નજરો નમી નથી ને નયનમાં નમી નથી,
કોઈને એવી શુષ્ક યુવાની ગમી નથી.
– મંથન ડીસાકર

……શું છે – મનોજ ખંડેરિયા

ઝળહળ ઝબાક ઝળહળ અજવાસ જેવું શું છે
આ બંધ દ્વાર પાછળ અહસાસ જેવું શું છે

હોઠે ધરું જો આસવ પીવા ન થાય ઇચ્છા,
તો કાં ગળું સુકાતું ? આ પ્યાસ જેવું શું છે

એક નામ લેતાં સાથે ભરચક ત્વચાથી પ્રસરે,
અત્તર ની આછી આછી આ વાસ જેવું શું છે

ક્ષણમાં રચાઉં ; ક્ષણમાં વિખરાઈ જઉં હવામાં,
હોવું નથી જ તો આ આભાસ જેવું શું છે

તાજપ-લીલાશ-સળવળ-કુમળાશ ભીની એમાં,
આંખોને અડકી જાતું આ ઘાસ જેવું શું છે

ખુલ્લી છે સીમ-માથે આકાશ ઝૂક્યું-વચ્ચે-
ઊભો છું એકલો પણ સંકડાશ જેવું શું છે

આ હાથ સળગી ઊઠ્યો અ-ક્ષરની લીલા જોતાં,
કાગળની વચ્ચે જામ્યું આ રાસ જેવું શું છે

ટહેલ્યા અમે તો એમ જ કૈં મુક્ત મનથી, એમાં-
કંડારી કેડી શું ને ઇતિહાસ જેવું શું છે

  • મનોજ ખંડેરિયા

1 Comment »

  1. pragnaju said,

    January 9, 2019 @ 7:02 AM

    ઝળહળ ઝમાક ઝળહળ અજવાસ જેવું શું છે
    આ બંધ દ્વાર પાછળ અહસાસ જેવું શું છે
    વાહ
    આ પેઢીના લોકો માટે આભાસી વિશ્વ જ તેમની દુનિયા બની ગયું છે અને જે નજર સામેનું વિશ્વ છે તે તેમના માટે આભાસી બની ગયું છે. જો કે તેના માટે ટેક્નોલોજીને દોષ દેવો એ યોગ્ય નથી. કારણ ટેક્નોલોજીએ તો બધાને નજીક લાવવાનું મહત્વનું કામ કર્યું છે, પણ માનવજાતે તેનો ઉપયોગ એ રીતે કર્યો કે જેના કારણે સાવ નજીકના દૂર હડસેલાઇ ગયા છે અને જે દૂર છે તેને પરોક્ષ રીતે નજીક લાવીને ગોઠવી દેવાયા છે.
    સાથે યાદ આવે અમારા બારડોલીના સુ શ્રી ડૉ ભારતીબેનની રચના
    હોય જો નિર્ણય સફરનો, કાફલો શી ચીજ છે ?
    પ્રાણ વીંઝે પાંખ, દેહનો દાયરો શી ચીજ છે ?

    ભીંત ફાડીને તિરાડે ઊગતો પીપળ કહે,
    જો રહો પર્યાપ્ત ખુદમાં, પથ્થરો શી ચીજ છે ?

    નિત તરસવું ને વરસવું ખેલ ધરતી-આભનો,
    થોર પૂછે રેતને, આ મોસમો શી ચીજ છે ?

    બિંબ-ચહેરાની રમત તો સાહ્યબી અજવાસની,
    અંધકારોના નગરમાં આયનો શી ચીજ છે ?

    વજ્ર જેવું વેદનાનું તૂટશે જ્યારે કવચ,
    કોણ કહેશે આંસુઓને, આશરો શી ચીજ છે ?

    ઓશિયાળા તો નથી જળના બધા વરસાદ પણ,
    ઝરમરે જ્યારે હૃદય, ત્યાં વાદળો શી ચીજ છે ?

    હું કદી ના કરગરું ને કાંઈ પણ માગું નહીં,
    રોજ ખાલી હાથ પૂછે, ઈશ્વરો શી ચીજ છે ?
    અને છેવટે
    ટહેલ્યા અમે તો એમ જ કૈં મુક્ત મનથી, એમાં-
    કંડારી કેડી શું ને ઇતિહાસ જેવું શું છે,,,આપણે જાતે પણ જાત તરફ નીરખી લેવાની જરૂર છે, જે વાંધો તમને બહાર દેખાય છે તે તમારી અંદરથી જ મળી આવે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment