દવેના શબ્દોએ એવી તો કમાલ કરી છે કે ગીત ગમ્મે એટલું સાંભળો, એની તરસ ઓછી જ ન થાય…

  6. ગાગરમાં સાગર » Blog Archive » માધવ ક્યાંય નથી મધુવનમાં - હરીન્દ્ર દવે said,

    December 14, 2009 @ 12:16 PM

    […] લયસ્તરો પર યાદગાર ગીતોની ચાલી રહેલી શૃંખલામાં આજે હરીન્દ્ર દવેનું બીજું એક ગીત પણ માણો… – ને તમે યાદ આવ્યા ! […]

  7. pragnaju said,

    December 14, 2009 @ 1:05 PM

    પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
    . જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
    . એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.

    ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
    . જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
    . એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.

    ખૂબ સરસ
    તેમના શેરો યાદ

    કોને ખબર તને હશે એ મારે દશા યાદ?
    મુજને તો આ ઘડી સુધી છે તારી સભા યાદ

    વીસરી ગયો’તો એમને બેચાર પળ કબૂલ
    આપી ગયા હવે એ જીવનભરની સજા યાદ

    પૂછો તો અંશ માત્ર બતાવી શકું નહીં
    મનમાં તો એની છે મને એક્કે અદા યાદ

  8. sapana said,

    December 14, 2009 @ 6:11 PM

    યાદ આવવા માટે ન સમય અને સાધનની જરુર નહી પણ તો પણ દરેક વસ્તુ યાદ આપી જતી હોય છે
    ખૂબજ મીઠો મધીર અવાજ
    આભાર
    સપના

  9. rekha sindhal said,

    December 14, 2009 @ 8:43 PM

    આવા સુઁદર ગેીતોનો આનઁદ આપવા બદલ આભાર !

  10. AMRIT CHAUDHARY said,

    December 15, 2009 @ 9:18 AM

    મારું અત્યન્ત પ્રિય…પ્રિય…પ્રિય…ખૂબ જ મનગમતું ગીત.એમાંય હન્સાબેનના અવાજમાં આ ગીત
    સાંભળવું એક અનેરો લ્હાવો છે. થેન્ક્યું ઊર્મિબહેન.

  11. bhagyesh said,

    May 10, 2010 @ 5:19 AM

    geet bhu saras che.

    mehulbhai na remix ma sambvhalvani bahu maja avi

    mehulbhai no contact karvo che.

    number apva ni maherbani karso.

  12. paresh thummar said,

    May 18, 2010 @ 2:28 AM

    જ્યારે ખડસલી લોકશાળા થી પર્યાવરણ શિબિર માટે વાત્સલ્યધામ માલપરા માં ગયા ત્યાં એક અંધ સંગીત શિક્ષક નાં કંઠે આ ગીત ૧૯૯૨ માં સાંભ્ળ્યુ હતું ત્યાર થી આ ગીત સાથે અનેક લાગણીઓ જોડાયેલી છે, આ ગીત માટે આભાર !

  13. suresh shah said,

    April 6, 2018 @ 6:03 AM

    વિરહમાં પ્રયતમ મિલન કરતાંય વધુ નજીક, વધુ આત્મસાત્ હોય છે…
    ખુબ સાચુ કહ્યુ.
    કાંઈક મનગમતું જોઈએ અને એની યાદ આવે.
    ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
    કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં

    વિરહ, મિલનની આકાંક્ષા, અહિ હશે, ત્યાં હશે, લાવને દોડીને જોઉં, એવી ઉત્કટ ઈચ્છા
    આવી સુંદર રચના નો આસ્વાદ કરાવવા બદલ આભાર

    – સુરેશ શાહ, સિંગાપોર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment