જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
આદિલ મન્સૂરી

(બોગસ નીકળ્યું) – રક્ષા શુકલ

એક સપનુ સાવ બોગસ નીકળ્યું,
એ પછી આંસુય ચોરસ નીકળ્યું.

કેમ આ દરિયો અચાનક ઊછળે?
આંખનું જળ એમ ધસમસ નીકળ્યું.

શૂન્યતા મહેમાન થઈ આવી ચડી,
કાગડાનું વેણ ફારસ નીકળ્યું.

ના કદી એણે મને દર્પણ ધર્યું,
એક જણ નખશિખ સાલસ નીકળ્યું.

પાન સાથે બિંબ પણ એનું ખર્યું,
વૃક્ષનું સાક્ષાત્ વારસ નીકળ્યું.

એક ટીપાંએ ભરી મુઠ્ઠી હવાની,
એ નર્યું જળકૃત સાહસ નીકળ્યું.

એમના સ્વરમાં જ સાંભળવું હતું,
ગીત એનું દોસ્ત, કોરસ નીકળ્યું.

– રક્ષા શુકલ

કાગડો બોલે અને મહેમાન આવે એ વાયકા પણ અહીં તો શૂન્યતા પધારે છે. ફારસ કાફિયાનો કેવો સ-રસ પ્રયોગ અહીં થયો છે! સામાને એની ભૂલો બતાવવાની આપણા સૌની આદત છે પણ કવયિત્રીને નખશિખ સાલસ વ્યક્તિનો ભેટો થયો છે એ શેર પણ ખૂબ મજાનો. જળકૃત સાહસ જેવા અનૂઠા પ્રયોગ સાથે કવયિત્રી પાણીનું ટીપું હવાની મુઠ્ઠી ભરે છે એમ કહીને જે રીતે પરપોટાનો સાક્ષાત્કાર કરાવે છે એ પણ અભૂતપૂર્વ છે.

ગઝલનો મત્લા અને વૃક્ષના વારસવાળો શેર મને સમજાયો નહીં. મિત્રો મદદ કરશે તો ગમશે…

5 Comments »

  1. Raksha shukla said,

    August 18, 2018 @ 1:33 AM

    વિવેકભાઈ,
    Regards. લયસ્તરોમાં મારી ગઝલને સ્થાન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપે કરેલું વિવેચન..રસદર્શન પણ ગમતીલું. જ્યારે કવિતાનો ‘ક’ શીખી ત્યારે આ ગઝલ લખી હતી..વર્ષો પહેલા..

    મત્લાના શેરની વાત…
    સપનું બોગસ નીકળ્યું તો આંસુને થયું કે પીડા આપવામાં હું કેમ બાકી રહું… એ ય ગોળને બદલે ચોરસ નીકળ્યું…ગોળ હોય તો smoothly વહે. પણ ચોરસ ? એના ખૂણા તો વાગે..લોહી કાઢે ..

    વૃક્ષનું વારસ..
    પાન ખર્યું એની સાથોસાથ પાણીમાં પડતું એનું પ્રતિબિંબ પણ ખર્યું…
    વૃક્ષ નિર્મોહી થઈ પાનનો મોહ ત્યાગે છે…તો પાનનું બિંબ પણ એજ ભાવથી પોતાને ત્યાગે છે..જાણે વૃક્ષનું એ પણ વારસ હોય..સાક્ષાત વારસ..

    આ તો મારી ગઝલની મારી સમજ…ભાવકોના સૌના પોતીકા અર્થઘટન હોય શકે..

  2. yogesh shukla said,

    August 23, 2018 @ 4:19 PM

    ખરી વાત છે ,
    કવિ શ્રી વિવેકભાઈ હરકોઈ નવા કવિ / કવિયત્રી ને ને પ્રોત્સાહન આપે છે,,
    ગઝલ સ્વપ્ન સાકાર થયું ,

  3. વિવેક said,

    August 24, 2018 @ 2:29 AM

    @ રક્ષાબેન શુક્લ:

    આપની સમજૂતિ બદલ આભાર… બોગસ અને ચોરસવાળો મત્લા તો આપે સમજાવ્યો એ મુજબ સમજાઈ ગયો.. પર્ણ-બિંબ અને વારસવાળો શેર સાફ થયો નહીં, કેમકે જે પાણી આપના મનમાં છે એ શેરમાં ગેરહાજર છે.

  4. Jugal darji said,

    September 19, 2018 @ 1:29 PM

    વિવેકભાઈ અહીં આપની ભૂલ થાય છે
    કાફિયાદોષ છે જ નહીં

  5. વિવેક said,

    September 20, 2018 @ 7:37 AM

    @ જુગલ દરજી:

    આપની વાત સાચી છે… ભૂલ સ્વીકાર કરું છું અને ફૂટનોટ બદલું છું… કવયિત્રીની ક્ષમા સાથે આપનો આભાર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment