ઊઠીને બારી ઉઘાડી તેં સૂર્ય જોયો ને
સવારનેય સવારે જડી ગયું છે કોઈ
– ભાવિન ગોપાણી

છીપલાનું ગીત – સૌમ્ય જોશી

હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.
દરિયાને ઠીક હવે સૂરજનું સ્મિત ને ખારવાનું ગીત,
મારે સૂકા બે હોઠ ને આ સૂકો અખાત.
હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.

સઢ વગર અડીખમ ઊભેલા કોડ મારા દરિયાની રેતીમાં લાંગરે,
ભરતી ને ઓટ મહીં ડૂબતી ને ઉગતી ઈચ્છાઓ મારામાં પાંગરે,
દરિયો બનીને મારે આપવો છે એક વાર છીપલીને આછો સંગાથ.
હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.

દરિયાનેય કો’ક વાર છીપલાની સોડ મહીં ડૂબવાની ઈચ્છા તો થાશે.
ભરતીની હૂંફ વડે મારી આ હાંફ એક દિવસ મોતી થઈ જાશે
મારા બે હોઠમાંથી ઓસરશે નીર, ને દરિયાની ઓટમાંથી ખુલશે પ્રભાત,
હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.

આવે કિનારે જે પાણીની છાલક ને છાલકને દરિયો કહેવાય નઈ,
સાચુકલા દરિયાનું દૂર કુઆંક ઘૂઘવતું, છીપલાંથી કાંઠો સહેવાય નઈ,
એકે જગાએ એ પૂરો મળે નઈ, દરિયાનાં સરનામાં સાત.
હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.

આથમતાં અંધારે દરિયો છોડીને મને ઊગેલા સૂરજમાં તરશે
કાંઠે બેઠેલો મારો નાનકડો જીવ પછી ઘૂઘવાટ વાગોળ્યા કરશે
મારા બે હોઠમાંથી ખુલ્લું આકાશ પછી સાંભળશે દરિયાને સાચવ્યાની વાત.
હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.

-સૌમ્ય જોશી

સૌમ્ય જોશીની લાક્ષણિક રચના…એક ચેતના દ્વારા થતું વિશ્વચેતનાનું દર્શન…..

5 Comments »

  1. Anila Patel said,

    July 16, 2019 @ 11:33 AM

    બહુજ સરસ.છીપલાની મહત્વાકાંક્ષા.

  2. vimala Gohil said,

    July 16, 2019 @ 1:45 PM

    નાનકી એવી છીપલીની મસમોટી પણ અદ્ભૂત અપેક્ષાઓ.
    “મારા બે હોઠમાંથી ખુલ્લું આકાશ પછી સાંભળશે દરિયાને સાચવ્યાની વાત.
    હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.”

    વાહ, વાહ, વાહ!!!!!!!

  3. Nilesh Rana said,

    July 16, 2019 @ 4:44 PM

    Heart Touching Poem

  4. Nilesh Rana MD said,

    July 16, 2019 @ 4:49 PM

    બહુ સુન્દર રચના

  5. Himanshu Trivedi said,

    July 16, 2019 @ 6:16 PM

    એક ખુબજ સંવેદનશીલ-ઝિંદાદિલ ઇન્સાન, લાગણીઓના કવિ અને એક અદભુત નાટ્યસર્જક – સૌમ્ય જોશી. વાહ. આભાર આ રચના અહીં આપવા માટે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment