આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના
ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતના !
મનોજ ખંડેરિયા

લોકગીતોત્સવ: ૦૮ : દાદા હો દીકરી


સ્વર: આશા ભોંસલે

દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં મ દેજો રે સૈ
વાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈ
પાછલે તે પરોઢીએ પાણી મોકલે રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈ
સામી તે ઓરડીએ, વહુ તારું બેડલું રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઘડો ન બુડે મારો, ઘડો ન બુડે, મારું સીંચણિયું નવ પૂગે રે સૈ
ઊગીને આથમિયો દી કૂવા કાંઠડે રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા, સંદેશો લઈ જાજો રે સૈ
દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કહેજો દાદાને રે, કહેજો દાદાને રે, મારી માડીને નવ કહેજો રે સૈ
માડી મારી આંસુ સારશે રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી, અફીણિયાં નવ ઘોળજો રે સૈ
અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કાકાના કાબરિયા, કાકાના કાબરિયા, મારા મામાના મૂંઝડિયા રે સૈ
વીરાના વઢિયારા વાગડ ઊતર્યા રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કાકાએ સીંચ્યું, કાકાએ સીંચ્યું ને મારા મામાએ ચડાવ્યું રે સૈ
વીરાએ આંગણ બેડું ફોડિયું રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ગુજરાતી લોકગીતોમાં સૌથી વધુ પ્રસિદ્ધ ગીતોમાંથી એક. બહેનોને પોતાની વિતકને કહેવા માટે બહુ ઓછા રસ્તા હતા એમાથી એક રસ્તો તે લોકગીત. એટલે દીકરીઓની પીડાઓના અનેક લોકગીતો છે. કેટલી દીકરીઓની પીડાથી ભેગી થાય ત્યારે આવું એક ગીત બનતું હશે?

7 Comments »

 1. Suresh Shah said,

  December 12, 2017 @ 4:49 am

  અત્યાર સુધી લોક્ગીતો માણતા રહ્યા. આભાર.
  આ ગીતમા કરુણભાવ હોવા છતા વારંવાર સાભળવુ ગમે.

  ગીતના શ્બ્દો, ભાવ ગુંજ્યા કરે છે. કદાચ એટલે જ એને લોક્ગીતમા સ્થાન મ્ળ્યુ હશે.

  કેવા હશે આ કવિઓ – ક્યાંક મળી જાય, તો વંદન કરીએ ….

  – સુરેશ શાહ, સિંગાપોર

 2. Shivani Shah said,

  December 12, 2017 @ 12:56 pm

  Very sad folk song..it is a painful realisation that in those days women had no options but to accept the ongoing harassment as their destiny or fate. Today’s woman is in a much stronger position – she has options and she can decide what is good and what is not for her. Reading this song makes us re-realise that it has been a long journey and women are much better off now then what they were 70 to 100 years ago. Today a mom in law and a daughter in law, in spite of some differences, are more like friends and less like opponents.
  Thanks to Layastaro for sharing the good old folk songs here…

 3. Pravin Shah said,

  December 12, 2017 @ 1:25 pm

  ૭૫/૮૦ વરસ પહેલાની કરુણ અને મહદ ઔન્સે વાસ્તવીક પરિશ્થિતિનુ ખૂબ સુન્દર્
  કાવ્ય.

  વિવેકભાઇ, દરરોજ, કવિતા સાગરમા ડૂબકી મારીને અમુલ્ય રત્નો શોધીશોધી ને અમને
  પીરશો ચ્હો તે માટે ખુબ ખુબ આભાર

 4. pragnaju vyas said,

  December 12, 2017 @ 5:53 pm

  દાદા શબ્દ ઘણા માટે વપરાતો ! દાદા ધર્માધિકારી ,દાદા ખાચર , વીર લખાપીર દાદા ..દાદા ભગવાન .દાદા વાસવાણી ,ચોપડીવાળાં દાદા-દાદી, શ્રી હનુમાનજી દાદા,,ગણપતિ દાદા . દાદા.સંત દાદા મેકરણ જેવા અન્નપૂર્ણા. દાદા-દાદીની વાડીમાં નાતજાત ના ભેદભાવ વગર સર્વેને માટે ખુલ્લું અન્નક્ષેત્ર છે. અહી આવતા સાધુ, સંતો, ભકતો, અતિથિઓ સહિત તમામ વર્ગના લોકો શુધ્ધ, સાત્વિક અને શાકાહારી પ્રસાદ ગ્રહણ કરે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આંગણે આવેલો પ્રત્યેક આગંતુક બપોરે કે સાંજે પ્રસાદ લીધા વગર ન જાય તેવું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અહી જલતી અખંડ જ્યોત પ્રત્યેકના દિલ માં અખંડ નિસ્વાર્થ સેવા ની ભાવના પ્રજ્વલ્લિત રાખે છે!
  .પણ અહીં પરણીને સાસરે જનાર નવી વહુને ભાગે સાસુના મહેણાં, નણંદના નખરાં અને સંયુક્ત ઘરના કામનો ઢગલો આવતો એવું માત્ર ફિલ્મોમાં નહીં પણ હકીકતમાં બનતું હોય છે. કોડભરી કન્યાને જ્યારે એવા કડવા અનુભવો થાય ત્યારે તે ગીત મારફત પોતાના હૃદયની વ્યથા વ્યક્ત કરે છે ને પોતાના વડીલોને પ્રાર્થના કરે છે કે હવે બીજી કોઈ દીકરીને અહીં ન પરણાવતા. ગીતમાં એવું ભલે વાગડ પ્રદેશ માટે કહેવાયું હશે પણ આ સમસ્યા સર્વવ્યાપક છે.

  ફરી ફરી માણવા ગમતા આ ગીત ફરી ફરી સંદેશ આપે છે કે શું આટલી પ્રગતિ અને કન્યા કેળવણી પછી આપણે આપણા ઘરમાં આવતી કોડભરી કન્યાને પુત્રીવત્ ગણી કેમ અપનાવી નહીં શકતા હોઈએ ?

 5. સુરેશ જાની said,

  December 13, 2017 @ 10:30 am

  આ ગીત કમલેશ અવસત્થી ના સંગીત પ્રોગ્રામમાં અમદાવાદના ટાગોર થિયેટર માં એક દસેક વર્ષની બાળાએ ગાયું હતું – અને અભૂત પૂર્વ દાદ મળી હતી; ત્રણેક વખત વન્સ મોર થયું હતું – તે યાદ આવી ગયું.
  વીતેલા યુગનો અમર વારસો.

 6. સુરેશ જાની said,

  December 13, 2017 @ 10:31 am

  સાથે વિડિયો એમ્બેડ કર્યો – એ ગમ્યું .

 7. Shivani Shah said,

  December 13, 2017 @ 11:28 pm

  લયસ્તરો નો લોકગીતોત્સવ યાદ રહી જશે. મોટા ભાગના હૈયે અને હોઠે ચઢેલા લોકગીતો આવી ગયા અને એક ખૂબ કરુણ ગીત હજૂ બાકી છે. પચાસ વર્ષ પહેલાં ભણવામાં આવેલું એ ગીત, એ જાણતલ જોષીડો અને એ ગોઝારી માધાવાવ હજુ સ્મૃતિપટ પરથી ભૂસાયા નથી. Eagerly awaiting the next song !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment