ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે
તો પણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે.
જવાહર બક્ષી

સખ્ય – સંજુ વાળા

દદડે દસ – દસ ધારથી રસ નીતરતું વ્હેણ
ઝીલો તો જળધાર બને લખીએ તો લાખેણ.

ચૌદ કળાએ ચંદ્ર, તો સોળ કળાએ આંખ
વ્હાલપ ફૂટે વૃક્ષને, શરીરે ફૂટે શાખ

તારામાં તું ઓતપ્રોત, હું મારામાં લીન
ઘરની જર્જર ભીંત પર મૂક લટકતું બીન

તું ચૈતરની ચાંદની, તું મંત્રોના જાપ
સ્પર્શું, ચાખું, સાંભળું, સઘળે તારો વ્યાપ

મારા મદીલ ‘સા’ ઉપર તું પંચમની ટીપ
લય સંધાયો જોગ-નો ઝળહળ પ્રગટ્યા દીપ

ઝળઝળિયાં-ની જોડ તું, તું ઘનઘેરી સાંજ
નેહે તન-મન કોળતા, વ્રેહે હૈયે દાઝ

ગહન ગૂફના ગોખમાં, તેં પ્રગટાવી જ્યોત
અંધારું લઇ પાંખમાં, ઉડ્યાં અંધ કપોત

– સંજુ વાળા

લગભગ પચ્ચીસસો વર્ષ પહેલાં ગ્રીક ફિલસૂફે કહ્યું હતું, ‘change is the only constant.’ આ અફર સાર્વત્રિક નિયમથી ગુજરાતી કવિતા પણ કેમ બચી શકે? સમયની સાથે-સાથે મહાકાવ્ય, ખંડકાવ્ય, આખ્યાનકાવ્ય, સૉનેટ અને દોહા -જેવા કાવ્યપ્રકારો ક્રમશઃ લુપ્ત થઈ જઈ રહ્યાં છે. સંજુ વાળા દોહાની વિસરાતી જતી પ્રણાલિનો હાથ ઝાલીને દોસ્તીના દોહા લઈને આવ્યા છે. એક-એક દોહા ખૂબ ધીમે ધીમે મમળાવવા લાયક…

8 Comments »

  1. સુરેશ જાની said,

    November 24, 2017 @ 10:22 AM

    બહુ જ સરસ દોહા. છેલ્લો દોહો – અંતરના અંધકારમાં દીપ પ્રગટ થતાં, આઝાદ બનીને ઊડતી જાગૃતિનો – બહુ જ ગમ્યો.
    વિપશ્યના શિબિરમાં સવારના પહેલા અભ્યાસ પછીના વિરામ કાળે લાઉડ સ્પીકર પરથી ગોએન્કાજીના અવાજમાં ગવાતા વિપશ્યના દોહા યાદ આવી ગયા. એ માહોલમાં અને એ માનસિક અવસ્થામાં એની મીઠાશ ગજબની હતી – તાજી થઈ ગઈ.

  2. અંધારું લઇ પાંખમાં, ઉડ્યાં અંધ કપોત | સૂરસાધના said,

    November 24, 2017 @ 10:38 AM

    […] એ દોહા સપ્તક અહીં … […]

  3. Shivani Shah said,

    November 24, 2017 @ 12:54 PM

    છેલ્લો દોહો : અંધ કપોતો- આમે સાવ નિર્દોષ અને ભોળા અને ઉપરથી અંધ..
    જ્યોત તો પ્રગટી પણ એ કઇ બાજુ ઊડ્યા હશે ?

  4. સુરેશ જાની said,

    November 24, 2017 @ 12:59 PM

    અંધ કપોતો- આમે સાવ નિર્દોષ અને ભોળા અને ઉપરથી અંધ..
    જ્યોત તો પ્રગટી પણ એ કઇ બાજુ ઊડ્યા હશે ?
    ——–
    અહીં વાત ફિઝિકલ બંધ ઓરડા અને અંધ કપોતોની નથી. એ તો રૂપક છે.
    વાત અંતરના અંધકારના ઓરડામાં રહેલ આપણા અંધ મનની છે. જ્યારે અંતર દીપ પ્રગટે છે- ત્યારે આપણી ચેતનાને કોઈ બાહ્ય પ્રકાશ જરૂરી નથી હોતો. એને પોતાનો માર્ગ સ્વ- ચેતનાથી મળી જાય છે.
    એ પક્ષી હવે આઝાદ બની જાય છે – જોનાથન લિવિન્ગ્સ્ટન સીગલની જેમ.
    કવિ એ અંતરયાત્રાની વાત કરી રહ્યા છે.

  5. સુરેશ જાની said,

    November 24, 2017 @ 1:02 PM

    લયસ્તરોના સંચાલકોની ક્ષમાયાચના સાથે – એ બંધ ઓરડા અંગેની એક કલ્પના.

    અંધાર ઘેર્યા પ્રદેશનો આંધળો રાજા
    તે અંધકારથી ભરપૂર પ્રદેશ છે. ત્યાં બધું અંધારામાં જ થાય છે. ત્યાં જીવનનો લાલચોળ પ્રવાહ સાવ અંધારામાં, સતત વહ્યા કરે છે. ત્યાં જીવનનો ધબકાર અવિરત થયા કરે છે : કોઈ જ અજવાળા વગર. ત્યાં પૂરવઠો ઠલવાય છે, વપરાય છે અને કચરાનો નિકાલ પણ થાય છે; ત્યાં જાતજાતના પવન ફૂંકાય છે; ત્યાં વિકાસ અને વિનાશ થાય છે; વિચારો અને ચિંતન થાય છે; યોજનાઓ ઘડાય છે, એમનું અમલીકરણ થાય છે; માન્યતાઓ, પૂર્વગ્રહો, ચિંતાઓ, વ્યથાઓ, ઉલ્લાસો, ઉત્સવો પણ થાય છે. ત્યાં સંગીતની સૂરાવલીઓ અને નિરર્થક ઘોંઘાટ પણ થાય છે. ત્યાં નવસર્જન પણ થાય છે.

    પણ સઘળું નકર્યા અંધકારમાં.

    માત્ર બે જ ગોખલામાંથી પ્રકાશનાં નાનકડાં કિરણ પ્રવેશે છે ; પણ એનાથી નાનકડી ઉત્તેજનાઓના સંકેતો જ અંદરની કાજળકાળી કોટડીમાં પ્રવેશી શકે છે.

    એ પ્રદેશની અંદરની વ્યવસ્થામાં સહેજ પણ ફેરફાર થાય ; અવ્યવસ્થા સર્જાય તો એનું સમગ્ર હોવાપણું ખળભળી ઊઠે છે. નાનકડી અવ્યવસ્થા પણ તેને ડગમગાવી દે એટલું સંવેદનશીલ એનું માળખું છે. અને જેવી આવી કોઈ નાનકડી આપત્તિ આવી પડે કે તરત જ, એની અંદર સતત જાગૃત રહેતી સેના એ અડચણ પર તુટી પડે છે; એને તહસનહસ કરી નાંખવા કેસરિયાં કરી, જંગમાં ઝૂકાવી દે છે.

    પણ આશ્ચર્યની વાત એ છે કે, એનો નિયંત્રક સમ્પૂર્ણ અંધકારથી ભરેલી કાજળકોટડીમાં નિવાસ કરતો હોવા છતાં, મેધાવી છે; પ્રજ્ઞાચક્ષુ છે. એ સાત સમંદર પાર પહોંચી શકે છે; એને કોઈ અવયવ ન હોવા છતાં, એના હાથ બહુ લાંબા છે!

    કયો છે એ અવનવો પ્રદેશ? શું નામ છે એનું? એ ક્યાં આવેલો છે? કયા અક્ષાંશ અને રેખાંશ પર?

    આપણે એને બહુ જ સારી રીતે જાણીએ છીએ. તમે, હું, તેઓ – આખી દુનિયાનું દરેક જણ તેને બહુ જ સારી રીતે જાણે છે! આપણા દરેકનો એ પ્રદેશ પોતીકો છે. બહુ જ વહાલો છે. આપણી બહુ નજીક છે. સહેજ પણ દૂર નથી. એના માટે જ આપણે બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. અને છતાં એની અંદર સહેજ ડોકીયું પણ કરી શકતા નથી.

    આ તે શું આશ્ચર્ય? આ તે કેવી વિડંબના?

    લો! ત્યારે એનું નામ ઠેકાણું આપી જ દઉં.

    એ છે – આપણું શરીર!

    લે! કર વાત! બહુ મોંયણ નાંખી દીધું ને વાતમાં?

    પણ તમે કબૂલ કરશો કે, આપણે આપણા દેહ વિશે કશું જ જાણતા નથી. જે કાંઈ આપણને ખબર છે; એ તો કોઈકે શિખવાડેલું છે. એની અંદરની બધી પ્રવૃત્તિઓ વિશે આપણે પૂર્ણ રીતે અણજાણ હોઈએ છીએ. જે કાંઈ ખબર આપણને પોતાને પડે છે; તે તો સંવેદનાઓથી જ ખબર પડે છે. અને જેને એ ખબર પડે છે; તે મન તો સૌથી વધારે જડબેસલાક, અંધારપેટીમાં કેદ છે. એ ડગલું પણ ચસકી શકતું નથી. ( અને છતાં ચસકી જાય ખરું! મોટે ભાગે ચસકેલું જ હોય છે! )

    અને એ મન જ આપણી બધી આપત્તિઓનું મૂળ છે. એ પોતાને બહુ જ જ્ઞાની માને છે. આખા જગતના કેન્દ્રમાં હોય તેમ, અભિમાનમાં રાચે છે. આખી દુનિયાને ગોળ ફરતી રાખવાના ગુમાનમાં ચકચૂર છે.

    અંધાર ઘેર્યા પ્રદેશનો આંધળો રાજા! એનો દેશ અંધાર્યો; એની પ્રવૃત્તિઓ અંધારી; એની હિલચાલ અંધારી; એના મતલબો અંધાર્યા. એનાં કરતૂત અંધાર્યા.

    જ્ઞાન ને પ્રકાશની બડાઈઓ હાંકવામાં માહેર; પણ સતત અંધકારમાં ભટકતો, મદમાં ચકચૂર, આંધળો અને સૌથી વધારે જોખમકારક, ખોફનાક ખવીસ.

  6. pragnaju vyas said,

    November 24, 2017 @ 6:56 PM

    વિસરાતી વિરાસતને સાચવનારા અને પોષનારા શ્રી સંજુ વાળા ના બધા ગુઢ દોહા ગમ્યા
    પણ આ વિશેષ ગમ્યો
    ગહન ગૂફના ગોખમાં, તેં પ્રગટાવી જ્યોત
    અંધારું લઇ પાંખમાં, ઉડ્યાં અંધ કપોત
    સાથે તેમની અગમનિગમની અનેક રચનાઓના શેર ગુંજ્યા
    છે એક મૃગ, જંગલ છે, “ને મૃત્યુ પર્યંતિ દોડ છે
    કહેવાય ના ક્યા જઈ ચડે હમણાં ઉતાવળ ના કરો
    ક્ષણ ક્ષ્રણ-ના ફૂંકાતા પ્રલય વચ્ચે નર્યા નિરાંતવા
    બેસાય જેના આશ્રયે એવા ય દિવસો આવશે
    ઊંડાં રહસ્યો જે ઉકેલી ના શક્યા તેણે કહ્યું-
    હમણાં ઉતાવળ ના કરો આગળ ઉપર જોયું જશે….
    જે ગુઢવાણી માણવાની/અનુભવવાના સહાયક છે
    વધુઆનંદ તેમના સાંભળવામા આવે

    11:00
    કાવ્યપાઠ – સંજુ વાળા sanju vala
    sanju vala

    40:03
    Kavi shree sanju vala [ 17 mi sadi ni sant parampara ]કવિ શ્રી સંજુ વાળા 17
    Rajesh Patel

    346 views
    1 year ago
    Kavi shree sanju vala [ 17 mi sadi ni sant parampara ] કવિ શ્રી સંજુ વાળા [ 17 મી સદી ની સંત પરમાંપરા] rajesh …

  7. Shivani Shah said,

    November 24, 2017 @ 10:42 PM

    Thanks to Layastaro, Sureshbhai and
    Pragnajubhi..enjoyed reading their comments…truly revealing !

  8. સંજુ વાળા said,

    November 26, 2017 @ 1:27 PM

    ખૂબ ખૂબ આભાર મિત્રો
    આનાથી વિશેષ સર્જક કાંઈ ના કહે એ ઉત્તમ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment