હજી તું ટેકવી શકે છે તારું માથું આ ખભે,
ભલે જગત ગયું રસાતળે, હું એનો એ જ છું.
વિવેક મનહર ટેલર

વિષમભોગ… – જગદીશ જોષી

…તો વાતો પ્રેમની વાતો તો પ્રેમની વાતો વ્હેમની તો
ને આરસના સિંહે ત્રાડ પાડી ને રૂનું કબૂતર ઊડી ગયું.
ચોકીપ્હેરો ભરતી શયનખંડની ચાર દીવાલો ખૂબ પાસે આવી
અને બે પલંગ પરની પથારીઓ એક થઈ ગઈ.
ઓશીકા પર ફેલાયેલા વાળમાં ઍરકન્ડીશનરનો અવાજ ગૂંચવાઈ ગયો,
અને મીંચાયેલી આંખોએ હોઠ પરની વાતો સાંભળીને પરિતૃપ્તિ પામ્યાનો પ્રયત્ન કર્યો.
લગ્નજીવનનાં વીતી ગયેલાં વર્ષો કબાટમાં સૂટ અને સાડી થઈને લટકે છે.
સવારે ના’વા જાઉં છું ત્યારે બાથરૂમમાં હું પહોંચું એ પહેલાં જ મારો ટુવાલ પહોંચી જાય છે,
અને નાહીને ભીનો થયેલો હું નક્કી નથી કરી શકતો કે એમાં routine છે કે પ્રેમ…
મારાં બૂટ, મોજાં, ટાઈ, રૂમાલ –ની જેમ હું વ્યવસ્થિત રીતે કેમ નહીં ગોઠવાતો હોઉં ?
શયનખડની બત્તી બુઝાઈ જાય છે, હું પડખું ફરી જાઉં છું :
અને હવે તો સપનાંઓ પણ આવતાં નથી.

– જગદીશ જોષી

લગ્ન પછી થોડાં વર્ષ તો જીવન બહુ મજાનું લાગે છે પણ પછી સમયના ભેજના હાથે એને કટાતાંય બહુ વાર નથી લાગતી. પ્રેમની વાતો ધીમે ધીમે વ્હેમની વાતો બની જાય છે. પુરુષ આમ આરસ જેવો ઠંડો પણ આમ સિંહની જેમ ત્રાડવાનું ચૂકતો નથી. નરમ હૃદય સ્ત્રીની અંદરનું ભોળું પારેવડું પણ ક્યાંક ઊડી જાય છે. બે શરીર તો ભેગાં થાય છે પણ સમ્-ભોગ વિષમ-ભોગ બનીને રહી જાય છે. ચરમસીમાની પરિતૃપ્તિની પણ કલ્પના કરવાની રહે છે. જીવન એક routine બનીને રહી જાય છે. ચાવી દીધેલા પૂતળાંની જેમ સ્ત્રી સ્ત્રીની અને પુરુષ પુરુષની ફરજ બજાવ્યે રાખે છે. પોતાના અસ્તિઓત્વ અંગે પ્રશ્ન થાય અને પ્રેમનાં સ્વપ્નો પણ આંખમાંથી ગાયબ થઈ જાય ત્યારે પડખું ફરીને પસાં ઘસવાથી વિશેષ જીવનમાં કંઈ બચતું નથી. જગદીશ જોષીની આ રચના સાથે પ્રગટપણે સહમત થવામાં તો આપણામાંના મોટાભાગનાંનો અહમ્ ઘવાય પણ અંદરખાનેથી આપણે સહુ જાણીએ છીએ કે કવિએ લગભગ સાર્વત્રિક સત્ય જ ઉચ્ચાર્યું છે…

2 Comments »

  1. vimala Gohil said,

    July 18, 2019 @ 12:53 PM

    “જગદીશ જોષીની આ રચના સાથે પ્રગટપણે સહમત થવામાં તો આપણામાંના મોટાભાગનાંનો અહમ્ ઘવાય પણ અંદરખાનેથી આપણે સહુ જાણીએ છીએ કે કવિએ લગભગ સાર્વત્રિક સત્ય જ ઉચ્ચાર્યું છે…” એ સત્યનું સત્ય અહીં,આપની આ વાતમાં સમાયેલ છે. સરસ્.

  2. vrundavan chandarana said,

    July 21, 2019 @ 3:54 AM

    સાર્વત્રિક સત્ય જ ઉચ્ચાર્યું છે,.

    મોટાભાગનાંનો અહમ્ ઘવાય છે…

    સ્ત્રી અને પુરુષ ફરજ બજાવ્યે રાખે છે,

    જીવનમાં કંઈ બચતું નથી.,

    હવે તો સપનાંઓ પણ આવતાં નથી,

    લગ્નજીવનનાં વીતી ગયેલાં વર્ષો કબાટમાં સૂટ અને સાડી થઈને લટકે છે,

    માનવ ખોખા અહિ અમ્થા ભટકે છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment