આંખે છવાયો કાયમી ‘આવ્યા નહીં’નો થાક!
પગને સતાવે છે હવે ‘ચાલ્યા નહીં’નો થાક!
-ડૉ.મનોજ જોશી ‘મન’

સજન — પારુલ ખખ્ખર

મહેકતી ગુલ્લાબજળની છાંટ જેવી છું સજન,
આવ ડૂબકી માર, ગંગાઘાટ જેવી છું સજન.

ઝળહળાવી ના શકું દીવાનખાનાને છતાં,
ગોખમાં જલતી રહેલી વાટ જેવી છું સજન.

જો તને હો થાક મબલખ, ને વિસામાની કદર,
તો ઘુઘરિયાળી હિંડોળાખાટ જેવી છું સજન.

કેમ જોડી જામશે, તું કિંમતી રેશમ સમો,
હું તો ખરબચડી ને માદરપાટ જેવી છું સજન.

ફક્ત તારા નામના સિક્કા પડે, સોદા પડે,
એ નગરમાં એક નમણી હાટ જેવી છું સજન.

ભલભલા અડધી રમતમાં કેમ હારી જાય છે?
તું કહે ને, હું કોઈ ચોપાટ જેવી છું સજન?

હું જ અંદર જળકમળવત્, હું અંદર જોગણી,
બહારથી હું રૂપ-રસની ફાંટ જેવી છું સજન.

— પારુલ ખખ્ખર

એવો કયો સજન હશે આ વિશ્વમાં જે ગુલાબજળની છાંટ જેવી મહેકતી ને ગંગા જેવી ઊંડી-વિસ્તીર્ણ પ્રેયસી આહ્વાન આપે ને કૂદીને એનામાં સમાઈ ન જાય? બીજો શેર તો એક સ્ત્રી જ લખી શકે. પુરુષની અપેક્ષાએ કદાચ ખરી ન ઊતરે તો પણ સ્ત્રી જાતે બળીને યથાશક્તિ પ્રકાશ રેલાવવાનો ધર્મ કદી મૂકતી કે ચૂકતી નથી. ત્રીજો શેર પણ પરવીન શાકિરના કુળનો જ. પુરુષ થાકેલો હોય ને કદર કરી શકે એવો હોય તો સ્ત્રીથી વધીને કયો વિસામો હોઈ જ શકે?! ‘કદર’ શબ્દ શેરને કવિતાની ઊંચાઈ પર લઈ જાય છે. માદરપાટ જેવો અદભુત કાફિયો ભાગ્યે જ આ પહેલાં કોઈએ આવી સુંદરતાથી પ્રયોજ્યો હશે… સરવાળે નવા જ કાફિયા અને અનૂઠા કલ્પન સાથેની મજાની ગઝલ… એક-એક શેર પાણીદાર…

5 Comments »

  1. Himanshu Muni said,

    February 22, 2018 @ 7:12 AM

    Very nice! and noteworthy .

  2. જગદીશ કરંગીયા ‘સમય’ said,

    February 22, 2018 @ 7:45 PM

    વાહ !! એક એકથી ચડિયાતા શેર, અતિ સુંદર ગઝલ.

    Jagdish Karangiya ‘Samay’
    https://jagdishkarangiya.wordpress.com

  3. Shivani Shah said,

    February 23, 2018 @ 12:18 AM

    ખૂબ સરસ ગઝલ ! Womanhood is all about caring and nurturing – એ ભાવનાને સુંદર રીતે સમર્થન આપતી ગઝલ !
    પહેલા ત્રણ શેર કવિયત્રીનો પાંચમાંની ત્રણ જ્ઞાનેન્દ્રિયો –
    સુગંધ , દૃષ્ટિ અને કર્ણ -પરનો આત્મવિશ્વાસ દર્શાવે છે પણ સ્પર્શનો ઉલ્લેખ થાય છે અને કવિયત્રી self doubt દર્શાવે છે..એ કદાચ સાંકેતિક છે પણ મને નથી સમજાયો…
    પછીનો શેર દ્રવ્ય અને નામ કમાવા તરફ એટલે કે material comforts વિ.ની બાબતમાં પોતે ઘણી નાની ( નમણી હાટ જેવી ) છે એમ કહે છે ( એક જૂનું movie યાદ આવી ગયું – You’ve got mail – નાયિકા દ્રવ્યોપાર્જનના પ્રયત્નમાં પાછી નથી પડતી પણ બદલાતા સમય સામે ટકી નથી શકતી ).
    છઠ્ઠા શેરનો સંકેત કદાચ જ્ઞાનેન્દ્રિયોની ઉપર બિરાજમાન બુધ્ધિ તરફ છે અને તેની ઉપર આત્મા વિરાજમાન હોય. છેલ્લા શેરમાં વણાયેલા શબ્દો – ‘ જળકમલવત્’ અને ‘જોગણી’ આત્મા તરફ સંકેત કરે છે. The poem is about Total Acceptance and has a strong spiritual flavour !!
    આ આપણું સદભાગ્ય છે કે ગુજરાતી ભાષામાં
    ભાવસૌંદર્ય અને ભાષાસૌંદર્યથી સુશોભિત હોય એવા કાવ્યો/ગઝલો આપનાર રચૈતાઓ આપણી પાસે છે અને આપણને અને આપણી ભાષાને વધારે સમૃધ્ધ બનાવતા જાય છે.
    Thanks and kudos to Layastaro !

  4. Sandhya Bhatt said,

    February 23, 2018 @ 11:47 AM

    આખી ગઝલ પર સ્ત્રીત્વની સુંદર મુદ્રા…ક્યા બાત…પારુલ..તારો અવાજ સંભળાય છે એમાંથી…

  5. Labhshankar Bharad said,

    March 4, 2018 @ 9:08 AM

    ખૂબ જ સુંદર અભિવ્યક્તિ. સરસ રચના. ધન્યવાદ.. જય શ્રી કૃષ્ણ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment