હવે ક્યાં લાભ ને શુભ કે હવે ક્યાં કંકુના થાપા,
દીવાલો ઘરની ધોળીને અમે ચૂપ થઈ ગયા છીએ.
મનોજ ખંડેરિયા

………અભરખા નીકળે – હર્ષ બ્રહ્મભટ્ટ

એ જ બસ વર્ષો જૂના દિલના અભરખા નીકળે,
રણ પછી જંગલ પછી તો કૈંક દરિયા નીકળે.

કોઈ નાના સ્ટેશનેથી ટ્રેન ધસમસતી જતી,
રાત આખી એટલું છેટેથી સપનાં નીકળે.

દોસ્તો, આ શ્વાસના નામે ઉચાળા ઓડના,
પોટલું છોડો તો બસ બે-ચાર વગડા નીકળે.

દૂર આકાશે અડોઅડ બારણું એનું પડે,
આપણાં સગપણ હવે કોઈ એવા ઘરનાં નીકળે.

એ ક્ષણ લાગે શ્હેર આખ્ખું ભુલકણું થઈ ગયું,
જે ક્ષણે આ શ્હેરના સંબંધ ખપના નીકળે.

બેઉ બાજુ હરપળે અડકે છે લોલકની અણી,
રાતના ઘડિયાળના આ શ્વાસ પડખા નીકળે.

કોઈ નહીં આવે હું માની આંખ મીંચી દઉં અને,
પોપચે કોઈનાં ભીનાં ભીનાં પગલાં નીકળે.
.

  • હર્ષ બ્રહ્મભટ્ટ

4 Comments »

  1. Jaffer Kassam said,

    January 16, 2019 @ 8:02 AM

    કોઈ નહીં આવે હું માની આંખ મીંચી દઉં અને,
    પોપચે કોઈનાં ભીનાં ભીનાં પગલાં નીકળે.

  2. pragnaju said,

    January 16, 2019 @ 9:45 AM

    ‘…વર્ષો જૂના દિલના અભરખા નીકળે,’ અને એવું પણ નહિ કે ઉંમરના પ્રમાણમાં જ અભરખા આવે, અભરખાને ઉંમર સાથે કોઈ લેવા દેવા નહિ એના કોઈ રૂપ નહિ, એના કોઈ રંગ નહિ, ને એના કોઈ સ્વાદ નહિ! … જેમ ચુલામાંથી ધૂમાડા નીકળે એમ એના અભરખા નીકળે!
    ‘ … એટલું છેટેથી સપનાં નીકળે.’ અભરખો બુલેટ ટ્રેન આવવાથી ખૂબ રાજી .. જેવી ટ્રેન શરૂ થાય કે તેણે પાસ કઢાવી લેવો છે!
    ભવ ભવ આવાં આકરાં રે અમને જોબન ફળજો !
    કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ !
    જે અભરખા વગરનો અને પગરખા હોય એ સાધુ છે.
    ‘પોપચે કોઈનાં ભીનાં ભીનાં પગલાં નીકળે.’કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટની આપણે સૌએ અનુભવેલી વાત.

  3. ketan yajnik said,

    January 16, 2019 @ 1:11 PM

    અભરખાના અનેક અર્થ ઇચ્છા, ઉમેદ, ઓરિયો. હોંશ, ઉમળકો. તીવ્ર લાલસા,અબળખો;ઓરિયો , દોહદ.અભરખો હોવો જોઈએ. શું કામ ના હોવો જોઈએ…? એ જ તો માણસની ટેક્ષ વગરની મૂડી છે.
    એ ક્ષણ લાગે શ્હેર આખ્ખું ભુલકણું થઈ ગયું,
    જે ક્ષણે આ શ્હેરના સંબંધ ખપના નીકળે. પણ એવા અભરખા ના રખાય કે, શરીર આખું ઉઘાડું હોય અને માથે કાશ્મીરી ટોપી હોય.

  4. Vanashaa said,

    January 18, 2019 @ 1:58 AM

    Rate This

    ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે; ક્યાં હાલ્યા ?
    ઓઢણીએ કીધું કે : ઊડવા…
    ખીંટી બોલી કે તને અધવચ્ચે ઝાલશું
    તો ઓઢણી ક્યે: હવે ઝાલ્યો, ઝાલ્યો !
    ઓરડાએ કીધું : અલી, મારી મરજાદ રાખ
    હું તને કઇ પા-થી સાલ્યો ?
    ના, નહીં જાવા દઉં… ના, નહીં – એમ કહી હીંચકાએ માંડ્યું કિચૂડવા
    ઊંબર બોલ્યો કે : હું તો આડો નડીશ,
    તયેં ઓઢણી બોલી કે : તને ઠેકશું,
    ફળિયું ક્યે : અરરર, તો ઓઢણી ક્યે: મર્ર,
    તને પાંચીકા જેમ ક્યાંક ફેંકશું
    વાયરાએ કીધું કે : હાલ્ય બાઇ, ચોંપ રાખ્ય, અમે તને નહીં દૈયેં બૂડવા
    ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે: ક્યાં હાલ્યા?
    ઓઢણીએ કીધું કે: ઊડવા…
                                                           – રમેશ પારેખ
    ઉંમર સાથે અભરખા બદલાતા હશે ?
    જુવાનીની અણસમજ અને ઉતાવળાપણુ પચાસ અને સાઠ પછી પણ વ્યક્તિમાં જોવા મળતું હશે?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment