આપણી વચ્ચે હવે કંઈ પણ નથી,
જે હતી ક્યારેક એ સમજણ નથી.

આપણી વચ્ચે શું એવું થઈ ગયું?
હું નથી એ જણ, તું પણ એ જણ નથી.
- વિવેક મનહર ટેલર

સખી – મુકેશ જોષી

સખી પહેલા પડાવ ઉપર દાદાના દેશમાં, પરીઓના વેશમાં કૂવેથી ભરતા ને આંબલિયે રમતા ને ગોરમાને ગમતા તે કીધા ઉપવાસ
સખી પહેલા પડાવ ઉપર કાળજાની હૂંફ, રહે કાળજુંય મૂક, જોઈ છબછબની શેરી ને પંચમની ભેરી ને શંકરની દેરીમાં કેવો ઉલ્લાસ

સખી બીજા પડાવે ગયા દાદાના દેશ, ચરર પરીઓના વેશ, ભર્યાં નયનોમાં જલ, થયા શ્વાસો અટકળ ભલી સાસુને ગમતા તે કીધા ઉપવાસ
સખી બીજા પડાવ ઉપર રંગેલી મેડી ને આંખોથી તેડી ને હળવેથી છેડી ને પરણ્યાએ વેડી તે જાણે સુગંધથી રંગેલા શ્વાસ

સખી ત્રીજા પડાવે અહો ઝરમર ઝરમર, ઉગ્યા મેઘધનુષ અંગો પર રસભર રસભર, ભરી મમતાનું ઘર, કોઈ દર્પણમાં બોલાવે પોતાનું ખાસ
સખી ત્રીજા પડાવે રૂડી પગલીની ભાત, ફરી પરીઓના દેશ લગી લંબાતી રાત, આહ મોંઘી સોગાત, કુણી છાતીમાં હાલરડાં રમતાં કંઈ રાસ

સખી ચોથે પડાવે થયાં રૂપેરી કેશ, લીધા સાસુના વેશ ક્યાં વાગતી રે ઠેસ અને લાકડીના ટેકેથી ઠેલાતો જાય સહેજ ડગમગ પ્રવાસ
સખી ચોથે પડાવે દીધી કાળજાની હૂંફ, ક્યાંક હળવેથી ફૂંક, દૂર શંકરની દેરીમાં આથમતી શેરીમાં આરતીની આશકાનો દેવો ઉલ્લાસ

– મુકેશ જોષી

અત્યંત લાંબી બહરના ગીતના ચાર ખંડકોમાં કવિકર્મ કેવું સુપેરે ખીલ્યું છે! ચાર ખંડક. સ્ત્રીજીવનના ચાર તબક્કા. પહેલામાં કુંવારી કન્યા, બીજામાં પરણેલી સ્ત્રી, ત્રીજામાં માતૃત્વ અને છેલ્લા બંધમાં વૃદ્ધત્વની અવસ્થા. દરેક કલ્પન ધીમેધીમે સમજવા જેવું. ચાલો, કોશિશ કરીએ.

પહેલો પડાવ બાળપણનો છે. માથા પર દાદાનું છત્ર છે. એટલે પરીઓ તો હાથવગી જ હોવાની. કન્યા પોતે જાણે પરી બનીને મહાલે છે. કૂવાપાણી, આંબલી-પીપળી અને અલૂણા… કન્યકાનો પરિવેશ બહુ ઓછા લસરકામાં ઉપસી આવ્યો છે. દાદાના કાળજાની હૂંફ બાળાનું કાળજું નિઃશબ્દ બની અનુભવે છે. દેશ-વેશ, ભરતા-રમતા-ગમતા, હૂંફ-મૂક, શેરી-ભેરી-દેરીના આંતર્પ્રાસ લાં…..બી બહરના ગીતના સંગીતને કેવું પ્રવાહી બનાવે છે!

બીજો પડાવ પરિણીતાનો. દાદાના દેશ હવે વહી ગયા છે. પરીઓના વેશ ચરર ફાટી ગયા છે. આંખોમાં આંસુય છે અને બાળપણમાં ગોરમાને રીજવવા કરાતા ઉપવાસ હવે સાસુમાને રીજવવા કરવા પડે છે. વાત એની એ જ છે, પણ કવિ બહુ ઓછા શબ્દફેર સાથે આખેઆખા સંદર્ભો અને પરિવેશ બદલી નાંખે છે. પણ રણમાં મીઠી વીરડી સમું સાસરિયામાં પતિનો પ્રેમ હજીયે એના શ્વાસ સુગંધોથી રંગી દે છે. મેડી-તેડી-છેડી-વેડીનો લયવિન્યાસ તો જુઓ! અહાહાહાહા

સ્ત્રીની જિંદગીનો ત્રીજો તબક્કો તે માતૃત્વ. પંક્તિની શરૂઆતમાં આવતો ‘અહો’નો ઉદગાર ગીતની રસાળતા માટે પ્રાણપોષક છે. બાળક જાણે કે માના શરીર પર ઊગેલ રસભર મેઘધનુષ છે. મમતાનું ઘર ભર્યુંભાદર્યું બન્યું છે. પરી સ્ત્રીના હૃદયનો અંતરતમ હિસ્સો છે, જીવનના આ તબક્કે પણ એ હાજર છે, પણ હવે બાળકને કહેવામાં આવતી વાર્તાઓના રૂપમાં. માની છાતીમાં દૂધ જ નહીં, હાલરડાં ઊછરી રહ્યાં છે.

ચોથા તબક્કામાં સ્ત્રી પોતે હવે સાસુ બની છે. વૃદ્ધ થઈ છે. જિંદગીનો પ્રવાસ લાકડીના ટેકે ડગમગ ડગમગ ધીમે ધીમે આગળ વધે છે. બચપણમાં દાદાના કાળજાની જે હૂંફ પોતે અનુભવી હતી, હવે એ જ હૂંફ સંસારની પરિપૂર્ણતા એના કાળજાને ફરી દઈ રહી છે. જિંદગીની આથમતી શેરીમાં ઈશ્વરના નામસ્મરણના સહારે ઉલ્લાસ હજી પ્રજ્વળી રહ્યો છે…

દાદાના દેશ, પરીઓના વેશ, શંકરની દેરી, કાળજાની હૂંફ જેવા ઘણાં કલ્પનોની અલગ સ્વરૂપે અને સહેજસાજ જ સંદર્ભ બદલીને કરાતી પુનરોક્તિ આખી રચનાને વધુ મનનીય અને કાવ્યતત્ત્વસભર બનાવે છે…

8 Comments »

  1. pragnajuvyas said,

    May 19, 2022 @ 3:43 AM

    મુકેશ જોષીનુ લાંબી બહરના ગીતનુ મનનીય અને કાવ્યતત્ત્વસભર ગીત
    અને ડૉ વિવેકનો સ રસ આ સ્વાદ
    આમેય સ્ત્રીઓના માસિક ચક્રના ચાર તબક્કાઓ છે.
    ચક્રનો પહેલો તબક્કો: માસિક સ્રાવ , બીજો તબક્કો: ફોલિક્યુલર ત્રીજો તબક્કો ઓવ્યુલેશન
    ચોથો તબક્કો: લ્યુટિયલ ફેઝ અને / અથવા હાંકી કા .વો આ તબક્કે જ્યારે સ્ત્રી શારીરિક અને ભાવનાત્મક પરિવર્તનનો અનુભવ કરી શકે છે,
    અમારા જીવનના સખી ચોથે પડાવે —જિંદગીની આથમતી શેરીમાં લયસ્તરો અને ઈશ્વરના નામસ્મરણના સહારે ઉલ્લાસ હજી પ્રજ્વળી રહ્યો છે.
    સાંપ્રત કોરોના કાળે કવિશ્રી ગુણવંત ઉપાધ્યાય પ્રમાણે ખૂબ જ સંવેદન-સભર અનુભવાયો..
    આજકાલ તો બચી ગયેલાં પાંખ વગરનાં પંખી ઉપરથી પહેરાવી એને એકલતાની બંડી
    ચાર દીવાલો વચ્ચે મહોરે ધગધગતા અંગાર! હવે તો બહુ થયું કિરતાર! –
    કવિશ્રી મુકેશ જોષી અને ડૉ વિવેકને સ્ત્રી જીવનના કલ્પન ને સમજી સુંદર રજુઆત બદલ
    ધન્યવાદ

  2. Vineschandra Chhotai 🕉 said,

    May 19, 2022 @ 6:22 AM

    ઉત્તમ કૃતિ
    અભિનંદન ♥️
    સરસ ♥️ રજૂઆત

  3. હરીશ દાસાણી.મુંબઈ said,

    May 19, 2022 @ 9:37 AM

    એક નવી જ ભાતનું,નવી તરેહનું અને નવો ઉન્મેષ લઈ આવેલ સૌંદર્ય માધુર્ય અને ગતિશીલતાનો પ્રસાદ આપતું અવિસ્મરણીય ગીત. લય હિલ્લોલ દ્વારા સતત મનમાં રમે તેવું. વિવેકભાઇનો આસ્વાદલેખ પણ એવો જ સમર્થ. બંનેને અભિનંદન.

  4. સપન પાઠક said,

    May 19, 2022 @ 1:03 PM

    સુંદર ગીત 👌🏻👌🏻

  5. કિશોર બારોટ said,

    May 19, 2022 @ 1:32 PM

    મને અતિ પ્રિય કવિઓમાં ર.પા. પછીના ક્રમે જો કોઈ કવિ હોય તો તે કવિ મુકેશ જોષી છે. તેમનું મારા માટે નવું આ ગીત મૂકી મારો દિવસ સુધારી દીધો. Thank you વિવેકભાઈ. 🙏

  6. મયંક ત્રિવેદી said,

    May 19, 2022 @ 3:38 PM

    એક ખૂબ જ સુંદર ગીત,કવિ કર્મ સુપેરે ખીલી ઉઠ્યું છે કવિશ્રી મુકેશભાઈ ને અનેકાનેક અભિનંદન🌹

  7. Harihar Shukla said,

    May 19, 2022 @ 4:51 PM

    ખૂબ લાંબી બહરનું સહેજ પણ લય ન ચૂકતું નખશિખ સુંદર ગીત👌

  8. રિયાઝ લાંગડા (મહુવા). said,

    May 20, 2022 @ 2:59 PM

    વાહ…. ખૂબ સરસ લયવાળું લાંબી બહરનું ગીત અને આસ્વાદ…👌👌

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment