જીવની સન્મુખ મેં સ્થાપી દીધો,
મેં તને સાષ્ટાંગ આલાપી દીધો
મિત્રદક્ષિણામાં જમણા હાથનો-
અંગૂઠો કાપી તને આપી દીધો.
રમેશ પારેખ

મૃગજળની લાગણી હતી, દર્પણ હતું નહીં – શ્યામ સાધુ

મૃગજળની લાગણી હતી, દર્પણ હતું નહીં,
હોવાની આસપાસમાં કૈં પણ હતું નહીં.

ક્યારેક શક્યતાઓના સૂરજ નહીં ઊગે,
ભૂલી જવું જ હોય તો વળગણ હતું નહીં.

સમજણની પેલી પારની દુનિયા અજીબ છે,
ઉપવન હતું નહીં અને રણ પણ હતું નહીં.

સંબંધની નદીના પ્રવાહો વહ્યા કરો,
સહુને મળીશું કોઈ અકારણ હતું નહીં.

તારી પ્રતીક્ષા જેવું પછી કેમ હોય ના?
શ્વાસો છે ત્યાં સુધી કશું કારણ હતું નહીં.

  • શ્યામ સાધુ

1 Comment »

  1. pragnaju said,

    January 8, 2019 @ 9:22 PM

    મૃગજળની લાગણી હતી, દર્પણ હતું નહીં,
    હોવાની આસપાસમાં કૈં પણ હતું નહીં.
    વાહ
    આ જગતને નકારી તો શકાતું નથી, કારણ કે એના આ પ્રકારના અસ્તિત્વને કોઈ રીતે મિથ્યા ઠેરવી ન શકાય. એની મોઢામોઢ થઈને જ સંઘર્ષ આદરી શકાય. શ્યામ સાધુ જેવી સર્જકપ્રતિભા ધરાવતા સર્જકે આવા સંજોગોમાં કયા પ્રકારનું વિશ્વ ઊભું કર્યું, એ વિશ્વમાં એણે કયા પ્રકારનાં મુખ્ય પાત્રો ઉપજાવ્યાં એ પણ આપણા કુતૂહલનો વિષય બને. તેઓ આપણા જગતની જડ અને બરડ વાસ્તવિકતાને સામે છેડે અદ્ભુત અને ભયાનકનાં દ્વાર ઉઘાડી આપતી કપોલકલ્પિતતાને મૂકે છે; આપણા નગરસમાજની કૃતક દમ્ભી કહેવાતી ભદ્ર રહેણીકરણી સામે તેઓ રોમેન્ટિક અભિગમ મૂકે છે. આ દ્વન્દ્વની સમાન્તરે ભૂતકાળ અને વર્તમાનનો સંઘર્ષ, પુરાણકથાના સમૃદ્ધ ભૂતકાળની સામે વર્તમાન જીવનની જીર્ણશીર્ણતા, આધુનિકતાના રૂપાળા નામે આવેલી યાન્ત્રિકતા, પરોક્ષતાની સામે જીવનને પ્રત્યક્ષ સ્વરૂપે ગ્રહણ કરવાની તીવ્ર આસક્તિને મૂકવામાં આવ્યાં છે. આ સામસામે સન્તુલિત થતાં પરિબળોના મૂળમાં આપણે જે સ્થળ અને સમયમાં જીવીએ છીએ તેની સૂક્ષ્મ પરખ રહેલી છે. આની પ્રતીતિ
    સમજણની પેલી પારની દુનિયા અજીબ છે,
    ઉપવન હતું નહીં અને રણ પણ હતું નહીં.
    અચાનક પ્રૌઢતાનો ભાર ખંખેરાઈ ગયો અને એક નવા વિશ્વમાં પ્રવેશ થયો.
    તારી પ્રતીક્ષા જેવું પછી કેમ હોય ના?
    શ્વાસો છે ત્યાં સુધી કશું કારણ હતું નહીં.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment