શ્વાસની લાલચ હતી ‘ઈર્શાદ’, એ,
કૈંક ભવની કેદનું કારણ ન પૂછ.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

તને યાદ છે ? મને યાદ છે ? – રમેશ પારેખ

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને ઘેરાતી રાત મને યાદ છે ?
ઘેરાતી રાત તને યાદ છે ?

સોનેરી પોયણીઓ ઊઘડતી હોઠમાં ને થાતું પ્રભાત મને યાદ છે ?
થાતું પ્રભાત તને યાદ છે ?

ખરબચડું લોહી થતું રુંવાટીદાર
એવું ચોમાસું ચાર ચાર નેણનું
ધોધમાર પીંછાંનો પડતો વરસાદ
ગામ આખ્ખું તણાઈ જતું વેણનું
છાતીની ઘુમ્મરીમાં ઘૂમી ઘૂમીને ક્યાંક ખોવાતી જાત મને યાદ છે ?
ખોવાતી જાત તને યાદ છે ?

સૂરજ વિનાના અને છાંયડા વિનાના
ધોમ તડકા સુસવાટે હવે રાતના
લોચનની ભાષામાં ઘટના કહેવાય
અને જીવતરની ભાષામાં યાતના

આવેલું સમણું પણ અવસર થઈ જાય એવા દિવસોની વાત મને યાદ છે ?
એવા દિવસોની વાત તને યાદ છે ?

– રમેશ પારેખ

 

કોઈપણ શબ્દ વાપરું આ ગીત ઉપર બે વાતો લખવા તો તે વામણા જ પડવાના…..આ ગીતને તો મમળાવ્યા જ કરવું એ જ એનો ખરો રસાસ્વાદ…..

2 Comments »

 1. ધવલ said,

  January 16, 2018 @ 6:22 pm

  રેશમી શબ્દોથી વણેલું ગીત ! સરસ !

 2. જગદીશ કરંગીયા ‘સમય’ said,

  January 16, 2018 @ 8:03 pm

  સુંદર ગીત..

  Jagdish Karangiya ‘Samay’
  https://jagdishkarangiya.wordpress.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment