કવિતા જેવી છાંય મળી
કેમ કહું ફેરો ફોગટ ?
– સંજુ વાળા

ઋતુસ્ત્રાવની પ્રસંશામાં કવિતા – લૂસીલ ક્લિફ્ટન (અનુ. વિવેક મનહર ટેલર)

જો ત્યાં એક નદી હોય
આના કરતાં વધારે સુંદર
તેજસ્વી જાણે કે રક્ત
રાતી કિનાર ચંદ્રની           જો

ત્યાં એક નદી હોય
આનાથીય વધુ વફાદાર
જે દર મહિને પરત ફરતી
એ જ મુખત્રિકોણ પર         જો ત્યાં

એક નદી હોય
આનાથીય વધુ બહાદુર
જે આવ્યા જ કરે આવ્યા જ કરે
આવેશના, દર્દના ઉછાળા સાથે      જો ત્યાં એક

નદી હોય
જે વધુ પુરાતન હોય
કેઇન અને એબલની માતા
ઈવની આ પુત્રી કરતાં               જો ત્યાં એક આવી

નદી હોય બ્રહ્માંડમાં     જો
ત્યાં ક્યાંય પાણી હોય
વધુ તાકતવર આ જંગલી
પાણીથી
પ્રાર્થના કરો કે એ વહે
પ્રાણીઓમાંથી પણ
સુંદર અને વફાદાર અને પુરાતન
અને સ્ત્રી અને બહાદુર

– લૂસીલ ક્લિફ્ટન
(અનુ. વિવેક મનહર ટેલર)

માસિક. માહવારી. મેન્સિસ. પિરિયડ. દુનિયાની વસ્તીનો અડધોઅડધ ભાગ સક્રિય જીવનના લગભગ અડધોઅડધ વરસ આ દેહધાર્મિક ક્રિયામાંથી પસાર થતો હોવા છતાં આ દિવસો દરમિયાન કોઈકને કોઈક રીતે અછૂતા હોવાનો અહેસાસ આજે પણ કરે છે. અમેરિકા જેવા વિકસિત દેશમાં પણ બિલકુલ કુદરતી એવી આ પ્રક્રિયા તરફની પ્રતિક્રિયા પૂર્ણતયા સામાન્ય નથી જ. લૂસીલ ક્લિફ્ટન એની કવિતામાં સાહિત્યમાં ઓછા ખેડાયેલા આ વિષય તરફ આપણું ધ્યાન દોરે છે.

લૂસીલ કહે છે કે આખા બ્રહ્માંડમાં ક્યાંય આવી નદી હોય તો દેખાડો. માસિકના લાલ પાણીથી વધુ તાકતવર અને જંગલી પાણી બીજે ક્યાંય નથી કેમકે આ પાણી સૃષ્ટિના મૂળમાં છે. કવયિત્રી પ્રાર્થે છે કે આ પાણી સંસારના દરેક પ્રાણીઓમાં થઈને વહે. આ પાણી સુંદર છે અને વફાદાર છે અને પુરાતન છે અને સ્ત્રી છે અને બહાદુર છે. કવિતામાં ક્યાંય કવયિત્રીએ નથી કેપિટલ લેટર્સ વાપર્યા કે નથી એક પણ પ્રકારના વિરામચિહ્નો વાપર્યા, જેના લીધે કવિતાની ગતિ નદીની જેમ બિલકુલ અટક્યા વિના સતત વહેતી અનુભવાય છે, નદી જે એક સ્ત્રીને બીજી સ્ત્રી સાથે અને એક માદા સજીવને બીજા માદા સજીવો સાથે અને એ રીતે આખી સૃષ્ટિને સાંકળી લે છે. કવિતા માસિક વિશેના આપણી સૂગ અને માન્યતાઓને ફગાવી દઈને ખુલ્લા હાથે એના ગર્વ અને મહત્ત્વને વધાવી લેવાનું ઈજન આપે છે. આ કવિતા આપણને સ્ત્રીઓની ફળદ્રુપતા અને સંસારચક્રને આગળ વધારવાની અનન્ય ક્ષમતાનો સ્વીકાર કરવાનું શીખવે છે.

poem in praise of menstruation

if there is a river
more beautiful than this
bright as the blood
red edge of the moon          if

there is a river
more faithful than this
returning each month
to the same delta          if there

is a river
braver than this
coming and coming in a surge
of passion, of pain          if there is

a river
more ancient than this
daughter of eve
mother of cain and of abel          if there is in

the universe such a river          if
there is some where water
more powerful than this wild
water
pray that it flows also
through animals
beautiful and faithful and ancient
and female and brave

– Lucille Clifton

1 Comment »

  1. Pravin Shah said,

    May 19, 2018 @ 3:53 PM

    અદ્ભૂત !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment