સખી, આંખોનું આયખું તો કેટલું ?
મારા વ્હાલમને જોઈ રહું, એટલું
– તુષાર શુક્લ

પાવન કોણ કરે ? – ગની દહીંવાલા

ઝાકળની દશામાં જીવીને પુષ્પો સમ વર્તન કોણ કરે !
એક આંખને હસતી રાખીને, એક આંખથી રુદન કોણ કરે !

શું દર્દ, અને દિલથી અળગું ? એ પાપ અરે, મન ! કોણ કરે !
એક રાતને દિવસ કોણ કહે, એક મોતને જીવન કોણ કરે !

પદચિહ્ન સમું મારું જીવન, ચાહો તો બને એક પગદંડી,
આવીને પરંતુ, ક્ષણજીવી તત્વોને સનાતન કોણ કરે !

દોષિતને હવે અપરાધોની ઓથે જ લપાઈ રહેવા દો !
યાચીને ક્ષમા, એ કહેવાતાં પાપોનું સમર્થન કોણ કરે !

દાગોથી ભરેલા આ દિલને કાં ચાંદની ઉપમા આપો છો !
કહેવાઈ કલંકિત, દુનિયાના અંધારને રોશન કોણ કરે !

કંઈ વિરહની વસમી ઘડીઓમાં સહકાર છે કુદરતનો, નહિતર
રાત્રિએ સિતારા સરજીને દિવસે એ વિસર્જન કોણ કરે !

ચાહું છું ‘ગની’ સૌ દુઃખીઓને લઈ જાઉં સુરાલયના પંથે,
પણ થાય છે, પોતે પાપ કરી સંસારને પાવન કોણ કરે !

– ગની દહીંવાલા

પ્રત્યેક શેર એક કહાની….ક્લાસિક ગઝલ….

1 Comment »

  1. વિવેક said,

    July 4, 2019 @ 1:51 AM

    મને લાગે છે કે આ ગઝલ એ જમાનાની તરહી પરંપરાના ભાગરૂપે અથવા એક શાયર બીજા શાયરના શેરનો પ્રત્યુત્તર પાઠવે એ સંદર્ભમાં લખાઈ હશે…

    આ બે શેર જુઓ…

    આ વિરહની રાતે હસનારા, તારાઓ બુઝાવી નાખું પણ,
    એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે ?
    -સૈફ પાલનપુરી

    કંઈ વિરહની વસમી ઘડીઓમાં સહકાર છે કુદરતનો, નહિતર
    રાત્રિએ સિતારા સરજીને દિવસે એ વિસર્જન કોણ કરે !
    – ગની દહીંવાળા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment