મળ્યું વર્ષો પછી તો જળ મને અમૃત લાગ્યું છે,
તરસ મારી વધારી છે સતત એ રણનો ૠણી છું
– સંદીપ પુજારા

સાગર અને શશી – કાન્ત (ભાગ-૨)

આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલદલ ઉપર દામિની દમકતી
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા કેલિ કૂજન કરે
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

– મણિશંકર રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’

(ગઈકાલે આ કાવ્યનું છંદોવિધાન અને ઇતિહાસ જોયા પછી આજે આ કાવ્યનો રસાસ્વાદ શ્રી સુરેશ જોષીએ કરાવેલા વિલક્ષણ અને વિચક્ષણ આસ્વાદના અતિટૂંકસાર સ્વરૂપે માણીએ)

ભરતીએ ચડેલા સમુદ્રના મોજાં જેમ એક પછી એક વધુ ને વધુ નજીક આવીને વધુને વધુ ભીંજવતા જાય એ રીતે અહીં કાવ્યની પંક્તિઓ છલકાતી આવે છે. હૃદયમાં હર્ષ જામેમાં ‘જામે’ ક્રિયાપદ વાપરીને સાગર પરથી થતા ચંદ્રોદય નિરખતાં હૃદયમાં ઉલ્લાસની વધતી જતી માત્રાને કવિએ ખૂબીથી સૂચવી દીધી છે ને ત્રીજી પંક્તિમાં તો ‘સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન’ છોળ કેટલી છલકાય છે !

સાગર ઉપર ચન્દ્રનો ઉદય જોઈને કવિ હૈયું બોલી ઊઠે છે કે જાણે સ્નેહનાં વાદળ ઊમટ્યાં છે. ચારેબાજુ કુસુમોનું વન (વનમાં કુસુમ નહીં, કુસુમોનું જ વન) મહેકી ઊઠ્યું છે; કશી કળી ન શકાય એવી ગહન સુવાસથી મન તરબતર થઈ ઊઠ્યું છે ! પળેપળ વિખેરાતાં ને એ રીતે નિતનવી ભાત સર્જતા વાદળોથી સૂચવાતો કુસુમોનો પુંજ આખા આકાશને ભરી દે છે; શાખાપત્ર કશું દેખાતું નથી. આમ આકારને પળે પળે ઓગાળી નાંખતાં વાદળોમાંથી જ સૂચવાતો કુસુમોનો આકાર અને તેમાંથી વળી નિરાકાર અને તે જ કારણે ગહન એવી વિમલ સુવાસ… સાગર ઉપર ઊગેલો શશી દૃષ્ટિગોચર હતો તે ઇન્દ્રિયવ્યત્યય પામીને હવે ઘ્રાણેન્દ્રિયગોચર થયો. આ રીતે ચન્દ્રના અનુભવમાં કશાક અનનુભૂત તત્ત્વનો પ્રવેશ થયો.

આટલે આવીને કવિનું પુલકિત ચિત્ત કૃતજ્ઞભાવે બોલી ઊઠે છે: પિતા ! કાલના સર્વ સંતાપ શામે ! આપણે મન કાળ એ સૌથી મોટી સીમા. કાળના પિંજરમાં રહેનારને આ અનુભવે એક વિશાળ કાલાતીત અવકાશમાં મૂકી દીધો. આ મુક્તિનો રસ તે કોઈ નવલ જ રસ છે અને એનું ઉદભવસ્થાન વાત્સલ્યમય પિતાના ધવલ નેત્રરૂપે ચન્દ્ર જ છે. આ કૃતાર્થતાથી પુલકિત થઈ કવિ આભાર વ્યક્ત કરતી પંક્તિનું પુનરુચ્ચારણ કરી આનન્દનો પુટ વધુ ઘૂંટે છે.

બીજા ખણ્ડમાં કવિના ચિત્તમાં થયેલી આ વ્યાપ્તિની અસરના સૃષ્ટિમાં થતા પ્રસારને કવિ વર્ણવે છે. સમુદ્રની ઊછળતી ઊર્મિમાળા પર ચાંદનીનું ચમકવું વીજળીના ચમકારા જેવું લાગે છે . સાગરની ગતિ સામે કવિ આકાશમાં પસાર થતી રાત્રિને સરોવરની નિશ્ચલતામાંથી પસાર થતા સમય સાથે સરખાવે છે વળી આ નિશ્ચલતાનું પાત્ર ઉલ્લાસની સભરતાના સાર્થક ઉચ્ચારણ રૂપ કામિની કોકિલાના કૂજનથી છલકાઈ ઊઠે છે. એની સાથે જ કવિ ભવ્ય ભરતીની વાત કરીને ભરતીનો આખો ઊછાળો પૂરો કરે છે. આખી સૃષ્ટિ ઉલ્લાસભરી બની ગઈ છે અને એ છલકાતા ઉલ્લાસના સાગરમાં હળવી શી હોડીની જેમ સૃષ્ટિ તરી રહી છે.  કવિનો આનંદોદગાર અહીં પણ પુનરુક્તિ પામે છે અને એ રીતે જાણે આપણા ચિત્તમાં છલકાઈ છલકાઈને ઊછળ્યા જ કરે છે.

ઉલ્લાસના સાગરમાં સરલ સરી જતી સૃષ્ટિના જેવી અનાયાસ રચાઈ જતી યમક તથા પ્રાસયુક્ત ભાવાનુકૂળ પદાવલિના સ્ત્રોતમાં ભાવકનું ચિત્ત પણ સરલ વહ્યું જાય છે – ગહનતાની દિશામાં.

26 Comments »

  1. Pinki said,

    July 31, 2009 @ 12:52 AM

    સુરેશ જોષી એટલે સુરેશ જોષી –
    ફરી ને ફરી વાંચવાનું, માણવાનું મન થાય… !

    શબ્દ અને અર્થનાં લયમાં ચિત્ત હિલ્લોળે જ ચઢે !!

  2. pragnaju said,

    July 31, 2009 @ 2:15 AM

    ઉલ્લાસના સાગરમાં સરલ સરી જતી સૃષ્ટિના જેવી અનાયાસ રચાઈ જતી યમક તથા પ્રાસયુક્ત ભાવાનુકૂળ પદાવલિના સ્ત્રોતમાં ભાવકનું ચિત્ત પણ સરલ વહ્યું જાય છે – ગહનતાની દિશામાં.

    અ દ ભુ ત રસદર્શન્

    મન જાણે છે કેટલી થઈ આવશે ને
    ના આવશે વચ્ચે ઘુઘવાટાની ખેપ,
    આભમાં ચોમેર દરિયે ચોમેર દવ ને
    તારું દૂરથી દેખાઈ જાવું ચંદન લેપ.

    શ્રાવણ માસમાં સમજું ના આ ભરતી છ કે આવે છે તુફાન ?

  3. વિહંગ વ્યાસ said,

    July 31, 2009 @ 2:22 AM

    કાન્તનું આ કાવ્ય જ્યારે અભ્યાસમાં આવતું ત્યારે આવો સ-રસ આસ્વાદ શિક્ષક ના સમજાવી શકેલા. ધન્યવાદ.

    વિહંગ

  4. mrunalini said,

    July 31, 2009 @ 5:07 AM

    ભરતીએ ચડેલા સમુદ્રના મોજાં જેમ એક પછી એક વધુ ને વધુ નજીક આવીને વધુને વધુ ભીંજવતા જાય એ રીતે અહીં કાવ્યની પંક્તિઓ છલકાતી આવે છે.
    અને હાલ હવામાન ખાતા દ્વારા ૧૦૦ વર્ષ બાદ સમુદ્રમાં સૌથી ઊચી લહેરો ઉઠવાની આગાહી કરવામાં આવી હતી. દરિયામાં બપોરના ૧ર વાગ્યા આસપાસ હાઇટાઇડ થાય તેવી ચેતવણી આપવામાં આવી હતી જેને પગલે બપોરનાં સમયે દરિયો ગાંડોતૂર થયો હોય તેમ ર૦-ર૦ ફૂટ ઊચા અફાટ મોજાં ઉછળતા હતા. જેનાથી ચોપાટી પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને શહેરીજનોને ચોપાટીનાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. તેમ છતાં મોટી સંખ્યામાં લોકોએ દૂરથી દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ જોઇને દંગ રહી ગયા હતા.

  5. ઊર્મિ said,

    July 31, 2009 @ 10:14 AM

    મજાનો આસ્વાદ…

  6. jjugalkishor said,

    July 31, 2009 @ 10:58 AM

    ધન્ય !

  7. Iqbal said,

    August 1, 2009 @ 12:12 AM

    Great….

  8. डॉ. निशीथ ध्रुव said,

    August 1, 2009 @ 1:45 AM

    श्सारी सुरेश जोशीए कविताना अर्थमां अमुक नवल कल्पनो प्रस्तुत कर्यां छे. पण ए कत्पनोने एक बाजु मूकीने केवळ अने केवळ कान्ते निहाळेलुं चित्र ज मन सामे ऊभुं करीए तोय समुल्लास थाय छे. सागर किनारे एकाद बङ्गलानी अगासीए ऊभा ऊभा चन्द्रोदय जोईए त्यारे परिसरमां सुगन्धी पुष्पोनुं उपवन होय – खास तो प्राजक्ता अने रातराणी जेवां फूलोनी फोरम वातावरणमां प्रसरी रहे अने सागरनां मोजां परथी आवती पवननी लहेरखीओथी आपणां तनमनने तरबतर करी रहे एवुंय बने. चन्द्र दृष्टिगोचर हतो ते घ्राणगोचर थयो ए वात कल्पीए तोय आ कुसुमवन अने एमांथी आवतो गहन परिमल आपणा हृदयमां उत्कर्ष न पामे तो ज आश्चर्य. कविना हृदयमां समुद्रनी तरङ्गावलिओशी ऊर्मि ऊछळी हरी छे अने सुमनोनी सुरभि द्वारा जाणे आखुं सुमन-वन ज हृदयमां वृद्धि पामी रह्युं छे.
    क्षणिक चमकती विद्युल्लेखाना उजासमां आभने आंबवा ऊछळतां भरतीनां मोजां देखाय के ऊछळतां मोजां जोडे चन्द्रनी अनेकानेक प्रतिछविओ वीज-शी चमकती देखाय ए बन्ने दृश्यो मनोहारी छे. अने ए अनुभवनी चरमसीमाए सागर अने शशीना सुभग संयोगने टाणे उल्लासनी भरतीमां जाणे सृष्टिमांय भरती आवे छे – अने ए प्रलयना(के पछी सुलयना?) पाणीमां सृष्टि जाणे एक नावडी-शी तरी रही होय एवुं कंईक कल्पन कविए आप्युं छे. जाणे कवि मत्यावतार धरीने ए नावने आनन्दप्रलय जळमां उगारी ले छे अने आपणने एनो चितार मळे माटे बचावीने आपणने काव्यरूपे उपहार धरे छे. शब्दोनी सुन्दर गूंथणी नादमाधुर्यथी मनोविश्वने भरी दे छे. स्नेहघन अने गहन परिमल ए बे शब्दोनो अर्थ कोईक जणावे तो आनन्द थाय.

  9. डॉ. निशीथ ध्रुव said,

    August 1, 2009 @ 2:25 AM

    ગગન માંહિ કેમ? ગગન માંહી ન હોવું જોઈએ? અહીં મરાઠી ભાષામાં જો કે છન્દની જરૂર મુજબ જોડણી કરવાની હોય છે.

  10. P Shah said,

    August 1, 2009 @ 4:59 AM

    સુંદર કૃતિનો સુંદર મઝાનો આસ્વાદ !

  11. anil parikh said,

    August 1, 2009 @ 5:52 AM

    શબ્દનૉ લય મોજા ની લહર

  12. Neela said,

    August 1, 2009 @ 6:27 AM

    Good achivment.
    Keep it up

  13. Pancham Shukla said,

    August 1, 2009 @ 7:02 AM

    માંહિ – ગુજરાતી લેક્સિકોનમાં જડે છે એટલે માંહી કે માંહિ એમ બન્ને રીતે લખી શકાય એવું માની શકાય.

    મહારાજ- મહારાજા ભાવસિંહજી માટે પણ પ્રયોજયું હોઈ શકે. કહેવાય છે, આ કવિતનું પ્રેરકબળ મહારાજા હતા.

    પિતા- કવિવર ન્હાનાલાલે પણ – ‘પિતા, પેલો આઘે…’ કે ‘પિતા, માતા, બંધુ…’ જેવી પંક્તિઓમાં પિતાનો ઈશ્વરના સંદર્ભે ઉલ્લેખ કર્યો છે. કદાચ એ કાળમાં પિતા શબ્દ એ અર્થમાં પ્રચલિત હોય અથવા કાન્તે ધર્માન્તર પછી કોઈન કર્યો હોય અને પછી ન્હાનાલાલે અપનાવ્યો હોય. પંડિતયુગના અભ્યાસી વધુ પ્રકાશ પાડે તો મઝા પડે.

  14. sudhir patel said,

    August 1, 2009 @ 11:26 AM

    ખૂબ જ સુંદર! કાવ્ય જ અનુપમ છે અને એ કોઈ આસ્વાદનું મોહતાજ નથી.
    સુધીર પટેલ.

  15. डॉ निशीथ ध्रुव said,

    August 1, 2009 @ 12:57 PM

    मारी पासे सार्थ कोशनी जे आवृत्ति छे एमां अने श्री के. का. शास्त्री रचित बृहद् कोशमां मांहि एवी जोडणी नथी. एटले लेक्सिकॉनमां कये आधारे मूकी छे ए चकासवुं जोईए. मांहि तत्सम नथी अने तद्भवना एकेय नियमथी ह्रस्व-इ-कारान्त थाय नहि. लेक्सिकॉनने आधारभूत गणी शकाय नहि अने आवी भूलो निर्दशीने एमां सुधारा करवाने अवकाश छे ज.
    पण स्नेहघन अने गहन परिमलना शा अर्थो कल्पी शकाय ते कोई स्पष्टता करी शकशे?

  16. डॉ निशीथ ध्रुव said,

    August 1, 2009 @ 8:52 PM

    માંહિ એવી જોડણી લેક્સિકૉનમાં નથી પણ ભગવદ્ ગોમણ્ડલ કોશમાં છે એ મેં ચકાસી લીધું. ભગવદ્ ગોમણ્ડલ કોશ અમુક કાળમાં પ્રવર્તતી જોડણીઓ પણ નોંધે છે, એને ગુજરાત યુનિવર્સિટીના સાર્થ કોશની માન્ય જોડણી ન ગણી શકાય.

  17. વિવેક said,

    August 2, 2009 @ 5:22 AM

    કવિએ ‘માંહિ’ જોડણી જ પ્રયોજી હોવાનું જણાય છે. આ કાવ્યના મારી પાસે ચારથી પાંચ ‘પ્રિન્ટ વર્ઝન’ છે જે દરેકમાં માંહિ જ લખેલું છે. જેમ મરાઠીમાં એમ ગુજરાતીમાં પણ ગઝલયુગ પૂર્વેના કાવ્યપ્રકારોમાં છંદ મુજબ જોડણી કરવાનો રિવાજ પ્રચલિત હતો…

    સ્નેહઘન એટલે સ્નેહનાં વાદળ. અને વિમલ પરિમલ ગહન એટલે નિર્મળ અને ગહન સુવાસ ! સુરેશ જોષી જે રીતે આસ્વાદ કરાવે છે એ મુજબ ચન્દ્રોદય સમયે વાદળોથી ભરેલું આકાશ હૃદયમાં એ રીતે હર્ષ જન્માવે છે જાણે એ સહુ સ્નેહનાં વાદળો ન હોય… અને એ વાદળોથી જાણે આકાશનું વન આખું કુસુમોથી ભરાઈ ગયેલું ભાસે છે અને પરિશુદ્ધ છતાં કોઈક ગહન પ્રકારની સુવાસ સૃષ્ટિને તરબતર કરી દે છે…

    બંગલાની અગાશી પરથી ચન્દ્રોદય થતો જોયો હોય ત્યારે આજુબાજુમાં બાગ હોઈ શકે અને એની ખુશબૂ પણ ચોક્કસ હોઈ શકે એવી નિશીથભાઈની વાત પણ સાચી હોઈ શકે. એના પછીની પંક્તિમાં કવિ લખે છે કે નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે… અહીં ‘નિજ’ શબ્દ ચાવીરૂપ છે… આ બાહ્યગગનથી નિસરીને આંતર્ગગન સુધી વિહરવાની અને વિકસવાની વાત હોઈ શકે.. અંદરનું અને બહારનું સૌંદર્ય અહીં એકાકાર થઈ જાય છે…

  18. વિવેક said,

    August 2, 2009 @ 5:25 AM

    ..આ કવિતા વિશે અગાઉ પણ પંચમભાઈ પાસેથી આ વાત સાંભળી હતી કે આ કાવ્ય મહારાજાના સૂચનથી લખાયેલું કાવ્ય છે… ખરી હકીકત શું હોઈ શકે એ તો કોણ અધિકારપૂર્વક કહી શકે ? પણ આ કવિતા નિઃશંકપણે એના લખાયાના કારણની પૃષ્ઠભૂને વળોટી ચૂકી છે. આ કાલાતીત કાવ્ય છે.. એનું પોતાનું સૌંદર્ય જ એટલું અદભુત છે કે એ જ્યાં સુધી ગુજરાતી ભાષા જીવે ત્યાં સુધી જીવવા સર્જાઈ છે. કવિતાનું સાચું હર્દ ન સમજી શકનાર કેટલાક માણસો એવો પણ બકવાદ કરે છે કે આ કવિતા શબ્દોની ચતુરાઈભરી ગોઠવણીથી વિશેષ કંઈ નથી… પણ સમયથી મોટો વિવેચક બીજો કોણ છે વળી ?

  19. डॉ निशीथ ध्रुव said,

    August 2, 2009 @ 10:27 AM

    आ ज काव्यमां आगळ मांही वापर्यो छे त्यां तो दीर्घ ई-कारान्त छे ज. छन्दोविधान मुजब जोणीओ थती होय तो अहीं दीर्घ ई बन्धबेसतो नथी. स्नेहघननो शब्दार्थ तो समजायो ज हतो पण एनो अहीं शो अर्थ करी शकाय ते तर्क की रह्यो हतो. कोना प्रत्येना स्नेहनां वादळोनो उल्लेख हशे? सुरेश जोशीनुं अर्थघटन तो एने स्थाने छे ज. में तो ए गूढ अर्थ न समजीए अने मात्र ए समये निसर्गे जे रूप-रङ्ग धारण कर्यां होय एनो ज विचार करीए तोय अप्रतिम अवर्णनीय अनुभूति थाय एटलुं ज मारुं कहेवुं छे. बाकी ए तो कालातीत थयेलुं काव्य छे अने जेने अर्थ समजाय नहि एने पण नादमाधुर्यथी प्रभावित करी नाखे एवी आ रचना छे एमां कोण विवाद करे?

  20. Pinki said,

    August 2, 2009 @ 1:23 PM

    આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
    સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન, નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;
    પિતા ! કાલના સર્વ સંતાપ શામે ! નવલ રસ ધવલ તવ નેત્ર સામે
    પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

    જલધિજલદલ ઉપર દામિની દમકતી, યામિની વ્યોમસર માંહી સરતી;
    કામિની કોકિલા કેલિ કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી;
    પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી ! તરલ તરણી સમી સરલ તરતી,
    પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

    – મણિશંકર રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’

    આ કાવ્યમાં શબ્દોની ગોઠવણી આ પ્રમાણે કરવાથી તેને સમજવામાં મને સરળતા રહી છે… !!

  21. Pinki said,

    August 2, 2009 @ 1:43 PM

    ઘન શબ્દનો એક અર્થ ‘ અતિશય’ અને ઉત્કર્ષ નો એક અર્થ ‘વૃદ્ધિ થાય છે.

    તો આવું માની શકીએ……. ??

    પ્રકૃતિના અપ્રતિમ સૌંદર્યને નિહાળતાં કવિને થયેલ અવર્ણનીય અનુભૂતિને શબ્દોમાં કંડારતા લખે છે કે, આજે જલ પર ચંદ્રોદય જોઈને ( નિજ ગગન ) આંતરમનમાં પ્રકૃતિ પ્રતિ રહેલ અતિશય પ્રીતિ (સ્નેહઘન) માં હજુયે વૃદ્ધિ ( ઉત્કર્ષ.) થાય છે ( અને જાણે કે) એક ગહન ( ન કળી શકાય એવી ) નિર્મળ ( વિમલ ) ફૂલોનાં વનમાં પ્રસરિત સુવાસનો અનુભવ થાય છે.

    પ્રકૃતિની ગોદમાં આવી અનુભૂતિ કાન્તને થઈ જ શકે.

  22. Kishor Raval said,

    August 2, 2009 @ 1:51 PM

    Thanks a lot. I would lay down the version I had come across.

    કાન્તને સાથે લ‌ઈ ભાવનગરના મહારાજા ગોપનાથ ગયા હતા. રાતના સમુદ્રકાંઠે ગાલીચાઓ બિછાવી બેઠાં બેઠાં, આકાશમાં ચાંદો નિરખી મહારાજાએ કાન્તને આદેશ કર્યો, “કવિ, આ જોઈને કરો કંઈ કવિત” અને કવિએ મહારાજાને ઉદ્દેશીને લખ્યું “આજ મહારાજ જલ પર ઉદય જોઈને…..”

  23. डॉ. निशीथ ध्रुव said,

    August 5, 2009 @ 4:24 AM

    पिङ्कीबहेन,
    आ अर्थघटन पण योग्य ज छे. गहन एटले न कळी शकाय ए अर्थ गम्यो. नहि तो सुगन्धने गहन विशेषण समजवुं जराक मुश्केल तो हतुं ज. आभार.

  24. chetu said,

    November 23, 2009 @ 11:13 AM

    આ અદભૂત અને અનન્ય રચના એકદમ ગહન અને એકવાર વાંચતા નાં સમજી શકાય, તો પણ મન ને સ્પર્શી ગઈ …આ કાવ્ય નો રસાસ્વાદ માણવા ” લયસ્તરો” તરફ ધ્યાન દોરવા બદલ આપનો ખુબ આભાર વિવેકભાઈ ..! આપને તથા શ્રી સુરેશ જોશીજી ને હાર્દિક અભિનંદન ..

  25. Bharat pathak said,

    March 20, 2010 @ 2:25 PM

    “સાગર અને શશિ”નું રસદર્શન કરાવતો, સ્વ કવિ હસમુખ પાઠકનો લેખ ‘સંસ્ક્રુતિ’ (સં. ઉમાશંકર જોશી) સામયિકંમાં પ્રગટ થયેલો. હાલ મારી પાસે હાથવગો નથી તેથી પ્રકાશન તારીખ નથી જણાવી શકતો. હસમુખ પાઠકે એક વિશિષ્ટ દ્રષ્ટિથી આ કાવ્યને જોયું છે. કોઇકને કદાચ જોવામાં રસ પડે માનીને આટલું.

    કોકિલ કે કોકિલા — એ મુદ્દા વિષે એક ટમકું મૂકું? જોવામાં તો એમ આવ્યું છે કે ટહૂકા કરતો કોકિલ તો એકલો બેઠો હોય છે. એ જ કોકિલ કોકિલા સાથે કેલિમાં મગ્ન હોય ત્યારે કોકિલા કૂજન નહીં જ કરતી હોય એવું શા પરથી ધારી લઇએ?

    લયસ્તરો અંગે આજે જ ખબર પડી. ધન્યવાદ. આભાર.

  26. NAVNIT PATEL said,

    February 25, 2017 @ 7:08 AM

    આપનો આ આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment