એનો વાંધો કોઈને નહોતો કદી કે
એક સરોવર ઓઢીને તું નીકળે છે,
પણ ખભે ઊંચકીને રણ જે જાય, તેને
કેમ જાણીજોઈને સામે મળે છે?
મુકુલ ચોકસી

તૃણ સમ રૂપ તમામ – ભાનુપ્રસાદ પંડ્યા

(દોહરા) (લૌકિક દૃશ્ય)

કિરણ સમેટી સામટાં નિજ આથમણે કોર,
સૂરજ દેવ પધારતા સાંજ ઢળે ચોમેર.
રથ થંભાવી આંગણે છોડે ઘોડા સાત,
મુગટ ઉતારે મોજડી સતીને પાડે સાદ-
‘ઘરમાં કોઈ છે કે નહીં? શબ્દ નહીં સત્કાર?
અમ આવ્યા દન આથડી અંગે થાક અપાર.’
મલકી વીજ સરીખડું આવી ઉંબર બહાર,
તો તનડે ખીલી ઊઠે રોમે ફૂલ હજાર.
‘ઉતાવળી આવી લીયો આવો જગ આધાર!
વાળુના ઘડું રોટલા એમાં લાગી વાર.’
આંગળ ભાત્યે ઓપતો હતો રોટલો હાથ,
રન્નાદે ફૂલશું હસી રહે નીરખી નાથ.
‘ઊભાં રહેજો બે ઘડી સખી આમને આમ,
આ રૂપ આગળ રાજવણ તૃણ સમ રૂપ તમામ’

– ભાનુપ્રસાદ પંડ્યા

ચોમેર સાંજ ઢળે અને સૂરજ દેવ કિરણો સમેટી લઈને પોતાના ઘરે આવે, રથ થંભાવે, સાતે ઘોડા છૂટાં કરે, માથેથી મુગટ ને પગેથી મોજડી ઉતારે પણ સત્કાર માટે કોઈ નજરે ન ચડે એટલે પુરુષસહજ અધિકારથી બૂમ પાડે કે આખો દિવસ આથડી-થાકીને આવ્યો છું તે કોઈ આવકારો આપવા આવશે કે નહીં? રોટલા ઘડવામાં વ્યસ્ત હતી એટલે વાર લાગી એવો ખુલાસો કરતાં કરતાં, હાથમાં આંગળાની છાપ પડવાથી શોભતો રોટલો પકડીને પત્ની રન્નાદે વીજળી જેવું સ્મિત વેરતાં ઉંબર બહાર આવી ઊભે છે. સૂર્યદેવ ચિત થઈ જાય છે. કહે છે, બે ઘડી આમ જ ઊભાં રહેજો. આ રૂપની આગળ તો સમસ્ત સંસારનું રૂપ તણખલાં ભાર છે…

દેવોની ગૃહસ્થીની કેવી મજાની કલ્પના! પણ કાવ્યસૌંદર્ય અને કવિકળાની અડખેપડખે જ પુરુષપ્રધાન સમાજ અને પુરુષકવિની માનસિકતા પણ કેવી સાફ નજરે ચડે છે! દેવી-દેવતાઓના સર્જનહાર, શાસ્ત્રોના રચયિતા, મહાકાવ્યોના સર્જકો પણ પુરુષો જ એટલે એમનું વર્તન પણ એ જ રીતનું… હા, “ઊભા”ના માથે માનાર્થે અનુસ્વાર મૂકીને “ઊભાં” કહી સૂરજદેવ રન્નાદેને માન આપે છે એટલું આશ્વાસન લેવું રહ્યું… 

6 Comments »

 1. Pravin Shah said,

  February 1, 2018 @ 5:16 am

  રમતીયાળ અનૅ ગમી જાય તેવી કવિતા.
  ખૂબ સરસ ! (વિવેચન પણ).

 2. સુરેશ જાની said,

  February 1, 2018 @ 8:54 am

  રોચક વાર્તા સમેત., જમાના જૂની મીઠાશ વાળા દોહામાં નર અને નારી શક્તિનું સુંદર ચિત્રણ –

 3. SARYU PARIKH said,

  February 1, 2018 @ 11:17 am

  મજાની રચના.

 4. જગદીશ કરંગીયા ‘સમય’ said,

  February 2, 2018 @ 1:49 am

  અતિ સુંદર સોનેટ.

  Jagdish Karangiya ‘Samay’
  https://jagdishkarangiya.wordpress.com

 5. ketan yajnik said,

  February 2, 2018 @ 2:17 am

  કેવી મોટા ગજાની વાત.મારા સિવાયના તમામ નાગરમીટરી પત્નીને માનાર્થે બૉલાવૅ છે તૅની નિખાલસ કબૂલાત સુંદર કાવ્ય

 6. pragnaju vyas said,

  February 2, 2018 @ 7:30 am

  સંખ્યાબંધ અંધજન સંસ્થાઓમાં પ્રાર્થના તરીકે ગવાતું આ ગીત
  દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ !
  પણ કલરવની દુનિયા અમારી !
  વાટે રખડ્યાની મોજ છીનવી લીધી
  ને તોય પગરવની દુનિયા અમારી !
  કલબલતો થાય જ્યાં પ્હેલો તેપ્હોર
  બંધ પોપચામાં રંગોની ભાત,
  લોચનની સરહદથી છટકીને રણઝણતું
  રૂપ લઈ રસળે શી રાત !
  લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના
  વૈભવની દુનિયા અમારી !
  ફૂલોના રંગો રિસાઈ ગયા, જાળવતી
  નાતા આ સામટી સુગંધ,
  સમા સમાના દઈ સંદેશા લ્હેરખી
  અડક્યાનો સાચવે સંબંધ !
  ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના
  અનુભવની દુનિયા અમારી ! જેવા ગીતોના કવિ ભાનુપ્રસાદ પંડ્યા ગુજરાતી સાહિત્યના કવિ તથા વિવેચક છે.
  પ્રત્યુદગાર, ચિત્રોદગાર, અનુચર્વણા, અનુસંવિદ, અનુસ્પંદ, વગેરે ૧૧૪ વિવેચનગ્રંથ તેઓએ આપ્યા છે. આ ઉપરાંત તેઓએ સ્વામી વિવેકાનંદના કાવ્યોનો પધ્યાનુવાદ પણ કરેલો છે.
  આ અદભૂત ગીતની આ પંક્તીએ
  વાળુના ઘડું રોટલા એમાં લાગી વાર.’
  આંગળ ભાત્યે ઓપતો હતો રોટલો હાથ,…

  અમને ૬૦ વર્ષ પહેલાનો અનુભવ કરાવ્યો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment