ખબરદાર, આ ચેતવણી છે : સ્હેજે ના અનુસરશો એને
સંજુ, સંજુ વાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
સંજુ વાળા

લોકગીતોત્સવ: ૦૫ : લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો !

લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો !
ફૂલ કેરે દડુલિયે સીતાએ વેર વાળ્યાં જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર બેસવા જઈશ જો !
તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર દળવા જઈશ જો !
તમે જશો જો પરઘેર દળવા, હું ઘંટુલો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર ખાંડવા જઈશ જો !
તમે જશો જો પરઘેર ખાંડવા, હું સાંબેલું થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું જળમાં માછલી થઈશ જો !
તમે થશો જો જળમાં માછલી, હું જળમોજું થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું આકાશ વીજળી થઈશ જો !
તમે થશો જો આકાશ વીજળી, હું મેહુલિયો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું બળીને ઢગલી થઈશ જો !
તમે થશો જો બળીને ઢગલી, હું ભભૂતિયો થઈશ જો !

રામ-સીતાનાં પ્રસન્ન દાંપત્યજીવનની ઝાંખી કરાવતું લોકગીત. રાધકૃષ્ણની પ્રણયમસ્તીનાં ગીતો તો ખૂબ જોવા મળે છે, પરંતુ રામસીતાનાં પ્રેમને-સંબંધને હળવાશથી-મસ્તીથી રજૂ કરતા ગીતો જવલ્લે જ જોવા મળે છે. લવિંગની નાનકડી નાજુક લાકડી વડે રામનું સીતાને મારવું અને પછી એનાથીયે નાજુક એવા ફુલનાં દડાથી સીતાનું વેર વાળવું- કેવી નાજુક કલ્પના! રિસાયેલી પત્નિ કોઈ ને કોઈ બહાને પતિથી દૂર જવા માંગે છે, પરંતુ પતિ ગમે તે રીતે એની સાથે જ રહેવા માંગે છે- સાવ સામાન્ય પતિ-પત્નિ જેવી જ નોકઝોંક! પરંતુ છેલ્લે સીતાની બળીને ઢગલો થવાની વાત આવનારી અગ્નિપરીક્ષાની ઝાંખી કરાવી જાય છે…

2 Comments »

  1. સુરેશ જાની said,

    December 9, 2017 @ 6:43 AM

    પહેલી કડી જ ખબર હતી. આખું ગીત આજે જ વાંચ્યું. એકમેકને સમર્પિત થવાનો આ ભાવ શુદ્ધ પ્રેમની અભિવ્યક્તિ છે. ચીલાચાલુ ઉપમાઓથી અલગ, ગ્રામજીવનના પ્રસંગો નવી જ તાજગી આપી જાય છે.
    દિવાળી બહેન ભીલના સ્વરમાં ( બીજાં ઘણાં અમર ગીતો સાથે ) ….

  2. pragnaju vyas said,

    December 9, 2017 @ 8:44 AM

    બહુ સુંદર..
    મા સુજા સારું શોધી લાવે છે
    તેમને પણ ધન્યવાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment