હવાની આવ-જા હો એમ પાનાં ઊંચા-નીચા થાય,
ગઝલના ફેફસાંમાં શું છે, મારા શબ્દો કે શ્વાસો ?
વિવેક મનહર ટેલર

તુંયે જવાબદાર છે! – રતિલાલ ‘અનિલ’

આ પાપ, પુણ્યના વિશે કેવા અજબ વિચાર છે!
મૃત્યુ એ સ્વર્ગ-નર્કનું જાણે પ્રવેશદ્વાર છે !

મૃત્યુ પછીના સુખ તણો શો કલ્પનાવિહાર છે!
જન્નત ને હૂર છે ખરાં, પણ તે જગત-બહાર છે !

શ્રદ્ધા ભલે અપાર છે, શંકાય બેસુમાર છે;
ઇશ્વર! હજી તો વિશ્વમાં તર્કો અને વિચાર છે.

થાકી ગયેલ બુદ્ધિએ ઈશ્વરની કલ્પના કરી,
એને ગમ્યું તે સાર છે, બાકી બધું અસાર છે.

મારામાં તું વસી રહ્યો એ વાત સત્ય હોય તો,
મારા પતનને કાજ હા, તુંયે જવાબદાર છે!

– રતિલાલ ‘અનિલ’

ઈશ્વરને કેન્દ્રમાં રાખીને મૃત્યુ-પાપ-પુણ્ય-સ્વર્ગ-નર્કની હકીકતની ખરાખરી કરતી ઉમદા ગઝલ. ઈશ્વર બીજું કશું નથી પણ દુનિયાના અને પોતાના અસ્તિત્વ વિશે વિચારી-વિચારીને થાકી ગયેલ મગજે સમાજવ્યવસ્થા ઊભી કરવા અને જાળવવા માટે સર્જેલી એક વિભાવના માત્ર છે. ઈશ્વરમાં આપણને એક તરફ અપાર શ્રદ્ધા પણ છે અને બીજી તરફ એના હોવા-ન હોવા બાબતે બેસુમાર શંકા પણ છે. તર્કો અને વિચારની વચ્ચે ક્યાંક ઈશ્વર છે અથવા નથી. અને જો ઈશ્વરને પસંદ હોય એ સારપ હોય અને બાકીનું અસાર હોય અને જો ઈશ્વર આપણા સહુમાં વસી રહ્યો હોય તો આપણા પતનને માટે શું એ પણ જવાબદાર નહીં? આસ્તિકતાના મૂળિયાંમાં વજ્રાઘાત કરતી આ ગઝલ વાસ્તવિક્તાની કેટલી નજીક ઊભી છે!

4 Comments »

  1. pragnajuvyas said,

    April 29, 2023 @ 7:11 AM

    કવિશ્રી રતિલાલ ‘અનિલ’ સુંદર ગઝલ
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
    થાકી ગયેલ બુદ્ધિએ ઈશ્વરની કલ્પના કરી,
    એને ગમ્યું તે સાર છે, બાકી બધું અસાર છે.
    મારામાં તું વસી રહ્યો એ વાત સત્ય હોય તો,
    મારા પતનને કાજ હા, તુંયે જવાબદાર છે!
    ભારતીય ચિંતન પરંપરામાં આસ્તિક્તાને વિશેષ અર્થ અપાયો છે. જેનો સંબંધ ‘ઈશ્વર’નું અસ્તિત્વ માનવા અથવા ન માનવા સાથે નથી. એ વ્યક્તિ જે વેદમાં શ્રદ્ધા ધરાવતો ન હોય, વૈદિક સિદ્ધાંત પર તર્ક-વિતર્ક કરે એ નાસ્તિક છે. ‘શબ્દ પ્રમાણ’ને જ્ઞાન પ્રાપ્તિનો સ્રોત માનવાને કારણે આસ્તિકની શ્રેણીમાં મુકવામાં આવ્યા છે. ચિંતકો દ્વારા આસ્તિક્તાની વ્યાખ્યા પ્રચલિત અર્થથી અલગ કરવાની દૃષ્ટિનું તાત્પર્ય તેમના દ્વારા ઈશ્વરહીનતાના દર્શનનું પોષણ કરવું નથી. કેમ કે, આસ્તિક્તાના આધારે ‘વેદ’ જે સત્ અને જીવન દર્શનના ઉત્પત્તિ ગ્રંથ છે, તેના કેન્દ્રમાં ઈશ્વરની સંકલ્પના છે.ભૌતિકવાદી ચાર્વાક દર્શનને છોડીને તમામ દાર્શનિક સંપ્રદાય પોતાની મૌલિક દૃષ્ટિમાં બિન-ભૌતિકવાદી દર્શનને મજબુતાઈ પ્રદાન કરે છે. પોતાની તમામ સિદ્ધાંતિક સ્થાપનાઓમાં પદાર્થની સત્તાને માનીને પણ પોતાની અનૈતિહાસિક દૃષ્ટિને કારણે સમાજિક જીવન વ્યવહારમાં ચૈતન્યવાદી દર્શનને નિરાપદ બનાવે છે.આપણાં સામાજિક મનોવિજ્ઞાનમાં આસ્તિક્તા પ્રત્યે સ્વીકારબોધ અને નાસ્તિકતા પ્રત્યે નકારભાવનાં કારણોનાં મૂળિયા બૌદ્ધિક ચર્ચા વિચારણા અથવા સિદ્ધાંતિક સંવાદમાં જોવા ન જોઈએ.

  2. પ્રેમલ શાહ said,

    April 30, 2023 @ 12:46 AM

    સુંદર ગઝલ અને તેનો આસ્વાદ 👌🏻👌🏻

  3. Pragnya Vyas said,

    April 30, 2023 @ 2:36 PM

    ખૂબ સુંદર.. આસ્વાદ પણ સરસ… 👌

  4. તુંયે જવાબદાર છે! – રતિલાલ ‘અનિલ’ – Bhasha Abvhivyakti said,

    August 20, 2023 @ 11:11 PM

    […] Permalink […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment