શ્વાસોના ટાંકણાથી ભીતર ના ખોતરાયું,
રહી રહીને પાછા ફરવું એથી સિરે લખાયું.

વિવેક મનહર ટેલર

ઉમા-મહેશ્વર – રામનારાયણ વિ. પાઠક

(શિખરિણી)

‘અરે ભોળા સ્વામી ! પ્રથમથી જ હું જાણતી હતી,
ઠગાવાના છો જી જલધિમથને વ્હેંચણી મહીં.
જુઓ ઇન્દ્રે લીધો તુરગમણિ ઉચ્ચૈ:શ્રવસ, ને
વળી લીધો ઐરાવત જગતના કૌતુક સમો;
લીધી કૃષ્ણે લક્ષ્મી, હિમ સમ લીધો શંખ ધવલ,
અને છૂટો મૂક્યો શશિયર સુધાનાં કિરણનો.
બધાએ ભેગા થૈ અમૃત તમને છેતરી પીધું
અને- ‘ભૂલે ! ભૂલે અમૃત, ઉદધિનું વસત શી ?
રહી જેને ભાગ્યે અનુપમ સુધા આ અધરની !’
‘રહો જોયા એ તો, જગ મહીં બધે છેતરાઈને
શીખ્યા છો આવીને ઘરની ધરૂણી એક ઠગતાં.
બીજું તો જાણે કે ઠીક જ. વિષ પીધું ક્યમ કહો ?’
‘બન્યું એ તો એવું, કની સખી ! તહીં મંથન સમે,
દીઠી મેં આલિંગી જલનિધિસુતા કૃષ્ણતનુને,
અને કાળા કંઠે સુભગ કર એવો ભજી રહ્યો,
મને મારા કંઠે મન થયું બસ્ એ રંગ ધરવા,-
મૂકી જો, આ બાહુ ઘન મહીં ન વિદ્યુત્ સમ દીસે ?’
તહીં વિશ્વે આખે પ્રણયઘન નિ:સીમ ઊલટ્યો;
અને એ આશ્લેષે વિષ જગતનું સાર્થક બન્યું !

-રામનારાયણ વિ. પાઠક

દેવો અને દાનવોએ અમૃત મેળવવા માટે સમુદ્રમંથન કર્યું અને વિષ સહિત ચૌદ રત્નો પ્રાપ્ત થયા. ઐરાવત હાથી, ઉચ્ચૈઃશ્રવા ઘોડો, કલ્પવૃક્ષ, અપ્સરા રંભા તથા પારિજાત વૃક્ષ ઇન્દ્રએ લઈ લીધા, કામધેનુ ગાય ઋષિઓ લઈ ગયા, લક્ષ્મી દેવી, કૌસ્તુભમણિ, પંચરત્ન શંખ વિષ્ણુએ કબ્જે કર્યા, વારૂણીદેવી અસુરોએ રાખ્યાં, ચંદ્રમા વિહાર પર નીકળ્યા જેને પાછળથી શિવે જટા પર ધાર્યા, ધન્વન્તરી વૈદ્ય સ્વર્ગલોકમાં રહ્યા અને અમૃત માટે આખરે બધા લડી પડ્યા. હળાહળ વિષ લેવા કોઈ તૈયાર નહોતું, એ માટે ભોળા ભગવાન શંભુએ આગેકદમ કર્યા અને વિષ પીને ગળામાં ધારી લીધું અને નીલકંઠ તરીકે ઓળખાયા.

ભોળા શંભુને દેવતાઓ ઉલ્લુ બનાવી ગયા એ બાબતમાં પાર્વતી એમને વઢતા હોય એવી કલ્પનાને વિષય બનાવીને મજાનું સૉનેટ કવિ અહીં લઈ આવ્યા છે. પહેલી પંક્તિમાં જ ભોળા સ્વામી કહીને એ ઉધડો લે છે અને જેને હોઠે તમારા (પાર્વતીના) હોઠોની અનુપમ સુધાની તરસ વસતી હોય એ બીજા અમૃતની પરવા શીદ કરે એમ કહીને શિવ પોતાનો બચાવ પણ કરે છે અને પાર્વતીને મસકા પણ મારે છે. પણ પાર્વતી પણ કાચાં નથી. એ કહે છે, રહો હવે! તમને એક ઘરવાળીને જ ઠગતા આવડે છે. બીજું બધું છોડીને ઝેર જ કેમ પીધું એનો ખુલાસો કરો. ભોળાનાથ ખુલાસો કરતાં કહે છે કે સમુદ્રમંથન સમયે સાગરમાં સૂતેલા વિષ્ણુના કંઠે લક્ષ્મીનો હાથ એવો સોહી રહ્યો હતો કે મને પણ કાળો રંગ ધારવાનું મન થયું એટલે મેં ઝેર ગટગટાવીને ગળું શ્યામ કર્યું. હવે આ કાળા ગળા ઉપર આપનો હાથ કેવો વીજળી જેવો સુંદર લાગશે!

પાર્વતી પણ આખરે તો સ્ત્રી જ હતાં. એ શિવને વળગી પડે છે અને એ આશ્લેષમાં જગતભરનું વિષ સાર્થકત્વ પામે છે… કેવી મજાની વાત!

2 Comments »

  1. આરતી સોની said,

    May 31, 2019 @ 8:54 AM

    ખૂબ સરસ

  2. ketan yajnik said,

    June 2, 2019 @ 8:47 AM

    અંતે શેષ. ભાષાની રમણીયતાને પ્રણામ કેવું સરસ છ્ન્દમયઃ કાવ્ય
    બંધન ની બંધ છોડ કાર્ય વગરની ગરિમા અદભુત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment