તેં મને બચપણ દીધું, ગઢપણ દીધું, દીધું મરણ;
તે ન દીધું જીવવાનું કોઈ કારણ, હદ કરી !
રમેશ પારેખ

॥ अथ श्रीमद् गज़ल ॥ – પંકજ વખારિયા

Pankaj_book_cover

પદ, પ્રતિષ્ઠા કે પૈસાની પાઈનીય પરવાહ કર્યા વિના નિતાંત ગઝલપરસ્તિમાં જીવતા અસ્સલ હુરતી પંકજ વખારિયાનો સંગ્રહ આખરે આવ્યો ખરો… ગુજરાતી કાવ્યસંગ્રહ માટેના આ વર્ષના તમામ પુરસ્કારો માટે આનાથી વધુ લાયક બીજો કોઈ સંગ્રહ આ વરસે નહીં જ આવી શકે એવી ઊંડી ખાતરી સાથે પંકજનું સ્વાગત અને શુભકામનાઓ…
*

કેટલાક શેર આપના રસાસ્વાદ માટે…

સપનું ઊડી ગયા પછી બાકીમાં કંઈ નથી
અડધી પથારી ખાલી છે, અડધીમાં કંઈ નથી
હા, પહેલાં જેવું બળ નથી પાણી કે આગમાં
એવું નથી કે આંખ કે છાતીમાં કંઈ નથી

તમન્ના હોય છતાં કંઈ જ થઈ નથી શકતું,
પડી રહ્યા છે પતંગો પવન નથી એથી.
હજીયે ધસમસી આવે છે આંખમાં પાણી,
હજી આ દર્દનું અમને વ્યસન નથી એથી.

ધરતીમાં ઊંડે, આભમાં ઊંચે ગયો હશે
એમ જ તો કોઈ માનવી પુષ્પિત થતો હશે

દ્વારથી પાછા જવાનું મન થતું
એવી એની આવ કહેવાની કળા

એનો કોઈ તો ઘાટ હશે મોક્ષદા જરૂર,
આંસુને આરે આરે રઝળપાટ આપણો.

ક્યાંય બોલાયું નહીં એ નામ આખી વાતમાં,
રીત દુનિયાથી અલગ છે આપણી ગુણગાનની.

રણની તમામ શુષ્કતા આજે ખરી ગઈ,
કેકટસને બેઠું ફૂલ, ને રોનક ફરી ગઈ.
છાતીની વંધ્યા વાવમાં પાણી પ્રગટ થયાં,
બત્રીસલક્ષણા કોઈ પગલાં કરી ગઈ.

જે સમજવા ચાહે તે સમજી શકે,
સત્ય બાકી કોણ સમજાવી શકે ?

કાશ કે ચાલ્યા જનારાની સ્મૃતિ,
કોઈ એની સાથે દફનાવી શકે.

હોય છે હૈયું તો મુઠ્ઠી જેવડું,
થાય ખુલ્લું તો ગગન થઈ જાય છે.

લાગશે એ શહેર બસ, બે પળ નવું,
જાવ હાંસિલપુર મુરાદાબાદથી.

સાંજના સોફે ટીવીનો હાથ મેં
હાથમાં લીધો અને તનહાઈ ગઈ.

તોય વધતું જાય અંધારું સતત,
બત્તી તો લાખો બળે છે શહેરમાં.

ફરી એ જ હત્યા, કરપ્શન, અકસ્માત,
ઊઠે છે સવાલ : આ તે છાપું કે પાછું ?

રહેશે ન માથે છાંયડો કાલે આ વૃક્ષનો,
હા, વારસામાં એક સરસ બાંકડો હશે.

ધીમી તો ધીમી યાદ છે તારી અગન સમી,
ને અખરે આ હોવું બરફનું મકાન છે.

જીરવી પળ પ્રાણઘાતક, પણ પછી,
જિંદગી વીતે છે, જિવાતી નથી.

દૃશ્યનું ફોલ્લું ફોડવા માટે,
આંખ મીંચ્યા વિના ઉપાય નથી.

જિંદગી સાથે કોઈ ઝઘડો નથી,
બસ, હું ઊઠી જાઉં છું, રમતો નથી.

એક-બે વાતો અધૂરી રાખીએ,
બીજી તો શી પાછાં મળવાની કળા ?

– પઁકજ વખારિયા

17 Comments »

 1. NARENDRASINH said,

  February 5, 2015 @ 3:04 am

  અત્યન્ત સુન્દર રજુઆત

 2. La Kant Thakkar said,

  February 5, 2015 @ 7:02 am

  ગમેલી પંક્તિઓ …. કોમેન્ટ્સ સાથે …..આ રહી …( આઈ લવ ‘લયસ્તરો ‘, જે મને પ્રેરે છે !)
  એવું નથી કે આંખ કે છાતીમાં કંઈ નથી” …… (આ તો કવિની કળા અને એની ખુમારી છે !)
  “ધરતીમાં ઊંડે, આભમાં ઊંચે ગયો હશે
  એમ જ તો કોઈ માનવી પુષ્પિત થતો હશે”—(-ભીતરની ધરતીનું પોત ફળદ્રુપ હોય તો….કેટલું સહજ અને સ્હેલ આનંદ-પુષ્પનું ખીલવું !)
  “એનો કોઈ તો ઘાટ હશે મોક્ષદા જરૂર,”—(-એનું નામ ‘આનંદ-ઘાટ ‘***)
  જે સમજવા ચાહે તે સમજી શકે,
  સત્ય બાકી કોણ સમજાવી શકે ? ( સત્ય તો નામ જ છે ” “જે છે તે ” સહી માનવાનું નામ અને તેને માણવાનું નામ ) ***
  “હોય છે હૈયું તો મુઠ્ઠી જેવડું,
  થાય ખુલ્લું તો ગગન થઈ જાય છે” ( ગગન થયા તો પાર ગયા, આનંદ-લોકમાં ! )***
  ” તોય વધતું જાય અંધારું સતત,
  બત્તી તો લાખો બળે છે શહેરમાં.” —( ભીતરનું અજવાળું જ કામ આવે ને ?)***
  “ધીમી તો ધીમી યાદ છે તારી અગન સમી,” —-( ‘અગન’ છે તો શું થયું? અગરબતીની જેમ કેમ ન રહેવું ભાઈ ?!) ***
  “બસ, હું ઊઠી જાઉં છું, રમતો નથી.” — ( રમવું ….ખસૂસ “રમવું ” ….એમાંજ ખેલદિલી દાખવવી , ” હાર ના અંતને માણવો, કદાચ એમાંજ જીત હોય પણ ખરી ! )***
  **********************************************************************************************************
  આ શિરમોર !
  “એક-બે વાતો અધૂરી રાખીએ,
  બીજી તો શી પાછાં મળવાની કળા ?”…..
  .”શ્રી પૂરાંત બાકી …..” લેણા -દેણી ” ,- આવતા જન્મે ….વા…..ત….
  અભિનંદન ….કર્તાને અને “આનંદ વહેંચનાર સમ-સુખિયા જણ”નો આભાર
  – લા’ કાન્ત ‘કંઈક’ / ૫.૨.૧૫

 3. kamlesh solanki said,

  February 5, 2015 @ 8:29 am

  પંકજ, મિત્ર તારા ઉપર ખુબ ગર્વ. અમારુ સદભાગ્ય કે અમે તારા મિત્ર

 4. kamlesh solanki said,

  February 5, 2015 @ 8:31 am

  thank you vivekbhai

 5. Dhaval Shah said,

  February 5, 2015 @ 8:51 am

  સલામ ! સરસ પંક્તિઓ !

 6. sunil shah said,

  February 5, 2015 @ 9:17 am

  Wah…maza na shero nu sunder sankalan. Pankajbhai ne ridaythi subhechchhao

 7. kishoremodi said,

  February 5, 2015 @ 11:20 am

  બહુ સરસ.સંગ્રહ માટે વરસો રાહ જોવી પડી,મારા દિલી અભિનંદન

 8. Girish Parikh said,

  February 5, 2015 @ 11:29 am

  પંકજભાઈઃ સંગ્રહનું નામ ખૂબ જ ગમ્યું — અને શેરો પણ ખૂબ જ ગમ્યા.
  પણ સંગ્રહ પ્રગટ કર્યો એ તો અર્ધું જ કામ થયું! બાકીનું કામ છે સતત પ્રસાર અને પ્રચાર કરવાનું અને લાખ્ખો નકલો વેચવાનું!
  –ગિરીશ પરીખ

 9. Yogesh Shukla said,

  February 5, 2015 @ 11:33 am

  વાંચવાની બહુજ મઝા આવી ,….

 10. Girish Parikh said,

  February 5, 2015 @ 11:42 am

  ગઝલનો હું નાનકડો પૂજારી છું. આ પોસ્ટ વિશે http://www.GirishParikh.wordpress.com પર લખવા પ્રયત્ન કરીશ.

 11. Girish Parikh said,

  February 5, 2015 @ 11:52 am

  ઉત્તમ શેરો (ચતુર્શબ્દ મુક્તક)
  ઉત્તમ
  શેરો
  ઘેરઘેર
  પહોંચાડીએ !
  –ગિરીશ પરીખ
  P.S. This will be posted on http://www.GirishParikh.wordpress.com .

 12. Pankaj Vakharia said,

  February 5, 2015 @ 12:26 pm

  Thank u dost Vivek!

 13. Harshad said,

  February 5, 2015 @ 8:30 pm

  Really touched my heart. My salute to Pankajbhai and thank you Vivekbhai
  for these touching quotes.

 14. Vinod Rathod said,

  February 6, 2015 @ 4:16 am

  કાશ કે ચાલ્યા જનારાની સ્મૃતિ,
  કોઈ એની સાથે દફનાવી શકે.

 15. Vinod Rathod said,

  February 6, 2015 @ 4:19 am

  દ્વારથી પાછા જવાનું મન થતું
  એવી એની આવ કહેવાની કળા

 16. VIPUL PARMAR said,

  February 9, 2015 @ 2:39 am

  તોય વધતું જાય અંધારું સતત,
  બત્તી તો લાખો બળે છે શહેરમાં.

  રહેશે ન માથે છાંયડો કાલે આ વૃક્ષનો,
  હા, વારસામાં એક સરસ બાંકડો હશે.

  દૃશ્યનું ફોલ્લું ફોડવા માટે,
  આંખ મીંચ્યા વિના ઉપાય નથી.

  એનો કોઈ તો ઘાટ હશે મોક્ષદા જરૂર,
  આંસુને આરે આરે રઝળપાટ આપણો.

  મને ખુબ જ ગમેલા શેર …………વાહ !!! ……. આભર વિવેક ભાઈ !

 17. VIPUL PARMAR said,

  February 9, 2015 @ 2:43 am

  congratulations pankajbhai …….!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment