શ્વાસોની આવ-જાવને જીવવું ગણે છે જે,
ઈલાજ એમનો કરો, નક્કી બિમાર છે.
– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

(કંકુના સૂરજ આથમ્યા) – રાવજી પટેલ

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

– રાવજી પટેલ

દર વખતે કવિતા સાથે અમે ટૂંકનોંધ આપીએ એના બદલે આ વખતે થોડો અલગ ચીલો ચાતરીએ. આ કવિતાનો આસ્વાદ આ વખતે દરેક વાચક મિત્ર પોતપોતાની રીતે કરાવે તો કેવું ?

કવિતામાં દૃશ્ય શબ્દ કરતાંય ક્યારેક અદૃશ્ય શબ્દનો મહિમા વધુ હોય છે અને એટલે જ એક જ કવિતા અલગ અલગ ભાવકને અલગ અલગ અનુભૂતિ કરાવી શકે કે એક જ ભાવકને અલગ અલગ સમયે પણ અલગ અલગ અનુભૂતિ કરાવી શકે એમ બને. અમરગઢના જીંથરીના રુગ્ણાલયમાં 29 વર્ષની કૂમળી વયે ક્ષરદેહ ત્યાગનાર રાવજી પટેલની આ કવિતા મૃત્યુને ઢૂંકડા જોતા માનવીની આત્મવ્યથા સમી છે…

તમે સહુ આ કવિતાને કેવી રીતે અનુભવો છે એ આજે તમારી જ કલમે સાંભળીએ…  પ્રતિભાવ આપવા તૈયાર છો ને?

39 Comments »

  1. sudhir patel said,

    August 30, 2009 @ 1:42 AM

    આ એક જ ગીત રાવજી પટેલને અમર કરવા માટે પૂરતું છે. જ્યારે મૃત્યુ સામે ઊભું હોય અને જે અનુભૂતિ થાય એને આથી વધુ સારી રીતે ગીતમાં ઢાળવી શક્ય નથી.
    મૃત્યુ સમયે બહાર સૂરજ આથમતો હશે, અંધારા ઊતરતા હશે, પણ એ સમયે શ્વાસ અજવાળાં પહેરીને ઊભા હશે. એ સમયે રોદણાં રોવાને બદલે શણગારેલી વેલમાં મોત સાથે ચાલી નીકળવાનું હોય છે!
    પણ આતો અકાળે મોત, ભરયુવાનીમાં મૃત્યુ! જાણે યૌવનના લીલા ઘોડા સાથે રાજ ને કાજ બધું જ ડૂબે છે. કોઈ ઝાંઝરનો અડધો બોલ ચોકમાં આવી રોકે છે અને મૃત્યુને પણ એ સજીવી હળવાશ ભોંકાઈ હશે!
    અદભૂત ગીત – મૃત્યુ સમયે આ એક જ ગીત યાદ આવી જાય તો મૃત્યુ ઉત્સવ થઈ જાય!
    સુધીર પટેલ.

  2. ડૉ. પ્રીતેશ વ્યાસ said,

    August 30, 2009 @ 1:45 AM

    કવિ એમના છેલ્લા શ્વાસમાં જાણે એક કન્યા નવી પરણીને જતી હોય એમ મોતને વહાલું કરે છે. મૃત્યુના દર્દને ય ખુમારીપૂર્વક ગળે વળગાળી રહ્યા છે.

    આ ગીત ભૂપિન્દર અને રાસબિહારી દેસાઇના સ્વરોમાં બે અલગ અંદાજમાં અહીં માણી શકશો.
    http://preetnageet.blogspot.com/2009/02/blog-post_10.html

  3. Dilipkumar K Bhatt said,

    August 30, 2009 @ 2:14 AM

    મોતને રુબરુ જોયા પછી પણ ગીતને આકાર આપવો તે ઘણી મોતી વાત છે.મોતને ભેટ્યા પછી પણ રાવજી અમર જ છે.

  4. urvashi parekh said,

    August 30, 2009 @ 2:25 AM

    રાવજી પટેલે તો મ્રુત્યુ ને મહોત્સવ બનાવતી સુન્દર અને અમર રચના નુ સર્જન કર્યુ છે.
    કેટલી શાંતી સમાધાન અને હળવાશ થી મ્રુત્યુ નો સ્વીકાર કરાયો છે.
    ઘણો મહાન આત્મા હશે.
    આ ક્રુતી થી તેઓ અમરત્વ પામી ગયા છે.
    સરસ..

  5. Kirtikant Purohit said,

    August 30, 2009 @ 3:29 AM

    ફરી ફરીને વાંચવું/સાંભળવું ગમે તેવું અમર ગીત.

  6. Kirtikant Purohit said,

    August 30, 2009 @ 3:34 AM

    આ ગીત લખનાર રાવજી જ્યરે જીંથરી હતા ત્યારે મારા બનેવી સ્વ.ડૉ.ભાનુશંકર જોશી તે હોસ્પિટલમાં હતા અને તેમણે પ્રત્યક્ષ તેમની વ્યથા નિહાળેલી.

  7. Pancham Shukla said,

    August 30, 2009 @ 4:55 AM

    અમર કાવ્ય. આ પ્રકારના કાવ્યોને માણવાનો આ નવો ચીલો યથાર્થ છે. આંગળીએ વળગાડેલા વાચક્ને ક્યારેક અલગારી રખડપટ્ટીની મોજ પણ આપવી જ જોઈએ.

  8. વિહંગ વ્યાસ said,

    August 30, 2009 @ 6:24 AM

    કવિ પોતાની નજર સામે જ ઊભેલી પત્નીના સૌભાગ્યરૂપ ચાંદલો (કંકુનો સૂરજ) ભૂંસાતો (આથમતો) અનુભવે છે. પીળા પાન જેવા સૂકાઈ ગયેલા દેહમાં લીલુંછમ્મ યૌવન તો ડૂબ્યું પરંતુ પ્રિય પત્નીને સુખના અલકાતાં-મલકાતાં રાજ પણ ના આપી શકાયાં. આ ગીત સર્જનવેળાએ કવિને પેલા જાણીતા લગ્નગીત ‘ કંકુ છાંટી કંકોતરી મોકલો’ નો રંગ અભિપ્રેત હતો એવું એમના એક સમકાલિન કવિ પાસેથી જાણેલું.

    -વિહંગ

  9. anil parikh said,

    August 30, 2009 @ 6:25 AM

    jemne mrutyunao bhay rahyo na hoy aemne aa potani smashanyatrama vagadava jevu kavya.

    biju evuj kavya halave te hathe upadjore ame komal komal

  10. vishwadeep said,

    August 30, 2009 @ 8:55 AM

    મને રોકે પંછાયો એક ચોકમાં;
    અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
    મને વાગે સજીવી હળવાશ !
    મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
    રાવજી પટેલ , માર માનિતા કવિઓમાઁના એક્..

  11. ખજિત said,

    August 30, 2009 @ 9:01 AM

    નાટ્યાચાર્ય ચં.ચી. મહેતાએ મૃત્યુ વિશે કહેલું :મૃત્યુ તો એક સુંદર પ્રસંગ છે, બહુ ધીમેથી ફૂલ આરતીનીજેમ આવે. . . .મૃત્યુ બહુ મંગળ. . . જીવન તો કપડાં, તેને ફેંકી દેવાનાં. . . . ખાદી જશે અને સિલ્ક આવશે. . . .
    લગાણી ની તો અભિવ્યક્ત દરેક કરી શકે, પણ મૃત્યુ ને આટલી સહજ રીતે અભિવ્યક્ત કોઇ ઓલીયો જ કરી શકે.
    ગીત સાંભળતી વખતે આંખમાં થી પાણી ના આવે તો જાણે અશ્રુગ્રંથિ સૂકાઇ ગયેલી લાગે.

  12. pragnaju said,

    August 30, 2009 @ 10:05 AM

    ક્ષેમુભાઈએ કાન્તિ મડિયાની એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ “કાશીનો દીકરો” માટે સંગીત આપ્યું હતું. .કવિ રાવજી પટેલ વિષે શ્રી વિનોદ ભટ્ટ લખે છે…પુસ્તક.. વિનોદ ની નજરે..પાન..૧૭૯
    “…રાવજી પટેલ વિશેય ઘણાને મોઢે ઘણું ઘણું સાંભળવા મળતું. એ મયૉ એ અરસામાં…
    સાલો..મારું કહેવું માન્યો હોત તો આટલો જલદી ના મરત…અમેય રાવજીને ઘણી મદદ કરેલી..પણ આપણું તો ભૈ એવું-જમણો હાથ શું આપે છે એની ડાબા હાથને ક્યારેય જાણ જ ન થવા દઈએ..
    જે લોકો રાવજીને જોઈને ફુટપાથ બદલી નાખતા તેઓ તેની વાત કરતાં પોતાનો અવાજ હજીય ભીનો કરી શકે છે. રાવજીના જીવતાં જે પ્રકાશકો એના પુસ્તક માટે એને બાઈબાઈ ચારણીની રમત રમાડ્તા હતા એ લોકો રાવજીનાં પુસ્તકો પોતાને જ મળે એ વાસ્તે સિફારસો કરાવે છે…
    ગુજરાતી સાહિત્યના દંભની આ પરાકાષ્ટા છે.મોડે મોડેય એવોડૅ આપી ગુજરાતી સાહિત્ય જગતે ભુલ સુધારી તેનો આનંદ છે.”
    વેદનાની ધાર “મારી આંખે કંકુના સૂરજ આથમ્યા”, “દરિયામાં હોય તેને મોતી કહેવાય તો આંખોમાં હોય તેને શું ?”, “રાધાનું નામ તમે” અને “ગોરમાને પાંચે આંગળિયે પૂજ્યા” જેવા ગીત આજના દિવસે પણ સાંભળીએ ત્યારે માત્રને માત્ર ક્ષેમુભાઈ દિવેટિયા જ યાદ આવે. હવે ક્ષેમુભાઈ માત્ર આપણી યાદોમાં જ રહેશે.
    તા.૧ ઓકટોબર ૧૯૨૪ના રોજ જન્મેલા ક્ષેમેન્દ્ર વિરામિત્ર દિવેટિયાને લોકો ક્ષેમુભાઈ દિવેટિયા તરીકે વધુ ઓળખતા હતા. ગુજરાતી સુગમ સંગીતના જૂનામાં જૂના સ્વર નિયોજક અને સંગીત નિયોજક ક્ષેમુભાઈ દિવેટિયાએ ગુજરાતી સુગમ સંગીતને તેના મૂલ્ય મુજબની ઊંચાઈએ પહોંચાડયું હતું. એટલું જ નહીં ક્ષેમુભાઈએ કમ્પોઝ કરેલા ગુજરાતી ગીતો માટે દરેકને પોતિકાપણું અનુભવાતું.
    ક્ષેમુભાઈએ ગુરુ જયસુખ ભોજક, હમીદ હુસૈન ખાન અને વી.આર.આઠવલે પાસેથી સંગીતજ્ઞાાન મેળવ્યું હતું. તેમનાં ધર્મપત્ની સુધાબેન પણ જાણીતાં ગાયિકા હતાં. ક્ષેમુભાઈનો “સંગીતસુધા”માં પણ અનન્ય ફાળો હતો. ૩૫ કવિઓની કૃતિઓને ૨૬ ગાયકો પાસે ગવડાવી ૧૦ કેસેટનો સેટ તૈયાર કર્યો હતો. આ ઉપરાંત તેઓ ૧૯૫૫-૫૬માં સૌપ્રથમ ગુજરાતી ક્રિકેટ કોમેન્ટેટર પણ રહ્યા હતા અને ગુજરાત કોલેજના તેઓ ક્રિકેટ પ્લેયર હતા.તેમની વિદાયથી ગુજરાતી સુગમ સંગીતે એક ઉમદા સેવક ગુમાવ્યો છે. તેમને મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શોકાંજલિ પાઠવતાં જણાવ્યું હતું કે, ક્ષેમુભાઈની વિદાયથી ગુજરાતી ગીત-સંગીત ક્ષેત્રે એક ધ્રુવ તારક ગુમાવ્યો છે.
    તેમની આજ વિદાયવેળાએ આ અમર ગીતથી અંજલી કેટલી હ્રદયદ્રાવક!

  13. sapana said,

    August 30, 2009 @ 10:35 AM

    વિવેકભાઈ,
    રાવજીભાઈ માટે આસ્વાદ લખવાનું કહી મને દ્વિધામાં મૂકી દીધી,પણ આ કાવ્ય વાંચતાં કોઈ જવાન પોતાના મોતને એક નવી નવેલી દુલ્હનની જેમ વધાવવાં તૈયાર છે.અને શણગરેલી વે’લ અને પીળા પાંદડૅ લીલા ઘોડા…દિલ હચમચી ગયું.કોઈ વહાલાને ખુદા આવો સદમો ન આપે.કવિની હિમંત પર ફીદા.પણ કવિના મનમાં કઈ ચચરે છે….એ ન લખેલા શબ્દો મોતની ઝાંખી કરાવે છે.
    સપના

  14. Pinki said,

    August 30, 2009 @ 12:01 PM

    આ કવિતા રાવજી પટેલના પોતાના મોતની વ્યથા છે.

    તેઓ પોતે ક્ષયનાં દર્દી હતાં, રોગથી ત્રસ્ત થઈને ક્યારેક માનસિક સંતુલન પણ ગુમાવી દેતાં. તે સમયે ક્ષયરોગ અસાધ્ય હોવાથી, તેઓ ખૂબ નાની વયે મૃત્યુ પામેલાં.

    કંકુ સૌભાગ્યનું પ્રતિક છે અને ભરયુવાનીમાં પોતાની પત્ની વિધવા થશે તેની વ્યથા, તો મોતનાં ડરે તેમને એટલાં નિર્જીવ બનાવ્યાં કે ઝાંઝરનાં બોલે સજીવી હળવાશ અનુભવે છે તે પણ અનુભવી શકાય.

    કોઈ પણ રચના, સમકાલીન પરિસ્થિતિ કે સંજોગને અનુસરીને સમજવા પ્રયત્ન કરતાં તેની વધુ નજીક જઈ શકાય છે. જો કે, દરેક રચના માટે તે શક્ય નથી. રાવજી પટેલની બિમારી કે મૃત્યુની વાતને અલગ રાખીએ તો- એક અલગ જ અર્થ નીપજે છે.

    અને તે મોતને મીઠો આવકારો …… !
    કવિની અન્ય બાબતોને ભૂલીને (?) જો આ પંક્તિઓ જ યાદ રહે તો –
    મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
    રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ ! – અંદરનાં અજવાળાએ તો મૃત્યુ ઓચ્છવ બની જાય.

    પણ તેનું શીર્ષક આભાસી મૃત્યુનું ગીત ક્યાંક વાંચ્યાનું યાદ છે. જે વળી, ગીતનાં ભાવને મૃત્યુની વ્યથા તરફ જ દોરી જાય છે.

    પંછાયો – (?)

  15. dr, j. k. nanavati said,

    August 30, 2009 @ 2:54 PM

    મૃત્યુ વિષે લખવાની મજા કંઈ ઔર છે……
    કેટલાક મારા પ્રયત્નો આજે રાવજી પટેલને સમર્પિત………….

    બાંધ સંબંધોની ગઠરી , શું ખબર
    એ અજાણ્યા ગામમાં સગપણ મળે

    ઠોસ કારણ કોઇ તો નક્કી હશે
    સાવ અમથું ના કોઇ મરતું હશે

    જ્યાં હજી જાણ્યું કે સાલી જીંદગી શું ચીજ છે
    ત્યાં પ્રભુ તું મોતની લાલચ રૂપાળી દઈ ગયો

    સોડ અમે તાણી, લે ઈશ્વર હિસાબ કરીએ પુરો
    રોજ ઉઠીને બીક મરણની કોણ તમારી સાંખે

    પૂકારો છડી, સૌ ગગન ભેદી નાંખો
    ચિતાએ અમારી સવારી ચડી છે

    મોત વહેલું માણવું’તું પણ મને
    શ્વાસ લેવાની બુરી આદત નડી

    સાવ એકાકાર થ્યાં મૃત્યુ પછી
    હું યે પથ્થર, તું યે પથ્થર દિલ, ખુદા

    કાંઈ પણ ન્હોતું અમારૂં , આખરે
    ’સ્વ’ લગાડી, નામતો મારૂં થયું !!

    અમારા અસ્તને ગણજો
    નવા અજવાસનો ઉદગમ

    મારી, છતાં ન જાણું
    શું શું હશે કબરમાં

    સતત શ્વાસોમાં જકડેલી અમારી જીંદગાની
    સમયની રેતની માફક હવે છટકી રહી છે…………….

  16. મીત said,

    August 31, 2009 @ 12:25 AM

    બસ આ એક એવી પ્રેમિકા છે જે પ્રામાણિક રીતે તમને અપનાવી લે છે.વરસાદ પછી જો કોઇ તમને વગર સ્વાર્થે અપનાવે છે તો તે મૃત્યુ સિવાય કોઇ નહિ..રાવજી પટેલની આ રચના અદભુત છે અને એને ભુપેન્દ્રના અવાજમા સાંભળવી પણ એટલી જ હ્રદયદ્રાવક ઘટના છે..આ પંકિત તો અદભુત છે.માનવીની જીજીવિષા કેવી હોય તે અહિ વર્ણવ્યુ છે કવિએ…!
    મને વાગે સજીવી હળવાશ !
    મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

    બસ એક જ વાત અહિ કહેવાની કે જ્યારે મૃત્યુરુપી પ્રેમિકાને મળવાનુ થાય તે પહેલા કોઇ વસવસો રહી ન જાય એની કાળજી રાખજો…!
    -મીત

  17. jjugalkishor said,

    August 31, 2009 @ 1:02 AM

    કંકુના સૂરજ, અજવાળાં પહેરીને ઉભેલા શ્વાસ,લીલા ઘોડા, ને હણહણતી સુવાસ, વાગે એવી સજીવી હળવાશ વગેરે જેવા શબ્દો દ્વારા ભાવવિનિયોગ તો રાવજી જ કરી શકે.

    ઈન્દ્રીય વ્યત્યયની તાકાત એમના જેટલી બહુ ઓછાને વરેલી હોય છે. ગીતોનો લય તો એમનો જ. ગ્રામીણ જીવનનો ધબકાર પણ એમનામાં અનોખી રીતે જ ધબકે.

    પ્રસ્તુત કાવ્યમાં મૃત્યુને એમણે શણગાર્યું છે. રાવજી જીવનની અનેક વેદનાઓ સાથે જીવ્યા તોય રાજાની જેમ વેલ શણગારવાની વાત કરી શકે છે. અલકાતાં રાજની ડૂબવાની વાતની સાથે મલકાતાં કાજ મુકીને એમણે પોતાના કાર્યોને, કવનને સંભાર્યાં હોય તેમ લાગે છે. તેઓ ભરપુર જીવ્યા પણ કાવ્યમાં. એમનાં ગ્રામજીવનનાં કાવ્યોનું ક્યારેક સાગમટું રસદર્શન કરવા જેવું છે. શહેર એમને ગમ્યું જ નહોતું. એમની બાએ એક દી’ કહ્યું હતું કે તું ગયા જન્મમાં ઝાડ હતો (કે હઈશ)! છેલ્લે હોસ્પિટલમાં નર્સોને એમણે પોતાના ગયા જન્મની સંબંધીઓ ગણાવીને એમની સેવાભાવનાઓને મૂલવી છે.

    રાવજી આપણા ગુજરાતીનું અણમોલ ઘરેણુ હતા. આપણે રાંક બન્યા છીએ, એમની વિદાય બાદ.

  18. anil parikh said,

    August 31, 2009 @ 1:51 AM

    જેમને મરવાનો ભય નથી એ આ કલપી શકે

    બીજુ એવુ ગીત -હળવે તે હાથે ઉપાડજો અમૅ કોમળ કોમળ

  19. ડૉ.મહેશ રાવલ said,

    August 31, 2009 @ 4:16 AM

    જિંદગી આજ સુધી એક ઉખાણું જ રહી છે.કઈ ઘડીએ શું બને એની અનિશ્ચિતતા સતત મનુષ્યને કોયડા સમી લાગી રહી છે,જ્યારે અહીં મોતભાળી ગયેલ વ્યક્તિ સામાન્ય કરતા કૈંક અલગ છે એટલે એણે પોતાની અનુભૂતિને કવિકર્મના રંગે રંગી રજુ કરી છે-આમ તો,થઈ ગઈ છે એમ કહેવું વધારે ઉચિત ગણાશે.
    ભરયુવાનીમાં કેટકેટલાં સપનાં સજાવતાં હોય છે જીવ!
    અને અણસારો આવે કે,હવે મોત કોઈપણ ઘડીએ………ત્યારે કંકુના સૂરજ જેવા સપનાં ય આથમતા દેખાય એ અનુભૂતિ કેટલી સંવેદનાઓ વચ્ચેથી પસાર થઈને શબ્દ દેહે કંડારાઈ હશે!
    કવિને કેટલું વસમું લાગ્યું હશે એ ભાવ,એ લાગણી અને એ જિંદગી વિષે વિચારેલ મહેચ્છાઓ,એષણાઓ,અભિલાષાઓ અને સહુથી વધારે તો,જિંદગી જીવવાનાં અભરખા…
    બધું જ હવે સમાપન તરફ ગતિ કરતું .હાથમાંથી રેતીની જેમ સરકતું દેખાય ત્યારે ઉદભવે એ મૃત્યુની નહીં,મારી દ્રષ્ટિએ જિંદગીની વાત ગણાવી જોઇએ-
    ખૂટી રહેલા શ્વાસને કોણ પાછા સરભર કરી શક્યું છે ?
    પણ,રાવજીભાઈના શબ્દોએ એમનો ખાલીપો, એમની આવી અત્યંત સંવેદનશીલ સંજોગોમાં સર્જાયેલ કૃતિ મારફત ભરવા આપણા દિલ-ઓ-દિમાગ સુધી સોંસરી ઉતારી છે.
    સલામ, એ અડધે આથમેલ કવિતાના સૂરજને………

  20. smiley said,

    August 31, 2009 @ 8:59 AM

    Thsi reminds me ” Naah le dhole kesh guntha le saajan ke ghar jana hoga, kar le shringaar chatur albeli phir waha se nahi aana hoga..”
    Also, I really like Dr. Nanavati’s poem too. Some of this are really too good…..
    પૂકારો છડી, સૌ ગગન ભેદી નાંખો
    ચિતાએ અમારી સવારી ચડી છે

    કાંઈ પણ ન્હોતું અમારૂં , આખરે
    ’સ્વ’ લગાડી, નામતો મારૂં થયું !!

    મારી, છતાં ન જાણું
    શું શું હશે કબરમાં

  21. Harnish Jani said,

    August 31, 2009 @ 9:56 AM

    આ કાવ્ય માટે જેટલું લખો તેટલું ઓછુઁ છે.

  22. preetam lakhlani said,

    August 31, 2009 @ 10:51 AM

    આ કોણ માનશે કે રાવજી પટેલ અને મણિલાલ દેસાઈ થકી જ ગુજરાતી સાહિત્ય જગતને રમેશ પારેખ જેવો શકતિશાળી કવિ ભેટ મળેલ છે ?……કવિ બાદલે તેની એક કવિતામા લ્ખ્યુ છે કે રાવજીએ જીવતા અંગત જેવા ૧૦૦ કાવ્યસગ્રર આપ્યા હોત તો પણ મુત્યુ બાદ જેટલો અંગત થયો છે એટલો અંગત ન થયો હોત્!…Dr suresh Joshi પણ રાવજી ની કવિતા પ્રગટ કરયા વિના સાભાર પાછી પરત કરતા અને એ જ સુરેશ જોશી એ મારી આંખે કકુના સુરજને રાવજીના મુત્યુ બાદ ગુજરાતનુ જન મન ગણ ગણાવ્ય હતુ, આ છે આપણુ ગુજ રાતી સાહિત્ય જગત્!! ફકત લાભશકર ઠાકરે રાવજીની કવિતા ને પ્રગટ કરી કવિ રાવજી પટેલ કોણ છે ની જાણ કરી ? રાવજી એ કદાચ કઇ જ ન લખયુ હોત ને તો પણ ફકત આ ગીત થકી છે એટલો જ અમર હોત્ રાવજીને ૧૦૦ સલામ !

  23. Chandresh Thakore said,

    August 31, 2009 @ 2:48 PM

    રાવજી પટેલનું આ ગીત ઘણીયે વાર વાંચ્યું અને સાંભળ્યું. વધુ અને વધુ ગમતું રહ્યું. એમ કેમ?રાવજીના શબ્દો? વર્ણનશક્તિ? મ્રુત્યની વાત? એમાંથી નિપજતી શોકની લાગણી? સ્વજનના મ્રુત્યુની રહેંસતી યાદ? કે એ સઘળું?

    મારી દ્રષ્ટિએ સૌથી વેધક પંક્તિ છેઃ મને રોકે પંછાયો એક ચોકમાં … મ્રુત્યુ વિષે ઘણી ફિલસુફીભરી વાતો સાંભળી છે, તોયે પગ તળે રેલો આવે ત્યારની વાત જુદી જ રહેવાની. મ્રુત્યુનો સ્વીકાર ગમે એટલા ખુલ્લા હાથે કરાય તોયે એક પજવણીની સંવેદના અસહ્ય જ રહેતી હશેઃ સ્વજનોને છોડવાની. બસ, આ ચહેરા છેલ્લીજ વાર જોવાના? એ સંબંધો તોડતા યમરાજના કુહાડાની નિર્દયતા કરતાં આજીવન સંબંધોની કોમળતા, નાજુકતા, પવિત્રતાની ખેંચ વધુ વેદનામય નીવડતી હશે. … અને પછી, “અડધા બોલે ઝાલ્યો ..”. એ રીતે ઝાલનારના શબ્દો પણ પુરા નીકળી શક્તા નથી. સ્વજનને ગુમાવ્યાની વેદનાનો બંધ એવા શબ્દોને રોકી રાખે છે. પરિણામ? એજ બંધ થકી આંસુંનું, વ્યથાનું તળાવ વિસ્તરે છે. અને પછી, “અડધા ઝાંઝરે ઝાલ્યો”. ઝાંઝર “અડધું” કેમ? એનો રણકાર સતત સાંભળવા લાંબી જિંદગીની ઉમ્મીદ ટૂંપાઈ ગઈ. ઝાંઝરના ગીતનું મુખડું માત્ર જ માંડ સાંભળ્યું ના સાંભળ્યું ત્યાં તો યમરાજે એ ઝાંઝર તોડી નાંખ્યું …

    મ્રુત્યુ તાકીને સામે જ બેઠું હતું ત્યારે જિંદગીના નેપથ્યના પડદા ખોલતાં ખોલતાં રાવજી પટેલે ગજબની સંવેદના રેલી દીધી છે.

  24. Maheshchandra Naik said,

    August 31, 2009 @ 5:02 PM

    મૃત્યુનો મહોત્સવ એટલે રાવજી પટેલનુ કાવ્ય અને જેમણે શ્રી પુરુશોત્તમ ઉપાધ્યાયને આ ગીત સાથે સામ્ભળ્યા હોય એ કોઈ દિવસ રાવજી પટેલને વિસારી ન શકે……મૃત્યુને આટલી નિકટતાથી કેટલા જોઈ શકે???કવિની સવેંદના જ આને વ્યક્ત કરી શકે….મનને વિષાદમાથી બહાર કાઢી શકે એવુ ગીત…તમારો આભાર….

  25. nilam doshi said,

    August 31, 2009 @ 10:25 PM

    આ ગીત કોનું પ્રિય નહીં હોય ? અને અહીં આટલી બધી અને આવી સરસ કોમેન્ટ વાંચીને હવે આગળકશું લખવાનું સૂઝે તેમ નથી. આ ગીતનો રસાસ્વાદ પણ અનેક વાર થયેલ છે. અનુભૂતિની કોઇ પરમ ક્ષણે
    પરાકાષ્ઠાએ જ આવા શબ્દો સરી શકે…

  26. kirankumar chauhan said,

    August 31, 2009 @ 11:06 PM

    આ ગીત પછી રાવજીનું જીવન પૂરું થયું, જીવંતતા નહીં. લોકો જીવન થકી અમર થવા પ્રયાસ કરે છે રાવજી મૃત્યું થકી અમર થયા.
    મારો એક શેર યાદ આવે છે–
    જન્મ શું છે, મૃત્યું શું છે, શી ખબર?
    હું તો માણું છું રૂપાંતરની મજા.

  27. डॉ. निशीथ ध्रुव said,

    September 1, 2009 @ 6:34 PM

    मृत्यु समीपे होय त्यारे हंसना कण्ठमांथी कंईक गायन सुणाय छे माटे मृत्युनां गीतोने इङ्ग्लिशमां swan-song कहेछे. रावजी पटेलनुं आ अजरामर swan-song छे. एनो अर्थ करवो अने एनां प्रतीकोने योग्यतया समजवां अघरां छे. छतां विहङ्ग व्यासनुं अर्थघटन सौथी वधु उचित लाग्युं. कङ्कु तो सौभाग्यनुं प्रतीक छे अने सौभाग्यनो सूर्यास्त पोतानी ज आंखमां थतो अनुभववो एटले पोतानी पत्नीना वैधव्यनुं दर्शन करवुं ए ज अर्थ बन्धबेसतो लागे छे. एक नवोढा वे’लमां बेसीने पतिगृहे आवे छे – अने अहीं एक जीवात्मा पोताना पितृगृहे पाछो वळे छे – वीराने करेलुं सम्बोधन सूचक छे. मन्नाडेनुं गायेलुं गीत याद आवे छे : वो घर है मेरे बाबुल का घर, ये घर है ससुराल! पीळे पांदे लीला घोडा डूब्या एमां पांद जोडे सप्तमी विभक्तिनो प्रत्यय केम वापर्यो हशे? लीला घोडा एटले यौवनना थनगनता अरमानो – ए सुकाई गयेला जीवनमां डूबी गया एवो अर्थ करीए तो कदाच सप्तमीनो प्रयोग सार्थक थाय. वैभव अने कर्मो बधुं डूबी जाय छे – पण आपणां दर्शनो मुजब कर्मो तो साथ छोडवानां नहि! दुनियानी नजरे बन्ध थयेला श्वासो पर कफन ढंकाय छे – पण कविने तो ए श्वसननुं वसन उजासथी भरेलुं लागे छे. Crossing the bar नामना swan-songमां टेनिसन पण अन्ते कहे छे के दुनियानुं बारुं छोडतां दुःख तो थाय छे पण सुकानीनी सामेसामा थई शकाशे एनो सन्तोष पण छे. सुवासनो साद केवो होय? हणहणता घोडा के अरमानोनी ए श्रुतिगोचर थनारी सुवास एटले शुं? ए प्रतीकनो अर्थ कोईक समजावे तो! कया चोकमां कोनो पंछायो जीवात्माने रोके छे? परलोकयात्राए नीकळेलो जीव जाणे पोतानी ज प्रतिछायाने निहाळे छे. ए एने एना अडधा बोल अने झांझरथी – अणपुरायेला अरमानो – अणलख्यां काव्यो – अडधां रहेलां नृत्योथी जाणे अटकावे छे – अरे! केटकेटलुं अधूरुं रही गयुं! पण तोय बहुत नाच्यो गोपाल! ए सजीवी हळवाश – पत्नीनां मीठा बोलो अने एनी जोडेनी क्रीडानी हळवी स्मृतिओ – बधुं याद आवे छे – एनी व्यथा पण थाय छे – अने छतांय अल्विदा कहीने आगळ जवुं पडे छे. मने लागे छे के अनेक अर्थघटनो अने रसास्वादो मेळववानी तक आ मञ्च आपशे. साथे जाणीता विवेचकोमांथी कोईके करावेला रसास्वादो पण पिरसाय तो रूडुं थाय.

  28. Tejal jani said,

    September 2, 2009 @ 5:54 AM

    Aa rachna pehli var sambhli tyare khabar nahoti ke ana rachyita ni jindagi ketli vedna sabhar hati. Pan a janya pachi jyare pan aa rachna vanchu k sambhlu chu tyare amne saheli pida no anubhav thay che. Shresth sarjano hamesha pida na garbh mathi j janm leta hoy che..
    Aa rachna ne varnavva mate shabdo ocha j padse… Hates off to Ravji Patel…

  29. વિવેક said,

    September 3, 2009 @ 5:44 AM

    રાવજી પટેલના આ અમર મૃત્યુગીત વિશે વાચકોને લખવાનું નિમંત્રણ અમે આપ્યું અને ઘણા બધા મિત્રોએ પોતાના અભિપ્રાય અને આસ્વાદ આપ્યા.. એ સહુ દોસ્તોનો આભાર..

    ઘણી વાતો જાણવા પણ મળી. ‘રાવજીનું હંસગીત’ એ વાત તો ખબર હતી પણ એનો સંદર્ભ એટલે કે swan-song વિશે પહેલી જ વાર જાણ્યું. અડધા બોલે અને અડધા ઝાંઝરની વાતમાં વણલખ્યાં કાવ્યો અને અડધાં રહી ગયેલાં નૃત્યોનો સંદર્ભ પણ સ્પર્શી ગયો.

    વીરા અને બાબુલવાળી વાત પણ ઉચિત લાગી…

    હવે આવતા અઠવાડિયે ‘લયસ્તરો’ તરફથી આજ કાવ્યનો રસાસ્વાદ વિદ્વાન કવિઓની કલમના તારતમ્ય સ્વરૂપે અહીં પિરસીશું.

    રાહ જોશો ને ??

  30. raeesh maniar said,

    September 3, 2009 @ 9:20 AM

    મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
    કન્કુના સૂરજ- પત્નીનો ચાંદલો.

    મારા મરણની સાથે પત્નીનું વૈધવ્ય પણ દેખાય છે.
    મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
    વેલ શણૅગારવી….વિદાયનો સ્વીકાર..

    સૂરજ આથમ્યા પછી શગને પણ સંકોરવી…સંપૂર્ણ અંધકારની ખેવના
    રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
    અંધારાનો સ્વીકાર કર્યા પછી મૃત્યુના પ્રકાશનું દર્શન

    પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
    ઘોડા યૌવનનું પૌરૂષનું પ્રતીક, લીલા ઘોડા અને પીળા પાંદ…એષણાઓની તાજપ અને આયુષ્યની પાનખર..
    ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
    રે હણહણતી મેં સાંભળી સુવાસ !
    હણહણવું – અવાજ, શ્રાવ્ય સંવેદનનું ડિસ્ટોર્શન ..સુવાસમાં રૂપાંતર જિજિવિષાના વિલયના સાક્ષી બનવું વિલય થતાંજ કોઇક દિવ્યતાનો અનુભવ કરવો.

    મને રોકે પંછાયો એક ચોકમાં;
    ચોક- ઘરની બહાર ગતિનો સંકેત, રોકતો પડછાયો-પત્ની ..ચોક સુધીની એની સત્તા , પત્ની એકમાત્ર એવી વ્યક્તિ જેને મારા જવાથી ફરક પડશે. મને રોકે અર્થાત હું જવા તૈયાર છું પણ..
    અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
    ઝાલ્યો -ગ્રેબ્ડ બટ વીકલી..પત્નીના કોણથી વિચારીએ તો અડધા બોલ એટલે incomplete power of expression અને અડધા ઝાંઝર એટ્લે અપૂર્ણ ઓરતા. પતિના કોણથી વિચારીએ તો આ અવસ્થામાં અડધુંપડધું જ સાંભળી શકાય છે, કારણકે હું અડધો જ આ દુનિયામાં છું. દેખાતું નથી માત્ર સંભળાય છે તે ય અડ્ધું પડધું..પત્નીના શબ્દો અને ઝાંઝરના અવાજના મિશ્રણમાથી જ રોકનારની આકૃતિ ઊભી કરવાની રહે છે.
    મને વાગે સજીવી હળવાશ !
    વાગવું -અહીં પણ દેખાવાની જગ્યાએ ટચ કે ઇમ્પેક્ટના સંવેદનનો ઉપયોગ કર્યો છે.

    સજીવી હળવાશ- હું લગભગ મૃત અવસ્થામાં પ્રયાણ કરું છું ત્યારે આ સજીવતા મને વાગી-અડકી શકી..પરંતુ ઇજા પહોંચાડવાની એની શક્તિ નથી અને ઇજા અનુભવવાની મારી પણ સ્થિતિ નથી, તેથી સમગ્ર ઘટના હળવાશ તરીકે જ રજિસ્ટર થઇ શકે તેમ છે.
    મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
    આખી રચના મૃત્યુની કલ્પનસભર અનુભૂતિ કરાવે છે. એનેસ્થેસિયા વખતે થાય એવા distorted perceptionમાંથી કવિએ કાવ્ય નીપજાવ્યું છે.
    અનુભવ કરનાર અને જોનાર જુદો છે. દેહગત સંવેદનો જુદા છે અને એનો અર્થ તારવનારી બુદ્ધિ જુદી છે. એ વિલાતી જાય છે અને ઝબકારા મારતી જાય છે. sensation, perception and integration for interpretationનો અજબગજબનો ખેલ આ રચનામાં છે.

  31. Bankim said,

    September 4, 2009 @ 6:01 AM

    અહીં લગ્નગીતનો ઢાળ લઈને કવિઅએ હદ કરી છે.

  32. ઊર્મિ said,

    September 8, 2009 @ 9:18 AM

    બધા મિત્રોનો આસ્વાદ વાંચવાની મજા આવી… અને છેલ્લે રઈશભાઈનો આસ્વાદ તો ગળ્યાં શીરાની જેમ સીધો જ અંદર ઉતરી ગયો… ખૂબ જ માણ્યો.

  33. લયસ્તરો » યાદગાર ગીતો :૨૨: આભાસી મૃત્યુનું ગીત – રાવજી પટેલ said,

    December 16, 2009 @ 3:18 PM

    […] માટે આમંત્રણ આપેલું ત્યારે વાંચકોએ અભૂતપૂર્વ પ્રતિભાવથી આ ગીતને વધાવી લીધેલું. એ પછી વિવેકે […]

  34. Suresh Shah said,

    December 16, 2014 @ 1:31 AM

    કાલે હું ના હોઉં તોય શું?
    નભમાં તારલો થઈને રહીશ.
    મન મા હોય તે માગી લેજે
    હું ખુશીથી ટૂટી જઈશ

    રાવજીભાઈ દાદ માગી લે છે. એની પાસે શબ્દોનો ભંડાર છે. પોતાના વિચારો વ્યક્ત કરવા ચૂંટેલા એક એક શબ્દ કાંઈ કેટલું ય કહી જાય છે.

    – સુરેશ શાહ, સિંગાપોર

  35. jugalkishor said,

    December 17, 2014 @ 6:34 AM

    આગળના અભીપ્રાયો વાંચીને કેટલુંય જાણવા મળ્યું. નવેસરથી જ આને અંગે લખવા સહેજે મન રહે. હમણાં થોડા સમયથી વેબગુર્જરી પર રસદર્શનનો એક વીભાગ મારા સંપાદનથી શરુ થયો હોઈ – ડૉ. વિવેકભાઈ રજા આપે તો આ બધી કોમેન્ટોને ત્યાં લયસ્તરોના સૌજન્યથી મુકવા માગું……નહીંતર પછી આ કોમેન્ટોના સાર સાથે એકાદ લખાણ બનાવીને મુકી શકું…..

    * કાવ્યનું મુળ શીર્ષક બહુ મહત્ત્વનું છે તેને બહેન પિન્કીએ યાદ કરાવ્યું છે ! મૃત્યુનો આભાસ પણ જો આટલો વેદનાસભર છે તો ખુદ મૃત્યુની વાત તો બીછાને પડ્યો હોય તે જ જાણે !
    * કંકુનો સુરજ એટલે લાલ રંગનો આથમતો સુરજ;
    * ટીબીને આયુર્વેદમાં પાંડુ કહે છે ! પીળું પાન હવે સમજાશે !
    * “કંકુ છાંટી કંકોતરી મોકલો” એ ગીતનો જ ઢાળ આ કાવ્યનો લેવાયો છે તે બહુ સુચક છે !! કંકુને આ કાવ્યના કેન્દ્રમાં મુકાયું છે ! એનો લાલ રંગ નીતરતા લોહીની યાદ અપાવે તો નવાઈ ? ટીબીના દરદમાં લોહીની ઉલટી કે ગળફા સહજ હશે ને ?
    * ઉપરોક્ત બાબતો ચર્ચામાં બાકી રહી ગઈ જણાઈ એટલે થયું આને એક સ્વતંત્ર લેખ બનાવીએ !

  36. વિવેક said,

    December 18, 2014 @ 9:06 AM

    @ જુગલકિશોરભાઈ…

    આપને અનૂકુળ આવે એ પ્રમાણે આપ આ પ્રતિભાવોનો ઉપયોગ કરી શકો છો… હા, દરેક પ્રતિભાવ સાથે પ્રતિભાવકનું નામ અચૂક મૂકશો…

    કુશળ હશો…

  37. લયસ્તરો » (આભાસી મૃત્યુનું ગીત) – રાવજી પટેલ (Translated by 1. Pradip Khandwala, 2. Dileep Jhaveri) said,

    May 14, 2016 @ 12:31 AM

    […] ગીત આગળ લયસ્તરો પર મૂક્યું હતું અને ભાવકમિત્રોને એનો આસ્વાદ કરાવવાનું કા…અને લગભગ ત્રણ ડઝન વાચકોએ આ ગીતનો […]

  38. Mahendra thaker said,

    June 18, 2016 @ 10:01 AM

    Geeto no maha-mrutunjay mantra .

    Mrutyu no malkat
    Chitta no chalkat
    Darda ni dishao
    Juwani no than-ganat.

  39. Shubhechhak said,

    October 23, 2016 @ 11:44 PM

    ભાવાનુવાદનો એક પ્ર્યત્ન તમારી પરવાનગીની યાચના સહિત ઃ

    Ode to conjured death

    The last of the vermillion Suns fades from my eyes
    Deck up my carriage, steady the lamp
    My breath stands upright to leave in luminous garbs
    The last of the vermillion Suns fades from my eyes

    Green horses of union have wilted with the yellow leaves
    Festive regalia are in wane, the din of celebrations drowning away
    I hear neighing of impatient fragrance
    The last of the vermillion Suns fades from my eyes

    Tis a shadow in the courtyard holds me back
    By half a syllable, half by the anklet on my step
    A blow to me gentle and so vivid it strikes
    The last of the vermillion Suns fades from my eyes

    મારા મતે આની પાછળ્ મૂળ લોકગીત પ્ણ હોવું જોઇએ.
    ઝાડ પર લીલા ઘોડા તે લગ્ન સમયનું શુકનનું વાનું ( રમકડું) હોય તેમ જણાય છે.
    રાજ અને કાજ વિગેરે પણ આ લોક પ્રથામાં કરાતી કોઈ વિધિ કે ઉત્સવનું ઈંગિત જણાય છે.

    થાકેલા રોગીને દેખાતાં લાલ અંધારાંને નવા સુહાગના ચિહ્ન સાથે
    અને અંતિમ ક્રિયાના ધૂપને ચંચળ બનતા ઘોડાઑ સાથે રુપક દ્વારા સાંક્ળવાં તે અા
    જિનિઅસ કવિની પોતાની સ્થિતિથી પરે પોતાની કલા મૂકવાની ધગશ પ્રસ્થાપિત કરે છે.

    આટલાં બધાં સાંસ્કૃતિક ચિહ્નો અને બે પ્રકારના પ્રસંગોને એકત્ર કર્યા હોવાથી ભાષાંતર નિરર્થક છે
    છતાં આ પ્રતિભાને વિષ્વ સમક્ષ પ્રસ્તુત કરવાની જરૂરિયાત ભાવાનુવાદ કરવા પ્રેરે છે. અસ્તુ.

    (Contributed to main thread from a comment on a comment of May 2016).

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment