સ્વપ્ન સોનેરી થવાની ધારણા તૂટી પડી
આંખ ખૂલી ગઈ તો છાની ધારણા તૂટી પડી
– સંજુ વાળા

લોકગીતોત્સવ: ૦૨ : વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ગામમાં સાસરિયું ને ગામમાં પિયરયું રે લોલ
કહેજો દીકરી સખદખની વાત જો
કવળાં સાસરિયામાં જીવવું રે લોલ

હરખના દાડા તો માતા વહી ગયા રે લોલ
દખનાં ઉગ્યાં છે ઝીણા ઝાડ જો
કવળાં સાસરિયામાં જીવવું રે લોલ

પછવાડે ઊભેલ નણંદ સાંભળે રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

નણંદીએ જઈ સાસુને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સાસુએ જઈ સસરાને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સસરાએ જઈ જેઠને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

જેઠે જઈ પરણ્યાને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

પરણ્યે જઈને તેજી ઘોડો હાંકિયો રે લોલ
જઈ ઝૂકાડ્યો ગાંધીડાને હાટ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

અધશેર અમલ તોળાવિયાં રે લોલ
પાશેર તોળાવ્યો સોમલખાર જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સોના વાટકડે અમલ ઘોળિયાં રે લોલ
પી જાઓ ગોરાંદે નકર હું પી જાઉં જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ઘટક દઈને ગોરાંદે પી ગયાં રે લોલ
ઘરચોળાની તાણી એણે સોડ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

આટકાટનાં લાકડાં મંગાવિયા રે લોલ
ખોખરી હાંડીમાં લીધી આગ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

પહેલો વિસામો ઘરને આંગણે રે લોલ
બીજો વિસામો ઝાંપા બહાર જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ત્રીજો વિસામો ગાયોને ગોંદરે રે લોલ
ચોથો વિસામો સમશાન જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સોના સરીખી વહુની ચેહ બળે રે લોલ
રૂપલા સરીખી વહુની રાખ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

બાળી ઝાળીને ઘરે આવિયાં રે લોલ
હવે માડી મંદીરિયે મોકળાશ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

આ ભવનો ઓશિયાળો હું થયો રે લોલ
હવે માડી દેજો દોટાદોટ જો
આ સહુનો ઓશિયાળો હું થયો રે લોલ

 

આમ તો આ એક સરળ લોકગીત છે, પણ વાત સમાજના અતલ ઊંડાણ સુધી વ્યાપેલા સડાની છે. રામે જેમ ધોબીવેણ સાંભળી સતીને ત્યાગ્યા હતા તેમ અહીં પણ કંઈક એવી જ વાત છે… હું તો મારા સંપર્કમાં આવતી તમામ દીકરીઓને એક જ હ્રદયપૂર્વકની અપીલ કરું છું કે જ્યાં સામ પક્ષ દ્વારા સમજીવિચારીને તમારું હેતુપૂર્વકનું અપમાન થાય ત્યાં એક ક્ષણ પણ ટકશો નહીં….દુનિયા બહુ વિશાળ છે અને જીવન અત્યંત સુંદર છે. ઝેરીલા વેણ બોલનારા છો ઝેર ખાતા… આપણે તો રસના ઘૂંટડા જ ભરવા.

7 Comments »

  1. Pravin Shah said,

    December 6, 2017 @ 6:37 AM

    વાહ, વાહ,
    ઘણા વરસો પહેલા આ ગીત સાન્ભળયુ હતુ. ફક્ત એક લાઇન યાદ રહી ગઈ હતી –
    ‘વહુએ વગ્યોવા મોટા ખોરડા રે’

    આજે ફરી વાર આખુ ગીત મળ્યુ. ખુબ ખુબ મઝા આવી – આન્ન્દ થયો. ઝલસો થૈ ગયો !

    વિવેકભાઇ, ખુબ ખુબ આભાર.

  2. pragnaju vyas said,

    December 6, 2017 @ 7:42 AM

    અનેકોવાર માણેલું આ લોકગીત ફરી માણ્યું.
    મા શ્રી તીર્થેશના સ રસ રસદર્શન-‘વાત… આપણે તો રસના ઘૂંટડા જ ભરવા.’
    આંખ નમ કરે –
    વહુ ની કરુણા અનુભવાશે પણ કરુણામાં એક માત્રા ઓછી કરી નાખી … કરુણરસ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ભવભૂતિ તો એવું કહે છે કે દુનિયામાં એક જ રસ પ્રધાન છે. અને એ કરુણ રસ છે. જાણીતી વાત -હૈ સબસે મઘુર ગીત વો, જો દર્દ કે સૂરમેં ગાયે જાતે હૈ! કરૂણ ઘટના પણ ઇચ્છાપૂર્તિ થી વિગલીત થઇ સંતોષનો આનંદ આપશે.
    આ લોકગીત અનેકોએ ગાયું…બોલ સાથે માણો
    Vahu a vagovya mota khorada – YouTube
    Video for youtube vahue vagovya mota khorada▶ 5:57

    Feb 21, 2015 – Uploaded by Varsha Thakkar
    Up next. Vahu e Vagovya mota khorda – Abhesinh Rathod – Meghani Vandana – 28th August 2016 at …

  3. સુરેશ જાની said,

    December 6, 2017 @ 8:21 AM

    બહુ વર્ષો પહેલાં સાંભળેલું કે વાંચેલું. આમ તો આ કરૂણ ગીત છે, અને સમાજની કુથલી કુરૂપતાને વાચા / શબ્દો આપે છે.
    પણ…. જમાનો સહેજ પણ બદલાયો નથી – એનું શું? જમાનો તો શું – આપણે પણ બદલાવા તૈયાર છીએ ખરા? જો એવી તૈયારી આવી કવિતાઓ જન્માવે તો તેની ફળશ્રુતિ; નહીં તો વાણી વિલાસ.

  4. સુરેશ જાની said,

    December 6, 2017 @ 10:46 AM

  5. Shivani Shah said,

    December 6, 2017 @ 11:27 AM

    ‘આમ તો આ કરૂણ ગીત છે, અને સમાજની કુથલી કુરૂપતાને વાચા / શબ્દો આપે છે.
    પણ…. જમાનો સહેજ પણ બદલાયો નથી – એનું શું? જમાનો તો શું – આપણે પણ બદલાવા તૈયાર છીએ ખરા? જો એવી તૈયારી આવી કવિતાઓ જન્માવે તો તેની ફળશ્રુતિ; નહીં તો વાણી વિલાસ.’

    ઓછા શબ્દોમાં ખૂબ સાચી વાત…??
    જે બન્યું એમાં ખોરડાની ઊંચાઈ વધી ?
    It is ptobably wrong to say that actions speak louder than words..words outshout everything else.
    ખોરડાની શાખ એવી તે કેવી કે વહુના બે શબ્દોથી એને આંચ આવી ગઈ ?
    સમય બદલાઈ રહ્યો છે…પશ્ચિમના દેશોમાં દીકરીઓ ભણે છે, પૈસા કમાય છે, પુરુષ મિત્રો રાખે છે અને કૂતરા પાળે છે..દરેક સક્ષમ દીકરી જે સંસાર માંડે છે અને કુટુંબનું અને એ પ્રથાનું જતન કરે છે એને સમાજે વધાવવી જોઈએ. એ કંઈ અનુચિત બોલે કે કરે તો તેને પાટે ચઢાવવાના ઉચિત પગલા લેવાય એવી સભ્ય સમાજ પાસેથી અપેક્ષા હોય જ..
    બાકી વાસણ તો ખખડે..એ ખખડાટને રણકારમાં ન બદલી શકાય તો પણ ખખડાટ ઓછો તો કરી જ શકાય..અપેક્ષાઓને moderate કરીને..બોલ્યું ચાલ્યું માફ કરશો.

  6. Jayendra Thakar said,

    December 6, 2017 @ 7:35 PM

    કરુણ ગીત છે! પણ હવે જમાનો બદલાયો છે. પતિ વિકલ્પ આપે છે!! કે …પી જાઓ ગોરાંદે નકર હું પી જાઉં જો. આ જમાનામાં વહુ કહેશે You are first!

    હૈ સબસે મઘુર ગીત વો, જો દર્દ કે સૂરમેં ગાયે જાતે હૈ! સલામ પ્રગ્નાજુને, ઘણા સમયથી આ ગીત શાંભળ્યુ નથી…આજે YouTubeને સતાવસું.

  7. લતા હિરાણી said,

    December 7, 2017 @ 1:40 AM

    સુરેશભાઇની વાત સાથે સોટકા સહમત છુ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment