ભીતરથી ઊઠે એનો ક્યાં જઈ થઈ શકે ઇલાજ ?
દીપકનો દાહ હોય તો ઝટ જાવ વડનગર.
વિવેક મનહર ટેલર

અનાદર લાગે છે – ગની દહીંવાલા

બહુરૂપી ! તમારાં નયનોનાં બે રૂપ બરાબર લાગે છે,
મીંચાય તો બીડાયેલ કમળ, ઊઘડે તો પ્રભાકર લાગે છે.

છે પુણ્ય પ્રતાપ મહોબ્બતના, પથ્થરમાં જવાહર લાગે છે,
હું લોકને નિર્ધન લાગું છું, દિલ મુજને તવંગર લાગે છે.

લો ટૂંકમાં દોરી દેખાડું, મારી આછી જીવનરેખા,
તે વાત ખરી માની લઉં છું, જે જૂઠ સરાસર લાગે છે.

પડતીમાં પડે છે જે મુજ પર ઉત્કર્ષ ગણી લઉં છું તેને,
તે મારા જીવનનું ઘડતર છે, જે ચોટ હૃદય પર લાગે છે.

તોફાનમાં મુજને જોનારો ! એ દોષ છે તારી દૃષ્ટિનો,
નૌકા તો હિંડોળે હીંચે છે, તોફાનમાં સાગર લાગે છે.

માનું છું જીવનના ઉંબર પર વેરાય કંઈ પ્રીતિ-પુષ્પો,
સત્કાર યુવાનીનો એ વિણ મુજને તો અનાદર લાગે છે.

દુનિયામાં ‘ગની’, વ્યાકુળ દિલને ઠરવા ન મળ્યો કોઈ આરો,
આ ફરતી પૃથ્વી પણ મારા તકદીરનું ચક્કર લાગે છે.

– ગની દહીંવાલા

માસ્ટર કલાકારની ખુમારી જુઓ……!!!

2 Comments »

  1. Pravin Shah said,

    July 17, 2019 @ 11:08 AM

    વાહ વાહ !
    ક્યા ગઝલ હૅ !
    વાહ ગનીભાઈ !

  2. Bharat Bhatt said,

    July 18, 2019 @ 12:56 AM

    ગનીજીની દરેક રચનાઓ અદભુત ! વ્યવસાય સાથે તેમણે ગઝલો, કાવ્યો અને બીજી રચનાઓ સીવી, ગૂંથી,વણી અને ભરતકામ કર્યું .

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment