સાંજના પડછાયા જેવી જિંદગીનું શું કરું ?
હું વધું આગળ જરા ત્યાં એ ખસે પાછળ જરા.
વિવેક મનહર ટેલર

ઓળધોળ ડહોળાતાં કારણ – સંજુ વાળા

સમજણની પાર કૈક ઓળધોળ ડહોળાતાં કારણ
છમ્મકછમ પગલાંની આંધી રે ઊઠી કે
ઘુમ્મરિયે આખ્ખું યે આંગણ
સમજણની પાર કૈક ઓળધોળ ડહોળાતાં કારણ

ઊંડે રે ઊંડે થી સંભળાતી શરણાયું
ધ્રિબાંગ – ધ્રિબાંગ મન નાચે
આડશમાં બારણાની ઊભી રહી એકલડી
કોરાકટ કાગળિયા વાંચે
ખરબચડાં સ્પંદનમાં છળી ઊઠી છાતી તે
ઝરમરતો આરપાર શ્રાવણ
સમજણની પાર કૈક ઓળધોળ ડહોળાતાં કારણ

તોફાને ચડ્યું હોય અષાઢી આભ
એન મનમાં રઘવાટ ના મા’તો
ડેલીની ભીડેલી ભોગળને કોણ જાણે
આંખ સાથે કેવો છે નાતો
બારસાખે ચોડેલા ચાકળાનાં આભલાંમાં
છલ્લોછલ છલકાતાં કામણ
સમજણની પાર કૈક ઓળધોળ ડહોળાતાં કારણ.

-સંજુ વાળા

પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈ યે નથી, કારણ પ્રીતિનું પ્રીતિ-પ્રેમીની લક્ષ્મી તેહ બધી……- કલાપી યાદ આવી જાય…..

3 Comments »

 1. Kanankumar trivedi said,

  January 30, 2018 @ 4:17 am

  વાહ … અદ્ભુત રચના.

 2. સુરેશ જાની said,

  January 30, 2018 @ 1:42 pm

  સુમધુર અભિવ્યક્તિ.

 3. SARYU PARIKH said,

  January 31, 2018 @ 9:04 am

  સરસ હ્રદયસ્પર્શી રચના.
  સરયૂ પરીખ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment