કોઈ બીજાના ફોનનો નંબર લગાડતાં
આવીને મારા ટેરવે જોડાઈ જાય તું.
અંકિત ત્રિવેદી

ખાલી ગજવામાં – મનોજ ખંડેરિયા

ઝીણી ઝાકળના ઝબકારા ભરું છું ખાલી ગજવામાં
અછડતા આછા અણસારા ભરું છું ખાલી ગજવામાં

પડ્યું છે એક એવું છિદ્ર જેમાંથી બધું સરકે
છતાં હું કૈંક જન્મારા ભરું છું ખાલી ગજવામાં

કરું છું એકઠી વરસોથી મૂડી હું પ્રતીક્ષાની
ખર્યા પાંપણથી પલકારા ભરું છું ખાલી ગજવામાં

ભરું છું એટલું કોઈ રહ્યું સેરવતું ચુપકીથી
છતાં ધીરજના ધબકારા ભરું છું ખાલી ગજવામાં

કશું ઝાલર સમું વાગી રહ્યું નિત સાંજે મારામાં
રગેરગમાંથી રણકારા ભરું છું ખાલી ગજવામાં

કદી આવીશ તો કેવો સમય ગાળ્યો બતા’વાને
સૂનાં દ્વારોના ભણકારા ભરું છું ખાલી ગજવામાં

નગરમાં એકલા ક્યારે પડી જઈએ, ખબર કોને !
હું એથી શબ્દ –સથવારા ભરું છું ખાલી ગજવામાં

-મનોજ ખંડેરિયા

1 Comment »

  1. vimala Gohil said,

    April 24, 2019 @ 12:31 PM

    “કશું ઝાલર સમું વાગી રહ્યું નિત સાંજે મારામાં
    રગેરગમાંથી રણકારા ભરું છું ખાલી ગજવામાં”

    “નગરમાં એકલા ક્યારે પડી જઈએ, ખબર કોને !
    હું એથી શબ્દ –સથવારા ભરું છું ખાલી ગજવા”

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment