એમ નથી, છાંયો ભાળીને આગળ જઈએ,
તડકાને પણ સ્વીકારીને આગળ જઈએ.
– સુનીલ શાહ

ત્રુઠા.. ત્રુઠા – સંજુ વાળા

વિચારને વલોવી કરે પ્રયત્ન જૂઠા
એ તીર હોય તો પણ છે જન્મજાત બૂઠાં

જરાંક ઝીણવટથી તું કાન માંડી જો, તો
તને ય સંભળાશે બબડતાં બેઉં પૂઠાં

જગત છે કાચનું ઘર, સૌ ચીજ કાચની આ-
છે પોત તારું – મારું ય કાચ મુઠ્ઠેમૂઠા

હો પાંખની પ્રતીતિ ‘ને આભ માટે ઝંખા
હું શોધવાને આવ્યો છું પંખી એ અનૂઠાં

સ્વભાવગત્ ફકીરી મિજાજનો મહોત્સવ
એ રેવડી ય પામીને બોલે ત્રુઠા… ત્રુઠા

– સંજુ વાળા

કવિતા હોય કે વિચાર, જે સહજ આવે એ જ ઉત્તમ. વિચારોને વલોવી વલોવીને ખૂબ ઉમદા ભાષામાં પંડિતોય બે ઘડી માથું ખંજવાળતાં થઈ જાય એવું લખાણ કેમ ન કર્યું હોય, એ એટલું અસરદાર બનતું નથી, જેટલી અસરકારકતા સહજ અભિવ્યક્તિમાં જોવા મળે છે. આયાસવાળા વિચાર જન્મજાત બૂઠાં તીર જેવા હોય છે. છેલ્લા શેરમાં રેવડી પામીનેય પ્રસન્નતાની ડબલ રિસિપ્ટ આપતા ફકીરના મિજાજનો મહોત્સવ પણ સામેલ થવા જેવો છે. એકતરફ સ્વભાવગત ફકીરી છે અને એના મિજાજનો વળી મહોત્સવ- સમર્થ કવિને ભાષા વશવર્તી ચાલે છે તે આનું નામ…  અરે હા! વચ્ચેના ત્રણ શેર? એ બધાય સવાશેર છે… મમળાવી મમળાવીને માણો અને કહો કે ત્રુઠા.. ત્રુઠા…

4 Comments »

  1. Poonam said,

    May 23, 2019 @ 12:47 PM

    જગત છે કાચનું ઘર, સૌ ચીજ કાચની આ-
    છે પોત તારું – મારું ય કાચ મુઠ્ઠેમૂઠા…
    Mast…

  2. vimala Gohil said,

    May 23, 2019 @ 2:03 PM

    “હો પાંખની પ્રતીતિ ‘ને આભ માટે ઝંખા
    હું શોધવાને આવ્યો છું પંખી એ અનૂઠાં” ત્રુઠા…..ત્રુઠા……

  3. Bharat Bhatt said,

    May 24, 2019 @ 12:49 AM

    વાહ ખુબ સરસ ઉમદા ગઝલ.એક માર્મિક સંદેશ.

  4. સંજુ વાળા said,

    May 24, 2019 @ 3:50 AM

    આભાર
    પ્રિય વિવેક ટેલર
    આભાર મિત્રો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment