વીજળીના ચમકારે છાતીના છૂંદણામાં
રાધાએ જોઈ લીધું માધવનું નામ…
બાથમાં સમાવી લેવા રાધાને રોમરોમ
હેઠું ઝૂક્યું આ સ્હેજ આભ ઘનશ્યામ…
– ભગવતીકુમાર શર્મા

વળી શું? – યામિની વ્યાસ

પળેપળનો બદલાવ જોયા કરું છું, ધરા શું, ગગન શું, સિતારા વળી શું?
સમાયું છે જીવન અહીં ઠોકરોમાં, ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું?

ખુદાના તરફથી મળે તે સ્વીકારું, કદી એકલી છું, કદી કાફલો છે;
મળી મહેફિલો તો મેં માણી લીધી છે, સવાલો, જવાબો, સમસ્યા વળી શું?

નથી કોઇ મંઝિલ, નથી કોઇ રસ્તો, ચરણને મળ્યું છે સતત ચાલવાનું;
કદી થાક લાગે તો થોભી જવાનું, ઉતારા વિશેના ઉધામા વળી શું?

મને શબ્દ સાથે જ નિસ્બત રહી છે, સ્વયં અર્થ એમાંથી ઉપજ્યા કરે છે;
અને મૌનને પણ હું સુણ્યા કરું છું, અવાજો વળી શું ને પડઘા વળી શું?

જગતના વિવેકો ને વ્યવહાર છોડી, ઉઘાડા જ મેં દ્વાર રાખી મૂકયાં છે,
ભલે કોઇ અણજાણ આવે અતિથિ, પ્રતીક્ષા વળી શું, ટકોરા વળી શું?

– યામિની વ્યાસ

કોઈપણ વાત જ્યારે જ્યારે સપ્રમાણતાની હદ બહાર જાય ત્યારે હંમેશા કઠિન જ થઈ પડતી હોય છે. ગઝલ પણ સપ્રમાણ બહેર છોડીને લાંબી કે ટૂંકી બહેરમાં લખવામાં આવે ત્યારે ઉત્તમ કૃતિ નિપજાવવી થોડું કપરું બની જતું હોય છે. યામિની વ્યાસ અહીં લાંબી બહેરની ગઝલ લઈને આવ્યાં છે. આ ગઝલની એક બીજી વિશેષતા એ છે કે બહેર ભલે લાંબી પ્રયોજી હોય, રદીફ સાવ ટૂંકી ને ટચ માત્ર ત્રણ જ અક્ષરની બની છે. સામાન્યતઃ લાંબી બહેરની ગઝલમાં રદીફ પણ બહુ લાંબી હોય છે, જેથી કવિએ માત્ર દોઢ પંક્તિ જેટલી જ કસરત કરવાની રહે. પણ અહીં બહેર લાંબી અને રદીફ ટૂંકી હોવા છતાં યામિનીબેન અદભુત કહી શકાય એવી બિલકુલ સંઘેડાઉતાર ગઝલ આપવામાં સફળ રહ્યાં છે એ વાત સાચે જ કાબિલે-દાદ છે. કવિની સિગ્નેચર ગઝલ કહી શકાય એવી બળકટ આ કૃતિ છે…

9 Comments »

 1. SANDIP PUJARA said,

  October 18, 2018 @ 2:32 am

  વાહ …. ખુબ સરસ….

 2. સુનીલ શાહ said,

  October 18, 2018 @ 3:41 am

  સાચે જ ઉતમ ગઝલ.
  યામિનીબેનને અભિનંદન

 3. મયંક ત્રિવેદી said,

  October 18, 2018 @ 6:58 am

  યામિની બેનની રચનાઓએ એક ચોક્કસ સ્થાન સાહિત્ય રસિકો ના સમુદાયમાં અંકિત કરેલ છે અને આ રચના ના શેર અદભૂત છે, અભિનંદન 🚩🚩🎈

 4. pragnaju vyas said,

  October 18, 2018 @ 8:28 am

  મા. ડૉ વિવેકે -‘કવિની સિગ્નેચર ગઝલ કહી શકાય એવી બળકટ આ કૃતિ . ‘ ગણી તે ઘણા બ્લોગમા પ્રસિધ્ધ થઇ…ઘણા પ્રતિભાવ મળ્યા-રસદર્શન પ્ણ થયા.
  મત્લા-‘… ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું?’ મા વેદવાક્યોનો સાર આવી જાય છે
  अयं मे हस्तो भगवान् अयं मे भगवत्तरः |
  अयं मे विश्वभेषजोडयं शिवाभिमर्शनः ||આ હાથ દ્વારા કરાયેલ પુરુષાર્થ અને તેના દ્વારા ઘડાયેલ પ્રારબ્ધનું ફળ દેવા માટે ભગવાન પણ વિવશ છે. છતાં મુર્ખ મનુષ્ય પોતે ઘડેલ પ્રારબ્ધમાં ફસાઈ રહીને પુરુષાર્થ કરવાની શક્તિ શા માટે ગુમાવી બેસતો હશે? માત્ર અજ્ઞાનને લીધે કે પછી અર્જુનની જેમ ક્ષુદ્રં હ્રદય દૌર્બલ્યં ને વશ થઈને?
  અહીં ક્લિક કરી ઓડિયોમા સાંભળો
  jigisha kheradia uploaded a video 1 year ago
  4:40
  Hastrekha Vali Shun? | Jigisha Kheradia | Shaunak Pandya | Gujarati Song
  jigisha kheradia
  1 year ago1,295 views
  Listen to “Hastrekha Vali Shun?” Gujarati Song

  ધન્યવાદ

 5. SARYU PARIKH said,

  October 18, 2018 @ 9:39 am

  યામિની, નખશિખ સરસ રચના.
  સરયૂ પરીખ

 6. Maheshchandra Naik said,

  October 18, 2018 @ 11:07 am

  સરસ ગઝલ….કવિયત્રી શ્રીમતી યામિનીબેન વ્યાસને અભિનદન…..આપનો આભાર…….

 7. Maheshchandra Naik said,

  October 18, 2018 @ 11:12 am

  સરસ ગઝલ કવિયત્રી શ્રીમતી યામિનીબેન વ્યાસને અભિનદન,
  આપનો આભાર…..

 8. નેહા said,

  October 19, 2018 @ 2:08 am

  સાદ્યાંત સુંદર ગઝલ

 9. Paresh Vyas said,

  October 30, 2018 @ 5:57 pm

  Take the life as it comes..Uncomplicated..The idea that is decorated beautifully in the signature Gazal…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment