મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.
મરીઝ

તડકા! તારાં તીર – મનોહર ત્રિવેદી

તડકા! તારાં તીર,
વીંધતો જાય કોઈ શિકારી કોયલ-કાબર-કીર.

દૂર ભાઠોડે આંખ માંડીને ઘાસનો વાળ્યો સોથ,
છાંયડા જેવા છાંયડાએ પણ વાડયની લીધી ઓથ;
તરકોશીએ તરસ્યા એમાં ગોતવાં ક્યાંથી નીર?

હળખેડુની ધૂંસરી ઉપર સૂરજ બેઠો હોય,
ભોંયના કૂણા દેહને એની ત્રોફતી તીણી સોય,
પગ પડે તે મલક એનો, જાય ત્યાં ત્યાં જાગીર..

વાયરા સીમે સૂસવે: હડી કાઢતી આ બપ્પોર,
ઝીંક ઝીલે છે તોય ત્યાં પેલી ટેકરીનો ગુલમ્હોર;
ઝૂંટવે તું શું જોર? તું તારે લાવજે તારો પીર..
તડકા! તારાં તીર…

– મનોહર ત્રિવેદી

કોઈ શિકારી એક પછી એક પક્ષીઓનો શિકાર કરતો જતો હોય એમ તડકાનાં તીર અંગાંગને વીંધી રહ્યાં હોવાનું ચિત્ર કવિએ દોઢ જ પંક્તિમાં આબાદ દોરી બતાવ્યું છે. ભાઠોડામાંનું ઘાસ પણ તડકાના તાપને લઈને સૂકાઈ ગયું છે. સૂર્ય માથે ચડ્યો હોય ત્યારે પડછાયો લગભગ ગાયબ જેવો થઈ જાય છે. છાંયડા જેવો છાંયડો પણ વાડની ઓથ લેવા નજીક જઈ ભરાયો છે, મતલબ વાડનો પડછાયો નહીંવત્ જેવો રહી ગયો છે એમ કહીને કવિ કેવી અદભુત રીતે ભરબપોરની વેળા થઈ હોવાનું કહી દે છે! તરકોશી એટલે એકસાથે ત્રણ-ત્રણ કોશ સાથે ચાલી શકે એવું વિશાળ નવાણ! પણ તડકાના કારણે તરકોશીએ પણ પાણી નસીબ નથી એમ કહીને કવિએ તડકાના તીરને વધુ ધાર કાઢી છે.

આમ તો શતસહસ્રો કિલોમીટર દૂર પ્રકાશતો સૂર્ય જાણે બળદગાડાની ધૂંસરી પર આવી બેઠો હોય એમ એકદમ નજીક આવીને ધરતીને તાવી રહ્યો છે. તડકાની દાદાગીરીનો કોઈ પાર નથી. જ્યાં જ્યાં એ પગ મૂકે તે તે જગ્યા એની જાગીર બની જાય છે. સીમમાં વાયરા સૂસવાટા મારતા હોય અને બપ્પોર હડી કાઢતી હોય એ વચ્ચે પણ ટેકરી પરનો ગુલમહોર બાકીની સમગ્ર સૃષ્ટિની જેમ નમતું જોખી દેવાના બદલે એકલવીરની જેમ ઝીંક ઝીલે છે, ખીલે છે. ગુલમહોરની ઓથ લઈને આખી રચનામાં તડકાને સર્વોપરી સ્વીકારી લેનાર કવિ કાવ્યાંતે તડકાને પડકારે છે…

9 Comments »

  1. Neela sanghavi said,

    January 13, 2023 @ 11:07 AM

    ખરેખર જ ઠંડીમાં ગરમાટો આપતી રચના.
    હડી કાઢતી બપ્પોર….બહુ ગમી.
    વિવેચન પણ એટલુ જ સરસ.

  2. Varij Luhar said,

    January 13, 2023 @ 11:09 AM

    વાહ વાહ.. ખૂબ સરસ ગીત

  3. kishor Barot said,

    January 13, 2023 @ 11:44 AM

    અદ્ભૂત શબ્દચિત્રો 👌🏻

  4. કાજલ શાહ said,

    January 13, 2023 @ 12:45 PM

    Khub સુંદર ગીત

  5. નાથાલાલ રવજીભાઈ દેવાણી said,

    January 13, 2023 @ 2:47 PM

    ખૂબ સરસ કવિતા… અમદાવાદનો ઉનાળો આવો આકરો જ હોય છે.. પણ મને આ ટાઠાબોળ શિયાળા કરતાં દેહ દઝાડતો ઉનાળો ખૂબ ગમે છે….

  6. pragnajuvyas said,

    January 14, 2023 @ 1:37 AM

    કવિશ્રી મનોહર ત્રિવેદીનુ ‘તડકા! તારાં તીર’ સુંદર ગીત
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
    કવિશ્રીને તડકો વધુ પ્રિય છે જે તેમની અનેક રચનાઓમા જેમકે-
    રેતના ઘાસલ થૂમડે બેસી કાળિયો કોશી ભરબપ્પોરે સૂર રેલાવે મોકળે મને
    અડવાણે પગ સોંસરી વીંધી સીમ આ પવન વાતવે વળે ઝાડની આછી છાંયડી કને
    થડ તડકાનું સાચું ને હું વૈશાખી તડકો…
    તેમ નહોતું બપોરનો તડકો આકરો થાય
    પાછળ કસબી કોર કશી, તડકાની તગતગ થાય!
    એનું ગીત ઢળ્યું ન આ બાજુ … મનોહર ત્રિવેદી .
    અમને સ્નો ના ઢગલા હટાવતા
    મુ ભગવતી કુમાર શર્મા પઠન કરતા સંભળાય …
    મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે,
    હતા આપણે મૂળ તડકાના માણસ.
    નિરંજન ભગત એક ગીતના ઉપાડમાં જ ઉનાળાની તીવ્રતાનું વર્ણન કરે છે: તગતગતો આ તડકો, ચારેકોર જુઓને કેવી ચગદાઇ ગઇ છે સડકો! તડકાનાં કાવ્યો તો અઢળક મળે છે શ્યામ સાધુએ ધારદાર રીતે તે આધાર લીધો છે:
    ચૈત્રી તડકામાં તારી યાદને, માની લીધી ડાળ મેં ગુલમહોરની,
    આ જુઓ અહીંયા સૂરજના શહેરમાં સોનવર્ણી થઇ પરી બપોરની.
    ખરા આ બપોરે નભ ઉપરથી અગ્નિ વરસે,
    બધુંય જાણેકે ભડભડ થતું એમ સળગે,
    હતું શીળું જે કંઈ સકલ અવ તે ઉષ્ણ બનતું,
    નદી,નાળાં સઘળાં જળભર હતાં ને ન સ્મરતું,
    બધાં વૃક્ષો પોતે પરણ ધનથી વંચિત થયાં.
    ધરા સંતાપી ગૈ, તરડપડથી છિન્ન દીસતી.
    પશુ-પક્ષીઓ ક્યાં ? !અરવગગને શુષ્ક સઘળું.
    દિશા ,ખૂણેખૂણો,બસ બધું અહીં ફકત બળતું.
    વિચારે પ્રાજ્ઞો કે કુદરત તણો કોપ વરસ્યો,
    અને વિજ્ઞાનીના મનથી મનુનો તોલ છટક્યો,
    વિચારે બુધ્ધિથી, ,પણ સમજની બહાર આતો,
    વળી પહોંચ્યા જ્યાં છે,જટિલ તહીંથી પાછું વળવું,
    ઉનાળો જે વ્યાપ્યો, ગહન અતલે અંતર ઊંડે,
    કહો કેવી રીતે શમિત કરશું આ તરસને?
    અમારા પૌત્રે લખ્યું
    the grass so green,
    the sun so bright,
    life seems a dream,
    no worries in sight

  7. Poonam said,

    January 14, 2023 @ 12:15 PM

    સાવ મેલું મન લઈ આવી ન જા,
    તીર્થ છે આ પર્યટનનું સ્થળ નથી. Kyaa Baat !
    – કિરણસિંહ ચૌહાણ –

    Aaswaad thi sahamat 1st sher 👌🏻 !

  8. Mansukh Nariya said,

    January 15, 2023 @ 4:02 PM

    saras અને એવો જ સરસ આસ્વાદ વિવેકભાઈ અભિનંદન

  9. લયસ્તરો » પંખી બેઠું ડૂંડે – મનોહર ત્રિવેદી said,

    August 30, 2023 @ 4:35 PM

    […] કેવળ તડકાનું જ સામ્રાજ્ય છે. આ જ કવિના ‘તડકા! તારા તીર’ ગીતમાં પણ આવું જ કલ્પન જોવા મળે છે: […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment