એકેક વ્હેંત ઊંચાં બધાં ચાલતાં હતાં,
તારી ગલીમાં કોઈના પગલાં પડ્યાં નહીં.
બેફામ

સોનચંપો – બાલમુકુંદ દવે

રંકની વાડીએ મ્હોર્યો સોન રે ચંપાનો છોડ:
અમને ના આવડ્યા જતન જી !

ઊષર અમ ભોમકામાં શેનાં રે ગોઠે, જેનાં
નંદનવન હોય રે વતન જી ?

વજ્જરની છાતી કરીએ, તો ય રે દુલારા મારા !
ધીરે જીવન કોરે ઘાનાં ઘારાં જી !

કુવાને ઠાળે જેવા કાથી કેરા દોરડાના —
થોડે થોડે લાગે રે ઘસારા જી !

દેશ રે ચડે ને જેવો ભમતો અંધારે પન્થી
ગામની ભાગોળે સારી રાત જી !

ઘરની ઓસરીએ તેવી, ઠેબાં રે ખાતી તું વિણ
બાવરી બનેલી તારી માત જી !

બાવળની કાંટ્ય જેવી ભવની ભુલામણીમાં
આ રે કાંઠે ઝૂરે મા ને તાત જી !

સામે રે કાંઠે તારા દૈવી બગીચા, બેટા !
વચ્ચે આડા આંસુના અખાત જી !

– બાલમુકુંદ દવે

પોતાને જીવતેજીવ સંતાન મૃત્યુ પામે એ ઘા કોઈપણ મા-બાપ માટે દુનિયામાં સૌથી વસમો અને અસહ્ય હોય છે. પોતાના સંતાનના અકાળ અવસાન પછી કવિએ લખેલું ‘જૂનું ઘર ખાલી કરતાં’ સૉનેટ જેણે ન વાંચ્યું હોય એવો ગુજરાતી કાવ્યરસિક મળે તો એક તો એના ગુજરાતી હોવા વિશે અને બીજું, એના કાવ્યરસિક હોવા અંગે અવશ્ય શંકા સેવવી. જીવનની આ એક જ દારુણતમ ઘટના પર કવિ સૉનેટ લખે અને એ જ કવિ ગીત લખે ત્યારે સ્વરૂપભેદના કારણે કવિતામાં કેવું મોટું અંતર સર્જાય છે એ રસનો વિષય બને છે.

ગરીબની વાડીએ તો ઘાસ-ફૂસ કે આવળ-બાવળ ઊગે પણ અહીં તો સોનચંપા જેવું મજાનું સંતાન મ્હોર્યું હતું. એનું જતન કરવામાં પોતે નિષ્ફળ ગયા હોવાનો અહેસાસ કવિને કોરી ખાય છે. નંદનવનના નિવાસી છોડને ગરીબની ઉજ્જડ ભૂમિ ક્યાંથી ગોઠે? કૂવાથાળે કાથીના ઘસારા સમય સાથે પડતા જાય એમ મા-બાપના હૈયે ઘાનાં ઘારાં સર્જાય છે. દેશદેશાવરનો મુસાફર અંધારે ભમવા ગયો ને મા-બાપ માટે તો ગામની ભાગોળ કાયમી રાત જેવી બની ગઈ, બાવરી મા જીવતરની આ કાળી રાતમાં ઠેબાં ખાતી જીવી રહી છે. બાવળના કાંટા જેવી વેદનાસિક્ત બનેલી ભવભુલામણીના આ કાંઠે મા-બાપ એકલા ઝૂરે છે, ને સામે કાંઠે સ્વર્ગમાં અકાળે મરણ પામેલ દીકરાના-સોનચંપાના બગીચા હોવાનું કલ્પે છે; બે વચ્ચે આંસુના અખાત છે!

 

Leave a Comment